પંજાબી મટર પનીર પંજાબી ખાવાના શોખીનો માટે ખાસ બનાવો આ સબ્જી ખુબ ટેસ્ટી છે

પંજાબી મટર પનીર

મિત્રો, શું આપ પંજાબી સબ્જી ખાવાના શોખીન છો ? તો હવે બહારથી લાવવાની જરૂર નથી. કારણ કે આજે હું હોટેલ  જેવી પંજાબી સબ્જીની રેસિપી શેર કરવા જઈ રહી છું  જે માત્ર ટેસ્ટી નહિ, હેલ્ધી પણ છે.
સામગ્રી :
 200 ગ્રામ લીલા વટાણા,
 200 ગ્રામ પનીર,
 2 મીડીયમ સાઈઝના ટમેટા,
 2 મીડીયમ સાઈઝના કાંદા,
 1/2 ઇંચ આદુ,
 2 લાલ મરચાં,
 1/2 ટેબલ સ્પૂન લીંબુનો રસ,
1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું,
 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર,
 1/2 ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો,
 2 ટેબલ સ્પૂન ઘી,
 1/2 ટેબલ સ્પૂન હળદર,
 1/2 ટેબલ સ્પૂન ખાંડ,
 થોડું લસણ ( લીલું અથવા સૂકું ),
 ચપટી હિંગ પાવડર,
 મીઠું સ્વાદપ્રમાણે
 સીઝનિંગ માટે તજ, સૂકા બે મરચા, તમાલપત્ર, બાદિયા અને 2 નંગ એલચી,
 4 ટેબલ સ્પૂન તેલ,
રીત :
સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેમાં લીલા વટાણા નાખો, લીલા વટાણા નાખી ઢાંકણ તુરંત ઢાંકી દો જેથી તેલના છાંટા ના ઉડે. ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ શેલો ફ્રાય કરવા. બાફીને પણ ચાલે પરંતુ શેલો ફ્રાય કરવાથી સરસ ટેસ્ટી બને છે.
ત્યાબાદ તેને એક બાઉલમાં કાઢી લો. તેલ કડાઈમાં રહેવા દેવું.
તેજ કડાઈમાં આદું, લસણ અને મરચાને 1 મિનિટ સુધી શેલો ફ્રાય કરો પછી તેમાં લીલું લસણ ઉમેરો. ત્યારબાદ લાંબી કાપેલી ડુંગળી ઉમેરી સાંતળો પછી ટમેટાં નાખી 2 મિનિટ સાંતળો.
2 મિનિટ પછી ગેસ બંધ કરીને ઠંડુ પાડવા દો. ઠંડુ થાય પછી તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો.હવે કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ અને 2 ટેબલ સ્પૂન ઘી લો, બંને માંથી કોઈ એક પણ લઇ શકાય, ઘી આપણી સબ્જીને રિચ ટેસ્ટ આપે છે. પછી તેમાં તજ, તમાલપત્ર, સૂકા મરચાં, બાદિયા નાખો, 2 એલચી દાણાને પ્રેસ કરીને નાખવા. આ રીતે સૂકા મસાલા નાખવાથી સબ્જી સ્વાદિષ્ટ અને સુંગધી બને છે.
 તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર અને અડધો કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં મિક્સરમાં બનાવેલી પેસ્ટ ઉમેરો. બરાબર હલાવીને મિક્સ કરો અને થોડીવાર ચડવા દો. ત્યારબાદ તેમાં અડધો કપ(125 મિલી) પાણી ઉમેરો, પાણીની જગ્યાએ છાશ અથવા દહીં પણ નાખી શકાય.
 ઢાંકણ ઢાંકીને 2 મિનિટ ચડવા દેવું, આપણે વેજિટેબલ્સને શેલો ફ્રાય કરેલા છે માટે વધારે ચડવા દેવાની જરૂર નથી. તેમાં મીઠું, ધાણાજીરું, બચેલો કીચન કિંગ મસાલો, લાલ મરચું પાવડર, સુગર પાવડર અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો. તેમાં પનીર અને વટાણા નાખો. પનીરને શેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરીને પણ નાખી શકાય. 2 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો જેથી વટાણા અને પનીરમાં ગ્રેવીનો ટેસ્ટ ભળી જાય.
તો તૈયાર છે ટેસ્ટી અને ચટાકેદાર મટર-પનીરની પંજાબી સબ્જી, તેને કોથમીરથી ગાર્નિશ કરી રોટી અથવા પરાઠા સાથે સર્વ કરો.
ટેસ્ટ વેરિએશન માટે 1 ટેબલ સ્પૂન બેસન ને ઘીમાં રોસ્ટ કરીને નાખી શકાય.

 

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડિયો જોવામાટે અહીં ક્લિક કરો :

ટીપ્પણી