મેં એમને પૂછ્યું બેસ્ટ exercise કઈ?

- Advertisement -

વાત કંઈ ખાસ જૂની પણ નથી. જસ્ટ ગઈકાલની જ વાત. સરસ આદૂ અને લીલી ચાહવાળી મસાલેદાર ચાહનો મગ ભરી અમે બારીએ ઊભા હતાં અને આમ-તેમ નજર ઘૂમાવતા બાજૂની બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ચાલી રહેલી ખૂબ જ ક્રિટીકલ મેચ તરફ અમારી નજર ગઈ. બસ, પછી થઈ પડ્યું આ તરફ ચાહની ચુસ્કી લેવાઈ રહી હતી અને તે તરફ એક એક રન દોડી લેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતાં.
બેટીંગ પર હતી આ સદીની બેસ્ટ બેટ્સમેન મમ્મી મહોદયા અને તેમને સ્પીન બોલીંગ દ્વારા આઉટ કરી દેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેમનો મોટો દીકરો, તેનો નાનો ભાઈ આમ તો વિકેટ કિપીંગ કરી રહ્યો હતો પણ જો ભૂલમાં પણ મોટા ભાઈથી એકાદ નબળો બોલ નખાઈ જાય તો એ નાના ભાઈ, પોતાની વિકેટ કિપીંગ છોડીને મહેન્દ્રસિંહ ધોની બની જતા, બોલરને સલાહો પણ આપી દેતા હતા.

નજારો એટલો ઈન્ટરેસ્ટીંગ બની રહ્યો હતો કે કાલનો અમારો વાંચનનો શિડ્યુલ છોડી અમે તે મેચ નિહાળવા માટે જ સ્ટેડિયમની લોબીના બેસ્ટ વ્યુની ટીકીટ લઈને બેઠાં હોઈએ તેમ દર્શક બની ગયા. એક એક રન પર મમ્મી પુરજોશમાં દોડીને રન પુરો કરી લેતી અને છોકરાઓને ચીઢાવવા માટે હુરિયો પણ બોલાવી લેતી. સામે છેડે બંને ભાઈઓ તો એક વધુ રન સ્કોરમાં ઉમેરાઈ જવાને કારણે લડતાં જ હતાં સાથે બેટ્સમેનને પણ નવા નવા નિયમો બતાવ્યે રાખતાં હતા, ‘મમ્મી, પેલી કારમાં બોલ વાગ્યોને, એ નહીં ચાલે, તું આઉટ થઈ ગઈ છે.’ બોલર બોલ્યો. ‘જા જા હવે, કારમાં તો ટપ્પો પડીને વાગ્યો હતો, તેં કહ્યું હતું કે ડાયરેક્ટ વાગે તો આઉટ.’ બેસ્ટમેન દ્વારા તાર્કિક દલીલ થઈ.

આ દલીલ સામે બંને બોલર અને વિકેટકીપર સુપુત્રો પાસે કોઈ જવાબ નહીં હોવાને કારણે ત્યારપછીનો બોલ ગુસ્સામાં ફેંકવામાં આવ્યો અને મમ્મી બેટ્સમેને બેટ ઉઠાવીને એક જોરદાર ફટકા સાથે બોલ ડાયરેક્ટ સામેની કમ્પાઉન્ટ વોલ સુધી પહોંચાડી દીધો. ‘ચાર રન… ચાર રન…’ મમ્મી બેટ્સમેન આનંદમાં ચિલ્લાઈ રહી હતી. વિકેટકીપર ટેણિયાની ખોપડી હવે સાચે જ ફરી ગઈ હતી. તેણે મોટા ભાઈના હાથમાંથી બોલ લઈ લીધો અને પોતે બોલીંગનું સુકાન સંભાળી લીધું. બે મેડન બોલ નાખ્યા અને ત્રીજા બોલે મમ્મી બેટ્સમેનના ડાંડીયા ગૂલ પણ કરી નાખ્યા. હવે ઉજવણીનો વારો માત્ર બે પ્લેયરવળી ફિલ્ડીંગ ટીમનો હતો. બંનેએ મમ્મી તરફ ચાળા પાડતાં હુરિયો બોલાવ્યો અને બેટ હાથમાંથી આંચકી લીધું. સ્કોર પૂછાઈ ગયો અને તે સ્કોર ચેસ કરવા માટે હવે ભાવિ ક્રિકેટરો બેટીંગ પર આવી રહ્યા હતાં. આ રીતે મેચ બીજી પંદરેક મિનીટ ચાલી હશે.

ત્યાર પછી ક્રિકેટની મોસમનો અસ્ત થયો અને ફૂટબોલની રમઝટ જામી. ખરેખર આ મમ્મી અને તેના બંને પુત્રો આટલા નાના અમથા બિલ્ડિંગ કમ્પાઉન્ડ ગ્રાઉન્ડમાં એ રીતે ફૂટબોલ રમી રહ્યા હતા જાણે તેમને કોઈ પ્રોફેશ્નલ ફૂટબોલ ગ્રાઉન્ડની કે ટ્રેનિંગની જરૂર નથી. એક ગોલ, તેની ઉજવણી અને ધમાલ… પછી ફરી પાછી મેચની શરૂઆત અને બીજો ગોલ…! મજાની રમત જોવા મળી રહી હતી.

અને અચાનક આ લેખકીયાનું અળવીતરૂં મન એક સવાલ પૂછવા પર આવી ગયું. બેસ્ટ exercise કઈ? પેલી મુન્નાભાઈવાળી સંજુબાબાની ફિલ્મમાં મુન્નો, સર્કિટને કહે છે ને, ‘એય સર્કિટ, ડૉક્ટર કહેતા હૈ કી અપ્પુન કે દિમાગ મેં કુછ કેમિકલ લોચા હો ગેયલા હૈ!’ બસ આમાં જ ક્યાંક મારા મનમાં ઊઠેલાં સવાલનો પણ જવાબ હતો. મને લાગે છે કે, બેસ્ટ exercise એ નહીં જે તમને શારિરીક રીતે ફીટ રાખે, બેસ્ટ exercise એ પણ નથી કે જે તમને માનસિક રીતે ફીટ બનાવે. કારણ? કારણ કે, તમે જીમમાં જઈ આવો અને પરસેવો પાડી એય મસ્ત મસલ પાવર તો બનાવી લો, સ્વિમીંગ કરીને કે સાયકલીંગ કરીને કે સવારમાં વહેલાં ઊઠીને રનીંગ પણ તમને સ્ટેમિના, સ્ટ્રેન્થ અને ફીટનેસ આપે ખરાં, ના નહીં. તે જ રીતે યોગા કે મેડીટેશન તમને શરિરની સાથે સાથે માનસિક રીતે પણ શાંત અને મજબૂત બનાવે. એ વાત સાચી. પરંતુ માનો કે કોઈક એવી exercise મળી જાય તો, કે જે શારિરીક અને માનસિક રીતે સ્વસ્થતા બક્ષવાની સાથે જ સ્ટ્રોંગ, હેલ્ધી અને લાગણીશીલ ફેમિલી બોન્ડીંગ પણ બક્ષે તો? મતલબ કે દિમાગ મેં કોઈ કેમિકલ લોચા નહીં પરંતુ બેસ્ટ કેમિકલ કા ઉત્પાદન કરે ઐસી exercise મળી જાય તો તેને આપણે બેસ્ટ exercise તરીકે નહીં ગણાવવી જોઈએ?

વાત ઈન્ટરેસ્ટીંગ ખરી કે નહીં? આથી થોડી વધુ વિગતે… exercise કરવાનો સરવાળે આપણો આશય શું હોય છે? કે દિમાગમાં કોઈ કેમિકલ લોચો ઊભો નહીં થાય અને ઊભો થયો હોય તો તેને જડમૂળથી કાઢી શકાય. કારણ કે વાસ્તવિક રીતે તમે વિચારો તો કોઈપણ શારિરીક બિમારી કે માનસિક બિમારી આખરે તો દિમાગમાં ઊભા થયેલાં કોઈ કેમિકલ લોચાનું જ પરિણામ છે ને? ખાતરી કરવી હોય તો કરી જો જો. કોઈ એક દિવસે તમે તમારા દિમાગને સતત એ વિચાર આપતા રહેજો કે, “મને માથું દુખે છે, મને માથુ દુખે છે,” અથવા સતત તેને એમ ટોર્ચર કરતા રહેજો કે, “મને તાવ જેવું લાગે છે, મને તાવ જેવું લાગે છે.” બિલીવ મી. દિવસના છેડે, સાંજે જરૂરથી તમારું માથું દુખતું થઈ જશે અથવા તાવ આવી જશે. હવે આ કોઈ તમારી શારિરીક બિમારી નથી પરંતુ દિમાગમાં થયેલા અથવા તમે ઊભા કરેલા લોચાનો પ્રતાપ છે. કારણ શું? કારણ એ જ કે, મોટા ભાગની શારિરીક, માનસિક, લાગણીઓની કે બીજી કોઈ બિમારી આપણે આપણાં દિમાગને જાણતા-અજાણતા કરેલા ઓર્ડરનો જ પ્રતાપ હોય છે. આપનું આ અટપટું દિમાગ સાચે જ એક કેમિકલ ફેક્ટરી છે અને તે આપણાં આદેશ પ્રમાણે જ કેમિકલ્સનું ઉત્પાદન મોટા ભાગના કિસ્સાઓમાં કરતું હોય છે.

તો મેં હમણાં જે ઈન્ટરેસ્ટીંગ મેચીસ નિહાળી હતી એ મેચીસની મમ્મી પ્લેયર મારા હિસાબે હમણાં બેસ્ટ exercise કરી રહી હતી! તેની જ બિલ્ડીંગમાંથી સાંજે ચાલવા નીકળેલી બીજી બધીય મમ્મીઓ કરતા પણ બેસ્ટ exercise! તે સમય દરમિયાન સ્વાભાવિક રીતે જ તેને, આખર તારીખ ચાલી રહી છે, પૈસાનું શું કરશું? ઘરમાં તેલ કે ખાંડ પુરા થઈ ગયા છે, કાલે ટીફિનનું શું કરીશ? એના પપ્પા કાયમ ઓફિસથી ઘરે મોડા આવે છે, કોઈ લફરું તો નહીં ચાલતું હોય ને? આવા કોઈ વિચાર તેને ચોક્ક્સ જ તે સમય દરમિયાન નહીં આવી રહ્યા હોય. કારણ કે, હમણાં તો તેને ત્રણ બોલમાં નવ રન કરી લેવાનું કે સામેની અદ્રશ્ય નેટમાં ગોલ મારી લેવાનું મીઠું ટેન્શન હતું જે ટાર્ગેટ હાંસલ કરવાની લ્હાયમાં તેના દીકરાઓ સાથે તેની જ ઉંમરની થઈ જઈને તે ઝઘડાઓ પણ કરી લેતી હતી અને એક એક રન માટે લડી પણ રહી હતી.

ચાલો હવે વધુ નથી લખવું, મારે જીમમાં જઈને બોરીંગ exercise કરી, હેલ્ધી થઈ રહ્યો હોવાનો વ્હેમ પોશવા જવાનું મોડું થાય છે.

લેખક – આશુતોષ દેસાઈ 

ટીપ્પણી