દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે પોતાનો પતિ શું વિચારે છે એ તેમને પણ જાણ થાય…

પતિના મનની પચ્ચીસ વાતો

પતિ-પત્નીના સંબંધો ખૂબ ધનિષ્ઠ અને મધુર હોય છે. તેમ છતાંય તેઓ બંને એકબીજાના મનના ઊંડાણને ક્યારેય પારખી શકતા કે સમજી શકતા નથી. નાની નાની વાતોને લઇને ઘણીવાર એકબીજા પ્રત્યે ગેરસમજ ઊભી થતી હોય છે. જેના કારણે બંનેના મનમાં ખટાશ અને કડવાશ આવે છે. જો પતિ-પત્ની ખુલ્લા મને એકબીજાને પોતાના મનની વાત જણાવી દે, તો કદાચ આવી પરિસ્થિતી ઊભી જ ન થાય. સ્ત્રીનો સ્વભાવ અને પુરુષનો સ્વભાવ ખૂબ અલગ હોય છે. સ્ત્રી પોતાના મનની વાતને ખૂબ જ સરળતાથી કોઇની પણ સામે રજૂ કરી શકે છે. જ્યારે પુરુષ તેના સ્વભાવ પ્રમાણે વાતને મનમાં રાખવાનું વધારે પસંદ કરે છે. પતિ તરીકેનો પુરુષ હંમેશા ઇચ્છે છે કે તેની પત્ની તેના કહ્યા વિનાજ તેના મનની વાતને સમજી જાય. જોકે આવું ઘણી ઓછી પત્નીઓમાં જોવા મળે છે કે તેઓ પોતાના પતિની વાતને ખૂબ જ સરળતાથી સમજી શકે છે.

તો આવો આજે આપણે જાણીએ કે પતિના મનમાં એવી કઇ બાબતો છૂપાયેલી હોય છે, જેની પત્નીને ક્યારેય ખબર હોતી નથી.

– જો તને પોતાને લાગે છે કે તારું શરીર સ્થૂળ છે, તો મારો વિચાર જાણવાનો પ્રયત્ન ન કર, તને દુ:ખ થશે.

– તારા લાંબા કાળા વાળ પ્રત્યે આકર્ષાયને જ મેં તારી સાથે લગ્ન કર્યા હતા. તેને કપાવવાનો વિચાર પણ ન કરતી. ક્યાંક આપણા સંબંધોમાં તિરાડ ન પડી જાય. મારા મતે કેટલાક યુવકો લગ્ન કરવાનું એટલા માટે પણ ટાળતા હોય છે, કે લગ્ન પછી યુવતીઓ પોતાના લાંબા વાળ કપાવી નાખે છે.
– જ્યારે તને ખબર હોય છે કે તું મારો જવાબ નહીં સાંભળી શકે તો તે વખતે તારે મારી પાસે જવાબ મેળવવા માટે જીદ ન કરવી જોઇએ.

– મારા મનની દરેક વાતને જાણે છે, તેવો તારો દાવો તદ્દન ખોટો છે.

– રવિવારે હું આરામ કરવાના મૂડમાં હોઉં છું. કોઇ કામ ન સોંપ તો તારી ઘણી મહેરબાની.

– તારા મનમાંથી એ ગેરસમજને દૂર કરી નાખ કે હું દરેક સમયે તારા જ વિચારો કરતો હોઉં છું.

– જેટલો આનંદ તને તારી સહેલીઓ સાથે ગપ્પા મારવાથી મળે છે, એટલો જ આનંદ મને મારું કામ કરવાથી મળે છે.

– તારો કબાટ, કપડાં અને ચપ્પલોથી ભરેલો છે. મારી પાસે ગણતરીના જ કપડાં અને બૂટ-ચપ્પલ છે. હું તને કઇ રીતે કહી શકું કે તારા ક્યા ડ્રેસ સાથે તારા ક્યાં સેન્ડલ કે ચપ્પલ મેચ થશે.

– રડીને પોતાની દરેક વાતને મનાવી લેવાનો પ્રયત્ન કરવાથી કોઇ ફાયદો નહીં થાય. તારા આંસુઓની મારા મન પર કોઇ અસર થવાની નથી.– જન્મદિવસ, લગ્નની તારીખ મને વારંવાર યાદ નથી રહેતી, તું કેલેન્ડર પર માર્ક કરી દેતી હો તો. હું દર મહીને ચેક કરી લઇશ, પછી તને ફરિયાદ કરવાની તક નહીં મળે.

– જે વાત કરવી હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું રાખ. વાતને ગોળગોળ ફેરવીને કહેવાનું બંધ કરી દે. એના માટે મારી પાસે સમય નથી.

– તારા મનની દરેક વાત હું સમજી જ લઇશ તેવો અંતરયામી નથી. એનો અર્થ એવો નથી કે હું તને પ્રેમ નથી કરતો.

– કોઇ તકલીફમાં પોતાના વિચારો જણાવીશ તો મને ગમશે. બંને સાથે મળીને ઉકેલ શોધી શકીશું. હું એકલો મૂંઝાતો હોઉં છું. તને ખબર છે એક અને એક મળીને અગિયાર થતાં હોય છે.

– દાંપત્ય જીવન ફક્ત ફુલોની પથારી જ નથી પણ તેમાં કડવી હકીકતોનો સામનો પણ કરવાનો હોય છે.

– વિદેશી ફિલ્મો વિદેશીઓને જોવા માટે રહેવા દે, મને તેમાં બિલકુલ રસ નથી.

– બીજાના ઘરમાં ધ્યાન આપી, તેમની ઇર્ષ્યા કરીને પોતાનો સમય ન બગાડ. આપણી પાસે જેટલું છે, તેટલામાં સંતોષ માનીને જીવવાનું શીખીશ તો સુખી થઇશ.

– ચર્ચાઓ દરમિયાન છ મહિના પહેલા કહેલી વાતોનું પુનરાવર્તન ન કર. જૂની વાતોને વખોડવી ખરાબ આદત છે. કહેલી વાતોને દીલમાં રાખી ન મૂકવી જોઇએ.

– જો મારી કોઇ વાતના બે અર્થ નીકળતા હોય અને તેના એક અર્થથી તારું મન દુભાયું હોય તો મારો કહેવાનો અર્થ બીજો હતો એમ સમજી લેવું. તારા મનને જાણી જોઇને હું ક્યારેય ઠેસ નહીં પહોંચાડી શકું.

– ખોટી બાબતોમાં પડીને તારો સમય અને શક્તિને વેડફીશ નહીં. તારી પાસે ઘણી આવડત છે, તેનો સાચો ઉપયોગ કરીશ તો મને ગમશે.

– તું મને કોઇ કામ કરવા માટે કહી શકે છે. તારી મદદ કરવી મને ગમશે.

– તું સ્કીન ટાઇટ કપડાં પહેરીશ અને લોકો તને જોશે કે છેડતી કરવાનો પ્રયત્ન કરશે તો તેમની ફરિયાદ મને ન કરતી. તું જ તેમને પહોચી વળજે.

– કોઇપણ મુશ્કેલીમાં હું તારી સાથે જ છું; પણ કારણ વિનાની સહાનુભૂતિ મેળવવાની આશા ન રાખતી. આ કામ તારી સહેલીઓ ખૂબ સારી રીતે કરી શકે છે.

-ટીવીમાં જાહેરાત આવે તે સમયે આપણે ફ્રી હોઇએ છીએ. તું તારા મનની વાતો મને કરી શકે છે.

– જ્યારે તું ઉદાસ હોય છે, ત્યારે વારંવાર પૂછવા છતાંય તું જવાબ નથી આપતી અને કંઇ નથી કહી દે છે. ત્યારે હું સમજી જાઉં છું, કે તું જુઠ્ઠુ બોલે છે. તે સમયે હું વધારે વાત કરતો નથી; કારણકે મને ખબર છે કે તેનાથી કોઇ ફાયદો થવાનો નથી.

– આપણે આપણા જીવનનો માર્ગ જાતે જ શોધવાનો છે. કોઇના કહેવાથી કે સલાહથી જીવન જીવાતું નથી.
આ એક પતિના મનની વાતો છે. જરૂરી નથી કે દરેક પતિ પોતાની પત્ની માટે આવા જ પ્રકારના વિચારો કરતા હોય. આવી જ રીતે પત્ની પણ પોતાના પતિ પાસેથી અપેક્ષા રાખતી હોય છે. બંને જણા પોતાના મનની વાતો મુક્તપણે એકબીજાને કરે તે ખૂબ જરૂરી છે. આનાથી એકબીજાને જાણવામાં અને સમજવામાં ખૂબ મદદ મળે છે અને સંબંધ વધારે ગાઢ બને છે. જો મનની વાતો મુક્ત બનશે તો એકબીજા માટેના વિચારોમાં પણ મોકળાશ જોવા મળશે.

લેખક : મેધા પંડ્યા ભટ્ટ

તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, અને દરરોજ આવી અનેક અવનવી વાતો અને માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી