“મેરેજ મટીરીયલ”- દરેક વ્યક્તિએ આ વાર્તા અંત સુધી વાંચવી, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

“મેરેજ મટીરીયલ”

ઉર્વી તૈયાર થઇ અરીસા ની સામે ઉભી હતી. સુંદર લાગી રહી હતી. આમ તો મેકઅપ કરવું એને બહુ ગમતું નહીં. ભારેભરખમ ઘરેણાઓ જરાયે પસંદ નહીં. વાળ માં ફૂલ તો ક્યારેય ન લગાવતી. ભભકદાર કે જગમગ વસ્ત્રો એની અલમારી માં એકેય નહીં. વાળ માં પીનો ભેરવી લાંબીલચક વાળ ની હેરસ્ટાઇલ એને બહુ ફાવતી નહીં. લોકો એને કેવી રીતે જોવી પસંદ કરશે એ કરતા કયા વસ્ત્રો, કેવા વાળ ને કેવા દેખાવ માં આરામદાયક પોતાને અનુભવાય એજ પ્રમાણે એ પોતાને શણગારવાને પ્રાધાન્ય આપતી. આજે પણ એજ પ્રાધાન્ય ને અનુરૂપ પગ માં ઊંચી હિલ ની જગ્યા એ સપાટ જોડા,જીન્સ ને એક સાદી સુંદર કુર્તી, નાના વાળ ની એક નાની પોની, ઘરેણાં ને નામે બે નાનકડી બુટ્ટી, ગળા માં એક પાતળી ચેઇન ને એક લેધર પટ્ટી વાળી સાદી કાંડા ઘડિયાળ ને બીજા હાથ માં ખુબજ હળવી પાતળી પોચી પહેરી ઉભી ઉર્વી સાચેજ પુરવાર કરી રહી હતી કે ‘સુંદરતા સાદગીમાંજ હોય …’

પોતાને લગ્ન માટે કોઈ દબાણ ન કરે એ વાત તો માતા પિતા જોડે એણે અગાઉ થીજ સ્પષ્ટ કરી દીધી હતી. પોતાની કારકિર્દી જોડે કોઈ પણ પ્રકાર ની બાંધછોડ એ નજ ચલાવી લેશે. પોતાના જીવન નિર્ણયો પર પોતાના અધિકાર ને કોઈ સંબંધ ને નામે એ ત્યાગ નજ કરશે. એક શિક્ષિત સ્વનિર્ભર દીકરી ના શિક્ષિત માતાપિતા આ દ્રષ્ટિકોણ ને સમજતા પણ હતા ને એના આ સ્વમાની વિચારો પર એટલોજ ગર્વ પણ અનુભવતા. તેથી દીકરી ને અરેન્જ મેરેજ માટે એમણે કદી ફરજ પાડી નહીં. એને પોતાની પસંદગી નો સાથી પસંદ કરી શકવા નો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. આજે યોજાનારી આ મુલાકાત છોકરી જોવાની કોઈ પ્રથા સમો પરંપરાગત તો નજ હતો. માં સમાન માસી ની લાગણીઓ ને માન આપવા માટે ફક્ત એક ઔપચારિકતાજ તો નિભાવવાની હતી. માસી ના પતિ ના કોઈ મિત્ર પરિવાર નો પુત્ર હતો. ખબર નહીં ઉર્વી ને ક્યારે અને ક્યાં જોઈ લીધી! ઉર્વી નેજ પોતાની જીવનસાથી બનાવવાનો આગ્રહ રાખી ,પોતાના માતાપિતા સામે ઉર્વી ના જ ઘરે લગ્ન પ્રસ્તાવ લઇ જવાની હઠ લઇ બેઠો હતો.માસી ના કહેવા પ્રમાણે દેખાવે આકર્ષક ને સારી એવી કમાણી હતી. માતાપિતા નો એક નો એક લાડકવાયો દીકરો એટલે ખુબજ નાનું પરિવાર ! પણ બાહ્ય દેખાવ અને આર્થિક આંકડાઓ ઉર્વી ના જીવનસાથી પસંદગી ના આવશ્યક પાસાઓ માટે અનિવાર્ય જ ક્યાં હતા? એને તો શોધ હતી આંતરિક સુંદરતા ને વિચારો ની સમૃદ્ધિ ની ….

ઉર્વી એ માસી ની લાગણીઓ ને માન તો આપ્યું . પોતે એ યુવક ને એક વાર મળી લેવા હામી તો પુરાવી પણ પાછળ એક લાંબી શરતો ની યાદી તૈયાર કરી રાખી હતી. જો એ શરતો પૂરી થાય તો આવી ઔપચારિક મુલાકાત સામે એને કોઈ વાંધો ન હતો .

શરત ક્રમાંક એક : લદાયેલા ઘરેણાં , સાડી ને મેકઅપ લગાવી ઢીંગલી જેમ એ તૈયાર નજ થશે . પરંતુ પોતાની ટેવ અનુરૂપ જેમ દરરોજ ઘર માં કે બહાર જવા તૈયાર થાય એમજ સાદગી પૂર્વક સજ્જ થશે !

શરત ક્રમાંક બે : ચા ને નાસ્તા ની ટ્રે લઇ એનું આગમન નજ થશે. ઘરે આવનાર દરેક મહેમાન જેવીજ મહેમાનગતિ યુવક અને એના માતાપિતા ની થશે. પોતે પોતાના હાથ વડેજ નાસ્તાઓ તૈયાર ન કરશે !

શરત ક્રમાંક ત્રણ : પોતે યુવક જોડે એકાંત માં થોડો સમય વાર્તાલાપ કરી પોતાનો નિર્ણય એજ ક્ષણે કોઈ પણ ઔપચારિકતા વિના સ્પષ્ટ ને પારદર્શક પણે યુવક ને જાતેજ જણાવી દેશે !

ઉર્વી એ યુવક ને મળી લેવા હામી પુરાવી હતી એજ માસી માટે ઘણું હતું. એની શરતો સ્વીકારાય જ ગઈ. આખરે પોતાની ઉર્વી અન્ય યુવતીઓ કરતા જેટલી ભિન્ન હતી એટલાજ એના વિચારો પણ ! અને એ ભિન્નતા પરિવાર માટે ગર્વ ની બાબત હતી.

” ઉર્વી , આવી ગયા !”

ઉર્વી ના ઓરડા નું બારણું અર્ધ ખુલ્લું રાખતા માસી નો ચ્હેરો અંદર ડોકાયો. ઉર્વી ના માતાપિતા બહાર બેઠક ખંડ માં યુવક અને એના માતાપિતા ની મહેમાનગતિ માં વ્યસ્ત હતા. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઉર્વી માસી જોડે બેઠક ખંડ માં આવી પહોંચી. યુવક ના માતાપિતા ને આદર સહ પ્રણામ કરી યુવક ના ચ્હેરા ઉપર એની દ્રષ્ટિ ડોકાઈ કે આશ્ચર્ય અને અચંભા થી એ ચોંકી .

” આદિત્ય, તમે ?”

ઉર્વી ના મોઢે બોલાયેલા આ શબ્દો સ્પષ્ટ સંકેત કરી રહ્યા હતા કે બન્ને
એકબીજા ને અગાઉ થીજ ઓળખતા હતા . આ એમની પહેલી મુલાકાત તો ન જ હતી !વડીલો ના ચ્હેરા પર વધુ પ્રસન્નતા ને સંતોષ ના ભાવો ઉપસી આવ્યા. ઔપચારિક વાતાવરણ થોડું મૈત્રી ભર્યું ઢળવા લાગ્યું.એકબીજા ના સંતાનો ની પ્રશંસા ને પસન્દગી ની ગુણવત્તા ઉપર ગર્વ લઇ રહેલ માતાપિતા ના અવાજો ઉર્વી ને આદિત્ય ના કાને પડી તો રહ્યા હતા પણ કશુંજ જાણે સંભળાઈ રહ્યું ન હતું. વર્તમાન માં હાજર શરીરો ની સ્મૃતિ ભૂતકાળ ના સમયખંડ માં પહોંચી ચૂકી હતી.

આદિત્ય આજે પોતાના માતાપિતા ને લઇ ઉર્વી ના ઘરે લગ્ન નો પ્રસ્તાવ લઇ ને આવ્યો હતો. ઉર્વી ને કઈ રીતે વિશ્વાસ થાય ? આદિત્ય જ તો હતો જેને સૌ પ્રથમ એણે પ્રેમ કર્યો હતો. કોલેજ માં પોતાનો સિનિયર . આદિત્ય એટલે કોલેજ નો સૌથી પ્રખ્યાત યુવક . કોઈ પ્રવૃત્તિ એવી ન હોય જેમાં આદિત્ય ભાગ ન લેતો. રમતગમત ના મેદાન માં દરેક પ્રવૃત્તિ માં સૌથી આગળ. યુવા મહોત્સવ માટે કોલેજ વિદ્યાર્થી- ગણ નો નેતા, સંગીત માં પણ મોખરે , સ્ટેજ હોય કે કેમ્પસ આદિત્ય જોડે મિત્રતા કરવા યુવતીઓ એની આગળ પાછળ ફરતી હોય . કૉલેજ ની કેન્ટીન માં એનાથી જ તો વસ્તી રહેતી . એટલે કે કોલેજ કેમ્પસ નો હિરો . આદિત્ય જેટલો બાહ્યમુખી ને સક્રિય ,ઉર્વી સ્વભાવે એટલીજ શાંત ને અંતર મુખી . એના પુસ્તકો , એની લાઈબ્રેરી ને એનો અભ્યાસ , કેટલાક નામ ના મિત્રો બસ એજ એનુ નાનકડું ગમતું વિશ્વ્ . પણ મનોવિજ્ઞાન નો તો એજ નિયમ કે જ્યાં વિરોધાભાસ હોય આકર્ષણ પણ ત્યાંજ હોય . માનવમન પોતાના માં ન હાજર એ દરેક ગેર હાજર બાબતો ને અન્ય મન માં શોધતું ફરે . ને જયારે એ તમામ બાબતો આસપાસ હાજર કોઈ આકર્ષક માનવી માં દ્રષ્ટિમાન થાય કે શીધ્ર એના તરફ ખેંચાતું જાય . આ આકર્ષણ કોઈ તર્ક , દલીલ કે ઊંડા વિચારમંથનો ની રાહ જોતું નજ બેઠું રહે . એતો બસ એ વ્યક્તિત્વ ના વિરોધાભાસ તરફ ચુંબક સમું આકર્ષાતુ જાય …….

ઉર્વી પણ આદિત્ય તરફ સહજ રીતે આકર્ષાય હતી . યુવાની ની એ કુમળી લાગણીઓ એના હૃદય ને તરબોળી રહી હતી . પ્રેમ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી એકતરફ જ છુપાઈ રહે . ઉર્વી નો પ્રેમ પણ એના હૃદય ના ઉંડાણો માં સંકેલાઇ છુપાઈ ને બેઠો હતો . પણ પ્રેમ એ બેડીઓ માં ક્યાં સુધી જકડાઈ રહે ? એની અભિવ્યક્તિ કોઈ શબ્દો ને આધીન થોડી ? પ્રેમ મા પડનારી વ્યક્તિ ની લાગણીઓ ગમે તેટલી મૌન હોય , એમની દ્રષ્ટિ એટલીજ વાતો કરતી દરેક રહસ્ય ને ઉઘાડી દેતી જ હોય છે. ઉર્વી નો એ એકતરફી પ્રેમ પણ એની આંખો માં બધાએ સરળતાથી વાંચી લીધો હતો. આદિત્ય તરફ ની એની લાગણીઓ કેમ્પસ ની દરેક દ્રષ્ટિ કળી ચૂકી હતી. પણ શું આદિત્ય સુધી એ લાગણી નો પ્રવાહ પહોંચી શક્યો હતો ?

” અરે બાળકો ને પણ એકાંત માં થોડો વાર્તાલાપ કરવાની તક આપીએ ……”

ઉર્વી ની શરત અને પોતે આપેલ વચન પ્રમાણે માસીએ બન્ને ને છૂટા કર્યા. ઉર્વી ના ઓરડા માં પ્રવેશતાજ આદિત્ય ની આંખો ચારેતરફ ફરી રહી. એનો ઓરડો પણ એના વ્યક્તિત્વ ના અરીસા સમો સુઘડ , સ્વ્ચ્છ ને સાદગીભર્યો હતો. બન્ને વચ્ચે ના ખચકાટ ભર્યા મૌન ને હડસેલતો આદિત્ય ઉર્વી ની આંખો માં આંખો પરોવી શબ્દો નો પુલ બાંધી રહ્યો :

” પ્રેમ ની પહેલ સ્ત્રી કરે કે પુરુષ પણ અભિવ્યક્તિ તો પુરુષેજ કરવી રહી . ”

” જરૂરી નથી. જો સ્ત્રી પ્રેમ કરી શકે તો અભિવ્યક્તિ ની પહેલ પણ કરીજ શકે. સમાજ એ વાત ને સ્ત્રી ના ચરિત્ર જોડે સાંકળે એ તદ્દન અતાર્કિક ને એકતરફી વલણ !” ઉર્વી ના તદ્દન સચોટ પ્રત્યાઘાત થી આદિત્ય મન્દ મન્દ હસ્યો.

” તો પછી એક સ્ત્રી તરીકે પ્રેમ ની અભિવ્યક્તિ ની પહેલ કરી હોત . આખી કોલેજ તારા મન ની વાત જાણતી હતી. મારા પ્રત્યે ના પ્રેમ ને આજ સુધી શબ્દો માં ઢાળવા ની હિંમત કેમ ન થઇ શકી ? પણ શો ફેર પડે ? જે વાત તારા હૃદય માંથી બહાર નીકળતા ડરે છે એજ વાત ની હું આજે પહેલ કરવા આવ્યો છું. તું મારી જોડે લગ્ન કરીશ ? વીલ યુ મેરી મી ?”

” નહીં ” એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ ઉર્વી એ એના પ્રસ્તાવ ને ઠુકરાવી દીધો .

” તું મશ્કરી કરી રહી છે ને ??” ચ્હેરા પર ના હાસ્ય જોડે આદિત્ય ઉર્વી ને તાકી રહ્યો.

” નહીં, હું તમારી જોડે લગ્ન ન કરી શકું. આમ સોરી ” ઉર્વી ના ચ્હેરા પર નું ગામ્ભીર્ય એના નિર્ણય ની ગમ્ભીરતા નો પુરાવો આપી રહ્યું.

” તું મારા પ્રસ્તાવ ને ઠુકરાવી રહી છે ? વિશ્વાસ નથી આવતો. જેને પ્રેમ કરીએ એને જીવન સાથી તરીકે મેળવી લઈએ , એનાથી મોટું ક્યુ સદ્દભાગ્ય ? આ નિર્ણય પાછળ નું કારણ જાણી શકું ?”

” વ્યક્તિ ના અંતર ને જાણ્યા વિનાજ એના વ્યક્તિત્વ ના બાહ્ય પાસાઓ થી અંજાઈ જવું, એ પ્રેમ નહીં ફક્ત લાગણીઓ ની ભ્રમણા …શારીરિક આકર્ષણ …..એ ભ્રમણા મને પણ થઇ હતી. તમારી જોડે
લગ્ન ન કરી શકાય કારણ કે હું તો સંપૂર્ણ ‘મેરેજ મટીરીયલ ‘ છું જ પણ અફસોસ તમે સહેજ પણ ‘મેરેજ મટીરીયલ’ બનવા ને સક્ષમ નથી !”

ઉર્વી ના મોઢે બોલાયેલો ‘ મેરેજ મટીરીયલ ‘ શબ્દ સાંભળતાજ આદિત્ય ચોંક્યો. એનું હાસ્ય ગમ્ભીરતા માં પરિવર્તિત થઇ રહ્યું. ઉર્વી
ના સ્પષ્ટ ને સચોટ નિર્ણય પાછળ નું કારણ કળી જતા પોતાની બચેલી શરમ ને માન ને સંકેલતો એ ધીરા પગલે ઓરડામાંથી બહાર નીકળી ગયો. એના બહાર નીકળતાંજ ઉર્વી પોતાના ઓરડા તરફ ની બાલ્કની માં પહોંચી. બાલ્કની આગળ થોડા વર્ષો પહેલા નો કોલેજ નો કોરિડોર ઉભો થઇ ગયો.

વેલેન્ટાઈન ડે ની ઉજવણી રૂપે હાથ માં ના ગુલાબ ને આદિત્ય માટે લાવેલ ભેટ જોડે ઉર્વી ની દ્રષ્ટિ દરેક વર્ગ માં આદિત્ય ને શોધતી આગળ વધી રહી હતી. પ્રેમ નો સ્વીકાર કરવાની હિંમત ભેગી થઇ ચૂકી હતી. એક સ્ત્રી છું તો શું થયું ? પ્રેમ કરી શકું તો પહેલ કેમ નહીં ? થોડે દૂર ના ઓરડા માંથી આદિત્ય ને એના મિત્રો ના હાસ્ય નો પડઘો સંભળાઈ રહ્યો હતો. હૃદય ના ધબકાર આગળ વધતા પગલાં જોડે વધુ ને વધુ તીવ્ર થઇ રહ્યા હતા. ઓરડા ની અંદર પ્રવેશવા પહેલાજ અંદર થી સંભળાઈ રહેલ વાર્તાલાપ થી એનું શરીર લપાઈ ને બારણાં પાછળ ટેકાય ગયું :

” આટલા બધા ગુલાબ ? આદિત્ય ,તને તો મજાજ છે ! પણ તને કયું ગુલાબ ગમ્યું ?”

” મને ફક્ત ગુલાબજ નહીં બાગ નું દરેક પુષ્પ ગમે ….” આદિત્ય ના વ્યંગ થી આખો ઓરડો હાસ્ય થી ગુંજી રહ્યો .

” પણ બિચારી ઉર્વી નું શું ? એણે હજી ગુલાબ ભલે ન આપ્યું પણ એના જેટલો પ્રેમ તને કોઈ નથી કરતું , એ વાત તો સૌ જાણે છે. પણ શું તું પણ એને …….????”

” જો મારા મિત્ર ,યુવતીઓ બે પ્રકાર ની હોય . એક ‘ગર્લફ્રેન્ડ મટીરીયલ ‘ ને બીજી ‘મેરેજ મટીરીયલ ‘ . ઉર્વી જેવી શાંત, સંસ્કારી, સુશીલ ને ડાહી યુવતીઓ શુદ્ધ ‘ મેરેજ મટીરીયલ ‘ કહેવાય. સમાજ ને કુટુંબ ને શોભાવતી ઢીંગલીઓ ! એમને તો લગ્ન કરવાનો વિચાર આવે ત્યારેજ પસંદ કરાય ને હમણાં મારે ક્યાં લગ્ન કરવા છે ? હરવા ફરવા ના દિવસો માં તો ‘ ગર્લફ્રેન્ડ મટીરીયલ ‘ પસંદ કરાય . જેમની જોડે બાઈક પર લોન્ગ રાઈડ માણી શકાય, લાસ્ટ શો મુવી જોઈ શકાય ને જીવન ની મજા માણી શકાય…..”

“એટલે લગ્ન પહેલા ‘ ગર્લફ્રેન્ડ મટીરીયલ ‘ ને લગ્ન પછી ‘ મેરેજ મટીરીયલ ‘?”

” એવા વળી કોઈ ચુસ્ત નિયમો નથી. લગ્ન પછી પણ બન્ને મટીરીયલ રાખી શકાય ,ફક્ત સંતોલન જાળવતા આવડવું જોઈએ ……” આદિત્ય ના ઉત્તર થી ખડખડાટ હસી રહેલો ઓરડો ઉર્વી ના શાંત ડૂસકાંઓ થી તદ્દન અજાણ જ રહી ગયો.

પાર્કિંગ વિસ્તાર માં થી આદિત્ય ની ગાડી ના દરવાજા લોક થવાનો અવાજ બાલ્કની સુધી પહોંચ્તાજ ઉર્વી ચમકી. આદિત્ય જોડે આંખો મળી ને શરમ થી આદિત્ય નીચી નજરો ઢાળી રહ્યો. બાલ્કની માં થી પોતાના ઓરડા માં પરત થતી ઉર્વી ની આંખો માં સ્વમાન ની ચમક પ્રસરી રહી……………

લેખક : મરિયમ ધુપલી

શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવી માહિતી અને વાર્તાઓ વાંચવા માટે  લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી