માતાપિતાએ શીખવેલો બગાડ : મહેરબાની કરીને આ લેખને હળવાશથી ન લેશો !!

જયારે બહુ નાનાં બાળકોને, માતાપિતા બધું જ શ્રેષ્ઠતમ આપવા મેદાનમાં ઉતારે છે ત્યારે તેઓ ભવિષ્યનો એક એવો માણસ તૈયાર કરે છે જે ભૌતિકવાદી બને છે. આવું બાળક મોટું થઈને ડરપોક,નબળું અને કાયર પૂરવાર થાય છે.

હવે સ્વબચાવ કરવા ન બેસશો. મારી પાસે પૂરતા પુરાવાઓ છે.

હું એક સલાહકાર છું અને મારા એ સ્થાન પર બેસીને હું લગભગ રોજ એક નવી મુશ્કેલી જન્મેલી જોઉં છું. જેને મેં નામ આપ્યું છે- ‘માતાપિતાએ શીખવેલો બગાડ’
થોડા ઉદાહરણો ટાંકુ છું-

* ૨૬ વર્ષીય માનસને પોતાની ઇજનેરની ડિગ્રી મેળવવામાં કોઈ રસ નથી રહ્યો…કારણ માત્ર એટલું જ કે તેને નથી લાગતું કે તેણે ભણવું જોઈએ.
હા, પણ તે માબાપને પૈસા આપવા માટે સતત દબાણ કરતો રહે છે.

તેણે મને કહ્યું કે જયારે તેને કોઈ કામ નથી ગમતું ત્યારે તેના માતાપિતા તેને એ કામ છોડી દેવા કહે છે.
માતાપિતાએ હંમેશ એમ જ કહ્યું છે કે તેના ઉછેર દરમિયાન તેને ક્યાંય “ભારણ” ન લાગવું જોઈએ.

૩૪ વર્ષનો રાઘવ કે જે વ્યવસાયિક રીતે એન્જીનીયર છે અને બે વર્ષથી પરણેલો પણ છે, તેને તેની પત્ની છોડી જવા માંગે છે. માટે રાઘવ હવે મારી મદદ લેવા આવ્યો છે.
રાઘવ સારું ભણેલો છે, બરાબર છે, પણ તે કોઈ નોકરી સ્થિરતાથી કરી નથી શકતો, કારણ તેને સતત તણાવનો અહેસાસ થાય છે.

દર બે મહિને તે દોડતો માતાપિતા પાસે તેમના ઘરે પહોંચી જાય છે અને ઈચ્છે છે કે જયારે તે બાળક હતો અને સ્કૂલે ન જવા કહેતો ત્યારે તેના પ્રશ્નો માતાપિતા હલ કરતાં..બસ બરાબર એજ રીતે હજુ પણ તેઓ જ બધા હલ લાવે.

૨૮ વર્ષની અંજલિ એક વર્ષથી પરણેલી છે. પણ તે પતિ જોડે રહેવા નથી માંગતી. કેમકે ઓફિસમાં ખૂબ કામ કામ રહે છે અને ઘરનું કામ પણ તેને કરવું પડે છે.
તે ઈચ્છે કે તેની માતા તેની સાથે રહે અને ઘરનું બધું કામ માતા કરી આપે !

આવા તો ઘણા કિસ્સાઓ છે.

આ બધાનું મૂળ માતાપિતા દ્વારા બાળપણમાં લેવાતી અતિ પડતી કાળજી અને શ્રેષ્ઠતમ સગવડો આપવાનો આગ્રહ છે.
બરાબર છે કે તમે તમારાં બાળકોને બહુ ચાહો છો, પણ જયારે તમે તેમને જીવનની સાહજિક વિષમતાઓથી બચાવ્યા કરશો ત્યારે તમે તેમને એક શૂન્યાવકાશમાં ઉછેરશો.

પરિણામે જયારે તેઓ વાસ્તવિક જગતમાં ઊભાં રહેશે ત્યારે તેમની લડવાની શક્તિ હણાઈ ગઈ હશે અને તેમને ગૂંગળામણ થતાં તેઓ તે દરેક વસ્તુ કે પરિસ્થિતિને છોડીને ભાગશે જેમાં તેમને તકલીફ લાગે છે.

તેમણે આ જ દુનિયામાં, તમારાથી અલગ રહેતાં શીખવાનું છે.

શું તમે એમને ખરેખર ચાહો છો ?

કે તમે તમારી જાતને વધુ ચાહો છો ?

જો ખરેખર તમે તમારાં બાળકોને ચાહતા હોવ તો એમને ભવિષ્ય માટે તૈયાર કરો-ભલે તેઓ લડતાં,પડતાં અને શીખતાં. તમે બાળકોને સાથ,સહકાર અને ટેકો અવશ્ય પૂરો પાડજો પણ તેમને જાતે જ કામ, ભણતર અને વિષમતાઓ સામે તૈયાર થવા દેજો.

કહી દો બાળકોને કે અમુકથી વધુ પૈસા તો નહીં જ ખરચવામાં આવે અને તેમણે કરેલી માંગ કે જીદ સામે “ના” સાંભળવાની ટેવ પાડો.

આ જ ખરેખર તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા જરૂરી છે.

ડો.સપના શર્મા : સાયકોથેરાપીસ્ટ, સ્પિરિચુઅલ કાઉન્સેલર.

(અનુવાદ : રૂપલ વસાવડા)

આ લેખ પર તમારા મંતવ્યો આવકાર્ય !!

ટીપ્પણી