ભૂત…. વાર્તા વાંચીને તમે જ નક્કી કરો કે કહાની સત્ય છે કે પછી લોકવાયકા..

ભૂત…..

એક પ્રેતાત્માની કહાની…

વદરાડની સત્યકહાની કહો કે પછી લોકવાયકા જે હોય તે વાંચીને સમજાઈ જશે..

ઘણા સમય પહેલાંની આ વાત છે. વદરાડ ગામ મહાદેવના મંદિરની આજુબાજુ પથરાયેલ હતું.ગામમાં દૂર દૂર થી લોકો આવીને વશેલા છે. તે સમયે કાચા નળિયાનાં મકાનો હતા.

ગામમાં માટીના રસ્તા હતા. લાઇટની સગવડ ન હતી. લોકો કાચની શીશીમાં કેરોસીન પુરી ને દીવો પ્રગટાવતા. ચોરી પણ વધુ થતી. અંધારાનો ફાયદો ચોરોને થતો તો ભૂતને પણ.

ગામમાં જુદીજુદી નાત – જાતના માણસો રહેતા હતા. બધા પોતપોતાની જિંદગી જીવતા. તે સમયે અંધવિશ્વાસમાં લોકો વધુ માનતા. દવા કરતા દોરાધાગા વધુ કરતા.

વાત એમ હતી હું નાનો હતો. મારા ફળિયાનું નામ ભૂતવાસ હતું. સમાજમાં પણ લોકો મારા કુટુંબને ભૂતથી ઓળખતા. હું એક દિવસ શમુબા ના મકાનની પાળી ઉપર બેઠો હતો. મારા ફળિયાના લોકો ચાર પાંચ નવયુવાનીયા ત્યાં હાજર હતા. વાતો ચાલતી હતી. ત્યાં મોટાવાસમાંથી એક યુવાન આવ્યો. તેના હાથમાં ઉનનો દોરો હતો. તે દોરો જોઈને જ અમારામાંથી એક કાકા બોલ્યા ” ભાઈ દોરો કરવો છે”. પેલો યુવાન કહે ” હા “.

” કોણે વા થયો છે ?”. ” મારા ઘરે છોકરાને વા થયો છે. માટે દોરો કરવો છે”. ” આપ આ પૂનમને કરી આપે. મને તો દોરો કરતા પણ આવડતો નહીં. ના મેં ક્યારેય કોઈને દોરો પણ કરી આપેલ. હું તો વિચારમા પડેલ. આ બધું શું છે. પેલા યુવાને તો દોરો મને આપી દીધો.

પેલા કાકા કહે ” બોલ્યા વગર સાત ગોઠ દોરાને માળ. અને દરેક ગોઠ વળે કે ફૂંક માળ. તેમના ક્હયા પ્રમાણે મેં તો બધું કરી દીધું. કાકાએ પેલા યુવાનને કહ્યું ” તલનો ધૂપ કરજે અને કૂતરાને ઘી વાળો રોટલો આપજે. અને દોરો બોધજે.

પેલો ભાઈ દોરો લઈને ચાલ્યો ગયો. હું તો વિચારતો જ રહ્યો કે હું દોરો કરુને પેલા ટેનિયાને વા મટે !. મારા તો માનવામાં જ આવતું ન હતું.

તરત હું ત્યાંથી ઘરે આવ્યો. થયું કે બાને પૂછી લઉ. પણ થોડો ડર લાગ્યો કે હું દોરો કરતો નથી ને બા બોલે તો ?. પાછો હું ત્યાં પાળી જોડે આવ્યો અને પેલા કાકાને જ પૂછ્યું ” કાકા, આપણે કેમ દોરા કરીએ”.

કાકા કહે “વાત ક્યારની છે તે અમને ખબર નથી. પણ આપના બાપ – દાદાઓ કહે છે. ઘણા સમય પહેલા રાતે ખેતરમાં પાક જોવા જવું પડતું. લૂંટારાઓનો ત્રાસ વધુ હતો. એક દિવસ આપના દાદા જેમનું નામ મને પણ ખબર નથી. તેઓ વાળું પતાવીને ખેતરમા જતા હતા.

રસ્તાની ફરતે મોટી મોટી વાડો હતી. કયાંક આકરા ઉગેલા હતા. તમરાનો આવાજ આવતો. તેઓ ધબરો ઓઢીને ખેતરની વાટ પકડેલ. તેમના થી દસ ડગલાં દૂર કોઈ બેઠું હતું રસ્તામાં, અને રડવાનો આવાજ કરતું હતું. દાદાને ખબર હતી. કે આ બીજું કોઈ નહીં પણ ભૂત છે !!!.

તે સમયે દાદા માથે પાઘડી, ધોતિયું અને પહેરણ પહેરતા. ખાસ વાત એ હતી કે ધોતિયું અને તેની ઉપર કંદોરો હોય જ. આ કંદોરાની સાથે એક ચાકુ લટકતું રાખતા. પહેલા જમાનામાં લોકો ચાકુ જોડે જ રાખતા. લીમડા કે બાવળનાં દાતણ કાપવા. તેમજ અંધવિશ્વાસ પણ હતો કે જોડે ચાકુ હોય તો ભૂત નજદીક નાં આવે. દાદા પેલા ભૂતને પાળખી ગયેલા. તેમને ધીરે રહીને ચાકુ હાથમાં લઇ લીધું. પેલું ભૂત ચાલાકી કરે એ પહેલા જ તેના માથામાં હાથ નાખ્યો. તેના વાળ પકડીને ચાકુથી તેની ચોંટી કાપી નાખી.

ચોંટી કપાઈ જતા ભૂત લાચાર બની ગયું. હવે તો ચોંટી પાછી લેવા પેલું ભૂત કાલાવાલા કળવા લાગ્યું. પણ દાદાએ ચોંટી આપી નહિ. દાદાને ખબર પડી ગઈ કે આ ચોંટી જોડે રહેશે ત્યાં સુધી આ ભૂત મારા હાથ નીચે રહેશે. અને દાદા હવે તો ખેતરનું કામ પણ કરાવતા હતા.

હવે તો ભૂત ખેતરમાં પાણીવળવા જાય. પાક કાપવા, પાક લનવા તેમજ પાકનું રખોપુ કરતું. દાદા તો હવે ઘરે જ આરામ કરતા. દિવસનો એક ફેરો ખેતરમાં કરતા અને પેલા ભૂતને કામ બતાવતા. હા, પણ તેનો ખ્યાલ પણ રાખતા. હવે તો રોજ તેની સાથે વાતો કરવી. તેની સાથે જ રહેવાનું જાને પોતાના ઘરનું કોઈ સભ્ય હોય એમ લાગતું.

એક દિવસ ભૂત અને દાદા ખેતરમાં ઘઉં પેરતા હતા. થોડા ઘઉં ખૂટી ગયા. દાદાએ કહ્યું ” ઘરે જા, પેલા કોઠારમાંથી થોડા ઘઉં લેતો આવજે”. ભૂતતો જાણે હવામાં દોડતું હોય તેમ ફટાફટ ઘરે આવી ગયું.

કોઠારમાંથી તે ઘઉં કાઢતું હતું ત્યાં એક કાચની શીશી બહાર આવી . આ શીશી જોઈ ભૂત ખુશ થઇ ગયું . નાચવા અને કુંદવા લાગ્યું. કેમકે તેમાં તેની ચોંટી હતી. તેને પોતાની ચોંટી બહાર કાઢી. પેલા દાદા જોડે પહોંચી ગયું.

ખાલી હાથે આવેલ જોઈને દાદાએ કહ્યુ ” કેમ ઘઉં લીધા વગર આવ્યો છે ? પાછો જા અને લઈને આવ ઘઉં”. ભૂત બોલ્યું ” હવે તો કામ નહિ કરું “. અને તેને પેલી ચોંટી દાદાને બતાવી દાદાને ખુબ પસ્તાવો થયો તેમને ખબર પડી ગઈ કે હવે તો આ આપના હાથમાંથી ગયું.

ભૂત બોલ્યું ” બહુ કામ કર્યું અને ઘણું જોડે રહ્યા આપણે. મારે હવે જવું છે પણ ……. જતા જતા એટલા આશીર્વાદ આપું છું કે ……. તારા વંશનો કોઈપણ દીકરો બોલ્યા વગર ઉનના દોરાની સાત ગાંઠ મારીને દોરો કરે અને એ દોરાને તલનો ધૂપ કરવો તેમજ કૂતરાને ઘી વાળો રોટલો આપવો તો કોઈપણ માણસને જો માં ઉપર વા થયો હોય તો મટી જશે”………

આટલું કહીને ભૂત તો ભાગી ગયું ત્યાંથી. દાદાને પસ્તાવો પણ ખુબ થયો તે દિવસે.

દોસ્તો, સત્યવાત એટલી જરૂર છે કે દાદાને ભૂત મળેલ કે નહિ એ તો ભગવાન જાને પણ ….. આજે પણ મારા કુટુંબના દીકરાઓ વા ના દોરા કરે છે અને વા મટી જાય છે જે વાત સત્ય છે કેમકે હું જાતે પણ એક શિક્ષિત હોવા છતા દોરા કરું છું અને લોકોને મટી પણ જાય છે.

લોકો અમને સમાજમાં ભૂતકુટુંબ કહે છે અને મારા બધા ભાઈઓ ગર્વથી કહે છે ” અમે ભૂત છીએ”………..

લેખક : મયંક પટેલ

દરરોજ અવનવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી