“એરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ના જાને કોઈ” – મુકેશ સોજીત્રા લિખિત આ લવ સ્ટોરી આંખ ભીની કરશે..

1990 સાલની વાત છે. મોબાઈલ ફોન હજુ આવ્યા નહોતા. ટેકનોલોજી હજુ પાપા પગલી ભરતી હતી. ભાવનગર યુનિવર્સીટીના બી એ ફાઇનલમાં અભ્યાસ કરતાં આ સાત દોસ્તો વચ્ચે ગજબની મિત્રતા જન્મી હતી. સાત દોસ્તોમાં ત્રણ છોકરીઓ અને ચાર છોકરા હતાં. તેઓ સાથે અભ્યાસ કરતાં કરતાં તેઓ કેમ્પસમાં મોટાભાગનો સમય સાથે જ ગાળતા હતાં. મિત્રોમાં જોઈએ તો દિશા એક ઉદ્યોગપતિની છોકરી, આખાબોલી,આકર્ષક,દાડમની કળી જેવા દાંત અને પાતળી સાગના સોટા જેવી!!એકદમ વાચાળ અને એકદમ રેર બ્યુટી!!

નીલિમાના પાપા મેડિકલ ચલાવતાં તે થોડી બટકી, પણ આંખોની મસ્તી એક અલગ જ અંદાજ આપે,એ જયારે આંખો નચાવે ત્યારે આજુબાજુનું વાતાવરણને એ નચાવે!! એનું કિલર સ્માઈલ હંમેશા કોલેજમાં ચર્ચાનો વિષય રહ્યું હતું. શ્રદ્ધાના પાપા એક હાઈસ્કૂલનાં શિક્ષક. શ્રદ્ધા સ્વભાવે અંતર્મુખી, પાપાનો શિક્ષકનો સદગુણોનો વારસો એનામાં પુરેપુરો ઉતર્યો હતો!!વાંચનની રસિક, બહુ બોલવું ગમે નહિ,સતત જાત સાથે વાત કરતી છોકરી, વાત કરે કે હસે ત્યારે ગાલ પર ખંજન પડે જેનાં પર કોલેજમાં કવિતા બનતી!! અને જયારે તમે સંસ્કૃતિ શબ્દ સાંભળો ત્યારે તમારી નજર સમક્ષ શ્રદ્ધા નો એક ચહેરો ઉપસી આવે.!!

કેતનનાં પિતા ઇન્કમટેક્સ ઓફિસર એટલે એની પાસે નિત નવા બાઇક હોય,!! છોકરીઓમાં એ માનીતો, પણ ખાસ સુંદરતા ના હોય તો એ ભાવ ના આપે.!! એકદમ ટોમબોય જેવો છોકરો!!એનું એક જ સુત્ર “હોય જીગર તો મળે સરસ મજાનું ફિગર”!! રસિક નામ પ્રમાણે વિરુદ્ધ ગુણ ધરાવે. એકદમ અંતરમુખી વ્યક્તિત્વ,સંસ્કૃત સાહિત્યનો અભ્યાસુ એવો રસિક આટલો અરસિક કેમ એ એક સંશોધનનો વિષય.!!

રસિકના પાપા બેંકમાં નોકરી કરતાં. અજયના પપ્પા એક બિલ્ડર હતાં અજય પોતે બોડી બિલ્ડર હતો.એને હમેશા હસવું ગમતું એ કાયમ કહેતો આપણે તો સાત પાસ જ છોકરી લાવવી છે અને એ પણ ગામડામાં થી સાલી આપણું માને તો ખરી!! અને છેલ્લે બાકી રહ્યો મનોહર, એનાં પાપા રેલવેમાં નોકરી કરે, આમ તો એમનું મૂળ વતન ઉતર પ્રદેશ, બરેલી પાસે આવેલું રામપુર શહેર.

મનોહરનો જન્મ ગુજરાતમાં એટલે એ સવાયો ગુજરાતી બનીને દર વર્ષે ગુજરાતીમાં યુનિવર્સિટી ટોપર બને. મનોહર એટલે ચેતનાનું ઝરણું જોઈ લ્યો,!! એકદમ મજબૂત અને લચીલો બાંધો, પહાડી અવાજ, અને વધારે પડતો લાગણીશીલ સ્વભાવનો એટલે જ દિશા એને ક્યારેક ‘વેદીયો’ કહેતી.!! નિલીમા વળી મનોહરનો પક્ષ લેતી ત્યારે દિશા કહેતી.

” તને બહુ ગમતો હોય તો તું એને પરણી જજે”!!

” હું તો ત્યાર જ છું, જો તું એની પર તારો હક જતો કરે તો કેમ શ્રદ્ધા સાચુને”? નીલિમા આટલું બોલે ત્યાંજ શ્રધ્ધા મોઢું બગાડીને કહેતી. “તમને બધાને શરમ આવવી જોઈએ,આખો દિવસ આવી વાતો કરવાં જ કોલેજ આવો છો કે તમે, આખો દિવસ એક બીજા સાથે જોડીઓ જ બનાવો છો અને એની જ ચર્ચા કરો છો અહી આપણે પરણવા નથી આવ્યા પણ ભણવા જ આવ્યા છીએ!!

શ્રદ્ધાની વાત સાંભળીને કેતન બોલતો .

“શ્રદ્ધાદેવી ની વાત સાંભળવી એ આપણાં માટે પરમ કર્તવ્ય છે”.
છેલ્લે રસિક બોલતો. “સંસ્કૃતિને અનુરૂપ વાતો કરો” અને તરત જ નિમિષા બોલતી “મહાકવિ કાલિદાસની જય હો, હે મહાકવિ આપની શકુંતલા હજુ પૃથ્વી પર જન્મી છે કે નહિ”.???

આવી મજાક આ લોકો રોજ કરતાં. કોલેજના વિદ્યાર્થી તો વાતો કરતા કે મનોહર ને દિશાનું તો ગોઠવાઈ જશે જ, ને અજય ને નિમિષાનું પણ શ્રદ્ધા કે રસિક ને કોઈની સાથે નહિ ફાવે.અજય ને તો ગામડાની છોકરી જ પસંદ આવશે. સમય વીતતો ચાલ્યો અને પરીક્ષાઓ પૂરી થઇ કોલેજના અંતિમ દિવસે સહુએ ભેગા થયા. દિશા બોલી.

“તો આજે કોલેજનો લાસ્ટ દિવસ છે. અમે છોકરીઓ ગેઈમ રમવાના છીએ આપણી દોસ્તીના સોગંદ આ ગેમ બધાએ રમવાની છે. અમે અમારા જીવનસાથી તમારામાંથી નક્કી કરી લીધા છે ખાસ તો મેં અને નીમીષાએ શ્રદ્ધાનું કાઈ નક્કી નહિ!! એટલા માટે તમે લોકો કેમ્પસ ફરતો રાઉન્ડ મારી આવો અને પછી તમે તમારા બાઈકના સીટ કવર નીચે જો એક ચિઠ્ઠી મળે તો એમાં આવેલ સમયે તમારે ખોડીયાર મંદિર આવી જવાનું રહેશે.

એમાં જે સ્થળ બતાવ્યું હોય ત્યાં એજ સમયે તમારું પ્રિય પાત્ર બેઠું હશે પણ યાદ રહે ટાઈમ જળવાવો જોઈએ અને જેના સીટ કવરની નીચે ચિઠ્ઠી હોય એ જ આવે બીજા કોઈ નહિ. બીજા ખાલી જોવા માટે પણ નહિ આવે અને હા આપણે પરિણામના દિવસે પાછા મળીશું!! શ્રદ્ધાએ અને રસીકે મોઢા બગાડ્યા બાકીના હસતાં રહ્યા. અને ચારેય છોકરાઓ કોલેજના કેમ્પસને ચક્કર લગાવવા દોડ્યા.ત્યાં સુધીમાં ત્રણેય છોકરીઓ મસલત કરતી હતી અને ચિઠ્ઠીઓ લખતી હતી.પછી છોકરીઓ ચાલી ગઈ.ચારેય છોકરાઓ દોડીને આવ્યા ત્યાં મેદાન ખાલી ખમ હતું.

મનોહરની બાઈક દૂર હતી. એ ત્યાં ગયો.સીટ કવર ઊંચું કર્યું અને ચિઠ્ઠી જોઈ.મનમાં અતિ આનંદ થયો. ચિઠ્ઠી વાંચી.

“કાલે ખોડિયાર મંદિર આવજે સવારે નવ વાગ્યે. મંદિરની સામે એક ડુંગર છે ત્યાં શિખર પર ઝાડવા છે ત્યાં આવજે
બસ તારી જ…….ભવો ભવ……”

અક્ષરો ઓળખાયા નહિ પણ મનોહરને લાગ્યું કે ચોક્કસ દિશાએ આ ચિઠ્ઠી મૂકી હોવી જોઈએ. મનોમન હરખાયો. મનોહર ઘરે ગયો. બહેન અને બનેવી રામપુરથી આવ્યાં હતાં. મનોહર બહેનને ભેટ્યો અને બનેવી ને પગે લાગ્યો, રાતે જમીને મનોહરના પિતા બોલ્યાં કે

“મનોહર પરમ દિવસે તું નિખિલકુમાર સાથે રામપુર જાય છે, ત્યાં કુમારે એક પ્લાસ્ટિકની ફેકટરી નાંખે છે,એણે તારી પર પસંદગી ઉતારી છે. આમ તો ગયે વરસે જ તે ફેકટરી શરુ કરવાના હતાં પણ તારું છેલ્લું વરસ હતુને?? એટલે એણે રાહ જોઈ. હવે તો તારે ભણવાનું પણ પતી ગયું છે. કુમારની ઈચ્છા તને તે કંપનીનો મેનેજર બનાવવાની છે. બેટા સરસ કામ કરજે એનો વિશ્વાસ જીતી બતાવજે.” મનોહરના તો મોતિયા મરી ગયાં. પણ કશું બોલ્યો નહિ એણે વિચાર્યું કે બહેનને કહીશ તો બનેવી જરૂર માની જશે. અને આમેય દુનિયાનો નિયમ છે જ કે બહેનો આગળ બનેવીઓનું ક્યારેય હાલ્યું જ નથી ને!!

બીજા દિવસે તે થોડો વહેલો ખોડિયાર મંદિરે પહોંચી ગયો.આમ તો એને નવ વાગ્યે જવાનું હતું પણ તે સાડા આઠે પહોંચી ગયો. મંદિરે દર્શન કર્યા અને પડખેના ડુંગરા પર ચડ્યો ઉપર ગયો.અને જે દ્રશ્ય જોયું તો હબક ખાઈ ગયો. બે વડના ઝાડ હતાં એક ઝાડ નીચે રસિક અને દિશા હાથમાં હાથ ઝાલીને બેઠા હતાં, અને બીજા ઝાડ નીચે કેતન અને નિમિષા એક બીજામાં ખોવાયેલા હતાં.

દિશા એ કહ્યું ” આવો મનોહર આવો જુઓ અમે તો એકરાર કરી પણ લીધો. શું તને પણ ચિઠ્ઠી મળી હતી મેં તો નથી મૂકી એય નિમિષા તે મૂકી હતી, લ્યો એણે પણ નથી મૂકી હું તો સવારના સાત વાગ્યાથી અહીં છું, આ નિમિષા અને કેતન પણ સાડા સાતના આવી ગયા છે. તું વગર ચિઠ્ઠીએ કેમ આવ્યો,આપણે નક્કી કર્યું હતુંને કે સીટ કવર નીચે ચિઠ્ઠી નીકળે તો જ આવવાનું તોય તારાથી ના રહેવાયું તું તો ખરો નીકળ્યો હો !! તું તો સાવ આવો નીકળ્યો!! ”

અને ચારેય હસવા લાગ્યાં, ખડખડાટ,!!! એક ઉપહાસયુક્ત હાસ્ય!! મનોહર તો શૂન્યમસ્ક,!! આખી ધરતી ગોળ ગોળ ફરતી લાગી,!! સપનાઓ પણ કડડડભૂસ થતા લાગ્યા, તેમની સાથે આવી રમત!!! જો એને આ રીતે રખડાવવો જ હતો તો ચિઠ્ઠી મૂકી શા માટે ?? એ વગર ચિઠ્ઠીએ તો નહોતો આવ્યો!! એનો વાંક શો!!!?? આવી ક્રૂર મજાક આંખમાંથી આંસુની ધાર સાથે મનોહરે ડુંગરેથી દોટ દીધી. પાછળ પેલાઓનો હસવાનો અવાજ આવ્યો.

મનોહર હાંફતો હાંફતો, નીચે આવ્યો,આંખમાંથી આંસુ અને ગુસ્સો બેય હતાં,!! એને આજુબાજુનું કાઈ જ સંભળાતું નહોતું. શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું. એને ભાસ થયો કે કોઈ એને સાદ કરે છે. એય મનોહર !!!! એય મનોહર !!!! પણ એણે બાઇક ચાલુ કરી કે પાછળથી પાછો અવાજ સંભળાયો!!! એય મનોહર,,,,,!!! એય મનોહર,,,!!! પણ એને પાછુ ના જોયું જાણે કેમ ભૂતાવળ પાછળ પડી હોય એમ મનોહર ભાગ્યો,!! જિંદગીમાં એણે કદી પણ આટલી ઝડપે બાઇક નથી ચલાવી, રસ્તમાં એ બે જગ્યાએ પડતાં પડતાં બચ્યો.!!ઘરે આવ્યો આવીને સુઈ ગયો અને કહી દીધું કે મને ભૂખ નથી અને મને મજા નથી. આખું ઓશીકું ભીંજાય એટલું રડ્યો!! આવી ક્રૂર મજાક અને એ પણ મારી સાથે!!! શું ખામી હતી મારામાં!!?? એવું હોય તો મને બોલાવ્યો જ શું કામ!!!?? મારા નામની ચિઠ્ઠી મૂકી જ શું કામ!!!?? અટ્ટહાસ્યના અવાજો સંભળાતા હતાં. સાંજે મનોહરે ઉઠ્યો અને પાપાને હા પાડી કે હું નિખિલકુમાર સાથે જવા તૈયાર છું. આખી રાત મનોહર ને અટ્ટહાસ્ય સંભળાયા કર્યું. અને છેલ્લે એક છોકરીનો અવાજ સંભળાતો હતો,,, એય મનોહર…………!!! એય મનોહર…….!!! એય મનોહર…!!!

સવારે મનોહર ભાવનગર રેલવે સ્ટેશનેથી ઉપડ્યો. બહેન બનેવી સાથે!!મોઢું પડી ગયેલું પણ કોઈ એના દુઃખને સમજી શક્યું નહિ, બધાને એમ કે અમને છોડીને જાય છે એટલે એ દુઃખી છે,પણ એ દુઃખી હતો એની સાથે થયેલી ક્રૂર મજાકથી… ગાડીએ રાજપરા સ્ટેશન વટાવ્યું અને મનોહરે છેલ્લી વાર દૂરથી ડુંગરા પર દેખાઈ રહેલા વડના ઝાડ જોયા અને પાછું અટ્ટહાસ્ય સંભળાયું,,અને પાછો એ આવાજ….એ મનોહર…એ મનોહર…… ને મનોમન મનોહરે પ્રતિજ્ઞા લીઘીકે આ જન્મમાં હવે આ ભૂમિ પર મારો પગ કયારેય નહિ પડે…..!!!! એક અલગ જ વિશ્વ હવે તેમની સામે ઉઘડી રહ્યું હતું…સમય વીતતો ચાલ્યો.વાતને વરસો વીત્યા!!

અટ્ટહાસ્ય સંભળાયું…!!!! અને અવાજ પણ …. “એય મનોહર !! એય મનોહર !!!એય મનોહર !!!અને મનોહર જાગી ગયો… બાજુમાં સુતેલી એની આઠ વર્ષની દીકરી શર્વરીએ પૂછ્યું ” પાપા ક્યાં હુઆ ?? કઈ બાર આપકે સાથ રાતમે ઐસા હોતા હૈ વૈસા મોમ બોલ રહીથી!! આપ ડોકટર અંકલ કો ક્યુ નહિ બતાતે?? ડોકટર અંકલ ઠીક કર દેંગે.. આપકો યાદ હૈના પાપા જબ મુજે તેજ બુખાર આયા થા તબ ડોકટર અંકલને ઠીક કિયા થા!!

” કુછ નહિ બિટિયા, આપ આરામસે સો જાઈએ, યહ તો એક સિર્ફ બુરા સપના થા, આપ સો જાઈએ સુબહ મેં હમ સબકો હરિદ્વાર જો જાના હૈ” મનોહરે એની લાડલી દીકરી શર્વરીના ગાલ પર વ્હાલ કરતા કહ્યું.

“ઠીક હૈ પાપા અગર આપકો ડર લગતાં હૈ તો બોલ દેના મૈં આપકે સાથ જાગતી રહુંગી સોઉંગી નહિ” જવાબમાં મનોહરે સ્મિત કર્યું..

મનોહર આજે 15 વર્ષ પછી રામપુર, બરેલી, શાજજહાંબાદ, પીલીભીતનો એક જાણીતો ઉદ્યોગપતિ બની ચૂકયો હતો. તેની કંપનીમાં બનતી પ્લાસ્ટિકની વસ્તુઓની છેક બલીયા, પટના,અને છેક મસૂરી સુધી ડિમાન્ડ હતી નિખિલ કુમારનો બધો વહીવટ એણે સુપેરે સંભાળી લીધો હતો.. આજથી દસ વર્ષ પહેલા ગોરખપુરની સંજના સાથે એનાં લગ્ન થયા હતાં અને તેના ફળ સ્વરૂપ એક આઠ વર્ષની દીકરી શર્વરી અને ચાર વર્ષનો દીકરો સુમિતનો એ બાપ હતો. કારોબાર ધમધોકાર ચાલતો હતો, કોઈ પણ સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રીનો અપાર પ્રેમ અથવા કોઈ સ્ત્રીની અપાર નફરત જ કારણભૂત હોય છે!!

એ નફરતનો ભોગ બન્યો હતો અને દિલની એ આગ મનોહરે ક્યારેય બુજાવા નહોતી દીધી અને આને કારણે એ સખત મહેનતમાં પડી ગયો હતો. અને આજે એ સફળ બીજનેસમેન હતો. ઉનાળાની રજાઓ હતી. મમ્મી અને પાપા આવ્યા હતાં. પાપા નિખિલ કુમારની સાથે અપર બેડરૂમમાં સુતા હતાં.પોતે વહાલી દીકરી સાથે માસ્ટર બેડરૂમ માં સુતો હતાં. તેની મમ્મી ,બહેન, અને તેની પત્ની અને ચાર વર્ષનો સુમિત દિવાનખાનામાં સુતા હતાં.

સવારે તેઓ રામપુરથી લખનૌ હરિદ્વાર ટ્રેનમાં ચડ્યા. વર્ષોથી માં અને પાપા કહેતા હતા કે ગંગા મૈયા પાસે હરિદ્વાર જવું છે . અને આજ મોકો હતો. પાપા નિવૃત થઇ ગયા હતાં. ટ્રેન હરિદ્વાર તરફ દોડી રહી હતી. બપોરે ત્રણ વાગ્યે તેઓ પહોંચ્યા. પ્રાઇવેટ ટેક્ષીમાં તેઓ કનખલ પહોંચ્યા. કનખલમાં બાબા રામદેવના આશ્રમ માં અગાઉથી બુકિંગ કરાવી લીધું હતું, મમ્મીને પગનો દુખાવો હતો બે દિવસ સવારમાં બાબા ની યોગ ક્રિયામાં જોડાવાનું હતું. આશ્રમમાં પહોંચીને એક વિશાળકાય રૂમમાં તેઓનો સામાન ગોઠવાયો સૌ ફ્રેશ થયા. પાંચ વાગ્યે મનોહર એકલો આશ્રમની બાજુમાં આવેલ ગંગા નદીના કિનારે ફરવા નીકળ્યો જમણી બાજુમાં આવેલ એક નાનકડા આશ્રમની અગાશીમાં એક ભગવાં રંગના વસ્ત્રોમાં સજ્જ થઈને એક સાધ્વી આથમી રહેલાં સૂર્યના કિરણોને માં ગંગામાં પડતા જોઈ રહી હતી.

આશ્રમ નજીક આવ્યો ને સાધ્વીની અને મનોહરની આંખો મળી,!!એક તારા મૈત્રેક રચાયું!!સાધ્વીનો ચહેરો બરાબર ના ઓળખાયો અને એક ચીર પરિચિત ગેબી અવાજ સંભળાયો….એય મનોહર…!!!! એય… મનોહર…!!!! એય મનોહર!!! અને મનોહરનું મન અવાચક બની ગયું. એના પગ જમીન સાથે જાડાઈ ગયાં. શૂન્યમતી હોય એમ ધરતી તરફ પાંપણો ઢાળી દીધી.એની સાથે વારંવાર આવું થતું.અને જયારે આવું થાય ત્યારે એને અંતરમાં એક પીડાનો અહેસાસ થતો. મનોહર કેટલો સમય આમ ઉભો રહ્યો એ એને ખબર નહોતી પણ એક દસ વરસના બાળકે એની આંગળી પકડીને જગાડ્યો, ત્યારે મનોહર ભાનમાં આવ્યો.

“ગુરુ માઈ આપકો બુલા રહી હૈ, કૃપીયા આપ અંદર આઈએના” મનોહર તે બાળકની મુખાકૃતિ નિહાળતો નિહાળતો યંત્રવત અંદર ગયો. સામે એક વિશાળ હોલ,!! હોલની બાજુમાં એક નાનકડું મંદિર,!! મંદિરની બરાબર સામે ગૈશાળા, થોડાક સાધુ અને સાધ્વી બેઠેલાં એ આ આગંતુકને વિસ્મય ભરી નજરે જોઈ રહ્યાં!!.

“આપ મેરે સાથ ઉપર આઈયે, ગુરુ માઈ ઉપર હી તો હૈ” બાળકની પાછળ દોરવાતો દોરવાતો મનોહર ઉપર ગયો. ઉપરની બાજુ એક ભવ્ય કહી શકાય તેવા ઓરડામાં ગુરુ માઈ ઉભા હતાં.!! અને મનોહર સ્તબ્ધ થઇ ગયો. સામે સન્યાસણનાં સ્વરૂપમાં શ્રદ્ધા ઉભી હતી !! એજ રૂપ!! શરીર થોડું ઊંચું થયેલું!! તેજ વધેલું,આંખોમાં એજ ચમક,ગાલમાં પડતાં એજ ખંજન.!!!

“શ્રદ્ધા, તું,?? અહીં,?? આ સ્વરૂપે?? કેટલાંયે પ્રશ્નો મનોહર એકસાથે પૂછ્યા.
“શ્રદ્ધા નહિ,!!શ્રદ્ધા ગુરુ માઈ,!! લગતા હૈ આપકો ઠીક ઢંગસે બડો કે સાથ બાતચિત કરના તો આતાં હીં નહિ. મનોહરને ઉપર સુધી લાવનાર પેલાં બાળકે ખખડાવ્યો. શ્રદ્ધાએ ઈશારો કર્યો એ જતો રહ્યો અને બોલી,વરસો જૂનો પરિચિત અવાજ.

“કેમ નવાઈ લાગી તને?? આમેય ‘શ્રદ્ધા’ ને ‘સંસ્કૃતિ’ તો ગંગા કિનારે સચવાય ને” અને પછી એ જે બોલી એનાથી મનોહરના કાળજાના કટકા થઇ ગયાં.

“નવ વાગ્યા સુધી રોકાયો હોત તો કયું આભ તૂટી પડત,કોઈ પણ સ્થિતિમાં વધારે પડતી તારી લાગણીશીલતાનું સ્વરૂપ જ તારી સામે ઉભું છે” અને મનોહર અવાચક બની ને સાંભળી રહ્યો હતો.

” જો હું તને પહેલાંથી જ ચાહતી હતી,પ્રથમ વર્ષથી જ પણ મને એમ લાગ્યું કે કદાચ દિશા,અથવા નીલિમા મારા પ્રેમની વચ્ચે આવશે. પણ જયારે કોલેજના એ છેલ્લા દિવસે તમે છોકરાઓ કેમ્પસ ફરતે આંટો મારવા ગયાં અને દિશાએ અને નીમીષાએ ચિઠ્ઠીઓ લખીને કેતન અને રસિકના બાઈકના સીટ કવર નીચે મુકીને જતી રહી ને ત્યારે મને પરમ આનંદ થયો. મારો પ્રેમ સલામત હતો. ઉતાવળે મેં પણ ચિઠ્ઠી લખી અને તારા બાઈકના સીટ કવરની નીચે મૂકી દીધી.

પણ મારે તને સરપ્રાઈઝ આપવું હતું એટલે નામ મારુ મેં લખ્યું નહિ,અને એ એક ભૂલ ખુબજ ઘાતક નીવડી,તને ખબર જ હશે ને કે પ્રકૃતિ ક્યારેય ભૂલ માફ નથી કરતી. તું આવ્યો તે ચિઠ્ઠી જોઈ એ મેં પણ જોયું!! અને તું આનંદમાં ચાલ્યો ગયો એ પણ જોયું!! હું લાયબ્રેરીની દીવાલ પાછળ સંતાઈને જોતી હતી. બસ એ એકજ આખી રાત હું હરખમાં જાગી.સવારે નવ વાગ્યે હું જેવી પહોંચી કે ડુંગર પરથી તું દોડતો આવતો હતો,જાણે ગાંડાની જેમ,!!! તે બાઇક શરુ કરી ત્યારે હું. ત્યારે મેં તને સાદ પાડ્યો, એય…….મનોહર…… એય…. મનોહર!! એય મનોહર !!પણ તે કશું જ સાંભળ્યું નહિ. પછી હું ઉપર ગઈ. હકીકતથી હું વાકેફ થઇ.!!અમે બધા ત્યાંજ રડ્યા. નક્કી કર્યું કે બે ત્રણ દિવસ પછી તારા ઘરે જઈશું અને થાય તો ચોખવટ કરીશું. પણ તું તો નીકળી ગયો હતોને ??.”

શ્રદ્ધાની આંખમાં જાણે ગંગાજી પ્રકટ થયાં,મનોહર પણ ધડકતાં હૈયે સાંભળી રહ્યો હતો. મનોહર અને શ્રદ્ધા અગાસીની રેલિંગ પાસે ગયાં જ્યાંથી ગંગા દેખાઈ રહી હતી.શ્રદ્ધા બોલી.

“તને ખબર છે મનોહર કે બધી નદીઓ માં ગંગા જેવી ભાગ્યશાળી નથી હોતી,કે જે એનાં સાગરને મળી જાય,અમુક સરસ્વતી હોય છે જે વિરહની રેતીમાં સમાઈ જાય છે” તે ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી હું તેની નજીક ગયો. અને એ મનોહરના બહુપાશમાં સમાઈ ગઈ.!! શ્રદ્ધા રડતી રહી!! મનોહર પણ રડતો રહ્યો. !!એકવાત ચોક્કસ છે ગમે તેટલો મહાન વૈરાગ્ય હોય જયારે આપણું પ્રિય પાત્ર નજર સામે આવે કે ક્ષણ બે ક્ષણ એ વૈરાગ્યના છોતરાં ઉડી જાય છે. પાંચેક મિનિટ્સ પછી એને સ્વસ્થતા કેળવી લીધી. એણે મનોહરને પૂછ્યું.

“તે લગ્ન કરી લીધાં?”
” હા, અને તે?” મનોહરે પૂછ્યું એણે બધી જ વિગતો સંભળાવી કે મનોહરની યાદમાં એ એક મહિનો ખુબ જ આઘાતમાં રહી ને એક દિવસ એ ટ્રેનમાં બેસીને અહીં ભાગી આવી. ગંગા કિનારે ફરતાં ફરતાં આ આશ્રમમાં આવી.અને ગયાં વર્ષે આશ્રમના ગુરુ અવસાન પામ્યાં, અને પોતાની શક્તિથી અને લોકોની ચાહનાથી એ આજ ગુરુમાઈ બની છે. એણે એક પોતાની છબી બતાવી નીચે લખ્યું હતું ” માં શ્રી શ્રદ્ધામાઈ” મનોહરે એને વળતો સવાલ કર્યો.

” તે લગ્ન કેમ ના કર્યા”?

” પ્રેમ એક જ વખત થાય જીવનમાં બાકી તો બધાં લફરા”!! પછી મનોહરે થોડી વાતો કરી. ઘણી વાતો કરી. મનોહર જે દોષ દિશાને અને બાકીના આપતો હતો તે એક ભાર ઉતરી ગયો,અને આમેય ગંગા કિનારે તમારો ભાર ઉતરી જ જાય. મનોહરની જેમ શ્રદ્ધાને પણ સપનાઓ આવતા હતાં. જેમાં એને મનોહર દેખાતો ને એ બોલી ઉઠતી એય…… મનોહર….. એય….. મનોહર…!!!

પછી મનોહરે એને એના જીવન વિષે માહિતગાર કરી. એ ખુશ થઇ ને બોલી

“ચાલો આજે સાત થઇ ગયાં,મારે આરતી કરીને પ્રાર્થના કરવાની છે. એક કામ કરીશ મનોહર કાલે બધાને લઈને સાંજે આવજે આરતીમાં” ?? મનોહરે હા પાડી ત્યાંથી નીકળ્યો,જીવનનાં એ પ્રશ્નનો પણ જવાબ મળી ગયો કે મારી સાથે શા માટે આવું થયું.??

બીજે દિવસે મનોહર સાંજે બધાને ત્યાં લઇ ગયોને વાત કરેલી કે એ માઈ ભાવનગરની છે. બધા ગયાં અને શ્રદ્ધા બધાને મળી. મનોહરના સંતાનોને ઊંચકી લીધાં,એની આંખમાંથી નેહ નિતરતો હતો,મનોહરની પત્નીને આશીર્વાદ આપ્યાં. બને છોકરાના ગળામાં રુદ્રાક્ષ ની માળાઓ પહેરાવી મનોહરના બા બાપુજીને ભગવી શાલો આપી. અને બધાં આરતીમાં ગયાં. શ્રદ્ધાએ આરતી ઉતારી. પ્રાર્થના થઇ, અને એક છોકરીએ ભજન શરૂ કર્યું,

“એરી મેતો પ્રેમ દીવાની મેરા દર્દ ના જાને કોઈ!!, એરી મેતો દર્દ દીવાની મેરા દર્દ ના જાને કોઈ”!! બાકી બધા આંખો બંધ કરીને સાંભળતા હતાં, લિન હતા, માં ગંગા કિનારે એક અદભુત વાતાવરણ ખડું થઇ રહ્યું હતું. ફક્ત મનોહર અને શ્રદ્ધાની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. આ દેશમાં ‘શ્રધ્ધા’ અને સંસ્કૃતિ લગભગ તમને રડતી જ જોવા મળે છે.!!!

લેખક:- મુકેશ સોજીત્રા મુ. ઢસા ગામ, તા. ગઢડા, જી. બોટાદ..પીન ૩૬૪૭૩૦

આપ સૌ ને મારી આ વાર્તા કેવી લાગી અચૂક જણાવજો !!!

ટીપ્પણી