રજાનો દિવસ – દરેકના જીવનમાં એકવાર તો આવો દિવસ આવશે જ… વાંચો આ લાગણીસભર વાર્તા…

રજા નો દિવસ

આજે રજા નો દિવસ…

હાશ… !!!!!

આજે નિરાંત નો દિવસ…….

આજે રાત્રી થી ગોઠવેલી એલાર્મ ઘડિયાળ પરોઢ ની ઘડીએ અંતર ને ધ્રુજાવી મુકશે નહીં………

એલાર્મ ના તાલ ઉપર યંત્ર માનવ ની જેમ પથારી છોડી દુનિયા ની કોલાહલ માં ભાગ ભજવવા નીકળી પડવાનું નથી………

સમાચારપત્રો ના કડવા અહેવાલો થી ચા નો સ્વાદ દૂણવવાનો નથી …..

નાસ્તા ના નામે બે ત્રણ કોળિયા પાણી સાથે ઉતાવળે ગળા નીચે ઉતારી ઓફિસ માટે શ્વાસવિહીન ડોટ મૂકી ભાગવાનું નથી……….

દસ- બાર કિક પછીજ એક્સિલેટર પકડતી મોટરસાયકલ ને શરૂ કરવા શરીર ની બધીજ ઉર્જા નકામી વ્યય કરવાની નથી………

પેટ્રોલ પમ્પ સુધી પહોંચતા હૃદય ને રાતોરાત પેટ્રોલ ના વધી ગયેલા ભાવ થી ધ્રુજાવવાનું નથી…….

ઓફિસ ની ઘડિયાળ અને ટ્રાફિક ની કતાર વચ્ચે ‘સેન્ડવીચ ‘ બની ભીંસાવાનું નથી…..

ટ્રાફિક સિગ્નલ પર ની લાલ બત્તી ને વિના વાંકે ગુસ્સા માં તાકવાનું નથી…….

પાછળ થી ભૂલ થી મારી મોટરસાયકલ ને અડકી ને ઉભી રહેલી અન્ય મોટરસાયકલ ના ચાલક ઉપર મારી ઉતાવળ અને મોડા પહોંચવાના ભય ને આક્રમણ સ્થળાન્તર સ્વરૂપે લાદવાના નથી…..

ઓફિસ પહોંચી માલિક ની સામે સમયસર ન પહોંચવા ના કારણ તરીકે અવનવી કોઈ વાર્તા વિચારો માંથી શ્રમ કરી ઉપજાવવાની નથી….

ઓફિસ ના એક અંધારિયા ખૂણા માં મારા જીવન ના અતિમુલ્ય કલાકો કી- બોર્ડ પર થી અનંત આંકડાઓ ને કમ્પ્યુટર માં ભેગા કરવા પાછળ વેડફવાના નથી…..

બાળકો ના સુરક્ષિત ભવિષ્ય અંગે ની ચિંતા અને તાણ ના પરિણામ રૂપી ઉંચકેલ મોટી લોન ની ભરપાઈ ની વિવશતા હેઠળ માલિક ની દરેક બળજબરી મૂંગા મોઢે સહન કરવાની નથી…..

‘ઓવરટાઈમ’ ના નામે શરીર ની જોડે આત્મા ને પણ થકાવતો એ થંભી ગયેલો મૃત સમય પાંજરા માં પુરાયેલ પંખી સમો નિસહાય વિતાવવાનો નથી…..

સૂર્યોદય થી શરૂ કરેલ અંતવિહીન કાર્ય સૂર્યાસ્ત સુધી વણ થંભીએ આદરીએજ જવાનું નથી….

થાક થી નિધાળ સાંજે ઘરે પરત થઇ રહેલ બેજાન શરીર ને આવતી કાલે સવારે ફરીથી એજ કંટાળાજનક યાંત્રિક દિનચર્યા માટે માનસિક રીતે ઢંઢોળી ને તૈયાર કરવાનું નથી…..

સામાજિક જવાબદારીઓ ના ભાર નીચે મરી પરવારેલા મારા સ્વપ્નો ની લાશ ને સતત કાંધાં ઉપર રાખી વલોવાયેલા હય્યા સાથે ખેંચવાની નથી…..

શહેર ની ફેકટરીઓ , ચીમનીઓ , ગગનચુંબી ઇમારતો અને પ્રગતિ- વિકાસ ને નામે ઉભી કરાયેલ ઠેર ઠેર ભ્રમણાઓ ની વચ્ચે થી પસાર થતા થતા ભૂરા નભ , વિહરતા પંખીડાઓ , શ્વાસ લેતા વૃક્ષો , આકર્ષક વાદળાઓ, મુક્ત પવન ની અવગણના કરી પ્રકૃતિ ને અપમાનિત કરવાની નથી…….

આખા દિવસ નો થાક ઓફિસ ના થેલા માં સંકેલી, ઘર ના સોફા ઉપર ઊંધા પડી, ટીવી નો રિમોટ લઇ નિષ્ક્રીયપણે પછડાવા નું નથી………

આખા દિવસ ના માનસિક ત્રાસ અને ભાવાત્મક તાણ નો ગુણાકાર કરી આપતા નકારાત્મક ન્યુઝ ચેનલો ને બિનજરૂરી વેઠવાના નથી……..

આખો દિવસ પરિવાર માટે ઉભા પગે કરેલી શ્વાસવિહીન ભાગદોડ થી સૂજી ગયેલા શરીર
અને મન ને પરિવાર ના સભ્યો ની ફરિયાદો
, અસંતુષ્ટ વાણી અને અતૃપ્ત ભાવનાઓ
થી વધુ પીડા આપવાની નથી………

બે સમય નું ભોજન મેળવવા માટે કરેલી અંધાધૂંધ દોડાદોડી ને અંતે ” બહુ થાક છે , ભૂખ નથી ” કહી ,એજ ભોજન ને ટેબલ પર પડતું મૂકી ઊંઘી જવાની અસંસ્કારી ટેવ પુનરાવર્તિત કરવાની નથી ……….

‘ઓવર ટાઈમ ‘ કરી હફ્તાઓ ચૂકવી ખરીદેલા અતિ મોંઘા આરામદાયક પલંગ ઉપર ઉંઘ માટેની ટીકડીઓ ગળી , ફરીથી એલાર્મ ના કર્કશ સ્વર ના ભરોસે બળજબરીથી આંખો મીંચવવાની નથી ………

ખુશી ના , હાસ્ય ના , સુખ ના , સંતોષ ના , શાંતિ ના ‘મ્હોરાંઓ’ શયનખંડ ના અંધકાર માં ઉતારી ફેંકી દુઃખ , પીડા , અસંતોષ , અશાંતિ અને રુદન ની ‘વાસ્તવિક્તાઓ’ થી ઓશિકા ભીંજવવાના નથી ………

આજે દરેક અન્યાય થી મુક્તિ નો દિવસ …..

આજે દરેક થાક થી મુક્તિ નો દિવસ ……

આજે રજા નો દિવસ ……..

હાશ !!!!!!!!!!

આજે નિરાંત નો દિવસ ……….

આજે સાચા અર્થ માં ‘જીવવા’ નો દિવસ ……….

આજે નવી ‘શ્વાસો’ મળવાનો દિવસ …………

આજે ‘સજીવન’ થવાનો દિવસ ………….

પણ આ લોકો આમ શા માટે રડી રહ્યા છે ???

છાતી અફાળી કેવો શોક મનાવી રહ્યા છે ???

મારી ‘હાજરી ‘ પ્રત્યે બેદરકારી દાખવનારા મારી ‘ગેરહાજરી ‘ ની આવી દરકાર શાને સેવી
રહ્યા છે ???

જીવતાજીવત કઈ ન પૂછનાર પુષ્પો ના ઢગલા
શા માટે ઠલવી રહ્યા છે ???

મારા પાર્થિવ શરીર ને વીંટળી વળેલા આ લોકો મારી આત્મા ની ખુશી થોડી નિહાળી શકે ???

“શા માટે દુનિયા છોડી ગયા ?”

” શા માટે અમને છોડી ગયા ?”

થઇ શકે તો મારો સંદેશો એમના સુધી પહોંચાડી દેજો……..

એમના પ્રશ્નો ના ઉત્તર માં ફક્ત આટલુંજ કહી દેજો :

” આજે તો મારો રજા નો દિવસ ……”

“હાશ !!!!!!!”

” આજે તો મારો નિરાંત નો દિવસ…..”

” આજે તો મારો ‘મુક્તિ ‘ નો દિવસ…..”

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી