ફરજ – આ વાર્તા વાંચીને તમે પણ કહેશો સ્ત્રી હોય તો આવી… ખરેખર… સલામ છે આવી સ્ત્રીઓને…

ફરજ

સાર્થક હોસ્પિટલ ના આઈ સી યુ વિભાગ માં બેઠો હતો. આંખો ની સામે અકસ્માત નોભોગ બનેલ અને અંતિમ પંદર દિવસો થી કોમા માં સરી પડેલ પોતાનો સૌથી શ્રેષ્ઠ મિત્ર વિનય વેન્ટિલેટર ઉપર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. અકસ્માત ના થોડાજ દિવસો પહેલા વિનય એને મળવા આવ્યો હતો. આનંદી ને સમજાવવા અને પોતાના લગ્ન જીવન ને ડુબતું બચાવવા પોતાના શ્રેષ્ઠ મિત્ર ની મદદ લેવા. એ મદદ મિત્રતા ની ફરજ હતી અને એણે સહ હૃદય નિભાવી પણ હતી. સાર્થક પોતાના મિત્ર નો વકીલ બની આનંદી ને મળવા તો ગયો હતો પણ એની પાસે વિનય ના પક્ષે કોઈ ખાસ દલીલો હતીજ ક્યાં ? આનંદી ની એક- એક દલીલ તદ્દન સાચી અને તર્કયુક્ત તો હતી!
વિનય નો અસુરક્ષિતતા થી ભર્યો સ્વભાવ, સિગારેટ અને શરાબ ની લત, બાળકો પ્રત્યે ભાવાત્મક બેદરકારી, રાત્રે મોડે સુધી ઘર ની બહાર વિતાવાતો સમય, આનંદી પર થતો શારીરિક અને માનસિક અત્યાચાર… આનંદી ના માતા -પિતા ની બધીજ આશાઓ પર વિનયે ઠંડુ પાણી રેડી દીધું હતું. લગ્ન પછી સંબંધ, ફરજ, જવાબદારી, પત્ની અને બાળકો ના સ્નેહ થી વિનય નું ચરિત્ર સુધરી જશે અને એની કુટેવો થી એ મુક્ત થશે એ સ્વ્પ્ન ફક્ત સ્વ્પ્ન બનીજ રહી ગયું. એક ના એકપુત્ર, વિનય નું જીવન સુધારવા આનંદી નું જીવન નર્ક માં ધકેલી દીધું હોય એ પશ્ચાતાપ અને અપરાધભાવ એના વૃદ્ધ માતા – પિતા ને ક્ષણ ક્ષણ પીંખી રહ્યા હતા. તેથીજ જયારે આનંદી ની સહનશક્તિ ચરમસીમાએ પહોંચી અને એ પોતાના બાળકો ને લઇ પોતાના પિયર જતી રહી, ત્યારે એમણે આનંદી ના નિર્ણય ને વધાવી લીધો. આનંદી આ નર્ક સમા સંબંધથી છુટકારો મેળવે એનો સૌથી મોટો આનંદ કદાચ વિનય ના માતા – પિતાનેજ થશે, એ વિનય સ્પષ્ટ સમજી ચૂક્યો હતો.આનંદી એ છૂટાછેડા માટે કેસ કર્યો ત્યારે વિનય ના અહમ પર જાણે મોટો પ્રહાર થયો. એક સ્ત્રી એને કઈ રીતે ત્યજી શકે ? સંબંધ અંગે નો નિર્ણય એ કઈ રીતે લઇ શકે ? એના બાળકો ને એનાથી દૂર કઈ રીતે લઇ જઈ શકે ? પોતાના જીવન ની કમાન ફરીથી પોતાના હાથ માં સ્વમાન સહસરળતાથી થામી ઉભી આનંદી નો આત્મવિશ્વાસ એ ફક્ત દૂરથીજ નિષ્ક્રીયપણે કઈ રીતે નિહાળી શકે ?

ગમે તેમ કરી ને પણ છૂટાછેડા ની કાયદાકીય પ્રક્રિયા અટકાવવા અને પોતાના અહમ ને સંતોષવા આનંદી ને મનાવી ફરીથી ઘરે લઇ આવવા એણે સાર્થક ની સહાય લીધી. મિત્રતાની ઔપચારિકતા નિભાવવા પહોંચેલા સાર્થક નું હ્નદય અને સંવવેદનાઓ સંપૂર્ણ પણે આનંદી તરફ જ ઢળ્યા હતા. પોતાના હય્યા ની માનવતા આનંદી ને આ સંબંધ થી મુક્ત જોવાજ ઇચ્છતી હતી. આમ છતાં એ સંબંધ ને બચાવી લેવા એક આખરી પ્રયાસ રૂપે એણે આનંદી ને વિનય ને માફી આપવા અને એને હજુ એક વધુ તક આપવા વિનંતી કરી જોઈ. આનંદી એ આપેલા ઉત્તર ના એક એક શબ્દ હજી પણ એની સ્મૃતિ માં તદ્દન જીવંત હતા :
“એક સ્ત્રી છું. સમાજ મને સહનશીલતા ની મૂર્તિ કહે છે. સહન કરવું મારી સ્ત્રીતત્વ ની પ્રકૃત્તિ ખરી, પણ સ્વમાન અને સ્વાભિમાન ની કિંમતે ક્યારેય નહીં. વિનય જેવા લાગણી વિહીન અને અહમ થી ભરેલા પુરુષ ને હું મારા જીવન ની એક પણ ક્ષણ આપવા તૈયાર નથી. મારા પ્રેમ અને સ્નેહ પર એનો હવે કોઈ અધિકાર રહ્યો નથી. એની પડખે ઇશવરે અર્પેલ મારા અતિકિંમતી અને મૂલ્યવાન જીવન ની એક પણ શ્વાસ હું વેડફવા તૈયાર નથી. મને ફરી થી મેળવવાનો કે મળવાનો વિચાર કરવાને પણ એ લાયક નથી. હવે આ સંબંધ નો ન કોઈ વર્તમાન છે, ન ભવિષ્ય…. જો કઈ રહેશે તો એ ફક્ત ભૂતકાળ, જેને હું મારી સ્મૃતિ માં પણ જગ્યા આપવા તૈયાર નથી …હવે એની સાથે મુલાકાત તો થશે પણ એક અંતિમવાર અને એ પણ અદાલત માં !!!!”

આનંદી ના ઉત્તર માં અને નિર્ણય માં એક આધુનિક સ્ત્રી ની નવી છબી સ્પષ્ટ પ્રતિબિંબિત થઇ રહી. જીવન થી શું જોઈએ છે અને શું નહીં, એ અંગે એનું મન તદ્દન પારદર્શક હતું. લાગણીઓ ને નામે લાગણીવેડા માં તણાઈ જીવન ડુબાવવુ એને સ્વીકાર્ય ન હતું. જીવનના આવનારા નવા અજાણ્યા વણાંકો ના ભયે આત્મા ને વિંધનારા એ જૂના વણાંકો ઉપર જ નિષ્ક્રિય પડી રહેવું એને મંજુર ન હતું. ખુમારી થી છલોછલ એ વ્યક્તિત્વ થી અંજાઈ સાર્થક નું મન કેવું પ્રભાવિત થઇ ઉદગારી ઉઠ્યું હતું :

“સ્ત્રી ‘હોય’ તો આવી !!!!!!”

ધીમે રહી ખોલાયેલા આઈ સી યુ ના દરવાજા થી સાર્થક સચેત થયો. એક હાથ માં થર્મોસ અને બીજા હાથમાં હોસ્પિટલ માં રાત્રિ -રોકાણ કરવા માટે સાથે લઇ આવેલ જરૂરી સામાન ની થેલી જોડે આનંદી ધીમે પગલે અંદર પ્રવેશી :

“ડોક્ટર આવી ગયા ?”

આનંદી એ દબાયેલા અવાજે પૂછેલા પ્રશ્ન નો સાર્થકે માથું ધુણાવી નકારમાં ઉત્તર આપ્યો. બધો સામાન વ્યવસ્થિત એની જગ્યા એ ગોઠવી આનંદી એ એક સૂક્ષ્મ નજર વિનય ના શરીર સાથે જોડાયેલા તમામ યાંત્રિક ઉપકરણો પર નાખી. અંતિમ પંદર દિવસ થી સતત એ ઉપકરણો સાથે રહી એમના ઉપયોગ અંગેની આવડત એણે કેળવી લીધી હતી. પોતાની થેલી માં લઇ આવેલ કેટલાક બરફ ના ટુકડાઓ કાઢી દરરોજ ની જેમજ વિનય ના હાથ ની સૂજેલી નસો ઉપર એણે હળવે હાથે બરફ ઘસવા મંડ્યો. સામે બેઠો સાર્થક પંદર દિવસ થી સતત વિનય ની સેવા કરવામાં વ્યસ્ત આનંદી ને વિસ્મય થી નિહાળી રહ્યો. આ એજ આનંદી છે જેને થોડા દિવસો પહેલા એ મળ્યો હતો ???? વિનય પાછળ જીવન ની એક પણ શ્વાસ ન વેડફવા ઇચ્છતી આ સ્ત્રી અકસ્માત ના દિવસ થી લઇ આજ સુધી ની દરેક શ્વાસ વિનય ની સાર સંભાળ પાછળ વિના વિશ્રામ , વિના આરામ ખર્ચતી જઈ રહી હતી . એક ના એક દીકરા ને સહારે જીવી રહેલા વિનય ના માતા – પિતા ની પણ એક પુત્ર જેમજ દેખરેખ રાખી રહી હતી !

આટલા દિવસો થી મન માં મૂંઝવી રહેલ વિચારો ને આખરે સાર્થકે શબ્દો નું સ્વરૂપ આપીજ દીધું :

” આ સંબંધ ને અને વિનય ને એક વધુ તક આપવા બદલ આભાર !”

સાર્થક ના શબ્દો થી ચોંકી આનંદી ની દ્રષ્ટિ બરફ ઉપર થી ખસી સાર્થક ના ચ્હેરા ઉપર અચરજ થી મંડાઈ :

“મારો નિર્ણય આજે પણ એજ છે જે પહેલા હતો. આ સંબંધ તો ફક્ત માનવતાનો છે, જે હું નિભાવી રહી છું. વિનય ની આવી પરિસ્થિતિ માં એના અને એના માતા-પિતા ને પડખે રહેવું મારુ કર્તવ્ય છે. મારી જીવન -ફરજ થી મારા કદમ કદી પાછળ ફર્યા નથી, ના કદી ફરશે ! ”
આનંદી ની ભાવનાઓ ને એ સમજી શકે છે, એવા ભાવો ચ્હેરા થી જ વ્યક્ત કરીને આનંદી ને મૌન આશ્વાસન આપી સાર્થક આઈ સી યુ ની બહાર ધીમેથી નીકળી ગયો .

આઈ સી યુ ના પારદર્શક કાચ માંથી વિનય ની પથારી સરખી કરી રહેલ આનંદી ને જોઈ સાર્થક નું મન પ્રભાવિત થઇ માન અને આદર થી ઉદગારી રહ્યું :

“સ્ત્રી ‘ હોય છે જ ‘ આવી !!!!!!”

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો. દરરોજ અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી