“મદદ”- મરિયમ ધુપલીની કલમે લખાયેલ ખુબ સમજવા જેવી વાર્તા…. દરેક વ્યકતીએ વાંચવી…

“મદદ”

રાત્રી ના ગાઢ અંધકાર માં, સૂના રસ્તા પર એના પગ ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યા હતા.ઝડપ પાછળ નું કારણ તદ્દન સહજ હતું. મોડી રાત્રી, એકલી સ્ત્રી જાત , શૂન્ય માનવ અવરજવર, શહેર ના સમાચાર પત્રો અને સમાચાર પૂરી પાડતી ટીવી ચેનલો , ઇન્ટરનેટ ના તમામ સ્ત્રોતો પર સવાર સાંજ ઉભરાતા શારીરિક છેડછાડ અને બળાત્કાર ના સમાચારો…..છેલ્લા ત્રણ મહિનાઓથી માનવશરીર ના શારીરિક અંગો અને ચ્હેરા ને ઓળખ માટે પણ ન છોડતી શહેર ના રાત્રી અંધકાર માં ભમતી કોઈ સિરિયલ કિલર હત્યારાઓની ટુકડી…..સલામતી અને રક્ષણ માટે દરેક સ્ત્રી, યુવતી કે કન્યાઓ સામે આઠ નવ વાગ્યા પછી ઘરે ગોંધાઈ રહેવાના પરોક્ષ સ્થાપિત થઇ ચૂકેલ સામાજિક નિયમો ને અનુસરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ખરો ? આ નિયમ ભંગ કરી જો કોઈ પગલાઓ બહાર નીકળે અને કોઈ અનુચિત બનાવ બને તો પછી સમાજ એની કોઈ પણ પ્રકાર ની જવાબદારી ન સ્વીકારશે ! એક પંખી ની રક્ષા કરવી હોય તો એને પાંજરા માં પૂરી આંખો ની સમક્ષ રહેવા દેવું. ઉડવાજ ન દેવું. ઉડશેજ નહીં તો ઘાયલ થવાનું જોખમ જ નહિ. આ નિષ્ક્રિય રક્ષણ ને સુરક્ષા પદ્ધતિ માં એ તો ભુલવુંજ રહ્યું કે ઉડવું એ તો પંખી ના અસ્તિત્વ નો જન્મ સિદ્ધ અધિકાર !

આ બધા નિયમો થી પરિચિત હોવા છતાં આ પંખી પાંખો ફેલાવી આમ શેનું ઉડી રહ્યું ? આ સમય તો પરિવાર ની સાથે ઘર માં સુરક્ષિત ગોંધાય રહેવાનો હતો , આમ સુમસાન સડક પર ભટકવાનું સમાજ પડખે ક્યાં થી સ્વીકારાય ? પણ કોણે કહ્યું મોડી રાત્રે રસ્તા પર નીકળતા સ્ત્રી ના પગલાંઓ મસ્તી માણવા માટે કે મોડી રાત્રી ની પાર્ટીઓ ની મજા માણવા માટેજ નીકળતા હોય ? જો કે નીકળતા હોય તો એ પણ પંખી ના અસ્તિત્વ નો જન્મ સિદ્ધ અધિકારજ ને ! એ ઉપરાંત શું સ્ત્રી ની ફરજ કે કાર્ય કે નોકરી સંબંધી કાર્યો નિયમિત સમય મર્યાદા નેજ આધીન હોય ? રાત્રે કોલ સેંટર કે ટીવી ચેનલ કે રેડીઓ ચેનલો પર કાર્ય કરતી સ્ત્રીઓ, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતી કે અપડાઉન કરતી સ્ત્રીઓ .. અરે ઘર વિહીન ફૂટપાથ પર કે રસ્તાઓ પર ઊંઘતી સ્ત્રીઓ નું સ્થાન આ નિષ્ક્રિય સુરક્ષા કે રક્ષણ પદ્ધતિ માં શું કશેજ નહીં ? કોઈ સ્ત્રી જે પોતાના વૃદ્ધ માબાપ ની જવાબદારી એકલા હાથે નિભાવતી હોય અને રાત્રે તત્કાલ દવા લેવા નીકળવું પડે તો શું સમય ના બંધન ને તોડી પોતાની ફરજ નિભાવતી એ સ્ત્રી ની સુરક્ષા ની જવાબદારી એની પોતાનીજ ? સ્ત્રી સાથે થતા બળાત્કારો કે જાતીય શોષણ માટે સ્ત્રી ના પહેરવેશ ને જવાબદાર લેખતા લોકો એ શું કરવા ભૂલી જાય છે કે બુરખા કે ઘૂંઘટ ઓઢી નીકળતી સ્ત્રીઓ કે ત્રણ ચાર વર્ષ ની સુંદર નાના ફરાક પહેરતી ઢીંગલીઓ ને પીંખી નાખનાર હેવાનો ને એમની રાક્ષસી મનોસ્થિતિને પહેરવેશ સાથે કોઈ લેવાદેવાજ ક્યાં હોય છે ! એ પારદર્શક અમાનવીય દ્રષ્ટિ તો વસ્ત્રો ના ગમે તેવા આવરણો ને ભેદી ને ફક્ત સ્ત્રી ના શરીર અંગો ને પામવા ઝંખે છે ….જાણે કે એક નિર્જીવ ઢીંગલી અને એક જીવતા જાગતા, અનુભવતા શરીર વચ્ચે કોઈજ તફાવત નહીં !

હોય શકે કે આ સ્ત્રી પાર્ટી માંણવા નીકળી હોય કે કોઈ મિત્ર ને મળવા જતી હોય, કે ફિલ્મ નો કોઈ લાસ્ટ શો જોવા , કે પછી પોતાની નોકરી પર જતી હોય કે નોકરી પર થી પરત થઇ રહી હોય , કે પોતાના માતાપિતા માટે દવા શોધવાં નીકળી હોય કે પછી જે કઈ પણ કારણ હોય , શહેર ના રસ્તા પર ચાલવું એ દેશ ના નાગરિક હોવા તરીકે ના એનાં મૂળભૂત અધીકારોમાંનોજ તો એક !

ઝડપ થી ઉપડી રહેલ પગલાંઓ નો પડઘો પાડતા હોય એ રીતે પાછળ થી અન્ય પગલાંઓ ઝડપ થી એના તરફ ઘસતા પીછો કરી રહ્યા. એ પગલાંઓ પોતાના પગલાં સાથે તાલ પુરાવાનો અનુભવ આપી રહ્યા હતા. ઝડપ અને ગતિ સ્વયં ગતિમાન થયા. હૃદય ના ધબકાર એ નીરવ શાંતિ ને ભેદતા જાણે વાતાવરણ માં ગુંજી રહ્યા. ધ્રુજતા હાથો એ મોબાઈલ માં કેટલાક આંકડાઓ દબાવ્યા. પાછળ પડેલ પડછાયો સમાન સ્તરે આવતા લાંબા ડગલે પડખે પહોંચી રહ્યો. એના કાન સુધી શબ્દો પહોંચાડવા પ્રયાસ કર્યોજ કે ઘભરાટ થી મોબાઈલ હાથ માંથી સર્યો. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ લાંબી દોડ મૂકી. જેટલી ઝડપ થી એ રાક્ષસી પડછાયા થી પીછો છોડાવી શકાય એ પ્રમાણે શરીર ની બધીજ ઉર્જા એક શ્વાસે ખર્ચી એ દોડતીજ ગઈ,દોડતીજ ગઈ. પોતાના શ્વાછોસ્વાસ માં પોતાનાજ હય્યા નો ધબકાર સાંભળી શકાતો ન હતો, ત્યાં અન્ય બાહ્ય અવાજો ને અવકાશજ ક્યાંથી ? શ્વાસો ની ગતિ પરાકાષ્ઠા એ પહોંચ્તાજ શરીર બેવળ થઇ જમીન પર પછડાયું. શારીરિક થાક સાથે માનસિક તણાવ નો અસહ્ય ભાર. એક પણ ડગલું આગળ ભરી શકાશે નહીં , હવે શું ? મુખ્ય રસ્તા પર પહોંચતા પહેલા તો પેલો રાક્ષસી પડછાયો પહોંચી રહેશે. ઘસડાતા શરીર ને માંડ માંડ ઉભું કરી સામે દેખાતા કોઈ ખંડેર સમા અર્ધ જમીનદોસ્ત મકાન ના થોડા બચેલા હિસ્સા માં એ પ્રવેશી ગઈ. અંધકાર ના સ્તરો ને ભેદતી એક ખૂણે ઉભા એકાંત જૂના પીપડા સમા કોઈ સાધન પાછળ લપાઈ બેઠી. પોતાના શ્વાછોસ્વાસ નો અવાજ રોકવા મોઢે ઓઢણી નો છેડો દબાવી રાખ્યો. હાથપગ ની સાથે આખું શરીર થર થર ધ્રુજી રહ્યું હતું.

અંધકાર માં લપાઈ ને એ એમજ બેસી રહી. કાન માં પોતાના છાતી ના ઊંડા ઊંડા ધબકાર સાંભળતી. ધીરે ધીરે શરીર નો ધ્રુજારો ઓછો થયો. ફૂલેલી શ્વાસ ધીરે ધીરે સામાન્ય થઇ રહી. શું કરવું ? આમજ બેસી રહે કે હિંમત ભેગી કરી મુખ્ય રસ્તા તરફ દોડ મૂકે ? ઉતાવળ માં એક નાની સરખી ભૂલ કરવી પોષાય એમ ન હતી. પેલો રાક્ષસી પડછાયો રાહ જોતો બહારજ ઉભો હશે તો ? અને નહીં હોય તો ? થોડી ક્ષણો ની મૂંઝવણ પછી હિંમત ભેગી કરતી એ શરીર ઉઠાવતી ઉભી થવા જ ગઈ કે પીછો કરતા ભારેખમ પગલાં ના અવાજ થી ફરી થર થર કંપી રહી. એ રાક્ષસી પડછાયો નજર ની તદ્દન સામે આવી ઉભો. ભારે શ્વાસો ઊંડે થી જે રીતે ઉઠી રહી હતી એ સ્પષ્ટપણે દર્શાવતી હતી કે એક સ્ત્રી શરીર શોધવા બધીજ શરીરઉર્જા સંપૂર્ણ પણે ખર્ચાઈ હતી. પોતાની શ્વાસો ને સંકેલતો એ પડછાયો અર્ધ બેવળ અવસ્થા માં એક એક ડગલું આગળ ઘસવા લાગ્યો. સ્ત્રી ની આંખો બધી દિશા માં બેબાકળી કંઈક શોધી રહી. ડૂબતા ને તણખા નો સહારો પણ ઘણો એ ગણિત પ્રમાણે એકાદ વસ્તુ આંખે ચઢી જાય જેનાથી પ્રહાર કરી આત્મસુરક્ષા નો પ્રયાસ તો આદરીજ શકાય. પરંતુ નહિવત સમય નો અવકાશ અને ક્રિયા પ્રિતિક્રિયા ની કટોકટી વચ્ચે દ્રષ્ટિ પણ જાણે ખાલી હાથે પરત થઇ હોય એમ નિસાસો નાખી રહી. હવે એનાં અને હાંફતા પડછાયા વચ્ચે શૂન્ય અંતર રહ્યું . એનાં બોલાયેલાં શબ્દો કાને પડે એ પહેલાંજ એ પડછાયો જમીન પર પટકાયો . પગ પર થયેલા પ્રહાર થી જાંઘ માંથી લોહી નું ઝરણું વહી રહ્યું . ઉફાળાં લોહી ની ધાર સાથે એક દર્દનાક ચીસ હવા માં ગૂંજી રહીં . એ દર્દ ની ચરમ સીમા એ પહોંચેલા પડછાયા ની પાછળ અન્ય ચાર પડછાયાં ઉભા હતા . હાથ માં ધારદાર હથિયાર અને હૃદય માં ક્રોધ ની અગન જ્વાળા ! એમાંથી એક પડછાયાં એ આગળ ધસી પુરુષ ના હાથો ને દોરડાં માં કસી ને બાંધી દીધાં . મોઢા માં કપડાં નો ડૂચો મારી એની ચીસો ને મૌન માં ફેરવી નાખી .

” પીડા થઈ ? મને પણ થઇ હતી ! ”

પીપડા ના પાછળ થી અંધારા ને વેધતી સ્ત્રી બહાર નીકળી. જાણે કોઈ અભિનેત્રી પોતાના અભિનય પછી ફરી વાસ્તવિક જીવન ના પાત્ર માં આવી પરત ગોઠવાય એ રીતે થોડી ક્ષણ પહેલાજ થર થર કંપતું શરીર સંપૂર્ણ નીડરતા અને આત્મવિશ્વાસ સાથે આગળ આવ્યું. નીચે પછડાયેલો પડછાયો આઘાત થી તરફરી ઉઠ્યો. સ્ત્રી નીચે તરફ ઢળી અને પાછળ ઉભેલા એ ચાર પડછાયાઓ પણ એને દોરવાતા નીચે ઝૂક્યા. એમણે સ્ત્રી ના હાથ માં ધારદાર હથિયાર ધર્યું. ચંદ્ર નો પ્રકાશ વાદળો માં સંતાકૂકડી કરતો પાંચ ચ્હેરાઓ ને વારાફરતી ચમકાવી રહ્યો . પાંચ સ્ત્રીઓ ! નીચે થી હેબત થી ડોકાતી પુરુષ ની આંખો ને લાગ્યું જાણે કે પાંચ ચંડિકાઓ એના વિનાશ નું નિમિત્ત સમી એને ઘેરી વળી હતી. પરસેવા માં રેબઝેબ એ ચ્હેરા પર ની આંખો પાંચેય સ્ત્રીઓ ની દ્રષ્ટિ માં ડોકાતી ક્રોધ ની જ્વાળાઓ ને પરખી ડર થી પહોળી ફાટી રહી હતી.

” હું પણ ચીખી હતી…બચાવો………મદદ……….મદદ ……..પણ કોઈ આવ્યું ન હતું ” સ્ત્રી એ હથિયાર થી બીજા પગ પર પ્રહાર કર્યો અને પુરુષ નું શરીર ફફડી ઉઠ્યું.

” આજે તારી મદદે પણ કોઈ ન આવશે ” બીજી સ્ત્રી ની આંખો માંથી જાણે ક્રોધ નો જ્વાળામુખી ઉભરાઈ રહ્યો હતો.

” અમારા શરીરો જેમ પીંખાયા છે એવાજ એ તમામ પુરુષો ના શરીર ને પણ શોધી શોધી પીંખી પીંખી ને સમાપ્ત કરીશું ,જે સ્ત્રીઓ તરફ હવસ ની આછી દ્રષ્ટિ પણ ફરકાવશે …..” ત્રીજી સ્ત્રી ની વેદના શબ્દે શબ્દ માં નીતરી રહી. બદલા ની ભાવના માં ફક્ત એનું શરીરજ નહીં આત્મા પણ સળગી રહી હતી.

” અમે અબળા નથી. અમને કોઈ ની મદદ ની જરૂર નથી કાયદાકાનૂન ના બંધ પુસ્તકો ની ખુલ્લેઆમ મશ્કરી ઉડાવતા નરાધમો સામે કાનૂન ના બંધાયેલા હાથો પર હવે વિશ્વાસ નથી રહ્યો. એક બળાત્કાર થયેલી સ્ત્રી ને માઈક ધરી પૂછતાં , તમને કેવી અનુભૂતિ થાય છે ? બળાત્કારી એ કઈ રીતે બળાત્કાર કર્યો ? એ પીડા , એ વેદના ની ખીલ્લી ઉડાવતા ને વધુ ઊંચી આવક કે ટીઆરપી નું માધ્યમ બનાવતા સમાચાર ના માધ્યમો કે પત્રકારત્વ પર પણ વિશ્વાસ
નથી રહ્યો. ” ચોથી સ્ત્રી ના આવેગ ને આગળ લઇ જતી પાંચમી સ્ત્રી એ ક્રોધાવેગ ની દોર હાથ માં લીધી.

” અને આ સમાજ , આજની યુવાપેઢી એમની પાસે શી મદદ ની આશા રાખીએ ? ઘરે બેઠા આરામ થી પોતાના ઉપકરણો ઉપર થી અમારી પોસ્ટ શેર કરી, થોડા કરુણાભર્યા કોમેંટ્સ આપી , લાઈક ના ઢગલો વર્ષાવી , રડતી સ્માઇલીઓ આપી, પોતાના પ્રોફાઈલ ફોટા દ્વારા એકાદ અઠવાડિયું સાથસહકાર નો ઢોંગ દર્શાવી, ‘બ્રેવહાર્ટ ‘ ના નામો આપી કે છેવટે એક રેલી કાઢી , થોડી કૅન્ડલો સળગાવી, એમની ફરજ સમાપ્ત ??? બ્રેવહાર્ટ ને બધુજ સહન કરી લીધા પછી શ્રદ્ધાંજલિ આપવા કરતા સમાજ માં હવે પછી એક પણ બ્રેવહાર્ટ અસ્તિત્વ માંજ ન આવે એ માટે સમાજ ક્યુ યોગદાન આપે છે ??????”

ગુસ્સા માં બેબાકળી પહેલી સ્ત્રી પોતાના ધારદાર હથિયાર ને એકીટશે જોતી ઉભી થઇ. અન્ય ચાર સ્ત્રીઓ થોડા પગલાં પાછળ હટી .

” તમારા જેવા પ્રાણીઓ ને કાયદા ના હાથે છૂટા ન મુકાય. સમાજ માં દરેક સ્ત્રી શ્વાસભેર સ્વામાન જોડે નિર્ભય જીવી શકે એ માટે એક એક રાવણ ને શોધી શોધી વધ કરવોજ રહ્યો !!! ”

પોતાના હાથમાંનું હથિયાર હવા માં ઊંચકી એ નીચે પ્રહાર કરવા ગઈ કે અણધાર્યો પલટવાર કરવા એ પુરુષ પોતાનું શરીર સંકેલતો કોઈ આત્મસુરક્ષા ની આગવી શૈલી નું પ્રદર્શન કરતો ઉભો થઇ રહ્યો. એના બંધાયેલા હાથ નું દોરડું જમીન પર પડ્યું હતું. શરીર ની સ્ફૂર્તિ કોઈ વ્યવસાયિક તાલીમ તરફ સંકેત કરી રહી હતી. તો આટલા સમયથી દર્શાવેલી નિષ્ક્રિયતા ની પાછળ ક્યુ કારણ ? સ્ત્રીઓ કઈ સમજી શકે એ પહેલાજ બીજીજ ક્ષણ માં પોતાના કપડાં માં છુપાવેલી રિવોલ્વર કાઢી એણે પહેલી સ્ત્રી ને પોતાની તરફ ખેંચી , પીસાની પર રિવોલ્વર તાકી દીધી.. શારીરિક ખેંચતાણ ની વચ્ચે પુરુષ ના ખમીસ માં છુપાયેલું બટન દબાયું કે સ્પીકર સમો અવાજ બધા ને સંભળાઈ રહ્યો :

” સર , સર, પ્લેસ ડીટેકટેડ .પાંચ મિનિટ માં પહોંચી જઈશું. ઓવર
એન્ડ આઉટ ”

ત્રણ મહિનાથી જે સિરિયલ કિલર હત્યારાઓ ની ટુકડી ની શોધ થઇ રહી હતી એ બિલકુલ સામે ઉભી હતી.

” પુલીસ આવે એ પહેલા ભાગી જાઓ. મારી ચિંતા ન કરતા . જાઓ અહીં થી જલ્દી …..”

ચારેચાર સ્ત્રી તરતજ ભાગી નીકળી. નિર્ધારિત જીવન ધ્યેય માટે એ અનિવાર્ય હતું.

” જેલ ના પાંજરા માં મારુ શરીર પીંખવા છોડવા કરતા અહીજ ગોળીથી વીંધી દો . બળાત્કારીઓ ને પકડવા કરતા એક સ્ત્રી ને ગોળી ઠોકવી તદ્દન સરળ. મેડલ સહેલાઇ થી વર્દી પર આવી લાગશે ”

કટાક્ષયુક્ત હાસ્ય સાથે એ સ્ત્રી ઇન્સ્પેકટર ની મશ્કરી ઉડાવી રહી. તેને ખભે થી ધકેલી ઈન્સ્પેક્ટરે આગળ તરફ ધકેલી. જાણે એક અદ્રશ્ય પાંજરા નું કોઈ બારણું ઉઘાડી રહ્યું. પંખી ની દ્રષ્ટિ બારણું ઉઘાડનાર પર વિસ્મય થી મંડાઈ. હવા માં આમતેમ ત્રણ વાર ફાયરિંગ થઇ.

” જલ્દી થી નીકળી જાઓ …..”

પુરુષો માટે છલોછલ નફરત ભરેલ હૃદય માં આછી આદર ની લાગણી ફરી વહી આવી . આ લાગણી હય્યા ને કોઈ નબળાઈ થી ભરે એ પહેલાજ એ અંધકાર માં દૂર ઓગળી રહી.

” સર શું થયું ?” ધસી આવેલ પુલીસ નું લશ્કર ચારે દિશાઓ ખંખોળી રહ્યું. કોઈ માનવ અંશ હાથ ન લાગ્યો. પુલીસ ઇન્સ્પેકટર ના ચ્હેરા પર એક અનન્ય સંતોષ ડોકાઈ રહ્યો. મોઢામાં થી ફક્ત એટલાજ શબ્દો નીકળી શક્યાં :

” આપણે મોડા પડ્યા ………..”

લેખક : મરિયમ ધુપલી

ખુબ સુંદર વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી