“મર્યાદા” – વૃદ્ધાવસ્થા ની એક વાત !

રાજીવના લગ્ન લીધે આજ અઠવાડિયું થઇ ચૂક્યું હતું . ઓસરી પર હીંચકે એકલા બેઠેલા જનક રાયને નમાયા દીકરાને એની પસંદગીની છોકરી પ્રિયા સાથે ધામધૂમથી પરણાવ્યાનો સંતોષ હતો . રહી રહીને દિલના એક ખૂણેથી ટીસ ઉપડતી હતી કે આજે કદાચ ઉર્મિલા હોત તો …, પણ એ તો ચાર વર્ષના રાજીવને જનક રાયના સહારે મૂકીને ક્યારની આગળ નીકળી ગઈ હતી .

છેલ્લા ત્રેવીસ વર્ષમાં એકલા હાથે રાજીવને ઉછેરતા ઉછેરતા જનકરાય યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થાની સરહદ ક્યારે ઓળંગી ગયા હતા એનો એમને ખ્યાલ સરખો પણ નોતો રહ્યો. ત્રેવીસ વર્ષનું આકરું તપ જનક રાયે કર્યું હતું. તો રાજીવને મન પણ પિતાનું સ્થાન ભગવાનથી ઓછું ન હતું .

જનકરાયે હળવેથી હીંચકો રોકી દીધો . ધોયેલાં કપડાની ડોલ લઈને પુત્રવધૂ પસાર થઇ ગઈ . આંગણામાં વળગણી ઉપર પ્રિયાની લાલ સાડી હવે સુકાઈ રહી હતી . ઉર્મિલા પાસે પણ આવી જ સાડી હતી ને ?

ચમેલીનું અત્તર લગાવીને લાલ સાડી પહેરીને એ જયારે જનક રાય પાસેથી પસાર થતી , ત્યારે જનક રાયનું શરીર પગથી માથા સુધી ઝણઝણી જતું .

“બળ્યું ..રાતું કપડું જોયું નથી , અને માતેલા સાંઢ થઇ જાઓ છો .” ઊર્મિ મીઠો છણકો કરતી .
“એ ચમેલીનું અત્તર હવે તો ક્યાં ..?” ..ઓસરીમાં આંટા મારતા જનકરાય ,ઊંડો શ્વાસ લઈને જાણે એ ખુશ્બૂ હવામાંથી પકડવાનો વાંઝિયો પ્રયત્ન કરી રહ્યા .

જનક રાય પોતાની જ જાણ બહાર એ ઓશરીના પગથિયાં ઉતરીને આંગણામાં આવી ચૂક્યા હતા . લાલ સાડી પાસે પેલી ઊર્મિ ઊભી હતી કે શું ..?, સહસા જ લાલ સાડીનો છેડો જનકરાયના હાથમાં હતો , અને છેડો એમના નાક સુધી પહોંચીને ચમેલીની ખુશ્બૂ શોધી રહ્યો હતો . હમણાં ઊર્મિ બોલશે …”માતેલા સાંઢ જેવા ..” …

ઉપલા માળની બારીમાં ક્યાંક ખખડ્યું . પુત્રવધૂ અણગમા અને ફિટકાર ભરી નજરે જનક રાય તરફ જોઈ રહી હતી .” તપો ભંગ ” થઇ ચૂક્યો હતો …!! ..મર્યાદા ઓળંગાઈ ચૂકી હતી .

બીજીજ ક્ષણે ક્ષોભિત જનક રાયે, એમના પોતીકા ઘરનો ઝાંપો ખોલીને ઘરની મર્યાદા પણ એક છેલ્લી વાર ઓળંગી . “તપો ભંગ” ની શિક્ષા ભોગવવા રાજીવ અને પ્રિયાની જિંદગીમાંથી, તેઓ કાયમ માટે અલોપ થઇ ગયા.

લેખક : હેમલ વૈષ્ણવ

ટીપ્પણી