સરખામણી – દરેક મહિલાની કોઈને કોઈ કહાની હોય છે આજે વાંચો આવી જ એક સ્ત્રીની દર્દની દાસ્તાન…

સરખામણી

‘મનની આગ ટાઢી શેને થઈ ગઈ? પ્રેમની ઉષ્મા આછી શેને થઈ ગઈ? વીંટળાઈ હતી વાયદાઓના સાત જન્મોમાં.. વાત એક જ જન્મમાં તે છાની શેને થઈ ગઈ?’

“કેટલીવાર કહ્યું છે મારી અલમારી ને ના અડવું,”ચીસ પાડતો વિવેક રસોડામાં ધસી આવ્યો. “પણ તારા કપડાં ઈસ્ત્રી કરીને મુકવા…” ઈશિકાનું વાક્ય પૂરું થાય એ પહેલા કપાઈ ગયું.

“કપડાંને બહાને મારી અલમારીમાં ઝાંખવા નહિ?” રસોડામાં હાજર કામવાળીની સામે પોતાના સમ્માનના ચીંથરા ઉડાવતા વિવેકની આંખોમાં આંખો પરોવી એ જવાબ આપી રહી:

“સાચી વાત તો એ જ કે અલમારીના બહાના હેઠળ તને મારી જોડે ઝગડવું છે.” કામવાળીની સામે મળેલ આ જવાબના જવાબમાં વિવેકે ઈશિકા ને એક જોરદાર લાફો મારી પોતાના પુરુષ હોવાનો પુરાવો આપી નીકળી ગયો. કામવાળી ઝંખના પોતે સાક્ષી બનેલ એ દ્રશ્યને જોયું જ ના હોય એમ ડોળ રચી પોતાની શેઠાણીનું માન જાળવતી પૂછી રહી: ” જમવામાં શું બનાવું?” ચ્હેરા પર પડેલ એ થપ્પડ આત્મા સુધી પહોંચ્યો હતો. તેથી એની વેદના અંતરને કોતરી રહી હતી. બધી જ ઇન્દ્રિયો જાણે સૂની થઈ રહી હતી. “જે તને ઠીક લાગે પણ…”

“જાણું છું સાહેબ તો રોજની જેમ બહાર જમશે. એટલે ફક્ત તમારું જ…” ઝંખનાની આંખોમાં પણ પોતાના માટે દયા ભાવ અનુભવતી એ રસોડા માંથી ડ્રોઈંગ રૂમ માં પહોંચી. વિવેક તો આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત રહેશે. સાંજે થોડા સમય માટે ઘર આવશે ને ફરી કોઈ બિઝનેસ કમ ડીનર મિટિંગ માટે નીકળી જશે. પોતે આખો દિવસ ફક્ત ઘરના અન્ય ફર્નિચર ની જેમ જ એક શો પીસ બની બેસી રહેશે. ના કોઈ પ્રવૃત્તિ. ના કોઈ ધ્યેય. ટીવી નું રિમોટ લઈ એ ચેનલો ફેરવવા માંડી. ન્યુઝ ચેનલ પર એ જ એક ના એક સમાચારો, મ્યુઝિક ચેનલો પર એજ એક ના એક ગીતો, એજ પુનરાવર્તિત ફિલ્મો… ના આ ફિલ્મ હજી નથી જોયું…પીકુ… એક પિતા અને દીકરીની વાર્તા… બિગ બી ને દીપિકા પાદુકોણ વચ્ચે ચાલી રહેલ એ સંવાદો સાંભળી એ ભૂતકાળમાં પોતાના ઘરે પોતાના પિતા આગળ ઉભી થઈ :”કંઈ પણ થઈ જાય આ લગ્ન માટે મારી મંજૂરી ના જ મળશે..”

Concerned mixed race woman sitting on sofa

“પણ ડેડ હું વિવેક વિના ના રહી શકું..”
“તું પ્રેમમાં આંધળી થઈ રહી છે. સારું ભણતર, સારી કારકિર્દી છોડી તું આમ તારા જીવન લક્ષ્યથી કઈ રીતે પીઠ ફેરવી શકે?”
“ડેડ વિવેક મને પ્રેમ કરે છે. હવે એનું જીવન લક્ષ્ય જ મારુ જીવન લક્ષ્ય.”
“એ પ્રેમ તારી દ્રષ્ટિની ભ્રમણા છે. એ પ્રેમ નહિ યુવાનીનું વિજાતીય આકર્ષણ છે. સાચો પ્રેમ શરતો ના મૂળ પર ના વિકસે.”
“વિવેક મને છેતરી શક્યો હોત, લગ્ન પછી પણ શરત મૂકી શક્યો હોત..”
“લગ્ન પહેલા કે પછી… આ શરત જ અયોગ્ય. તારી ચાર્ટડ એકોઉંનટંટની ડિગ્રીને આમ નકામી વેડફી ફક્ત એક હાઉસ વાઈફ બની એના ઘરની ચાકરી કરીશ એમજ ને?”

“ચાકરી કેવી? એને પોતાના માટે એક હાઉસ વાઈફ જોઈએ, એમાં ખોટું શું? એ મારો ખ્યાલ રાખવા સક્ષમ છે ને હું એનો.”


“આમ ભાવનાઓમાં વહી જીવનના નિર્ણય ના લેવાય. બી પ્રેક્ટિકલ. તારો અભ્યાસ, તારી કારકિર્દી, તારી ઓળખ છે. જે પોતાના સ્વાર્થ માટે અન્યની પ્રગતિ અવરોધે એ પ્રેમ નહિ. શરતોના દાયરા રચાવા માંડે ત્યાં જ પ્રેમ દમ તોડે. એવી ભ્રમણાઓ વાળી લાગણીઓમાં પ્રેમ ગૂંગળાઈ મરે..”
“પ્રેમ એટલે સમર્પણ, ત્યાગ..”
“પણ ફક્ત બંને પક્ષે એ ભાવના સમાન હોય ત્યારે… નહીંતર એકતરફી જીત ને એક તરફી હાર!”
“ઇનફ ડેડ હું નિર્ણય લઇ ચુકી છું. હું વિવેક જોડેજ લગ્ન કરીશ. આપના આશીર્વાદ સાથે નહીંતર..”

“નહીંતર લિવ માય હાઉસ રાઈટ નાઉ..”ચાર વર્ષનો એ પ્રેમ સંબંધ પચ્ચીસ વર્ષ ના વાત્સલ્ય સામે એવો જીત્યો કે પિતાની લાગણીની પરવાહ કર્યા વિના જ ઈશિકાના પગલાંઓ પૂર જોશમાં વિવેકના જીવનમાં પ્રવેશવા પિતાના ઘરમાંથી હંમેશ માટે બહાર નીકળી ગયા!”
“મેડમ જમવાનું તૈયાર છે..” ઝંખનાના શબ્દો એને પાંચ વર્ષ પહેલાના દ્રશ્યમાંથી વર્તમાનમાં ખેંચી લાવ્યા. પિતાનું ઘર અને દરેક સંબંધો ખુબ જ પાછળ છૂટી ગયા. હવે તો ફક્ત એ અને એની એકલતા.
“તબિયત ઠીક નથી. જમીશ નહિ. ફક્ત મારી દવા લઈ આવજે. હું બેડરૂમ માં જઉં છું..” ટીવી સ્વીચ ઓફ કરી એ પોતાના શયન ખંડ માં પહોંચી. આરામ કરવા પલંગ ઉપર ગોઠવાઈ. સામેની દીવાલ પર એની અને વિવેકની લવ મેરેજની યાદરૂપી એ વિશાલ ફોટો ફ્રેમ ઉપર એની નજર તકાઈ. વિવેકના ચ્હેરા ઉપર કેવી ખુશી ઉભરાઈ રહી હતી. એની આંખોમાં કેટલો આનંદ છવાયો હતો. વિવેક એને કેટલો પ્રેમ કરતો હતો.. પણ હવે.. પણ હવે વિવેક બદલાઈ ગયો. એની લાગણીઓ બદલાઈ ગઈ. એની ખુશીની વ્યાખ્યા પૂર્ણ ના થઈ શકી એટલે જ ? વિવેકની અપેક્ષા પર એ ખરી ના ઉતરી શકી એટલે? વિવેક ને એક બાળક ના આપી શકી એટલે? ફોટો ફ્રેમ પર મઢાયેલી આંખોની સામે આખો સંવાદ જીવંત થયો.”

“વિવેક ડોક્ટરનો અભિપ્રાય લઈએ તો?”
“તું કહેવા શું માંગે છે?”
“એટલું જ કે ડોક્ટર પાસે એકવાર ચેક અપ્પ કરાવી લઈએ તો…”
“કેટલીવાર તને ડોક્ટર પાસે લઈ ગયો… હવે થાકી ગયો.. કોઈ આશ નથી.. મારા બધાજ સપનાઓ..”
“વિવેક મારા બધાજ ટેસ્ટ નોર્મલ આવ્યા છે.. એક વાર તારું ચેક અપ કરાવી લઈએ તો?” એ દિવસે વિવેકે પહેલીવાર એની પર હાથ ઉઠાવ્યો હતો. એનો પુરુષ હોવાનો પુરાવો આપવા. ને પછી એ પુરાવો આપવાનો નિયમિત ક્રમ બનતો ચાલ્યો. પહેલા તો ફક્ત એકાંતમાં ને પછી અન્યોની હાજરીમાં પણ. એ પિતા ના બની શકે એની કરતા વધારે ક્રોધ એ વાતથી ઉદ્દભવતો કે ઇશિકા તો મા બની શકે છે. એની અકળામણ, એની ચીઢ, વાતે વાતે લડાઈ, ઈશિકાથી અળગાપણું.. એક જ છતની નીચે જાણે બે અજાણ્યા. સાથે રહેતા તો ફક્ત એટલે જ કે સાથે રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નહિ!”
“મેડમ જમી લો..” ઝંખના જમવાની થાળી લઈ સામે આવી. ને ફોટોફ્રેમમાં ભૂતકાળ નિહાળી રહેલ દ્રષ્ટિ વર્તમાનમાં પરત થઈ.

“મેં કહ્યું ને…”
“ના મેડમ આમ જમ્યા વિનાજ ભુખા પેટે દવા ના લેવાય.”
“પણ..”
“પણબણ.. કાંઈ નહિ.. ચલો જમી લો તો..” આખરે ઝંખનાની જીદથી એને થાળી લેવી જ પડી.
“અરે આ ફરી તારો ચ્હેરો કેમ સૂઝી ગયો?”

“કાંઈ નહિ મેડમ એ તો એમ જ… ” કહેતા ઝંખના રસોડામાં જતી રહી. દરવખતની જેમ જ જવાબ ટાળી ને. અવારનવાર ઝંખનાનો સૂઝી ગયેલો ચ્હેરો એણે જોયો હતો. ઝંખના કેટલો પણ જવાબ ટાળે પણ એક સ્ત્રીના ચ્હેરા પર પુરુષ તરફથી અપાતા પુરુષ હોવાના પુરાવા તો એના અને ઝંખનાના, બંને ના ગાલ ઉપર એક સમાન જ ને! બંને સ્ત્રી જ ને! એક શેઠાણી ને એક કામવાળી ભલે હોય બંનેની ગોદ સુની જ! જયારે પણ પોતાના જીવનને એ ઝંખનાના જીવન સાથે સરખાવતી ત્યારે એ સરખામણી એની ઔષધિ, એના દર્દ નું મલ્હમ, એનું પેઈન કિલર બની જતી. બાળપણમાં શીખ્યું હતું કે સરખામણી આપણાથી ઓછા સુખી લોકો સાથે જ કરવી. એ જ ખુશ રહેવાનો એકમાત્ર ઉપાય. પગમાં પહેરવાને જોડા ના હોય ત્યારે જેમને પગ જ ના હોય એમને યાદ કરવા. ઘર નાનું ભાસે તો રસ્તામાં ઊંઘતા બેઘરોને, જમવાનું ના ગમે તો ભૂખે પેટ ગુજરાન ચલાવનારાઓ ને! ઘરે ઘરે કામ કરવું, વાસણ, કપડાં, રસોઈ, આખો દિવસની હાડમારી એને વેઠવી પડતી નથી. ફર્નિશ ફ્લેટ, કામવાળી, બે સમયનું ભોજન ને આરામ ઝંખનાના ભાગ્ય માં ક્યાંથી હોઈ? ઝંખના એની જેટલી ભાગ્યશાળી થોડી? ભાગ્યમાં કંઈક સરખું તો પ્રેમની અધૂરપ!

“મેડમ હું જાઉં.. આ તમારી દવા..” ઝંખના સાથેની સરખામણીને દવાની ટીકડીઓ એના જીવનની વેદના મટાડવા બંને અનિવાર્ય! ઝંખના ના જતાજ ટીકડી લઈ એ ઊંઘમાં સરી.
સાંજે મોબાઈલની રિંગથી એની આંખો ખુલી. વિવેક આવી ચુક્યો હતો. ઓફિસના કપડાં સોફા પર પડ્યા હતા. એ કપડાઓની અંદરથી સંભળાય રહેલ રિંગટોન શાવરના ઊંચા અવાજ માં વિવેકને સંભળાય રહી ના હતી.
“વિવેક તારો મોબાઈલ..” એક સાથે લગાતાર રણકી રહેલ ફોન કોઈ મહત્વતાનો સંકેત કરી રહ્યો હતો. પથારી છોડી એ ફોન શોધવા સોફા પાસે પહોંચી. મિટિંગનો સમય થઈ રહ્યો હતો. કોઈ મહત્વનો સંદેશ મિસ ના થઈ જાય એ ઉતાવળમાં ઇશિકા ના હાથ ઝડપથી વિવેકના કોટમાં ફરી વળ્યાં. મોબાઈલ હાથમાં આવતા જ રિંગટોન બંધ થઈ. ફરીથી મોબાઈલ નીચે મુકવાનો પ્રયાસ કર્યો કે ઇનબૉક્સમાં મેસેજ આવ્યો. મેસેજ ખોલી શબ્દો વાંચતા જ આંખો થીજી ગઈ.

“વેઇટિંગ ફોર યુ માય લવ. ફીલિંગ હંગરી એન્ડ અલોન. લવ એન્ડ કીસીસ. કમ સૂન..” બાથરૂમમાંથી વિવેકનો બહાર નીકળવાનો અવાજ સાંભળતા જ એણે શીઘ્ર મોબાઈલ કોટમાં મૂકી ઊંઘવાનો ડોળ કર્યો. વિવેક એક પણ ક્ષણ વેડફ્યા વિના જ કપડાં પહેરી, પરફયુમ લગાવી, કોટ ઊંચકી નીકળી ગયો. એના જતા જ ઈશિકાની આંખો ઉઘડી. પણ ફક્ત શારીરિક જ નહિ અંતરની પણ. એનું સ્વાભિમાન જે પહેલેથી શુન્યજ હતું હવે તો માઇનસમાં ઉતરી પડ્યું. પિતા એ કહેલા વાક્યો તીરની જેમ એની આત્માને વેધી રહ્યા. શરતોના પાયા પર ઉભેલી પ્રેમની ઇમારત જમીનદોસ્ત થઈ રહી. એ કાટમાળના નીચે એને તડપતી છોડી વિવેક ખુબ જ આગળ નીકળી ગયો. એક તરફી હાર ને એક તરફી જીત.

પ્રેમની ભ્રમણાઓ માંથી બહાર નીકળતાં જ શ્વાસ રૂંધાવા લાગ્યો. આત્મા વીંધાઈ ને જીવ નીકળી રહ્યો. જેને લીધે આખું વિશ્વ છોડી દીધું આજે એણે જ પોતાના જીવનમાંથી કચરાની જેમ બહાર ઠાલવી દીધી. ના કઈ લક્ષ્ય રહ્યું ના જીવન. આવું અપમાન વેઠવા કરતા તો પ્રાણ જ ત્યજી દેવા! જેટલા જોશમાં પિતાનું ઘર છોડવા માટે ઉઠ્યા હતા એનાથી બમણા જોશમાં ઇશિકાના પગલાં વિવેક ના ઘરમાંથી બહાર નીકળી પડ્યા. સૂર્યાસ્ત સાથે છવાઈ રહેલ અંધકારમાં એ અંધારિયું જીવન લક્ષ્ય વિહીન ભટકી રહ્યું. એક એક ડગલું મૃત્યુ તરફ આકર્ષી રહ્યું. જે વિશ્વ માં પ્રેમ નહિ એ વિશ્વમાં ક્યાંથી જીવાય?

અચાનક જ એના પગ થંભી ગયા. આ ફક્ત એક સંયોગ કે વિધિ નો કોઈ સંકેત? એનું શરીર ઝંખનાના રહેઠાણ નજીક કઈ રીતે પહોંચ્યું? એને એક છેલ્લી વાર મળી લેવા? ઝંખનાને નોકરી આપવા પહેલા એના રહેઠાણને સરનામાંની પ્રમાણભૂતતા ચકાસવા એ અહીં આવી ચુકી હતી. એના પગ અચાનક જ અજાણ્યે ઝંખનાની ખોલી સુધી પહોંચવા ઉપડ્યા. ચારે તરફ હવામાં ગરીબીની દુર્ગંધ અનુભવાતી હતી. નાક ઉપર રૂમાલ ગોઠવતી નગ્ન બાળકોની વચ્ચેથી રસ્તો બનાવતી એ ઝુપડપટ્ટી વિસ્તારમાં એ એક જ સ્વચ્છ માનવી ભાસી રહી હતી. ઝંખનાની ખોલી પર પહોંચ્તાજ બારણે ટકોરા પાડ્યા. બારણું ખુલતાં જ સામે ઊંચું કદાવર શરીર એની સામે ઉભું હતું. એ લાલ લાલ આંખો જોતાં જ ઈશિકાને ઝંખનાના ચ્હેરા ઉપરનો સોજો યાદ આવ્યો. આજ કદાવર હાથો હતા એ. વિવેક જેવા જ! આંખોમાં ઉભરાઈ આવેલ ધુત્કાર સાથે એ ઝંખનાને શોધી રહી.

“ઝંખનાને મળવું છે.”
શેઠાણીનો અવાજ સાંભળતા જ ઝંખના બારણે ધસી આવી.
“અરે મેડમ તમે અહીં? આમ રાત્રે?”
“બસ અહીંથી પસાર થતી હતી તો મળવા ચાલી આવી.”
“આવો આવો અંદર આવો..” આજ ગરીબ રહેઠાણની સરખામણી એ પોતાના ફર્નીશ ફ્લેટ જોડે કરતી. એક ઓરડો જે એકજ દ્રષ્ટિમાં નિહાળી શકાય એટલો નાનો. એક જૂનો પલંગ. એક સ્ટીલની અલમારી. થોડી પ્લાસ્ટીકની ખુરશીઓ. એક ચૂલોને આંગળી એ ગણી શકાય એટલા જ વાસણો.
“પાણી..” ખુરશી પર ગોઠવાતાં જ એ કદાવર હાથો પાણી આપવા લંબાયા. એક પણ શબ્દ કહ્યા વિના જ માથું ધુણાવી એણે પાણી પીવાની ના પાડી. સામે બેઠી ઝંખનાને પાણીનો ગ્લાસ પકડાવી પાસે રાખેલ લોશનના ડબ્બામાંથી ઝંખનાના ગાલ ઉપર મસાજ કરતા પેહલીવાર એ કદાવર શરીર બોલ્યું.

“મેડમ એને સમજાઓ આ હાલતમાં કામ ના કરાય. મારી તો એ સાંભળતી જ નથી.” પોતેજ આપેલા ઘાની ઉપર દવા લગાવતા એ દંભને અવગણી ઈશિકાએ ઝંખનાને જ સીધું પૂછ્યું.
“ઝંખના શું થયું?”
“કાંઈ નહિ મેડમ એ તો એમ જ.. ”
“એમ જ શું? આખો ચ્હેરો ખજવાયને એની સંભાળ લેવાની જગ્યા એ.. ” પતિના શબ્દોથી છોભીલી ઝંખના નીચું જોઈ રહી.
“આમ આવી ઇલરજી સાથે… ”
“એલર્જી?” એ અશિક્ષિત ઉચ્ચારણને સુધારતી એ ઝંખના ને પૂછી રહી:”મને કહ્યું કેમ નહિ?”
“મેડમ ચામડીનો રોગ છે.. આખો ચ્હેરો સૂઝી જાય છે.. ડરતી હતી મારુ કામ છૂટી ના જાય..” ઝંખનાના ગાલ ઉપર લોશન લગાડી રહેલ એ હાથ ને જોઈ ઇશિકાનો સૂઝેલો ગાલ વધુ બળી રહ્યો. “મેડમ એના મા બાપ લગ્ન માટે તૈયાર ના હતા. ભાગી ને લગ્ન કર્યા. મારા પ્રેમ ખાતર જે બધું પાછળ મૂકી આવી જો એને ખુશ ના રાખી શકું તો ઈશ્વર પણ મને માફ ના કરે..” પુરુષના પ્રેમનું આ પાસું નિહાળી ઈશિકા સ્તબધ થઈ ગઈ.

“પ્રેમમાં તો સંઘર્ષ બે હૃદય વહેંચી નાખે. તારા સંઘર્ષને હળવો કરવાની ફરજ મારી પણ હોય. આખો દિવસ રીક્ષા ચલાવેને રાત્રે પણ પેસેન્જર શોધવા નીકળે. ઉજાગરો કરી આંખો કેવી લાલ કરી.. મૂકી છે.” પતિની આંખોમાં ઝાંખતી ચિંતાના સ્વરમાં ઝંખના બોલી. ” અરે તને કામ કરવાની થોડી મનાઈ કરું છું. એકવાર સાજી થઈ જા. પછી તારું જીવનને તારા નિર્ણયો.”
વિવેક જેવા શિક્ષિત પુરુષો જે નથી સમજી શકતા એ એક અશિક્ષિત રિક્ષાવાળો કઈ રીતે સમજી શકે? ઈશિકાના સામે નિયતિ જાણે શિક્ષક બની ઉદાહરણ આપી રહી હતી. સાચા પ્રેમ નું ઉદાહરણ. અને આ ઉદાહરણ પિતા એ સમજાવેલ પ્રેમની વ્યાખ્યા જોડે તદ્દન મેળ ખાતું હતું. બંને તરફ એક સમાન ત્યાગ ને સમર્પણ ભાવ. બન્નેને જીવવાની ને નિર્ણયો લેવાની સમાન સ્વતંત્રતા. પ્રેમને વિકસવા માટે સુખસગવડની નહિ એકમેકને સમજવાની ને પરિસ્થતિ અનુરૂપ એકમેકના વિકાસમાં સહર્ષ ફાળો નોંધાવવાની જરૂર માત્ર! પતિના પ્રેમ અને લાગણીથી ભીંજાયેલ ઝંખના ક્ષણ ભર માટે ભૂલીજ ગઈ કે એની શેઠાણી ત્યાં જ હાજર છે. લાગણીના આવેશમાં શબ્દો અશ્રુથી ભીંજાતા બહાર સરી નીકળ્યા. “તું મને આટલો પ્રેમ કરે ને હું તને એક બાળક પણ..”

પત્નીની આંખોના પૂર જોતાજ એને બાળક જેમ વહાલ કરતું એ કદાવર શરીર આશ્વાસન આપવા લાગ્યું. “બાળક આપવું કે ના આપવું એ તો ઉપરવાળા ના હાથમાં અને બાળકનો જન્મ શું ફક્ત સ્ત્રી નિજ ક્ષમતા ઉપર આધાર રાખે? એમાં પુરુષની ક્ષમતાના માપદંડ પણ એટલા જ મહત્વના નહિ?” એક અશિક્ષિત મોઢે નીકળેલા એ અતિ શિક્ષિત શબ્દો કાને પડતાં જ ઇશિકા ચોંકી ઉઠી. થોડાજ સમય પહેલા પ્રેમ ઉપરથી ઉઠી ગયેલ વિશ્વાસ જાણે પરત થઇ રહ્યો. સાચો પ્રેમ તો અમર. એનાથી જ તો વિશ્વ ટકી રહ્યું છે. ફક્ત એને ખોટી જગ્યા એ શોધતા માસો એ સમજી જાય તો કેવું સારું કે પ્રેમ એ ફિલ્મી સંવાદો કે ફિલ્મી ગીતો નહિ, થોડા ક્ષણ નું આકર્ષણ કે કેન્ડલ લાઈટ ડિનરો નહિ, એકની પ્રગતિ કાજે અન્યનું એકતરફી બલિદાન નહીં.

પ્રેમ એટલે તો દરેક પરિસ્થિતિનો એકસાથે થતો સામનો માત્ર. બંને પ્રેમી પંખીડાઓને પ્રેમના પ્રવાહમાં એકલા છોડી ઈશિકા ત્વરાથી બહાર નીકળી આવી. પણ હવે એના પગલાંઓ દિશાવિહીન ના હતા. પોતે ક્યાં જશે શું કરશે બધું જ મનમાં સ્પષ્ટ હતું. શરીરમાં ઉત્સાહ ને હૃદયમાં આત્મવિશ્વાસ સાથે એણે ડોરબેલ વગાડી. બારણું ખુલ્યું. ગુસ્સ સાથે ફરી બારણું એના મોઢા પર બંધ થયું. એણે ફરી ડોરબેલ વગાડી. બારણું ફરી ખુલ્યું અને વર્ષો પછી દીકરીને નિહાળી રહેલ પિતાના વાત્સલ્યને પ્રેમથી ભીની એ આંખો એને અંદર પ્રવેશવાનું આમંત્રણ આપી રહી. જીવનની એક નવી શરૂઆત કરવા, જીવન ને ધ્યેયપૂર્ણ અને લક્ષ્યપૂર્ણ બનાવવા ને એ અર્થસભર પ્રક્રિયા દરમ્યાન સાચા પ્રેમને પામવાની હકારાત્મક લાગણી સાથે એના પગલાં ઘરમાં પ્રવેશ્યા ને બારણું બંધ થયું.

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી