“જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે” જેના આ શબ્દો છે એ મહાન ગઝલકાર મરીઝનો જીવનવૃતાંત વાંચો અને શેર કરો

આજ નો દિવસ :-  અબ્બાસ અબ્દુલ અલી વાસી “મરીઝ”
“મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલ ના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલ માં.
એ ના કહીને સહજ્ માં છટકી ગયા ‘મરીઝ’,
કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં.”
 પ્રેમીઓ અને ભગ્નહદય ના લોકોમાં મરીઝ સાહેબ લોકપ્રિય રહ્યા છે અને રહેશે. (મુશાયરામાં એ સમયમાં એમને ન બોલવા દેવામાં આવે એવો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ એ સમયના ગઝલકારો એ કહ્યું એ બોલશે જ. બીજા દિવસે વર્તમાન પત્રમાં મુશાયરાના અહેવાલ માં લખાણ હતું. “મરીઝની ગઝલો બિમાર છે, એના તખલ્લુસ ની જેમ જ.”)
 👉જન્મ :- ૨૨ ફેબ્રુઆરી, ૧૯, સુરત, ગુજરાત, ભારત
 👉 મૃત્યુ :-
       ૧૯ ઓક્ટોબર, ૧૯૮૩
       મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
 👉 માતા :-
       અમ્તુલ્લાબાઈ
 👉 પિતા :-
       અબ્દુલઅલી વાસી
 👉 ભાઈ-બહેન
        ૩ ભાઇઓ (મરીઝ ત્રીજા)
        ૭ બહેનો
 👉 તખલ્લુસ :-
       મરીઝ
 👉 અભ્યાસ :-
       ધોરણ બે સુધી (અંગ્રેજી જાતે શીખ્યા)
 👉 વ્યવસાય :-
        પત્રકાર, પ્રકાશક, તંત્રી
 👉 જીવનસાથી :-
       સોનાબહેન
 👉 સંતાન :-
        પુત્ર – મોહસીન
        પુત્રી – લૂલૂઆ
 👉 થોડું વધારે પણ અગત્યનું
મરીઝનું જન્મનું નામ અબ્બાસ વાસી હતું. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી, ઇ.સ. ૧૯૧૭ના રોજ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં અબ્દુલ અલી વાસીના ઘરમાં થયો હતો. પિતા વ્યવસાયે શિક્ષક હતા. તેમણે તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહિ અને શાળાએ જવાને બદલે તેઓ સુરત રેલ્વે સ્ટેશને આવતી-જતી રેલગાડીઓના એન્જીન જોવામાં સમય પસાર કરતા. વ્યવસાયે શિક્ષક એવા પિતાથી શિક્ષણ પ્રત્યેની તેમની આ નિરસતા સહન ન થતા, તેમને મુંબઈ પૈસા કમાવવા મોકલી દીધા હતા. તેઓએ મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત ૧૪ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમિન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ (ગુરુ) ગણાવતા હતા. ઇ.સ. ૧૯૮૩ની ૧૩મી ઓક્ટોબરે ઘરની બહાર જ રસ્તો ઓળંગવા જતા પૂરપાટ દોડી આવતી રીક્ષાની અડફેટે આવતા તેમને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત જ તેમના મૃત્યુનું કારણ બન્યો. ૧૯ ઓક્ટોબરના રોજ તેમના મલ્ટીપલ ફ્રેક્ચરોની શસ્ત્રક્રિયા કરવામાં આવી, જે સફલ રહી હતી પરંતુ તુરંત જ તેમને હૃદયરોગનો હુમલો થયો જેમાં તેમનું અવસાન થયું હતું.
 👉 કારકિર્દી
મુંબઈમાં આવીને તેમણે રબરના બુટ બનાવતી ફેક્ટરી યુનિવર્સલ રબર વર્ક્સમાં નોકરીની શરૂઆત કરી. ટૂંકા વેતનમાં પણ તેમણે વાંચનનો શોખ ન છોડ્યો અને પોતાની આવકનો મોટો હિસ્સો ફક્ત પુસ્તકો પાછળ જ ખર્ચતા. આગળ જતા તેમણે ‘વતન’ અને ‘માતૃભૂમિ’માં પત્રકાર તરીકે પણ કામ કર્યું અને આઝાન, ખુશ્બુ અને ઉમીદ જેવા સામયિકોનું પ્રકાશન કરવાનું પણ કામ કર્યું, પરંતુ આર્થિક ભીંસને કારણે તેમાં બરકત ન આવી. ઇ.સ. ૧૯૬૦માં દાઉદી વોરા કોમના મુખપત્ર ‘ઈન્સાફ’નું તંત્રીપદ સ્વીકાર્યું. ઇ.સ. ૧૯૩૬માં આકાશવાણી મુંબઈ પરથી પ્રસારીત મુશાયરામાં ભાગ લીધો હતો.
 👉 સન્માન
ઇ.સ. ૧૯૭૧ અને ઇ.સ. ૧૯૮૧ માં મુંબઈમાં બે જુદાજુદા પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
 👉 વિવાદ
કપરી આર્થિક સ્થિતિથી તંગ થઈને ૧૬ વર્ષની ઉમ્મરથી જ દારૂની લતમાં ફસાયા હતા. પાછલા જીવનમાં પાંચ-દસ રૂપિયામાં લખેલી ગઝલો દારૂ પીવા માટે વેચતા હતા. પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત પણ ન કરી શકતા. ધર્મ-નિરપેક્ષ હોવા છતાં, પૈસા માટે મુસ્લીમ ધર્મગુરુઓ માટે ‘ઇન્સાફ’ દૈનિકમાં સુધારા વિરોધી લેખો લખતા. ઇ.સ. ૧૯૬૫માં એક ધનવાન વ્યક્તિએ રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના આશયથી મરીઝ પાસેથી તેમની ગઝલોનો સંગ્રહ સારી એવી કિંમતે ખરીદી લીધો હતો અને સપ્ટેમ્બર ઇ.સ. ૧૯૬૬માં “દર્દ” નામે ૧૨૫ પાનાંના પૂસ્તક રૂપે તે પ્રગટ પણ કર્યો. પરંતુ સાહિત્યજગતમાં આ વાત ખુલ્લી પડી ગઈ અને સાહિત્યકારો તથા મરીઝના ચાહકોએ હોહા મચાવી દેતા તે પુસ્તક તાત્કાલિક વેચાણમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
 👉 સર્જન
એમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.
‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, ભાંગી પડેલા પ્રેમની વ્યથા વિશે, મિત્રો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા શેર આપ્યા છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં માર્મિક વાત કહી જાય છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચી કવિતાના સર્જક છે.
 👉 પુસ્તકો
મરીઝ સાહેબ પર વસાવવા જેવા બે જ પુસ્તકો
૧. સમગ્ર મરીઝ (રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
૨. પુનરાગમન મરીઝ (અપૂર્વ આશર)
     આ પુસ્તક માં મરીઝ સાહેબ ના દુર્લભ ફોટાઓ છપાયેલા છે. એમના હસ્તાક્ષર ના ચિત્રો.
         ત્રીજું પુસ્તક ભવિષ્યમાં આવી રહ્યું છે મરીઝ સાહેબ ના જીવન પ્રસંગો પર જીજ્ઞેશભાઇ મેવાણી દ્વારા.
 👉 એમના જીવન પર એક ગુજરાતી નાટક (‘મરીઝ’ નામથી જ) પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ ગુજરાતી રંગભૂમિ પર નિષ્ફળ ગયું હતું. લોકો એમ સમજતા હતા કે આ નાટક કોઇ દર્દી ઉપર હશે.
👉 મરીઝના જીવનના યાદગાર કિસ્સા
(આ પ્રસંગો જીજ્ઞેશભાઇ મેવાણી એ લખેલ છે.
          સૌજન્ય :- વિપુલ ભાઇ કલ્યાણી )
1. મરીઝ તેમની ભુલક્કડ વૃત્તિને કારણે ખાસ જાણીતા હતા. એક વાર જલન માતરી અને મરીઝનો ભીંડીબજારમાં ભેટો થઈ ગયો. જલન માતરીએ મરીઝને શેર સંભળાવ્યો. મરીઝ તો જલન માતરીને દાદ દેવા મંડ્યા, ‘વાહ! જલન, તને લખતા આવડી ગયું હોં!’ એટલે જલન માતરીએ મરીઝને યાદ અપાવતાં કહ્યું, ‘મરીઝસાહેબ, આ મારો નહીં, તમારો પોતાનો શેર છે.’ મરીઝ કહે, ‘એમ! ઊભો રહે, હું હમણાં જ કાગળમાં ટપકાવી દઉં, નહીંતર પાછો ભૂલી જઈશ.’
2. એક વાર મરીઝને કોઈકે પૂછ્યું કે – ‘તમે જેને ગઝલો વેચો છો એની પાસે એનું પોતાનું કંઈ મૌલિક છે ખરું?’ ત્યારે મરીઝે કહેલું, ‘હા, છેને. એને બે બાળકો છેને.’
3. નઝીર ભાતરી નામના શાયર ઉપર એવું આળ છે કે તેમણે પણ મરીઝ પાસે ગઝલો લખાવેલી. હકીકત સદંતર વિપરીત છે. મરીઝે માત્ર નઝીર ભાતરીની ગઝલોની ઇસ્લાહ કરેલી અને મરીઝને નઝીર સાથે િદલોજાનની મૈત્રી હતી. મરીઝના કારણે જ નઝીરને કિશોર વયમાં શાયરીનો ચસ્કો લાગેલો. મરીઝની સાથે એ મુશાયરામાં જાય. સૈફ પાલનપુરી, અમીરી, અમીન આઝાદ, આસિમ રાંદેરી વગેરેની જોડે બેસે-ઊઠે.
એમ કરતાં એ શાયરી કરતા થઈ ગયા. શરૂઆતમાં મરીઝે તેમને મદદ કરેલી, પણ પછી તો એ જાતે જ લખતા. રાત્રે મોડે સુધી લખતા. ‘વતન’માં તેમની શાયરી છપાતી થઈ એટલે લોકોને ખ્યાલ આવ્યો કે આ બહુ સરસ શાયરી કરે છે. મુશાયરામાં તેમને માન મળવા લાગ્યું. મુશાયરામાં નઝીરની તારીફ જોઈને મરીઝે કહ્યું હતું કે આ છોકરો એક દિવસ બહુ આગળ જશે, પણ તેમને 26મા વર્ષે કેન્સર થયું. આ બીમારીની જાણ થતાં મરીઝ અને પરિવારજનોના જાણે પગ જ ભાંગી ગયા. નઝીરના ખાટલા પાસે રાત-દિવસ મરીઝ બેસી રહેતા. છેલ્લા ચાર દિવસ મરીઝ એમની પડખેથી ખસ્યા નહોતા. મરીઝે તેમનું મેલું પણ સાફ કરેલું. નઝીર જે કંઈ માગે તે તરત હાજર કરતા.
નઝીરનો ‘સમય’ જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ મરીઝ વધુ ઢીલા પડતા ગયા. તેમના ચહેરા પરનું નૂર ઊડી ગયેલું. આખરે નઝીરે ચોથા દિવસે દમ તોડ્યો. શરાબ વિના જેને કલાક પણ ચાલે નહીં એ મરીઝે નઝીરના છેલ્લા ચાર દિવસ સુધી શરાબને હાથ સુધ્ધાં નહોતો લગાડ્યો. કદાચ જિંદગીમાં પહેલી વાર એવું બન્યું હશે કે એમણે ચાર દિવસ સુધી શરાબને હાથ ન લગાડ્યો હોય, પણ નઝીરને દફનાવ્યા પછી મરીઝે નઝીરના ગમમાં હદ બહારનું પીવાનું ચાલુ કરી દીધું હતું. પરિવારજનોએ અને બીજા કેટલાય લોકોએ મરીઝને દારૂ પીધેલી હાલતમાં પોક મૂકીને રડતા જોયેલા અને મરીઝે નઝીરની શાનમાં એક અંજલિ લેખ પણ લખ્યો હતો.
 👉 જીવનભરના તોફાન ખાળી રહ્યો છું
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ
 👉 જીવન બની જશે
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .
– મરીઝ
 👉 મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– મરીઝ
 👉 કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં
 – મરીઝ
 👉 રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.
– મરીઝ
 👉 મને એવી રીતે કઝા યાદ આવી
મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.
જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.
હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?
– મરીઝ
 👉 લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો
– મરીઝ
 👉 હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે
હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ
પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો ભેદી રીતે મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.
મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.
પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ
– મરીઝ
 👉 પ્રવાસ
લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.
બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.
આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.
જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.
સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !
આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.
એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.
થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.
– મરીઝ
 👉 સાકી
સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું.
કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું?
કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.”
હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.
સુરા પીતાં જે મારાથી કંઈક ઢોળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી.
અસર આવી નથી જોઈ મેં વરસોની ઇબાદતમાં,
ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી.
સુરાની વાત કેવી, ઝેર પણ પી લે અગર કોઈ,
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાકી.
‘મરીઝ’ આવા નશામાં પણ ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે એની આંખ ક્યાં મીંચાય છે સાકી.
– મરીઝ
 👉 આભાર :-
       અદ્રિતીય મરીઝ ટીમ (ફેસબુક પેજ)
       વિપુલભાઇ કલ્યાણી
       જીજ્ઞેશભાઇ મેવાણી
 👉 માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ
 રોજ રોજ અવનવી માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી