મસાલા બૂંદી – નાસ્તામાં કે ભેળ બનાવતી વખતે ઉપયોગી આ બુંદી એકવાર બનાવી રોજ બાળકોને આપી શકો છો…..

મસાલા બૂંદી

મસાલા બૂંદી , ઘરે બનાવો , એકદમ સરળ રીતે .. સામગ્રીના પણ લાંબા લિસ્ટ નહી અને સ્વાદ માં ઘણી ઉત્તમ. આ બૂંદી તમે બાળકો ને સાંજે નાસ્તા માં કે ડુંગળી ટામેટા ભેળવી ચાટ માં કે રાયતા માં પણ વાપરી શકો.. 

સામગ્રી :: 

  • 2 વાડકા ચણા નો લોટ,
  • તળવા માટે તેલ,
  • થોડા લીમડા ના પાન,
  • થોડી કાચી શીંગ,
  • મીઠું,
  • મરચું,
  • ચાટ મસાલો.

રીત :::

સૌ પ્રથમ બનાવીએ બૂંદી નું બેટર .. ચણા ના લોટ ને ચાળી ને બાઉલ માં લો. પ્રશ્ન થશે , કેવો ચણા નો લોટ !?? જાડો કે ઝીણો ?? મેં અહીં ઝીણો લોટ , જે આપણે સામાન્ય ઉપયોગ માં લેતા હોઈએ એ જ વાપર્યો છે. કરકરો લોટ પણ ઘણા વાપરતા હોય છે, ઘણા બંને મિક્સ કરી ને પણ બનાવતા હોય છે. 

હવે લોટ માં થોડું પાણી ઉમેરી, એકદમ હલાવો.. થોડું થોડું પાણી ઉમેરશો તો લોટ ના ગાઠા નહિ થાય. હવે પ્રશ્ન થશે કેટલું પાણી ઉમેરવું.. 

પુડલા જેવું બેટર બન્યા પછી ચમચી ના પાછળ ના ભાગ ને બેટર માં ડુબાડી ગરમ તેલ માં ટીપા પાડો.. જો એ તરત પડે તો બૂંદી સરસ ગોળ બનશે અને પડતા વાર લાગશે તો બૂંદી લાંબી બનશે.. 

બૂંદી ને બનાવા ના જારા તૈયાર મળે છે. જો એ હાજર હોય તો એનાથી જ બૂંદી પાડો. મારી પાસે બૂંદી નો જારો તૈયાર ના હતો તો મેં પુરી તળવા ના જારા થી બૂંદી પાડી છે .. 

બૂંદી ના બેટર માં 3 ચમચી ગરમ તેલ ઉમેરો અને સરસ ફેંટો.. બૂંદી માં બેટર માં મેં મીઠું નથી ઉમેર્યું, આપણે ઉપર થી જ ઉમેરીશું.. પુરી ના જારા ને ગરમ તેલ ની કડાય માં પર રાખી ચમચા થી બેટર જરા પર પડતા જાઓ અને ચમચો જારા પર ઘસતા જાઓ… જારા માંથી નાના મોતી પડે એમ ટપાટપ બૂંદી તેલ માં પાડવા માંડશે .. 

ફૂલ ગેસ પર તળો.. બૂંદી કડક થાય ત્યાં સુધી તળો.. હલાવતા રેહવું જેથી બૂંદી એકસરખી તળાય.. લીમડો અને કાચી શીંગ પણ તળી ને સાઈડ પર રાખી દો..તળાયા બાદ ટીસ્યુ પેપર પર રાખી દો જેથી વધારા નું તેલ બધું નીકળી જાય..ત્યારબાદ બૂંદી પર મીઠું, લાલ મરચું , ચાટ મસાલો અને તળેલા શીંગ , લીમડો પણ ઉમેરો ને હળવા હાથે બધું મિક્સ કરી લો… 

લો તૈયાર છે મસાલા બૂંદી.. એર ટાઈટ ડબ્બા માં ભરો અને જરૂર મુજબ વાપરો

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી