ढाई अक्षर प्रेम के… Valentine’s day special

વેલેન્ટાઈન ડે આવે એટલે આપણે ત્યાં ભારતમાં સામાન્યત: એક વસ્તુ કોમન જોવા મળે છે. આપણી પ્રજા મુખ્ય બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ એવો હોય જે બિન્દાસ રીતે વેલેન્ટાઈન ડે ઉજવી જાણે છે. જેના માટે આ પૂર્વની સંસ્કૃતિ અને આ પશ્ચિમની સંસ્કૃતિ જેવા ખાસ ભેદ હોતા નથી. એ પ્રજામાં દંભ હોતો નથી. તેમના માટે પ્રેમ મુખ્ય છે. બીજો ભાગ એવો છે કે જેઓને પોતાની સંસ્કૃતિ પ્રત્યે વધારે પડતો પ્રેમ છે. આ પ્રકારની પ્રજા કોઈ પણ તહેવાર ઉજવતા પહેલા એ ખાસ જુએ છે કે આ તહેવાર આપણો છે કે નહીં. આ પ્રકારની પ્રજા પૂર્વગ્રહોથી યુક્ત હોય છે અને પોતાની પક્ષપાતી વિચારસરણીને સોશિયલ મીડિયા પર વહેતી મૂકે છે.

બે ત્રણ વર્ષોથી Facebook અને WhatsApp જેવા સોશિયલ નેટ વર્કિંગ સાઈટ્સ પર અમુક લોકો સંસ્કારી નદીઓ વહેતી કરે છે. પશ્ચિમનાં લોકો પોતાના તહેવારોનું માર્કેટિંગ કરી જાણે છે. આ બાજુ આપણે ત્યાં એવા લોકોનો રાફડો ફાટ્યો છે કે જેઓને Facebook અને WhatsApp જેવા સાધનોનો ઉપયોગ પણ કરવો છે અને પશ્ચિમના રિવાજો અને પરંપરાઓનો વિરોધ પણ કરવો છે. અમુક હાસ્યાસ્પદ મેસેજો પણ ફરતા હોય છે જેમાં વેલેન્ટાઈન ડે ના દિવસે પોતાની પ્રિયતમાને રોઝ આપી પ્રપોઝ નહીં કરવાનું પણ તે દિવસને આ લોકો બળજબરીથી માતપિતા પૂજન દિવસ તરીકે ઉજવવાનો જ આગ્રહ રાખશે.

હવે સવાલ એ થાય કે 14 ફેબ્રુઆરી એ જ શા માટે આ દિવસ ઉજવવાનો ? બીજી વાત, આપણાં તહેવારો તો તિથિ મુજબ જ આવે છે તો આ માતા પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરી એ જ શા માટે ? શું આવો કોઈ તહેવાર છે કે બસ યુવાનો આ દિવસ ના ઉજવે એટલે ઊભું કરેલું આ તૂત છે ?

ચાલો, થોડું આના વિશે વિચારીએ.

પશ્ચિમમાં ખ્રિસ્તી ધર્મ વધુ ફેલાયેલો છે. તેમનો ઈતિહાસ ખાસ આપણાં જેટલો જૂનો નથી. એટલે નાતાલ જેવા એકલ દોકલ તહેવારોને બાદ કરતાં બીજા કોઈ તહેવારો ઉજવાતા નથી. આપણે ત્યાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સાથે હોળી, દિવાળી, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ ઉજવાય છે. શું આપણા તહેવારો આપણાં યુવાનો નથી ઊજવતાં ? પશ્ચિમમાં તહેવારો નથી પણ ત્યાં ‘ ડે ’ ખાસ વધુ ઉજવાય છે જે ખાસ તો ત્યાંની પ્રજાના રોજબરોજના વ્યસ્ત શેડયુલમાથી આનંદપ્રમોદ માટે ઊજવતાં હોય છે. વેલેન્ટાઈન ડે ને ત્યાની પ્રજાએ ખૂબ સારી રીતે પ્રમોટ કરેલ છે જેથી તેનો ફેલાવો ખૂબ અસરકારક રીતે થાય.. મૂળમાં જ આનંદપ્રમોદ કરવાનો તહેવાર. ઉપરથી રોઝ ડે, હગ ડે જેવા દિવસોની સીરિઝ. યુવાનોને સૌથી વધુ આકર્ષણ જ આ વસ્તુનું હોય છે. આ દિવસ પ્રેમનો દિવસ કહેવાય છે. તે દિવસે પ્રેમી પોતાની પ્રેમિકાને રોઝ આપી પ્રપોઝ કરે છે.

