‘મે આઈ હેલ્પ યુ?’

‘મે આઈ હેલ્પ યુ?’

આપણે ત્યાં હાથ જોઇને ખોટું ભવિષ્ય ભાખતા જ્યોતોષીઓ તગડું કમાય છે ત્યારે કોઈ પોતાનો હાથ લંબાવી કોઈને મફતમાં સાચો રસ્તો બતાડતો જોઈએ એટલે અચરજ અને રમૂજ થયા વિના ન રહે.

અમારા શહેરના એક બીઝી વિસ્તારમાં બે ટ્રી ગાર્ડ વચ્ચે લાકડાની એક પેટી પડી રહે છે. તમે એને દુકાન પણ કહી શકો. હું અહીં બૂટ પોલીશ કરાવવા નિયમિત આવું છું. આમ તો હવે બૂટ પોલિશનો ધંધો લગભગ પડી જ ભાંગ્યો છે પણ તકલાદી લેડીઝ ચંપલો, હલકી ક્વોલિટીની હેન્ડ બેગો, લેડીઝ પર્સો, તકલાદી ચેનવાળી બેગો, વારેવારે તૂટી જતા સ્કૂલ બેગોના પટ્ટાને કારણે કાકાની ‘દૂકાન’ ચારના પેટ ભરે છે.

કાકા જેટલા ઉદ્યમી છે એટલા જ વાતોડિયા અને ખૂશમીજાજી છે. એક બહેનનું કાઈનેટિક આવીને ત્યાં ઊભું રહે છે. કાકા કામ કરતાં કરતાં એમેની સામે હસતા ચહેરે જૂએ છે. કાકાના હાવભાવમાં ‘હું આપની શું મદદ કરી શકું?’ નું પાટિયું વંચાય છે.

કાઈનેટિકના અવાજ વચ્ચે એ બહેન સામે આવેલ એક ટેઈલરની દૂકાન તરફ જોઈ ઊંચા અવાજે પૂછે છે, “કાકા, આ દુકાન બંધ કેમ છે?” કાકા હસતા હસતાં જવાબ વાળે છે, “બુન, શ્યાડા દહે ખોલે છ, આવતો જ હઈશે” કાઈનેટિક સ્ટેન્ડ પર ચઢાવી પેલા બહેન બાજુમાં જ અડ્ડો જમાવે છે. થોડી વારમાં એક કોલેજીયન યુવતી આવીને કાકાને પૂછે છે, “કાકા, આટલામાં ક્યાંય દવાની દૂકાન ખરી? કાકા ચાર રસ્તા તરફ આંગળી ચીંધી દૂરથી એક દૂકાન બતાવી પાછા કામે વળગે છે.

એક સ્થૂળકાય બહેન આવી માથું ઊંધું ઘાલી મારા શૂઝને પોલિશ કરતા કાકાને ઢંઢોળે છે, “કાકા, એક પતલા સરખાં બેન અહીં આવશે તો એને કે’જોને કે હું દસ મિનિટમાં આવું છું, મારી રાહ જૂએ” કાકા એમના ઉપલા ચાર દાંત દેખાડી કહે છે, ”હારું, હોં” વચ્ચેથી એક બેન હાંફાળા ફાંફળા સ્કૂલબેગમાં ટેભા મરાવવા આવે છે અને મારું કામ અટકે છે. થોડી વાર થાય છે ત્યાં એક ભાઈ પસાર થતાં થતાં જ ટહૂકો કરે છે, “કાકા, મજામાં?” અને કાકા ગેલમાં આવી જાય છે.

હું કાકા તરફ દસ રૂપિયાની નોટ લંબાવું છું ત્યાં ફૂટપાથ પાસે આવીને ઉભી રહેલ એક કારનો કાચ ઊતારી કોઈ કાકાને પૂછે છે, “કાકા, જીવરાજ મહેતા હોસ્પિટલ આ તરફને?” કાકા હાથ હલાવી કહે છે, “હા, પેલા નઇં ને બીજા ચાર રસ્તા, ભઈલા” હદ તો ત્યારે થઇ જાય છે જ્યારે એક બહેન થોડી વાર માટે એવું કહેતાં પાણીનું નવું ખરીદેલું માટલું મૂકતા જાય છે, “કાકા, અબી હાલ આયી, હોં” રાહદારીઓના ટહુકાનો મફત અને હસતા ચહેરે જવાબ આપતી કાકાની દુકાન પહેલા ‘મે આઈ હેલ્પ યુ’ નું પાટિયું મારેલ એક નિ:શુલ્ક હેલ્પ ડેસ્ક છે અને પછી એક દુકાન.

પાઘડી આપ્યા વિના, ભાડું ભર્યા વિના, તાળું માર્યા વિના, દીવાલ વિનાની આવી કોણ જાણે કેટલીય દુકાનો વર્ષોથી આપણા રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર પોતાના શટર ખોલે છે અને શટર પાડે છે. પણ અંધારું થતાં પહેલાં બંધ થઇ જતી અને ક્યારેક રજા પાડતી આવી દુકાનો વિનાની ફૂટપાથ નિર્જીવ અને વેરાન લાગતી હોય છે.

લોકોની પૂછાપૂછથી હું અકારણ અકળાઉં છું પણ કાકા મને ખોટો પાડે છે. વાતવાતમાં મને ખબર પડે છે કે કાકા તો એટલા રાજી છે કે બધા એને ઘરનો જાણીને પૂછે છે અને એ પોતે બધાને મદદરૂપ થાય છે. કાકા આંખોથી હસીને બોલે છે, “આઈં મુને હામેથી ‘ચ્યમ સો કાકા’ કે’વાવાળા ઘણા છ. આજ કાલ ક્યોં કોઈને કોઈની પડી હોઈચ, હું કયોછ, સાઈબ?”

મારા શૂ પર ખરી ચમક હવે આવે છે.

લેખક – અનુપમ બુચ (અમદાવાદ)

ટીપ્પણી