મારો વર્તમાન અને ભૂતકાળ – અણધાર્યા વળાંકો ધરાવતી વાર્તા તમને છેક સુધી જકડી રાખશે.

મારા વર્તમાનને ભૂતકાળ સાથે ન માપ દોસ્ત,
કેટલાંય પાસા ત્યાં હજીય અણદેખ્યા રહ્યા હશે.

‘આ વિષય પર મારે હવે એક પણ શબ્દ નથી સાંભળવો.’ નિરવે તેના દીકરા દેવમને કહી દીધું, અને દેવમ ભીની આંખે ફર્શ પર પગ પછાડી પોતાના રૂમ તરફ ચાલવા માંડ્યો. નિરવને ખબર હતી કે, આટલી નાની વાતમાં તેણે દીકરા સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી પરંતુ તેના દિમાગમાં ચાલતા ઓફીસના ટેન્શન્સને કારણે તેનાથી દેવમ પર ગુસ્સે થઈ જવાયું. એક તો આવતીકાલે આવનારા ફોરેન ડેલિગેટ્સને કંપનીની નવી પ્રોડક્ટ્સ અંગે પ્રેઝન્ટેશન આપવાનું હતું અને હજી તે પ્રેઝન્ટેશનની ત્રણ સ્લાઈડ પણ તેનાથી તૈયાર નહોતી થઈ શકી. નિરવને ખબર હતી કે જો બીજા એકાદ કલાકમાં તેણે આ પ્રેઝન્ટેશન ખતમ નહીં કર્યું તો ઊંઘવામાં મોડું થશે અને કાલે વળી પાછું સવારે વહેલાં ઓફિસ જવાનું છે, મિટીંગ્સ લેવાની છે અને ત્યારબાદ પ્રેઝન્ટેશન. ઊંઘ પુરી નહીં થઈ તો દિવસ આખો બગડશે અને પ્રેઝન્ટેશન પુરું નહીં થયું તો મેનેજમેન્ટ તેના પર બગડશે. આમ પણ છેલ્લાં ત્રણ દિવસથી મેનેજમેન્ટ સાથે તેની એક યા બીજા વિષય પર ચળભળ ચાલી રહી હતી. જેનાં ટેન્શનમાં આમેય તેનું દિમાગ ચાલતું નહોતું, અને તેમાં વળી દેવમ જીદ્દ લઈને બેઠો હતો.

આખરે, પપ્પા તેના પર નાહકના ગુસ્સે થયા તે વાતથી ચિડાયેલો દેવમ તેના રૂમમાં ચાલી ગયો અને નાઈટ લેમ્પ ચાલૂ કરી સ્ટડી ટેબલ પર મૂકેલી તેની ડાયરી તેણે ખોલી અને તેમાં ચિતરામણ કરતો હોય તે રીતે ઝડપથી કંઈક લખી નાખ્યું. જાણે ડેડા પરનો બધો ગુસ્સો તેણે આ ડાયરીના પાના પર ઠાલવી નાખ્યો હોય તે રીતે તેણે લખાણ પુરું કરી ધડામ દઈને ડાયરી બંધ કરી અને બોલપેન ટેબલ પર ફેંકી દીધી. દેવમને ક્યારેય નહોતું ગમતું કે કોઈ તેની આ અંગત ડાયરી વાંચે આથી હંમેશા તે લખી લીધા પછી તેની ડાયરી ટેબલના નીચેના ખાનામાં પાછળ તરફ સરકાવી દેતો. આજે પણ તે જ રીતે તેણે ડાયરી અંદર સરકાવી અને નાઈટ લેમ્પ બંધ કર્યા વગર જ પથારીમાં જઈ સૂઈ ગયો. નિરવને પીપીટી તૈયાર કરતા સાડા બાર જેવા થઈ ગયા. હવે થાકને કારણે તેની પણ આંખો ઘેરાવા માંડી હતી આથી તેણે ‘થેન્ક યુ’ લખેલી છેલ્લી સ્લાઈડ પીપીટીમાં એટેચ્ડ કરી અને લેપટોપ બંધ જ કરતો હતો ત્યાં લેપટોપની હોમસ્ક્રીન પર દેખાતા દેવમના હસતા ચહેરા પર તેની નજર પડી અને તે મનોમન બોલ્યો, ‘મને માફ કરી દેજે દીકરા, મારાથી આજે તારા પર નાહકનો ગુસ્સો થઈ ગયો. પણ તને કઈ રીતે સમજાવું કે મારે ઓફિસમાં શું શું લફરાં ચાલે છે, અને ઉપરથી અર્ણવ પણ… આ બધુ સમજવા માટે હજી તું ખુબ નાનો છે દીકરા. પણ બની શકે તો મને માફ કરી દેજે.’ લેપટોપની સ્ક્રીન ઓફ થઈ એટલે નિરવે તે બેગમાં મૂક્યું અને સૂવા જતા પહેલાં તે દેવમના રૂમમાં ગયો, દીકરાના માથે હાથ ફેરવ્યો અને તેના કપાળે એક હળવી પપ્પી કરી, આ ક્ષણે તેની પણ આંખો જરા ભીની થઈ ગઈ હતી.

બીજા દિવસની સવારે દેવમ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તેના સ્ટડી ટેબલ પર એક કવર પડ્યું હતું, કવર પર નિરવના અક્ષર હતાં. ‘ત્રણ ત્રણ દિવસ સુધી તું તારા ડેડાથી દૂર હશે, તે મને નહીં ગમે પણ છતાં, તને ખુબ મન છે તો તું જઈ આવ. આ સાથે તારા ટુરના પૈસા મૂક્યા છે, આજે રજીસ્ટ્રેશન કરાવી દેજે.’ ચિઠ્ઠી વાંચતાની સાથે જ દેવમ કૂદવા માંડ્યો. તે તરત પપ્પાના રૂમ તરફ દોડ્યો. પરંતુ આજે ઈમ્પોર્ટન્ટ પ્રેશન્ટેશન હોય નિરવ ઓફિસ જવા માટે વહેલો નીકળી ગયો હતો. તેણે પણ તેના પપ્પાની જેમ જ એક કાગળ લીધો અને તેમાં લખ્યું, “આઈ લવ યુ સો મચ્ચ ડેડા…! યુ આર અ ગ્રેટ ડેડા ઈન ધીસ વર્લ્ડ!’ અને ચિઠ્ઠીને એક પપ્પી કરી તેણે ડેડાના બેડ પર પડેલાં ઓશિકા પર તે કાગળ મૂકી દીધો.

આખા દિવસની માનસિક કળાકૂટ અને જબરદસ્ત પ્રેશર વચ્ચે નિરવનો દિવસ પૂર્ણ થયો અને સાંજે ઘરે આવતી વખતે તે આજે તેના અને દેવમ માટે પિત્ઝા લેતો આવ્યો. આજે તેને ઘરે રાંધવાવાળી બાઈએ બનાવેલું ખાવાનું ખાવાની જરાય ઈચ્છા નહોતી. દેવમ ટી.વી પર કાર્ટૂન જોતો હતો તે ડેડાને આવેલા જોઈ દરવાજા તરફ દોડ્યો અને નિરવને ભેટી પડતા તે બોલ્યો, ‘માય ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ ડેડા… આય લાવ યુ! ઓહ, પિત્ઝા!’ દેવમે નિરવના હાથમાંથી બોક્સ લઈ લીધું અને રસોડા તરફ દોડ્યો. ‘ટૂરમાં નામ લખાવી દીધું?’ નિરવે પૂછ્યું. ‘યસ ડેડા, લખાવી દીધું. તમને ખબર છે? શૈલી, આરોહ અને સાશ્વતી પણ આવવાના છે. મારા બધ્ધા ફ્રેન્ડ્સ ટૂરમાં આવવાના છે ડેડા. મજા પડી જવાની.’ દેવમ બોલ્યે જતો હતો અને દીકરાને ખુશ થઈ રહેલો જોઈ નિરવ પણ જાણે આખા દિવસનો થાક ભૂલી ગયો. કદાચ નિરવની ખુશીનું એક કારણ એ હતું કે, કાલે સવારે અર્ણવ પણ આવી જવાનો હતો.

નિરવ અને દેવમ પિત્ઝાની ડિશ લઈને બેઠા હતા, ત્યાં જ ડોરબેલ વાગી, દેવમ દોડ્યો અને દરવાજો ખોલ્યો તો બાજૂવાળા જોષીકાકા અને કાકી આવ્યા હતા. કાકીના હાથમાં ડબ્બો જોઈ દેવમે તરત પૂછ્યું, ‘આ માં શું છે બા?’ ‘આ માં મારા દેવમ માટે બાએ બનાવેલી ગોળપાપડી છે… લે ચાલ દોડતો જઈને આ ડબ્બો કીચનમાં મૂકી આવ જોઉં!’ કાકીએ ડબ્બો દેવમના હાથમાં આપ્યો અને તે લોકો નિરવ બેઠો હતો ત્યાં જઈ બેઠા. એકબીજાના ખબર અંતર પૂછ્યાં અને કાકા-કાકીએ થોડી ઔપચારીક વાત પછી ફરી જૂની વાત માંડી. ‘નિરવ અમારી વાત માની લે ભાઈ, દેવમ હજી નાનો છે, તું બીજા લગ્ન કેમ નથી કરી લેતો? અમને ખબર છે કે તું આ બાબતે કેટલીયવાર ના પાડી ચૂક્યો છે પણ, આ તો ભાઈ તારા અને દેવમ માટે લાગણી તેથી કહીએ છીએ, અમે જમાનો જોયો છે દીકરા, કાલે ઊઠીને દેવમ મોટો થશે, તે તેના સંસારમાં વ્યસ્ત થઈ જશે પછી તું સાવ એકલો પડી જશે નિરવ બેટા, ત્યારે આ ડોસીને યાદ કરજે કે, માજીની વાત માની લીધી હોત તો સારું થાત.’ બાજૂમાં રહેતા જોષીકાકા અને તેમના પત્ની ખૂબ માયાળુ હતા નિરવને અને દેવમને તે લોકો પોતાના દિકરા અને પૌત્રની જેમ ચાહતા પણ બસ બંનેની માત્ર એક જ મોટી તકલીફ હતી અને તે એ કે બંને ડોસલાંઓ ગમે-તે વાત કરતા હોય અંતે ગમે ત્યાંથી નિરવના બીજા લગ્નની વાત લાવીને મૂકી દેતા. નિરવે શાંતિથી કહ્યું, ‘દેવમ હજી ખૂબ નાનો છે બા, તમે ક્યાં અત્યારથી તેના લગ્નની વાત લઈ આવ્યા. ત્યારનું ત્યારે જોવાઈ જશે.’ ‘હા, એ જ ને તારી વાત સાચી છે નિરવબેટા, તારી કાકીને કંઈ સમજ પડતી નથી. દેવમ હજી કેટલો નાનો છે.’ ડોસીએ ખોટી વાત કરી નાખી હોય તેમ તેને રોકતા જોષીકાકાએ કહ્યું અને પછી તરત બોલ્યા. ‘પણ દેવમ હજી નાનો છે એટલે જ અમે કહીએ છીએ નિરવ, નવી છોકરી આવશે તો દેવમ પણ તેની સાથે સેટ થઈ જશે. મોટો થયા પછી કદાચ તે તેની નવી માને સ્વીકારે, ન સ્વીકારે, કોને ખબર?’ કાકાએ વળી જૂદી રીતે, પણ સલાહનું વહેણ તો તે જ જાળવી રાખ્યું. તે લોકોની આ બધીય વાતો દેવમ શાંતિથી સાંભળી રહ્યો હતો. તે ઘડીકમાં તેના ડેડા તરફ જોતો તો ઘડીકમાં જોષીકાકાને કાકી તરફ. નિરવે ધીમે રહી દેવમને પોતાની પાસે ખેંચ્યો અને ખોળામાં માથું મૂકાવી તેના વાળમાં હાથ ફેરવતો રહ્યો. તેને ખબર હતી કે આજે કાકા-કાકી અને ડેડાની વાત લાંબી ચાલવાની હતી. કાલે શનિવાર હોવાથી પોતાની સ્કૂલ પણ બપોરે હતી અને ડેડાને પણ છુટ્ટી હતી આથી કાકા-કાકી પણ આજે લાગ જોઈને જ વાત કરવા આવ્યા હતા. દેવમને માટે પણ હવે તેના ડેડાના બીજા લગ્નની વાત નવી નહોતી. જમાનાના ખાધેલ જોષીકાકા અને કાકીએ દેવમને નિરવની ગેરહાજરીમાં પાસે બેસાડી બધું જ ખૂબ સારી રીતે સમજાવ્યું હતું. અને દેવમ ભલે હજી મોટો નહોતો થયો પરંતુ કાકા-કાકીની વાત ન સમજી શકે અને તેના ડેડાની પરિસ્થિતિ ન જાણી શકે એટલો નાનો પણ નહોતો જ.

સાક્ષી અને અને નિરવના લગ્ન થયાને ત્રણ વર્ષ પછી દેવમ જનમ્યો હતો. પરંતુ દેવમના જન્મ પછીના બીજા જ મહિનાથી સાક્ષીની અબિયત લથડવા માંડી હતી. સામાન્ય તાવ અને ડિલીવરીને કારણે નબળાઈ હશે તેમ માની ડોક્ટરની દવા શરૂ કરી પણ પંદર દિવસ નીકળી જવા છતાં સાક્ષીને ખાસ કોઈ ફરક જણાતો નહોતો. આથી તે લોકોએ ગાયનેકોલોજીસ્ટને દેખાડ્યું, તેમણે જે પ્રમાણે સુચવ્યું તે પ્રમાણે રિપોર્ટ્સ કઢાવ્યા તો ખબર પડી કે દેવમની ડિલીવરી પછી સાક્ષીને ગર્ભાશયમાં ચેપ લાગી ગયો હતો અને તેને કારણે તેના ગર્ભાશયની દિવાલ ખૂબ નબળી પડી ગઈ હતી. અને તે લોકો ગાયનેક ડોક્ટર પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં વાત ખૂબ બગડી ગઈ હતી. ઘરમાં દેવમને જોષીકાકા અને કાકીને ભરોસે મૂકી બંને પતિ-પત્ની ડોક્ટરને ત્યાં દોડતા રહેતા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું અને આખરે એક દિવસ સાક્ષી, નિરવ અને દેવમને એકલા મૂકી ચાલી ગઈ. તે દિવસથી નિરવ એકલે હાથે દેવમની તમામ દેખ-રેખ કરતો અને સાથે મલ્ટિનેશનલ કંપનીની તેની નોકરી પણ સંભાળતો. આમ કરતા કરતા અગિયાર વર્ષ ક્યાં નીકળી ગયા તેની પણ ખબર નહીં પડી અને આવતે મહિને તો દેવમ હવે બાર વર્ષનો થઈ જશે. નાની ઉંમરે નિરવ અને સાક્ષીના લગ્ન થઈ ગયા હોવાને કારણે દેવમ બાર વર્ષનો થઈ ગયો હોવા છતાં નિરવને જોતા કોઈ કહી નહીં શકે કે તેનો બાર વર્ષનો એક દિકરો પણ હશે.

કાકા-કાકી સાથે આજે ખૂબ લાંબી વાતો ચાલી, નિરવના ખોળામાં માથું નાખી આડો પડેલો દેવમ ક્યારે સૂઈ ગયો તે પણ ખબર નહીં પડી. આખરે સાડા દસની આસ-પાસ જોષીકાકા લોકો ગયા અને નિરવ, દેવમને ઊંચકી તેના રૂમમાં સૂવડાવી આવ્યો. ત્યારબાદ તેણે અર્ણવને ફોન જોડ્યો. ‘અર્ણવ ક્યાં છે તું? ક્યારે આવશે?’ સામે છેડેથી એટલાં જ ઉમળકાથી જવાબ આવ્યો. ‘બસ આ ફ્લાઈટ પકડી યાર, બે કલાકમાં તો મુંબઈમાં લેન્ડ થઈ જઈશ. કાલે મળે છે ને?’ નિરવને જાણે અર્ણવનો જવાબ સાંભળી હાશ થઈ ગઈ. ‘હા કાલે બપોરે દેવમને સ્કૂલે મૂકીને સીધો જ તારી ઘરે આવું છું, પાંચ જ દિવસ થયા છે પણ લાગે છે જાણે તું વર્ષોથી અમદાવાદ ગયો છે.’ ત્યારબાદ થોડી બીજી વાતો કરી નિરવે ફોન કટ કર્યો અને પોતાના રૂમમાં ચાલી ગયો.

બીજા દિવસની સવારે ઊઠતાવેંત દેવમ તેના રૂમમાં કોમ્પ્યુટર ઓન કરી બેસી ગયો હતો, આજે તેણે ડેડાને ગુડમોર્નિંગ પણ નહીં કર્યું, કારણ તેને ખબર હતી કે આજે ડેડાની છુટ્ટી છે તેથી તે મોડા જ ઊઠશે. રોજની જેમ આજે ઊઠીને તે દેવસ્થાન પાસે પ્રાર્થના કરવા પણ નહીં ગયો. અને થોડી મિનિટ્સ બાદ દેવમ ધીમા પગલે દરવાજો ખોલી બાજૂમાં જોષીકાકાના ઘરે ગયો અને તેમને ખેંચીને પોતાના રૂમમાં લઈ આવ્યો. કાકાએ કેટલીયવાર તેને પૂછ્યું કે, ‘દિકરા કામ શું છે તે તો બોલ? આમ તું ક્યાં લઈ જાય છે મને?’ પણ દેવમ કંઈ જ બોલ્યો નહીં અને તેણે કાકાને કોમ્પ્યુટરની સ્ક્રીન દેખાડતાં કહ્યું, ‘દાદા, મારા માટે નવી મમ્મા તરીકે આપણે ડેડાને આ છોકરી દેખાડીએ?’ દેવમ જે કહી રહ્યો હતો તે સાંભળી જોષીકાકાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બસી રહ્યો. તેમણે પૂછ્યું, ‘આ કોણ છે દેવમ?’ દેવમ તરત બોલ્યો, અમારા સાયન્સના ટીચર છે દાદા, અમારા હેડ મિસ એક દિવસ કહેતા હતા કે અમારા સાયન્સના મિસના હસબન્ડ એક્સપાયર્ડ થઈ ગયા છે એટલે તે પંદર દિવસ સુધી અમારો પિરીઅડ લેવા નહીં આવશે.’ અને જાણે એક જ રાતમાં અચાનક મોટા થઈ ગયેલા એ નિરવના દિકરાને જોષીકાકાએ ગળે વળગાડી લીધો. અને પછી તેમણે તેને સમજાવ્યુ, ‘દિકરા તું હમણાં તારા ડેડાને કંઈ જ વાત નહીં કરતો, હં! અમે લોકો તેની સાથે વાત કરશું.’ જોષીકાકાએ બહાર આવી દેવસ્થાન તરફ માથું નમાવ્યુ અને આજની સવાર જાણે નવો સૂરજ લઈને ઊગી હોય તેમ ખુશ થતા થતા પોતાના ઘર તરફ ચાલી ગયા.

દેવમ ધીમે રહીને તેના ડેડાના રૂમમાં ગયો અને પથારીમાં આડા પડેલા નિરવને ગલી-ગલી કરતા ઉઠાડ્યો. નિરવે ઊઠતાની સાથે દેવમને બાથમાં ભીસી લીધો અને તેના ચહેરા પર બચીઓ ભરી લીધી. ડેડાને સારા મૂડમાં જોઈ દેવમ બોલ્યો, ‘ડેડા, દાદા અને બા કહે છે તે માની કેમ નથી જતાં તમે? આપણે મારા માટે નવી મમ્મા લઈ આવીએ ને?’ દેવમની વાત સાંભળી નિરવની આંખો પહોળી થઈ ગઈ. તેણે તરત જ દેવમને પોતાનાથી અળગો કર્યો અને કહ્યું, ‘ચાલો ફટાફટ ઊભા થાવ અને નાહવા દોડો, આજે સ્કૂલે નથી જવાનું તારે? હું તારા માટે નાશ્તો બનાવું છું.’

દેવમ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો, આજે શનિવાર હતો અને દર અઠવાડિયાના શનિવારે સ્કૂલવેનની જગ્યાએ નિરવ જ તેને કારમાં સ્કૂલ છોડવા જતો હતો. બંને ઘરેથી નીકળ્યા. નિરવે, દેવમને સ્કૂલના ગેટ પાસે છોડ્યો, પણ ડેડાને બાય કહેતા કહેતાં પણ દેવમ તેને કહેતો ગયો. ‘ડેડા સાંજે આપણે જોષીદાદાને હા કહી દેશું, હ ને?’ નિરવ કંઈ જ બોલ્યો નહીં. દેવમની સ્કૂલથી તેણે કાર સીધી જ અર્ણવના ઘર તરફ વળાવી લીધી.
પરસેવે રેબઝેબ થઈ ગયેલી નિરવની ખુલ્લી છાતી પર હાથ ફેરવતાં અર્ણવે તેના હોંઠ પર એક તસતસતું ચુંબન કર્યું અને પૂછ્યું, ‘ડાર્લિંગ, આજે છ દિવસ પછી આપણે મળ્યા, છતાં કેમ તું આટલો ડલ હતો? મૂડ નથી કે શું, કે દિમાગ ક્યાંક બીજે ચાલે છે?’

લેખક – આશુતોષ દેસાઈ

ટીપ્પણી