કૅનેડામાં ચાલી રહેલી શિક્ષકોની હડતાલથી ભારતીય વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ

કેનેડા દેશના ઓન્ટેરીઓ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી શિક્ષકોની હડતાલ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને ભણવાનું એક મહિનાથી બંધ છે. આ અઠવાડીએ પણ શિક્ષણ શરુ થાય એવા કોઈ એંધાણ દેખાતા નથી.

કેનેડા દેશ જમીન પ્રમાણે ભારત કરતા આશરે ૪ ગણો મોટો દેશ છે. અને વસ્તી સાડા ત્રણ કરોડ ! હા, ગુજરાત કરતા પણ ઓછી.
તેમ છતાં આ લોકો ખાલી એક રાજ્યમાં ચાલી રહેલી શિક્ષકોની સામાન્ય હડતાલનો ઉકેલ પણ એક મહિના સુધી લાવી શકતા નથી.

મેં ૧૯ વર્ષ ભારતમાં શિક્ષણ લીધું છે. મને યાદ નથી કે એવો એક પણ દિવસ હોય જેમાં શિક્ષકોની હડતાલના કારણે મારે ઘરે બેસી રહેવું પડ્યું હોય. અરે શિક્ષણ છોડો ! કોઈ પણ વિષયની હડતાલ આપણા દેશમાં ૧-૨ દિવસથી વધારે ચાલતી નથી. કાયમી નહિ તો કમ સે કમ હંગામી ઉકેલ તરત જ આવી જાય.
ક્યારેય એવું સાંભળ્યું ભારતમાં કોઈ હડતાલ એક મહિના સુધી ચાલી હોય ? હા, કદાચ ભૂતકાળમાં એવું બન્યું પણ હોય પરંતુ એનું કારણ ખુબ જ ગંભીર હશે. શિક્ષકોની ફીસ વધારો કે એવું કોઈ સામાન્ય કારણ તો નહિ જ હોય જેનાથી દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર રહે.

ગયા વર્ષે આપણા દેશમાં નોટબંધી થઇ. દેશની પ્રજાએ ઘણી મુશ્કેલી ભોગવીને પણ સરકારને મદદ કરી. આશરે ૨ મહિનામાં તો આપણે દેશની પરિસ્થિતિને નિયંત્રણમાં કરી દીધી હતી. ( નોટબંધીથી દેશને ફાયદો થયો કે નુકસાન એ વિષય ઉપર અહીંયા કોઈ ચર્ચા નથી કરવાની )

કલ્પના કરો કેનેડામાં નોટબંધી થઇ હોય તો આ દેશની શું હાલત થાય ?
શિક્ષકોની સામાન્ય હડતાલનું નિવારણ લાવવામાં એક મહિનો લગાડતા હોય એ દેશમાં અણધારી નોટબંધી આવે તો પરિસ્થિતિ થાળે પડતાં કેટલા મહિના લાગે ?

ભારતમાં અત્યારે ઘણી બધી સમસ્યાઓ છે એ હકીકત છે. પણ તમે ભૂગોળ પ્રમાણે જોવો તો ભારત ચારેય બાજુ આતંકવાદથી ઘેરાએલો દેશ છે. ભારતમાં કોઈ આતંકવાદીને ઘૂસણખોરી કરવી હોય તો ઘણું સહેલું છે.
જયારે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા વિક્ષિત દેશોને પાડોસી દેશ તરફથી આવો કોઈ ભય નથી.
ઉપરોક્ત ત્રણમાંથી એકેય દેશને તમે ભારતની જગ્યાએ મૂકી દ્યો એટલે ખાલી ૫ જ વર્ષમાં એ દેશ બરબાદ થઇ જાય. આટલી બધી સમસ્યાઓની વચ્ચે ઘેરાયને માત્ર ભારત જ ટકી શકે અને આગળ વધી શકે.

ભારતની અંદર પણ વસ્તી, ભ્રસ્ટાચાર, બેરોજગારી, ગંદકી, જાતિવાદ વગેરે વગેરે જેવી અનેક સમસ્યાઓ જોવા મળશે છતાં પણ હિંદુસ્તાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આશરે ૧૩૦ કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ છે. સ્વભાવિક છે કે તમે દરેક વ્યક્તિની અપેક્ષાઓ પૂરી ન કરી શકો. તેમ છતાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ કારણથી હડતાલ થાય એટલે તરત જ એનો ઉકેલ આવી જાય છે. કેનાડાની જેમ લાંબા સમય સુધી માણસો હેરાન નથી થતા – ખાસ કરીને વિદ્યાર્થીઓ !

ભારત દેશ ઘણો ઝડપથી આગળ વધી રહ્યો છે એનું મુખ્ય કારણ આપણી સાહસીક અને સમજદાર પ્રજા છે. બસ જરૂર છે થોડી ધીરજ રાખવાની !

લેખક : મૌલિક જગદીશ ત્રિવેદી

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી