મર્દાનગીનાં માયનાઓ – વિશ્વ “પુરૂષ” દિન પર એકવાર આ વાતો અચૂક વાંચજો…પારુલ ખખ્ખરની કલમે..

અને શું હોય છે આ પૌરુષત્વ ?

આખી ઉગેલી દાઢી ? આંકડા ચડાવેલી મૂછ? બાવડેબાજ શરીર ? વાતવાતમાં ઝગડ્યા કરવું ? એકાદ બે વ્યસન હોવા? હજારો સ્ત્રીમિત્ર હોવી? એક પડકારે બધાંને ચૂપ કરાવી દેવા તે? ક્રિકેટ, સેક્સ કે રાજકારણ પર કલાકો ચર્ચા કરી શકવાની ક્ષમતા હોવી તે? નેશનલ જ્યોગ્રોફી, એનીમલ પ્લેનેટ કે યુટીવી એક્ક્ષન જેવી ચેનલો જોવી તે? મોબાઇલની બધી જ એપ્લીકેશનમાં માહિર હોવું તે? દોસ્ત કરતાં દુશ્મનોનું લીસ્ટ લાંબુ હોવું તે? કે સ્ત્રીઓ પર ભદ્દી મજાકો કરવી તે??

છાકો પાડી દીધો…સોપો પાડી દીધો…સપાટો બોલાવી દીધો જેવા તકિયાકલામ હોવા તે? કે હેલ્મેટ પહેર્યા વગર, ભીડભર્યા રસ્તા પર બેફામ ડ્રાઇવીંગ કરવું તે? બેડરૂમમાં કરેલી ચાપલૂસીને પાનનાં ગલ્લે જઇ થૂંકી..ફૂંકી મારવામાં ? કે ધંધામાં ગયેલા નુકશાનને સટ્ટો રમી સરભર કરવામાં ? શું હોય છે મર્દાનગીનાં માયનાઓ ??

વેલ..મર્દાનગી કોઇ દેખાડવાની ચીજ નથી વ્યક્ત થવાની ચીજ છે.જે પુરુષનાં વાણી, વર્તન અને વિચારોમાંથી ટપકતી રહે છે જીંદગીનાં દરેક મોડ પર ! અને તેથી જ દૂબળા-પાતળા , ઓછા દેખાવડા, કાળા, અપંગ કે બહેરા,મૂંગા પુરુષ પર પણ સ્ત્રી જાત ઓવારી જાય છે.

કોઇનાં પ્રેમમાં ગળાડૂબ પડ્યા પછી..બધી જ અનુકૂળતાઓ હોવા છતા, સમાજ, જ્ઞાતી, કુટુંબ,સ્ટેટસ એન્ડ બ્લા..બ્લા..બ્લા…બહાનાઓ બતાવી મનગમતો સાથ છોડી દુખભરી ગઝલો શેર કરવામા કઇ મર્દાનગી છે?

અને એવી જ રીતે ભાગીને લગ્ન કરવામાં નહી પણ પોલીસ કેસ થાય ,કોર્ટ કચેરીની બબાલો થાય ત્યારે પ્રિયપાત્રનો હાથ ઝાલી રાખવામાં છે મર્દાનગી.

રોડરોમિયોની માફક સુંદર છોકરીને જોઇને સીટી મારવામાં નહી પણ એને મોઢામોઢ કહી દેવામાં કે ‘તુ બહુ સુંદર છે’ મર્દાનગી છે દોસ્ત !

પાંચ લાર્જ પેગ પેટમાં પધરાવ્યા પછી પણ જે ઘરે રાહ જોતી પત્નિને ફોન કરી શકે છે ‘ તું જમી લેજે હું ડ્રીંક્સ પાર્ટીમાં છું’..આ મર્દાનગી છે.

વરસાદી રાતે કોઇ અજાણી છોકરીનું સ્કૂટી બંધ પડ્યુ હોય અને તેને લીફ્ટ આપી ,તેનો ફોન નંબર પણ પૂછ્યા વગર તેને ઘરે પહોંચાડવામાં છે મર્દાનગી.

ખૂબ સુંદર દેખાતી પ્રેમિકાને જાહેરમાં ચૂમવાની કોશિશ માટે પડતી ડાંટના જવાબમાં જે કહી શકે કે’ તું આટલી ખૂબસુરત લાગતી હોય ને હું આવુ કંઇ ન કરુ તો મારામાં ખામી કહેવાય’ !! આ મર્દ છે..

ફેસબૂક પર છાનાં-છપનાં ચીટ ચેટ કરવાને ને બદલે જે સ્ત્રી મિત્રને ઘરે બોલાવી પરિવાર સાથે ઓળખાણ કરાવે છે તે મર્દ છે.

પોતાના વિચારો બેબાક પ્રગટ કરવામાં નહી પરંતુ વાસ્તવિક જીવનમાં એ મુજબ જીવવામાં છે મર્દાનગી !

પોતાના હોનહાર દિકરાને બોર્ડની પરીક્ષાનાં આગલા દિવસે કહે શકે કે ‘તારો પપ્પો ચોરી કરીને પાસ થતો’ એ મર્દ છે.

કરોડોની ખોટ ખાધા પછી પાંચ પૈસાની ઘઉંની ટીકડી ખાઇ સૂઇ જવામાં નહી પણ પાણીપૂરીની લારી કાઢવામાં છે મર્દાનગી.

‘મારી વોલ પર તમારી દ્વીઅર્થી કોમેન્ટ નહી ચલાવી લઉ’ કહી ને ડીલીટ કરાયેલી કોમેન્ટ પછી પણ સારા સર્જનને સલામ કરનાર મર્દ છે.

દારૂમાં જાત ડૂબાડી દેવાને બદલે પત્નિનાં, મિત્રનાં કે એટલીસ્ટ પાળેલ કુતરાનાં ખભે માથું નાંખીને રડી લે છે એ છે મર્દ…!

મિત્રો સાથે બેફામ ગાળો બોલવામાં નહી પણ સ્ત્રીની હાજરીમાં ગાળો ન બોલવામાં છે મર્દાનગી.

પોતાના બીમાર- અપંગ- વૃદ્ધ મા-બાપ ને પાર્ટી વખતે રૂમમાં પૂરી રાખવામાં નહી પણ મિત્રો સાથે ઓળખાણ કરાવવામાં છે મર્દાનગી.

પત્નિ, પ્રેમિકા કે સ્ત્રી મિત્રને મોંઘીદાટ ભેટ કે ફુલ આપ્યા વગર માત્ર જાતે બનાવેલ કોફીનો કપ આપી હાથમાં હાથ લઇ ‘સોરી’ બોલ્યા વગર મનાવી લેવામાં છે ખરી મર્દાનગી.

મિત્રો…આ મારા વિચારો છે. આપને અસહમત થવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે.
આંતરરાષ્ટ્રિય ‘પુરુષ દિવસ’ મુબારક

લેખક – પારુલ ખખ્ખર

ટીપ્પણી