જોહર… – વદરાડની એક સત્ય ઘટના વાંચો મયંક પટેલની કલમે…

જોહર……

વદરાડની એક સત્ય ઘટના.

મહોમદ ગજનીના સમયની આ વાત છે. ઠેર ઠેર રાજ ને રજવાડા હતા. ક્ષત્રિયલોકોની જાહોજલાલી હતી. રજપૂત લોકોનો વટ હતો. ગામની કે પછી પોતાના સરહદની રક્ષા માટે તલવાર મ્યાન બહાર આવતા જરાયે ખચકાટનો અનુભવ થતો નહિ.

મ્યાન બહાર આવેલ તલવાર રક્તથી ભીની થયા વગર મ્યાનમાં પાછી જતી નહીં. ક્ષત્રિયોને માન, મોભો અને ઈજ્જત લોકો આપતા હતા. જ્યારે તેના બદલામાં લોકસેવા અને પોતાનું રક્ત બહાવીને પણ પ્રજાની જાન બચાવવામાં આવતી હતી.

એ સમયે વદરાડ ગામ નવસો નારીનું ગામ ગણાતું હતું. એટલે કે અખાત્રીના દિવસે ખેતરમાં એક સાથે નવસો હળ જોડાતા હતા. ગામમાં રજપૂત અને બ્રહ્મભટ્ટ બારોટ નું આ ગામ હતું. રજપૂત અને બારોટ બન્ને શૂરવીર હતા. ગામમાં દરેક મકાનોને પડવા હતા.
જાગીરી રાજ અહીં ચાલતું હતું.

બારોટ લોકો પણ અહીં ખેતી કરતા હતા. એ સમયે દરેક ગામ અને દરેક કુટુંબના અલગ બારોટ પણ હતા જે લોકો ચોપડા લખતા હતા. આ ગામના મધ્યમમાં ત્રમ્બકેશ્વર મહાદેવનું મંદિર હતું. આ શિવલિંગ સ્વયંભૂ છે.

આ શિવલિંગ અન્ય શિવલિંગથી અલગ છે. રજપૂતો અને બારોટ લોકો આ મહાદેવની પૂજા કરતા હતા. અહીં મંદિરથી ઉત્તર દિશામાં પાંચસો મીટર દૂર એક વાવ હતી. આ વાવની ખાસિયત એ હતી કે તેનું પાણી ખુબ જ સખ્ત હોવાથી તેમાં ડૂબાડવામાં આવે તો ઓજાર પણ ખુબ મજબૂત બની જાતું. લોકવાયકા એવી છે કે ઘાસને પણ આ પાણીમાં ડુબાડીને માણસ ઉપર પ્રહાર કરવામાં આવે તો જે જગાએ ઘાસ વાગે ત્યાંથી શરીરના ભાગ થઇ જતા. લોકો આ વાવનું પાણી પિતા હતા.

તેમજ ગામમાં બનાવવામાં આવતા તમામ હથિયાર જેવી કે ઢાલ, તલવાર, ગુપ્તી અને અન્ય હથિયાર આ વાવના પાણીમાં ગરમ કરવામાં આવતા હતા.

ગામની અંદર બીજી એક વાવ હતી જેનું નામ શેટલીયાવીરની વાવ કહેવાતી જે હાલના શમશાન જોડે આવેલી હતી . ત્યાં આજે પણ શેટલીયાવીર નું મંદિર છે. આ મૂર્તિ આમ તો એક પથ્થર ઉપર કોતરી બનાવી છે જે ખુબ મોટી પણ નથી. તેમ છતા આ મૂર્તિને ખસેડવા માટે દસ બળદની જોડીથી જોર લગાવવામાં આવેલ છતા તે પોતાની જગા ઉપરથી આઘીપાછી થઇ ન હતી.

આથી થોડે દૂર મહાકાળી માતાનું મંદિર છે. જે ટોડાની માતા કહેવાતી. જે તે સમયે ગામનું પ્રવેશદ્વાર હતું. ગામના તમામ તહેવાર બારોટ અને રજપૂત લોકો સાથે મળીને ઉજવતા હતા.

તે સમયે આ ગામના બ્રહ્મભટ્ટ બારોટની એક સ્ત્રીને સુવાવડ હતું અને આખા ગામે આ અવસરને વધાવ્યો હતો. અને તે સ્ત્રીને જંગરાલ ગામે તેના પિયરમાં મોકલી હતી. તે સ્ત્રીના ગયા પછી થોડા જ દિવસોમાં આ ગામ ઉપર એક આફત આવી.

મહોમદ ગજની પોતાની સેના લઈને ચડાઈ કરવા માટે નીકળ્યો હતો. તે કટ્ટર હિન્દૂ વિરોધી રાજા હતો. વદરાડ ગામના પ્રવેશદ્વારે તેને પોતાનો પડાવ નાખેલ. તેની પાસે હાથી, ઘોડા, અને મોટું લશ્કર હતું. તેને પોતાના રાજદૂત સાથે કહેણ મોકલ્યું કે ” તમામ ગામ લોકોને માલુમ થાય કે અમારા આખા સૈન્યની સેવાચાકરી ગામલોક કરે”. ગામ લોકોએ તેનો વિરોધ કર્યો.

ગામના રજપૂત અને બ્રહ્મભટ્ટ બારોટ શાનથી જીવવાવાળા હતા. તેમને નક્કી કરેલ કે ગજની સામે યુદ્ધ કરીશું પણ તેની સેવાચાકરી નહીં. આ બાજુ ગજની ગુસ્સે ભરાયો તેને યુદ્ધ જાહેર કર્યું. ગામ લોકોએ તેનો સામનો કર્યો. પણ , ગજનીની વિશાળ સેના સામે તેમનું ચાલ્યું નહીં.

વાવના હથિયારો સામે ગજનીની સેના પરાસ્ત થતી હતી એટલે તેને તોપથી આખું ગામ ખેદાનમેદાન કરી દીધું. ગામમાં થોડી રજપુતની અને બારોટની દીકરીઓ અને સ્ત્રીઓ બચી હતી. તેમને ખબર હતી કે ગજની તેમને કેદ કરશે માટે અગ્નિની જ્વાળામાં જોહર થાય તેમ ન હતું. આ બધી દીકરીઓ અને સ્ત્રીઓ સેટલીયાવીરની વાવમાં કૂદી પડી. પોતાની ઈજ્જત બચાવવા માટે તેમને પોતાના પ્રાણની આહુતિ આપી.

વદરાડ માટે આ દિવસ ખુબ કાળમો દિવસ હતો. ગામમાં કોઈ પણ જીવતું ન હતું સિવાય જંગરાલ ગામમાં ગયેલી સ્ત્રી વગર. ગામની સ્ત્રીઓએ પોતાનું બલિદાન આપીને પણ ગામનું નામ આજે ઇતિહાસમાં અમર કરી દીધું હતું. આ જોહર પાણીમાં કરેલું જોહર હતું.

આ બાજુ બ્રહ્મભટ્ટ બારોટની સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો. જે દિવસે દિવસે મોટો થયો મામાના ઘરે. ત્યાં તેને કોઈએ મહેણું માર્યું ” તારે તો બાપ પણ નથી અને ગામ પણ નથી”. તેને પોતાની માં ને વાત કરી અને વિગતે વાત જાણી.

આ દીકરો યુવાન થઈને દિલ્હી ગયો.જ્યાં સુધી રાજા મળે નહીં ત્યાં સુધી ઉપવાસ ઉપર ઉતર્યો. આ વાત રાજાને કાને આવી અને રાજાએ તેને દરબારમાં બોલાવ્યો. તેના ઉપર ખુશ થઈને રાજાએ ઉપવાસનું કારણ પૂછ્યું તે બોલ્યો ” હું માગું તે આપો તો ઉપવાસનું કારણ કહું”. રાજાએ સંમતિ બતાવી તેને કારણ કહ્યું પોતાના ગામનું અને તેને રાજા પાસેથી ગામ માગ્યું. રાજાએ ગામ પાછું આપ્યું. પોતાની સેના સાથે વાગતે ઢોલે તેને વદરાડ મુકવા આવ્યા.

ગામની ખેતી કરવા માટે બહાર ગામથી પદ્માભાઈ પટેલ ને લાવવામાં આવ્યા. આ પછી ધીરે ધીરે આજુબાજુ થી લોકો વસવાટ કરવા આવ્યા.

આજે આ ગામના મુળ વતની બ્રહ્મભટ્ટ બરોટના થોડા જ મકાનો ગામમાં હયાત છે. આ સત્ય કથા ગામના વડીલ બારોટના મુખેથી સાંભળીને લખાયેલ છે.

આજે પણ ગામમાં ખોદકામ કરવામાં આવે તો આ દટાયેલ અવશેષ બહાર આવી શકે છે.

લેખક : મયંક પટેલ…..

દરરોજ આવી અનેક જાણી અજાણી વાતો જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી