“મારી વહાલી બા”- તમને પણ તમારી બા ની યાદ આવી જશે… ખુબ સુંદર વાત…

“મારી વહાલી બા”

અનુજ અને તેનો પિતરાઈભાઈ મનોજ બન્ને ગાડી લઈને નીકળી પડ્યા. સફર બે કલાકનો હતો. આજે અનુજને મુડ ન હતો માટે ગાડી મનોજ ચલાવતો હતો.ઘરેથી નીકળતા જ પાપાએ બધું સમજાવ્યું હતું.

બન્ને ભાઈઓ માટે પહેલીવારની આ સફર હતી. જવાનું સિદ્ધપુર હતું. ગાડીમાં ધીમા અવાજે ગીતો વાગતા હતા. ઉંઝા સુધી તો બન્ને ચાલતા ઘણીવાર ગયેલા ભાદરવી પૂનમેં. રસ્તો અજાણ્યો હતો નહીં. ગાડી ધીરે ધીરે ચાલતી હતી.

અનુજના ખોળામાં મુકેલી એક નાની ફૂલોની માટલી ઉપર તેનું ધ્યાન ગયું. આજે નાની માટલીમાં વહાલી બા ની અસ્તિ હતી. તે જોતા અનુજ બા ની યાદમાં ખોવાઈ ગયો.

આજથી બત્રીસ વર્ષ પહેલા અનુજનો જન્મ થયેલો. જ્યારથી તેની સમજણ આવેલી ઘરમાં બા કહે તેજ થતું. બા ને બે દીકરા હતા. બન્ને દીકરાઓને એક- એક દીકરા. કાચું ઘર હતું. ઓરડામાં મનોજના પરિવાર રાત્રે કે બપોરના સમયે સૂતો.જયારે વચ્ચેના રૂમમાં અનુજનો પરિવાર. વાંસળીમાં વર્ષોથી બા.

મનોજનો જન્મ થયો ત્યારે અનુજ પહેલું ભણતો હતો. તે દિવસોની યાદ આજે તેના માનસપટ ઉપર આવી. મમ્મી કહેતી ” તારે નાનો ભાઈલો આવ્યો. જો ઓરડામાં જવાનું નહીં.ત્યાં નાનો ભાઈલો છે”. અનુજને ખુબ તાલાવેલી હતી ભાઈને જોવાની પણ મમ્મી ત્યોં જાવા ના દેતી. ઘરમાં મમ્મી કે બા બન્નેજ ઓરડામાં કાકીના ખાટલા જોડે જતા.ક્યારેક મનોજના રડવાનો આવાજ અનુજના કાને અથડાતો તેને જોવાનું થતું કે ભાઈ કેવો હશે.

એકવાર તેને બા ની સાડી પકડીને કહ્યું ” મારે નાનો જોવો છે”. મમ્મીની ના હોવા છતાં બા તેને ઓરડામાં લઇ ગઈ. અનુજ જાણતો હતો કે બા કહે એટલે પત્યું. કોઈથી વચ્ચે બોલાય નહીં. તે સમયે સવા મહિના સુધી કાકીનો ખાટલો ઓરડામાં રહેલો. ઉંમર થતા અનુજને ખબર પડી કે કેમ કોઈને ઓરડામાં જાવા દેતા નહીં. કેમકે તે સમયે બાળકને કોઈનો શ્વાસનો કે હથનો ચેપ ના લાગે માટે. આજે ડોક્ટરો પણ બાળકને પકડવાં માટે તેની માતાને પણ પાઉડર આપે છે.

તે સમયે બા કાકી માટે ગુંદનું કરીયું બનાવતી. જેમાં ગુંદને ગરમ કરી તેમાં થોડું ગર્પણ નાખીને ખાવાનું. કાકીને આપવા પહેલા અનુજને પણ રકાબીમાં આપતી. બન્ને ભાઈઓ જ્યારે શાળામાં જતા કે બા છેક શાળા સુધી મુકવા આવતી. મોટી રીશેસમાં ઘરે આવે કે બા બાજરીના રોટલા ઉપર ઘી વાળીને શાક સાથે આપતી. પાંચ વાગે તે પહેલા તો સ્કૂલમાં આવી જતી. બન્ને ભાઈઓ બા ની આગળી પકડીને ચાલતા. તે સમયે દરેક જોડે સગવડ ઓછી હતી પણ માનવતા અને લાગણીઓ ભરપૂર હતી.

કુટુંબમાં પણ નાના મોટા પ્રસોગમાં બા નો વટ હોય. દરેક જન પૂછતું બબુબેન તમે કહો તેમ કરીયે. વહેવાર કે તહેવારમાં બાની સમજ ખુબ હતી. ઘરમાં પણ કઈ નવું લાવવું હોય તો પહેલા પાપા કે કાકા બા સાથે વાત કરતા . તેમની ના હોય તો વાત કદી પણ ફરી ખોલવામાં આવતી નહીં. ઘરની ચાવીનો જુડો તો બાની કમરે જ હોય.

શરીરથી નાની પણ હ્દયથી વિશાળ હતી બા.જયારે અનુજ મોટો થયો કે બહાર વાંસળીમાં બા જોડે જ સૂતો.રાતે પણ કોઈ અવાજ આવે બા તરત જાગી જતી. સવારે વહેલા બા ઉઠીને બા મમ્મી સાથે ઘરમાં એક મોટી ઘોરીમાં વલોણૂ વલોરતી. પોતના દીકરાઓ માટે સવારે ચા સાથે માખણ આપતી.

ઉંમર થતા બા નું શરીર નબળું પડી ગયું હતું. ઘરના તમામ લોકોએ બા ની કાળજી પુરેપુરી કરી હતી. થોડા દિવસ પહેલા જ બા એ અનુજની આંખોની સામે જ અંતિમશ્વાસ લીધેલા. બધાની આંખોમાં આશુ હતા. આ કારમી વિદાય હતી. બા ની નનામી ફૂલોથી સજાવી હતી. કાકાએ દુનિ પકડી હતી.

સ્મશાનમાં બા ને સુવડાવીને અમારા પરિવારે અગ્નિદાહ કરેલ. તે દિવસે અનુજનું મન ખુબ રડેલું. જેને પોતાના દીકરાઓને રમાડેલ એમના જ હાથે ……. થોડીવારમાં તો બા નું શરીર રાખ થઈ ગયું. સાંજે અનુજ અને મનોજ સ્મશાનમાં જઈને બા ની અસ્તિ લઈ આવ્યા હતા. રાખમાં થી જયારે બન્ને ભાઈ બાની અસ્તિ લેતા હતા ત્યારે અનુજને થતું કે આ જીવતર બસ આટલું જ…..

વિચારોમાં ચડેલું મન મનોજની ગાડીની અચાનક વાગેલી બ્રેકથી બહાર આવ્યું. જોયું તો સિદ્ધપુર આવી ગયું હતું. બન્ને ભાઈઓ એ બાની ક્રિયાકર્મે વિધિ કરી. જ્યારે બા ના ફુલ પાણીમાં પધરાવ્યા તે સમયે અનુજને લાગ્યું કે બા પરલોકમાં ઉડીને જતી હતી.પોતના દીકરાને તે બન્ને હાથ લંબાવીને બોલાવતી હોય એમ લાગતું હતું…….

બા વગર આજે આ ઘર ખુબ એકલું લાગે. ઘણીવાર અનુજને લાગતું કે બા ઘરમાં કામ કરે. સવારે ઉઠતો ને લાગે કે બા વાલોનું વાલોવતી હશે. ઘણીવાર અવનવાર ભ્રમ થતા. ધીરે ધીરે તેને આ ભ્રમ જાતે જ દૂર કર્યો.

બસ…..હવે તો ઘરની દીવાલ ઉપર લટકાયેલ એક બા ની ફોટાવારી ફ્રેમ હતી. અનુજ સવારે તેમજ સાંજે કે પછી ઘરની બહાર જતા, બા ને પ્રણામ કરીને યાદ કરી લેતો…..

લેખક : મયંક પટેલ

શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી