પનીર ભરેલા શેલો ફ્રાય કરેલા મરચાના પકોડા ખુબ જ ટેસ્ટી છે …..

મરચાના પકોડા

ઋતુ કોઈ પણ હોય , અમુક વાનગીઓ હંમેશા પસંદ આવે જ છે . એમાંય જો ચાટ હોય તો તો કહેવું જ શુ… પાણીપુરી , સમોસા , કચોરી , પકોડા આ બધી ચાટ ખાવા માટે ઋતુ કે સમય જોવાની જરૂર જ ના પડે… આજે આપણે જોઈશું એવી જ એક સ્વાદિષ્ટ ચાટ ની રીત … મરચા ના પકોડા..

બટેટા નો મસાલો ભરેલા , અને તેલ માં તળેલા મરચા ના પકોડા બધા એ ખાધા જ હશે , આજે આપણે જોઈશું પનીર ભરેલા ,અને શેલો ફ્રાય કરેલા મરચા ના પકોડા ની રીત…

સામગ્રી ::

મસાલા માટે:

  • 5 થી 6 નંગ લાંબા અને મોળા પકોડા ના મરચા,
  • 1 વાડકો પનીર, ખમણેલું,
  • 1 ચમચી બારીક સમારેલા લીલા મરચા,
  • 1/2 ચમચી ખમણેલું આદુ,
  • મીઠું,
  • 1/2 ચમચી ચાટ મસાલો,
  • 1/2 ચમચી જીરા નો ભૂકો,
  • 2/3 ચમચી લાલ મરચું,
  • થોડી હળદર,
  • બારીક સમારેલી કોથમીર.
    બેટર માટે ::
    • 1 વાડકો ચણા નો લોટ
    • 2 ચમચી ચોખા નો લોટ
    • મીઠું
    • 2 ચપટી અજમો
    • 1 ચપટી ખાવા નો સોડા
    • 1 ચમચી લાલ મરચું
    • 1/2 ચમચી હળદર
    • 1/4 ચમચી હિંગ

રીત ::

સૌ પ્રથમ એક બાઉલ માં બેટર તૈયાર કરીયે… બાઉલ માં ચણા નો લોટ , ચોખા નો લોટ , મીઠું , ખાવાનો સોડા , લાલ મરચું , હળદર , અજમો , હિંગ બધું મિક્સ કરો.. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ.

અહીં બેટર બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું રાખવું. ઘણા ને બહાર ને પડ એકદમ જાડું ભાવતું હોય એમણે બેટર જાડું રાખવું… મારા ઘરે બધા ને બહુ જાડું લેયર નથી ભાવતું , એટલે મેં થોડું પાતળું જ રાખ્યું છે. તમે તમારા સ્વાદ મુજબ બેટર ની consistency adjust કરી શકો છો. બેટર બનાવી સાઈડ પર રાખી દો.

બીજા બાઉલ માં પનીર ને ખમણી લો. મેં ઘર નું તાજું પનીર વાપર્યું છે , આપ ચાહો તો બજાર નું પનીર અથવા ટોફુ પણ વાપરી શકો. હવે આ પનીર માં બાકી નો મસાલો ઉમેરિયે … લીલા મરચા , આદુ , કોથમીર , ચાટ મસાલા , જીરા.નો ભૂકો , લાલ મરચું , હળદર અને મીઠું ઉમેરો..

સરસ મિક્સ કરી સાઈડ પર રાખી દો. મરચા ને ધોઈ કોરા કરી લેવા.. વચ્ચે એક કાપો કરી અંદર થી બધા બીજ કાઢી લેવા.. ત્યારબાદ પનીર નો તૈયાર કરેલો મસાલો આ મારચા માં ભરી દો.

એક પેન માં થોડુ તેલ લો. આપણે અહી મરચા ને શેલો ફ્રાય કરવાના… તો તેલ થોડું જ લેવું.. તૈયાર કરેલા બેટર માં સ્ટફ કરેલા મરચા ને ડૂબાડો.. ચણા નો લોટ મરચા પર બરબર ચડી જવો જોઈએ… હવે મરચા ને પેન મા શેલો ફ્રાય કરવા મુકો.. કડક થાય એટલે સાઈડ બદલાવવી..બધી બાજુ એકસરખું તળાય જાય એટલે, બહાર કાઢી લો. થોડી વાર ટીસ્યુ પેપર પર રાખો જેથી વધારા.નું તેલ નીકળી જાય.. પીરસો ગરમાગરમ .. આશા છે પસંદ આવશે..

નોંધ ::

• બાળકો માટે આ પકોડા બનાવો ત્યારે તીખાશ નું પ્રમાણ ઓછું રાખવું..
• આપ ચાહો તો પનીર ની સાથે ખમણેલું ચીઝ પણ ઉમેરી શકો..
• બાળકો માટે ના મસાલા માં લીલા મરચા ના ઉમેરવા..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block