કોલેજ પીરિયડની ઉમર ખૂબ રસપ્રદ હોય છે. આ ઉમરે લગભગ બધા યંગસ્ટર્સ પ્રેમની જે ફિલિંગમાથી પસાર થાય છે તે સામાન્ય પ્રજા સમજી શકતી નથી. ભલે એ ઉમર કાચી કહેવાય પણ તેમાં મનમાં એક પ્રેમનું નિર્મળ ઝરણું જ વહેતું હોય છે. આપણે ત્યાં પ્રેમ શબ્દ અને એમાય વળી કોઈ છોકરા છોકરી વચ્ચેનો પ્રેમ ? ખલ્લાસ… !!! આવું થાય જ કેમ ? અમુક વખતે તો એવા બનાવ પણ બનતા હોય છે કે બગીચામાં પ્રણયફાગ ખેલતા બે પ્રેમી યુવા હૈયાઓ વચ્ચે કબાબમાં હડ્ડી જેવા સંસ્કૃતિનાં રખેવાળો ( જાતે બની બેઠેલા – એમ સમજવું ) કૂદી પડે છે અને તેઓને માર પણ મારે છે. હવે આપણાં દેશનાં સંસ્કૃતિના રખેવાળોને

આ ઉપરથી એક હળવી જોક મગજમાં આવી.

ત્રેતા યુગમાં સીતા અને રામ નામનાં બે પ્રેમી યુગલો વચ્ચે સંપર્ક સાધી તેઓને મેળવવામાં મદદરૂપ થનાર બજરંગબલી હતા.


કળિયુગમાં બગીચામાં બેઠેલા અને કોઈને પણ ના કનડતા બે પ્રેમી યુગલોને જુદા પાડવામાં મદદરૂપ થાય છે બજરંગદળ.

જો કે આ એક હળવી રમૂજ માત્ર હતી. બહુ સિરિયસ ના લેવી.

ચાલો આગળ વધીએ.

પ્રેમ. આ શબ્દ બહુ મજાનો છે. પશ્ચિમી સભ્યતામાં વેલેન્ટાઈન નામનાં સંતના જન્મદિવસને પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવતો અને ત્યાર બાદ આ દિવસ લગભગ અડધું વિશ્વ ઉજવતું હશે. આમાં કશું ખોટું નથી. જે બે યુવાન હૈયાઓ એકબીજાને ચાહે છે તે પરસ્પર એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ, ગુલાબનું ફૂલ આપી પ્રપોઝ કરે છે. આ પ્રેમનું પ્રથમ સોપાન ગણાય. જીવનનાં એક તબક્કે લગભગ ઘણા ખરા યુવાન અને યુવતીઓને વિજાતીય આકર્ષણ હોય જ અને તે સ્વાભાવિક છે. પશ્ચિમના દેશોમાં આ બાબતે મુક્ત વિચારો પ્રવર્તે છે એટ્લે તેમાં કશું અશ્લીલ લાગતું નથી. કોઈને પ્રપોઝ કરી દેવાથી ત્યની સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ જતી નથી. જો કે નુકસાન તો આપણી સંસ્કૃતિને પણ થતું નથી.

પશ્ચિમ પાસે તો પ્રેમ પ્રગટ કરવાનો એક જ દિવસ હોય પણ આપણી પાસે તો આખી વસંત ઋતુ છે. આપણાં જૂના સંસ્કૃતના સાહિત્યને જો તપાસો તો તેમાથી પણ અઢળક એવા પ્રેમી યુગલો વિશે સવિસ્તાર માહિતી મળશે. શૃંગારરસનું જે અદભૂત વર્ણન સંસ્કૃત સાહિત્યમાં મળે છે તે તો લાજવાબ છે. લવ શબ્દ શા માટે આપણે ત્યાં અસ્પૃશ્ય રહ્યો છે ? જેટલું સહજ રેલવે ટ્રેક પર કે ખુલ્લામાં હાજતે બેસવું અહી સહજ છે, જેટલુ સામાન્ય ગમે ત્યાં થૂંકવું કે ગાળો બોલવી કે અંદરોઅંદર ઝગડવું વગેરે છે તેટલું સહજ જાહેરમાં કિસ કે પ્રપોઝ કરવું કેમ નથી ? શું પ્રેમ કરવાથી સંસ્કૃતિમાં તિરાડ પડશે ? ના, પણ આપણો દેશ અને તેની પ્રજા દંભી છે. તેઓ ભૂલી જાય છે કે પ્રેમ તો આપણો વારસો છે.

સદીઓ જૂના લવ આઈકોન આપણે ત્યાં મોજૂદ છે જેણે પોતાના પ્રેમનું આદર્શ ચિત્ર જમાના સમક્ષ મૂકેલ છે. યુરોપ પાસે વેલેન્ટાઈન કદાચ એક જ હશે, કદાચ રોમિયો અને જુલિએટ જેવા પ્રેમી પંખીડા હશે પણ જે છે તેને તેઓએ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી અને તેને અમર પ્રેમી તરીકેની નામના આપી. આજે પણ પ્રેમીઓની વાત આવે એટલે રોમિયો અને જુલિએટ જ યાદ આવે. શા માટે કોઈ ભારતીય પ્રેમીઓને ખાસ યાદ કરતું નથી ?

મહાકવિ કાલિદાસે તો પોતાનાં ત્રણ નાટકોમાં પ્રેમીઓનાં પ્રણયપ્રસંગોનું અદભૂત વર્ણન કરેલ છે. પ્રથમ નાટક ‘માલવિકાગ્નિમિત્રમ’માં જ તેમણે રાજા અગ્નિમિત્ર અને માલવિકાના પ્રણયપ્રસંગોનું વર્ણન કરેલ છે. તેમાં કરેલું પ્રમોદવનનું મનોહર દ્રશ્ય પણ છે. બીજા એક નાટકમાં ‘વિક્રમોર્વશીય’ માં પુરૂરવા અને અપ્સરા ઉર્વશી ની પ્રેમગાથાનું સુંદર વર્ણન છે. સૌથી અમર પ્રેમગાથા કહેવાતી ‘અભિજ્ઞાનશાકુંતલમ’ ને તો ભૂલી જ ના શકાય. રાજા દુષ્યંત અને શકુંતલા નામની સુંદરીની પ્રેમગાથા તો અવર્ણનીય છે. આખા નાટકમાં બંન્ને વચ્ચે પ્રેમનું ખૂબ જ સુંદર નિરૂપણ છે. ‘મેઘદૂતમ’ નામનું લઘુકાવ્ય પણ વિખૂટા પડેલા પ્રેમી પોતાની પ્રિયતમાને આકાશમાં જતાં વાદળો મારફતે સંદેશ પહોંચાડે છે. આમાં પણ પ્રેમને પ્રકૃતિની સુંદરતા સાથે સુંદર રીતે ચિત્રિત કરવામાં આવેલ છે. ‘અભિજ્ઞાનશાકુંતલમ’ નાટક વાંચ્યા પછી જર્મન કવિ ગેટે તેને માથે મૂકી નાચ્યા હતા.

પ્રેમનાં આટલા જ ઉદાહરણો નથી. લવ આઈકોન તો ભારતમાં અઢળક છે. કૃષ્ણને લોકો ઈશ્વરનો અવતાર માનતા હશે. હું તો તેમની સાથે સાથે તેમને લવ આઈકોન પણ માનું છુ. કૃષ્ણ અને રાધા વચ્ચે ગાઢ પ્રેમ હતો. હા, તેઓ ક્યારેય એક બીજાના જીવનસાથી બની શક્યા ન હતા. પણ શું જરૂરી છે કે બે પ્રેમી યુગલોનો પ્રેમનું પરિણામ લગ્ન જ હોય ? શું લગ્ન થાય તો જ બંનેએ પ્રેમ કર્યો કહેવાય અને ન થાય તો શું બંને વચ્ચે લફરા હોય ? આ વિચારસરણી બદલવી પડશે ? જે દેશમાં પ્રેમનાં નામે નાકનું ટીચકું ચડાવવામાં આવે તે દેશનાં મંદિરોમાં કૃષ્ણ અને રાધા સજોડે ઊભા હોય અને એ પણ લગ્ન કર્યા વગર. કૃષ્ણ અને રાધા – આ બે ચરિત્રોને અલગ કલ્પી શકાય ? કૃષ્ણ સાથે ઋકમણીના પ્રેમ વિવાહ પણ આજે લોકો માધવપુરમાં તેની એનિવર્સરીએ ઉજવે છે. કહેવાય છે કે તે સમયે ઋકમણીએ એક પ્રેમપત્ર કૃષ્ણને લખ્યો હતો જે કૃષ્ણએ સ્વીકાર કર્યો હતો. આ પરથી કહી શકાય કે પ્રેમ શબ્દ આપણી સંસ્કૃતિમાં પહેલા કોઈ અછૂત ન હતો.

માત્ર કૃષ્ણ જ શા માટે ? જ્યારે કૃષ્ણની બહેન સુભદ્રા અર્જુનના પ્રેમમાં પડે ત્યારે તેના વિવાહ અર્જુન સાથે કરી આપે છે. આજની 21 મી સદીમાં જીવતા ખાપ પંચાયતના ઠેકેદારો કે આબરૂનો ઠેકો લઈ બેઠેલા ઘરનાં પુરુષોની જેમ તેમણે કોઈ ઈજ્જતના નામે ઓનરકિલિંગ કર્યું ન હતું. એટલા જ માટે મે તેને લવ આઈકોન કહ્યા હતા.

શિવ અને પાર્વતીની ઘણી તસવીરોમાં પણ આપણને બંનેના ચિત્રો અડધા દેખાય છે. આ જ બતાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ શબ્દનું સ્થાન કેટલું ઉત્કૃષ્ટ હતું. એક ઓર ઉદાહરણ. ઘણું શીખવા જેવુ હો આ જોડી પાસેથી. પણ શીખતા કશું નથી. રામ અને સીતા. પ્રેમનું એક અનન્ય ઉદાહરણ એટલે સિયારામ. પતિને થયેલા વનવાસ સમયે પત્ની પોતે ચૌદ વર્ષ સૂધી મહેલનાં મોજશોખ ત્યાગે છે. સ્વેચ્છાએ વનવાસ સ્વીકારે છે. એક રાજાની રાજકુમારી, જનકની દુલારી અને રઘુવંશની પુત્રવધુ સીતા ત્યારે માત્ર રામની પ્રિય પત્ની સીતા બની જાય છે. સીતાના અપહરણ સમયે વિહવળ થઈ રામનું ‘સીતે… સીતે’ કહી આમતેમ ભટકવું એ પ્રેમ છે. અને તેમને પામવાની ઝંખનાથી રાવણ જેવા મહાશક્તિશાળી યોદ્ધા સામે જૂજ સૈન્યબળ સાથે ટકરાવું એ એક પ્રેમની જ તાકાત છે. જ્યારે સીતાનો એક રાજા તરીકે રામ ત્યાગ કરે છે ત્યારે પણ એક પતિ તરીકે મનથી તેને અલગ કરી શકતા નથી. એ સમયે બીજા લગ્ન કરવાની છૂટ હોવા છતાં પણ રામ બીજી કોઈ સ્ત્રીને પરણતા નથી. આ શું સાચો પ્રેમ નથી ?

પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે પોતાનાં પ્રિય પાત્રનાં સુખ અને દુ:ખને જાણવું, તેનાં દુ:ખને સમજવું અને તેની અનુભૂતિ થવી. પ્રેમ એ સૌથી મહાન બંધન છે જેને જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવો અને તમામ બંધનોથી પર છે. પ્રેમ એટલે પ્રિય પાત્ર સાથે જીવવું એમ નહીં, પ્રિય પાત્ર માટે જીવવું.

ઑ. હેનરી નામના વિખ્યાત લેખકની એક શોર્ટ સ્ટોરી The Gift of the Magi ના જિમ અને ડેલાની પ્રણયકથા ખૂબ સુંદર છે. તે બતાવે છે કે સાચો પ્રેમ શું છે. પોતાના ડિયર પતિ જિમ માટે ડેલા એક ઘડિયાળની સોનાની ચેઈન ખરીદવા પોતાનાં મનગમતા લાંબા સુંદર વાળનું બલિદાન આપે છે. બીજી બાજુ જિમ ડેલાના સુંદર વાળ માટે કિમતી કાંસકાનો સેટ ખરીદવા માટે પોતાની મનપસંદ ઘડિયાળ વેચી નાખે છે. અંતે બંને પાસે કોઈની પસંદગીની વસ્તુ રહેતી નથી અને બંનેની ગિફ્ટનો પણ ખાસ અર્થ રહેતો નથી. પણ છતાં બંને એકબીજા માટે અણમોલ ઈશ્વરીય ભેટ સાબિત થાય છે. પ્રેમ એટલે પ્રિય પાત્ર માટે પોતાની પ્રિય વસ્તુનો પણ ત્યાગ કરવાની ક્ષમતા.
પ્રેમને કોઈ અમીરી, ગરીબી સાથે નિસ્બત નથી. અને જે લોકો જ્ઞાતિ, ભાષા, અમીરી, ગરીબી જોઈને પ્રેમ કરે તે પ્રેમ નથી. પ્રેમ એ એકબીજાની કેર કરતાં શીખવે છે. પરસ્પર એકબીજા પર વિશ્વાસ રાખવો એનું નામ છે પ્રેમ. આપણી દંભી પ્રજા કદાચ પોર્ન સ્ટાર સન્ની લીઓની વિષે ઘણા ગંદા વિચારો પ્રગટ કરતાં રહે છે પણ એક વાર તેમનાં અને તેના પતિ ડેનિયલ વેબરના લગ્નજીવનમાં ડોકિયું કરજો. ઘરની ચાર દિવાલ વચ્ચે બંનેનો સહવાસ આદર્શ લગ્નજીવનથી કમ નથી. ડેનિયલ વેબર ક્યાં કોઈ પંજાબી છે કે સનીની જ્ઞાતિ કે દેશનો છે ? છતાં પણ આદર્શ પતિ પત્ની ગણાય છે કારણ કે બંને એકબીજાનાં પ્રત્યે વફાદાર છે.

શાહજહાને પ્રેમનું સૌથી સુંદર સ્મારક બનાવનાર શહેનશાહ ગણવામાં આવે છે. પ્રિય પત્નીની યાદમાં 22 વર્ષના લાંબા ગાળામાં પ્રેમનું પ્રતિક તાજમહાલનું નિર્માણ ભારતમાં જ થયું. આની સામે બીજું એક મહત્વનુ ઉદાહરણ છે. પ્રિય પત્નીના પહાડ પરથી અકસ્માતે પડી જવાથી અવસાન થતાં પહાડની અક્કડતાને પણ ચેલેન્જ આપનારા અને એકલા હાથે ઝઝૂમનારા દશરથ માંઝી પહાડને તૂટવા પર મજબૂર કરી શકે છે. જ્યારે દશરથ માંઝી પર્વત તોડવાનો વિચાર કરે છે ત્યારે તેની સાથે ઊભા રહેનાર કોણ હતું ? કોઈ નહી. બધાએ તો તેને વખોડ્યો, ગાંડો ગણ્યો. પણ 22 વર્ષ સૂધી અડીખમ એકધારો વળગી પડ્યો. દુષ્કાળ આવ્યો, ગામ આખું હિજરત કરી ગયું છતાં દશરથ માંઝી થાક્યા વિના સતત લડતો રહ્યો અને અંતે પર્વતની અક્કડતા તૂટી. શું કારણ હતું કે પર્વતે તૂટવું પડ્યું ? શું કારણ હતું કે પર્વત એક વૃદ્ધ દશરથ માંઝી જેવા સામાન્ય માણસની મક્કમતા સામે ઝૂકી ગયો ? એવી કઈ વસ્તુ હતી જેણે એકલા પડી ગયેલા દશરથને આવડું ભગીરથ કાર્ય કરવાનં પોષણ આપ્યું ?

આનો જવાબ છે પ્રેમ. આ પ્રેમની તાકાત હતી. પ્રેમીઓનાં આવા અદભૂત ઉદાહરણો ભારતમાં થઈ ગયા તો ભારતીય પ્રજાને વેલેન્ટાઈન ડે પ્રત્યે સૂગ શ માટે ? આ દિવસ તો પ્રેમનો છે. પ્રેમ તો કરવા જેવો છે દોસ્તો. આ દિવસમાં આપણને કોઈ કટ્ટરતા પીરસતું નથી. આપણાં યુવાનો બ્રોડ માઈન્ડેડ છે. વ્યાપક વિચારધારા ધરાવે છે. વેલેન્ટાઈન ડેમાં જે સારું છે તે અપનાવી લો. યુવાનોને વસંતપંચમી અને કાલિદાસની પ્રણયકથાઓ વિશે પણ સમજાવો. પ્રેમમાં આપણો સાંસ્કૃતિક વારસો એટલો પ્રબળ છે કે જો તેનો પ્રચાર કરવામાં આવે તો ભૂરીયાઓ પણ મોજથી હેપ્પી વસંતપંચમી બોલે. બાકી વેલેન્ટાઈન ડે ઉજવવામાં તમારી કે મારી સંસ્કૃતિના કચકડા થઈ જવાની નથી. બધા મોજથી બંને દિવસો ઉજવો.

Happy Valentine’s day.

બાય ધ વે, આ વેલેન્ટાઈનને કોઈ ગર્લફ્રેન્ડ કે પ્રિયતમાં હતી કે નહીં ???

~ રવિકુમાર સીતાપરા

રીજ આવી નવી  નવી વાર્તાઓ કે વિચાર લેખ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી