બાળપણનો મારો શાળા નો અનુભવ – બાળપણ યાદ આવી જશે…જો જો…

હેલ્લો મિત્રો,હુ રાજવીર પંચોલી નવસારી ખાતે રહુ છું.વ્યવસાયે એક ઇજનેર છુ ખુબ સારી કમાણી છે.પત્નિ અને બાળકો સાથે જીવન એકદમ ખુશ છે.કોઇ વાતની કમી નથી.પરંતુ આજે એકદમ મારી શાળા અને બાળપણ ના મિત્રોની યાદ આવી ગઇ અને મન ભરાઇ આવ્યુ. તો મને થયુ કે આજે એ લાગણી હું તમારી સાથે શેર કરું. મારો જન્મ સૌરાષ્ટ્ર ના એક નાનકડા ગામડામાં થયો.ત્રણ ભાઇ –બહેનો માં હું સૌથી નાનકડો એટલે ઘરમાં લાડકો.સયુંકત પરિવારમાં અમે રહેતા તેથી મારો ઉછેર ખુબ જ લાડ પ્યારથી થયો.લાડકોડ ,મસ્તી અને તોફાન માં પાંચ વર્ષ કયારે પુરા થયા એ ખબર જ ના પડી .અને શાળાએ જવાનો દિવસ આવી ગયો.

શાળા ખુલતા જ પ્રથમ દિવસે બાપુ મારી જન્મ-તારીખનું પ્રમાણપત્ર શાળાએ આપી આવ્યા. બીજા દિવસે શાળાએ જવાનું મુહર્ત હતુ. બીજા દિવસે મારી બા એ મને નવડાવી તૈયાર કરી , ગરમા ગરમ મારો મનપસંદ નાસ્તો બનાવ્યો. અને મને ખુબ સરસ મારા મનપસંદ કપડા પહેરાવ્યા. ત્યાર બાદ અમે બધા મંદિરે દર્શન કરવા ગયા. મંદિરે શ્રીફળ વધારી અને ઘરે આવ્યા. ત્યાર બાદ મારા મોટા ભાઇ અને મારી બહેને મારુ નવું દફતર કે જે મારા કાકા લાવ્યા હતા , તે તૈયાર કર્યુ. સાથે પાણીની બોટલ તૈયાર કરી. બા એ મને ચાલ્લો કરી દહીં-સાકર ખવડાવી બરોબર ૧૧-૩૦ વાગ્યે શુભ મુહર્તમાં બાપુ મને શાળાએ મુકવા આવ્યા.ગામમાં એક જ સરકારી શાળા હતી એટલે ગામના તમામ બાળકો તેમા જ અભ્યાસ માટે જતા. મારી સાથે મારા મોટા ભાઇ અને બહેન પણ શાળા એ આવ્યા.

જેવો શાળાના દરવાજામાં મે પગ મુક્યો અને મે જોર જોર થી રડવાનું શરુ કરી દીધુ. બાપુની આંગળી છોડાવી હું દોડી ને રમાકાકીના ઘરમાં પહોચી ગયો. રમાકાકી અમારા ગામની શાળાની બાજુમાં જ રહેતા હતા , સ્વભાવે ખુબ રમૂજી અને દયાળુ હતા. તેના દીકરા અને વહુઓ વાડીએ રહેતા. તેમના પતિ તો ઘણા વર્ષોથી ગુજરી ગયા હતા. તેઓ ગામના એ મકાનમાં રહેતા હતા અને તેમના પૌત્ર અને પૌત્રીઓને ભણાવતા અને ઘરની દેખરેખ રાખતા.

રમાકાકી ખાસ મારા મિત્ર જેવા. મને એમની સાથે ખુબ ગમે. હું મારા ઘર કરતા એમના ઘરે વધારે જોવા મળું તેઓને પણ મારા પ્રત્યે ખુબ મમતા. હું એમના ઘરે જઇ તેમને વળગીને જોર જોરથી રડવા લાગ્યો. “બા, મારે નિશાળે નથી જવું બાપુને કહોને કે મને શાળાએ ન મોકલે. હજુ તો હુ નાનો છું,મારે રમવું છે,શાળાએ નથી જવું બા, મને તમારા ઘરમાં સંતાઇ જવા દો. અને બાપુ આવે તો કહેજો કે રાજવીર અહીં નથી. આ રિતે કાલી ઘેલી ભાષા માં વાત કરતો હતો ત્યાં મારા ભાઇ બહેન આવી મને પકડીને લઇ ગયા. હું વધુ જોર જોરથી રડવા લાગ્યો. રમાકાકી પણ મારી આવી હાલત જોઇ દુઃખી થઇ ગયા. તેઓ પણ મારી પાછળ પાછળ શાળાએ આવ્યા. અને મારા બાપુને કહેવા લાગ્યા “ભાઇ જવા દો ને, બાળક છે. ધીમે ધીમે શાળાએ જતા શીખી જશે. હજું તો તેના રમવાના દિવસો છે.

બાપુ એ રમાકાકીને સમજાવ્યુ કે રાજવીર હવે પાંચ વર્ષનો થયો છે તેનો શાળાએ જવાનો સમય હવે આવી ગયો છે. તે ધીરે ધીરે સમજી જશે. આજે તેના પર દયા ખાશું તો તેને ભવિષ્યમાં શાળાએ મોકલવો ખુબ જ અઘરો પડશે. આજે મુહર્ત સારુ છે તો તેને શાળાએ જવા દો.

ભાઇ બહેને મારા બન્ને બાજુથી એક એક હાથ પકડી રાખ્યા. બાપુએ મારુ દફતર લીધું અને ફરીથી શાળામાં લઇ આવ્યા.આજુબાજુના તમામ લોકો બહાર નીકળી આ દ્રશ્ય જોતા હતા.

નિશાળમાં જઇ બાપુએ મને મારા વર્ગમાં બેસાડ્યો અને સાહેબ સાથે વાત કરી તેઓ જેવા બહાર નિકળ્યા કે હું તેમને વળગીને ફરીથી રડવા લાગ્યો. નિર્મળાબેન અમારા વર્ગ-શિક્ષક હતા તેઓ મને સમજાવી ફરી વર્ગખંડમાં લઇ ગયા. બાપુ તો જતા રહ્યા. પણ મારુ તો રડવાનું હજુ ચાલુ જ રહ્યુ. થોડી વાર બાદ હુ પાણી પીવાના બહાને દોડીને મારા મોટા ભાઇના વર્ગમાં જતો રહ્યો. તેના વર્ગશિક્ષક પ્રકાશ સાહેબ ખુબ જ દયાળુ હતા. થોડી વારમાં જ નિર્મળાબેન મને લેવા આવ્યા, તો સાહેબે કહ્યુ કે ભલે થોડા દિવસ અહીં બેસતો. આમ મને ભાઇના વર્ગમાં બેસવાનુ લાઇસન્સ મળી ગયુ. તે સમયે મારો ભાઇ પાંચમાં ધોરણમાં ભણતો હ્તો. તેમના સાહેબ તેમને જે કાર્ય કરાવતા હતા તે બધુ હું જોતો હતો. મને કશી ખબર પડતી ન હતી. મારે તો બસ બહાર જવુ હતુ, રમવુ હતુ. મને શાળામાં જેલ જેવુ લાગતુ હતુ.

પ્રકાષસાહેબ વારંવાર મારી બાજુ મા આવી મને પ્રેમ થી સમજાવતા મને એક ચોકલેટ પણ આપી. પરંતુ મારુ રડવાનુ હજુ ચાલુ જ હતુ. હજુ તો થોડી વાર જ થઇ હતી અને મને કકડીને ભુખ લાગી હતી. હું મોટે મોટેથી રડવા લાગ્યો. પ્રકાશસાહેબ મને બહાર લઇ ગયા અને મને રડવાનું કારણ પુછ્યુ અને પછી મને શાળાના મધ્યાહન ભોજનમાંથી ગરમા ગરમ ઢોકળા પ્રેમથી ખવડાવ્યા. અને મને ફરી વર્ગમાં બેસાડ્યો. હવે હું જરા શાંત થયો.

જેવી રીશેષ પડી કે હું સૌથી પહેલો દોડ્યો . સીધો ઘરે જતો રહ્યો. ઘરમાં બધે ફરી વળ્યો, જાણે ઘરમાં વર્ષો પછી આવ્યો હોઉ તેવુ મને લાગ્યુ. બાદમાં હુ દોડીને રમાકાકીના ઘરે પણ જઇ આવ્યો. તેણે મને ચોખ્ખા ઘી નો શીરો ખવડાવ્યો. ત્યાં ભાઇ બહેન મને પાછા લેવા આવી ગયા. ફરી મે રડવાનુ શરૂ કર્યુ. છતા પણ ભાઇ બહેન મને પરાણે શાળાએ લઇ ગયા. રીશેષ પછી મે મારી બહેનના વર્ગમાં બેસવાની જીદ પકડી. તો મને મારી બહેનના વર્ગમાં બેસાડવામાં આવ્યો. પરંતુ તેના શિક્ષક કનકલતાબહેન ખુબ કડક સ્વભાવના હતા , આથી હું દસ જ મિનિટમાં ફરીથી ભાઇના વર્ગમા જતો રહ્યો. જેમ તેમ કરીને સાંજ પડી. શાળામાં રજા પડતા જ ઘરે જઇને દફતરનો ઘા કરી શેરીમાં રમવા જતો રહ્યો.

બીજા દિવસે શાળાએ જવુ ન પડે એટલે મે બિમાર થવાનું નાટક કર્યુ. પરંતુ બા એ કડવો ઉકાળો પીવડાવી રાતે સુવડાવી દિધો. બીજા દિવસે પણ શાળાએ જવાના સમયે મે રડવાનુ શરુ કરી દીધુ. પણ મારું કાંઇ ન ચાલ્યુ. કોઇએ મારા રડવા પર ધ્યાન ન આપ્યુ. અને મારે શાળાએ જવુ જ પડ્યુ. આમ જેમ તેમ કરીને અઠવાડીયુ નીકળ્યુ અને પછી આવી રવિવાર ની રજા.

રવિવારે શાળાએ જવાનુ ના હોય મને ખુબ મજા પડી. સવાર થી સાંજ સુધી મે ખુબ જ મસ્તી કરી. આમ આખો દિવસ ક્યાં વીતી ગયો એ ખબર જ ન પડી. સોમવારે સવાર પડ્તા જ શાળાએ જવાની બીક લાગી ગયી. રમાકાકીના ઘરે જાઉ છુ એમ કહી હું સવારે ૯-૦૦ વાગ્યે જ ઘરે થી નીકળી ગયો. અને ગામનું પાદર વટાવી મહાદેવના મંદિરના બગીચામા જઇ છુપાઇ ગયો. પરંતુ નશીબ વાંકા તે થોડીવારમાં રમાકાકી ઘરે ગયા હશે અને મારા વિશે પુછતા ખબર પડી કે હું રમાકાકી ના ઘરે તો ગયો જ નહી. ઘરના બધા આમ તેમ આખા ગામમાં મને શોધવા લાગ્યા. ગામનો એક છોકરો મને મંદિર બાજુ જતા જોઇ ગયો હશે એટલે મા,બાપુ અને રમાકાકી બધાને મંદિરે લઇ આવ્યો.

બગીચામાંથી હું મળી ગયો અને નિશાળે ન જવાનું મારુ એ પરાક્રમ નકામુ ગયુ. બધાએ મને ખુબ ઠપકો આપ્યો. અને વધુમાં મને સવારનો નાસ્તો પણ ન મળ્યો. અને ૧૧-૦૦ વાગ્યે મારે શાળાએ પણ જવુ પડ્યુ. આમ કરતા કરતા એક મહિનો વીતી ગયો અને હવે મને મારા વર્ગખંડ્માં બેસાડવામાં આવ્યો.

મને પ્રકાશસાહેબના વર્ગમાં જ ગમતુ હતુ પણ હવે મારી જીદ ન ચાલી. અને મને નિર્મળાબેનના વર્ગમાં બેસાડવામાં આવ્યો. પહેલા પહેલા તો મને જરા પણ ન ગમતુ હતુ પણ નિર્મળાબેન પણ ખુબ માયાળુ હતા. પાછા વર્ગમાં મારા જેવડા સહાધ્યાયીઓ મગન,રાજુ,વિઠ્ઠલ મારા મિત્ર બન્યા. નિર્મળાબેન મને હાથ પકડીને લેશન શીખવે,બાલગીત ગવડાવે,પ્રેમથી બોલાવે. પણ મારુ સંપૂર્ણ ધ્યાન ભણવા કરતા મસ્તી માં જ હતુ.

હવે શાળાએ જવાની મજા આવવા લાગી, શાળાએથી છુટી સીધા દફતરનો ઘા કરી રખડ્વા ચાલ્યો જતો,મોટા ભાઇ અને બહેનને તો અભ્યાસનો ઘણો સોખ હતો,તેઓ તો ઘરે આવીને પણ આભ્યાસ કરતા, અને શાળા ઉપરાંત ટ્યુશન પણ જતા. હું ઘરમાં કોઇનું પણ ન માનતો. બસ આખો દિવસ તોફાન મસ્તી કરતો. શાળાનું ગ્રુહકાર્ય માંડ માંડ પૂરુ કરતો.

આમ કરતા કરતા સમય વિતવા લાગ્યો. મારી યાદશક્તિ ખુબ સારી એટલે શાળામાં શિખવ્યા સિવાય હું ઘરે કાંઇ પુનરાવર્તન ન કરતો. આથી હું શાળામાં એક મધ્યમ કક્ષાનો વિદ્યાર્થી હતો. શિક્ષકો મારા પાછળ ખુબ મહેનત કરતા પણ ધાર્યુ પરિણામ ન આવતુ. મારા ભાઇ બહેન તો દરેક પરીક્ષામાં પ્રથમ આવતા. પણ એ બાબતમાં હું થોડો પાછળ હતો. બાકી તોફાન મસ્તી માં એ બન્નેથી ખુબ આગળ હોં……..

શાળાએ થી છુટી સીધો બહાર નીકળી જતો. શિયાળામાં બોર, ઉનાળામાં કેરી, ચોમાસામાં જાંબુ વીણવા અને બધા મિત્રો સાથે જઇ ગામના પાદરે જઇ ક્રિકેટ રમતા ઉપરાંત કબડ્ડી,ખો-ખો,વાઘ બકરી,કાગડો કાબર જેવી અનેક રમતો રમતા. આખો દિવસ શાળા અને પછી રમવાના થાકને કારણે રાત્રે તો જમીને હું તરત જ સુઇ જતો. સવારે મોડા ઉઠ્યા બાદ ફટાફટ તૈયાર થઇ જેમતેમ શાળાનું લેશન કરી દોડીને શાળાએ પહોંચી જતો. આમ મસ્તી માં ને મસ્તીમાં પ્રાથમિકના સાત વર્ષ કેમ પુરા થઇ ગયા એ ખબર જ ના પડી. શાળાનો વિદાય સમારંભ આવી ગયો આજે પણ આંખમાં આંસુ હતા પણ લાગણી કાંઇક જુદી હતી. જે શાળાએ આવવા માટે આંસુ આવતા હતા એ જ શાળા આજે છોડતી વખતે તેનાથી પણ વધારે દુઃખ હતુ.

નિર્મળાબેન,પ્રકાશસાહેબ,આચાર્યશ્રી દવેસાહેબ,જિજ્ઞાબેન બધાનો સ્નેહ ખોવાઇ ગયો. હાથમાથી રેતી સરે તેમ શાળાના દિવસો પુરા થઇ ગયા. ગામમાં માધ્યમીક શાળાની સગવડ ન હતી . મોટા ભાઇ બહેન તો શહેરમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતા હતા. હવે બહારગામ જવાનો વારો મારો હતો. મને તો ઘરથી નજીક જ જામનગર માં જ હોસ્ટેલમાં મુકવામાં આવ્યો. પરંતુ રાજવીર જેનુ નામ , ત્યાં પણ મારી તોફાન મસ્તી ઓછી ન થઇ , હા એમા વધારો ચોક્કસ થયો. હોસ્ટેલમાંથી ભાગી જવુ,બહાનુ કરીને રજાઓ લેવી, આમ કરતા કરતા એક વર્ષ વીતી ગયુ પણ અભ્યાસ પ્રત્યે હું જરા પણ સજાગ ન થયો. ઘરના બધા મને સમજાવીને થાકી ગયા હતા. તેઓએ પણ એમ નક્કી કરી લીધુ હતુ કે હુ હવે કાંઇ ખાસ આગળ અભ્યાસ કરી શકવાનો નહી.

આઠમું પુરુ કરી વેકેશન બાદ નવમાં ધોરણમાં હોસ્ટેલમાં જવાનો વખત આવ્યો. અમારે ત્યાં જ ભણવાનુ અને ત્યાં જ રહેવાની સગવડ હતી. હોસ્ટેલ પહોચ્યા કે ખબર પડી કે નવા સાહેબ શશીકાંત સાહેબ આવ્યા છે. બસ અમે બધા મિત્રોએ નક્કી કરી લીધુ કે સાહેબને હેરાન જ કરવા છે. સાહેબ બહુ માયાળુ,પ્રેમાળ અને મિત્રાચારી સ્વભાવના હતા પણ અમે બધા તોફાની ટોળકી . કોઇને ખબર ન પડે એમ અમે એક પ્લાન બનાવ્યો.

સાહેબ જ્યારે દસમાં ધોરણના એકસ્ટ્રા ક્લાસમા જાય ત્યારે તેના રૂમમાં જવુ અને અમારા પ્લાન મુજબ કામ કરવુ એમ નક્કી થયુ. સાહેબ જેવા ગયા અમે તેના રૂમમા ગયા અને તેની ખુરશીમાં હળવો કરંટ લાગે તેમ વાયરીંગ ગોઠવી દીધુ,સાહેબના પલંગ પર થોડા કાંટા રાખ્યા, અને ટ્યુબલાઇટ તોડી નાખી.
સાહેબ જ્યારે ફરીથી રૂમમાં આવ્યા ત્યારે અંધારુ થઇ ગયુ. રૂમમાં લાઇટ થઇ નહી, આરામ કરવા પલંગ પર ગયા તો કાંટા વાગ્યા અને ખુરશી પર બેસવા ગયા તો કરંટ વાગ્યો. તુંરત હોસ્ટેલ ના પટ્ટાવાળા ને બોલાવી રૂમની લાઇટ ઠીક કરાવી .પછી કોઇ ને પણ કાંઇ કહ્યુ નહી પરંતુ સાહેબ ને તો ખબર પડી ગઇ હતી કે આ કામ રાજવીર અને તેનુ ગ્રુપ જ કરી શકે બીજુ કોઇ નહી.

બીજા દિવસે સાંજે શાળા છુટ્યા બાદ અમે રૂમમાં હતા ત્યારે સાહેબે અમોને બોલાવ્યા, અમને તો એમ જ હતુ કે આજે ઠપકો મળવાનો જ છે પણ આ શું ? તેનાથી તો ઉલ્ટુ જ થયુ. સાહેબે અમોને બોલાવીને અભ્યાસની તથા જીવનની વાસ્તવિકતા વિશે સમજાવ્યુ. ટી.વી કોમ્પુટર હોલમા લઇ જઇ ઘણી ડોક્યુમેંટરી ક્લીપ્સ બતાવી. અને અમોને વાસ્તવીકતાનું ભાન કરાવ્યુ અમને બધાને અને ખાસ તો મને અમારી ભુલ પર ખુબ જ પસ્તાવો થયો અને હવે પછી આવુ નહી થાય તેની અમોએ સાહેબ ને ખાતરી આપી સાથે સાથે સાહેબે અમોને અભ્યાસમાં ખુબ જ ધ્યાન પરોવીને ધ્યેય તરફ આગળ વધવાનો પણ નિયમ લેવડાવ્યો.આગળ જતા અમે અમારા નિયમથી ચુકી જઇએ એટલ્રે અમોને સાહેબની આપેલી ‘mind power’ વર્ક્શોપ ની ડોક્યુમેંટ્રી કલીપ્સ અમોને ખુબ જ મદદરુપ બનીં

હું હવે અભ્યાસ પ્રત્યે ખાસ સજાગ બની ગયો હતો. એકચિતે અભ્યાસમાં ધ્યાન આપવાનુ કરી દીધુ હતુ. રજાઓમાં ઘરે ગયો ત્યારે બધા મારામાં આવેલુ પરિવર્તન જોઇ નવાઇ પામ્યા. આમ ને આમ વર્ષ વિતિ ગયુ હુ દસમા ધોરણમાં આવ્યો. તેમા પણ મેં દિલ દઇ મહેનત કરી અને દસમાં બોર્ડ્માં મારે 90% માર્કસ આવ્યા ત્યારે હુ ખુશી થી જુમી ઉઠ્યો. આખરે શશીકાંતસાહેબ ની મહેનત ફળી . હવે અમારે હોસ્ટેલ છોડ્વાની હતી એ વખતે જે દુખ થયુ હતુ તે હુ આજે પણ અનુભવી શકુ છું.

શશીકાંતસાહેબને હુ મારી જિન્દગી મા કયારેય ભુલી શકુ એમ નથી. અમે મસ્તી કરી ત્યારે કદાચ તેઓએ શારીરિક સજા કરી હોત તો હુ આજે અહી ના હોત. પરંતુ શારીરિક સજા ના કરતા તેઓ અમારા માર્ગદર્શક બન્યા. અને અમને જીવન નો સાચો માર્ગ બતાવ્યો અને તેના જ કારણે હુ મોટાભાઇ ની જેમ વિજ્ઞાનપ્રવાહમાં જોડાયો અને ઇજનેર બન્યો આજે હું ખુબ જ વેલસેટ છુ. મારી આ સુખમય જિંદગી નુ કારણ શશીકાંતસાહેબ જ છે

શશીકાંતસાહેબ, નિમર્ળાબહેન,પ્રકાશસાહેબ અને મારી માધ્યમિક શાળા ના તમામ શિક્ષકો ને હુ વંદન કરુ છુ.આવા શિક્ષકો ના કારણે જ સમાજ મા સુખાકારી ફેલાય છે………..

લેખક : ભાવીશા ગોકાણી

ટીપ્પણી