મારા વોલેટ(પર્સ)માં ભગવાન શ્રીકૃષ્ણ

એક નાનકડી પરંતુ ગહન મેસેજ આપતી હૃદયસ્પર્શી વાર્તા:

લોકોથી ખીચોખીચ ભરેલા ટ્રેનના ડબ્બામાં એક ટિકિટ કલેક્ટરને જુનું ફાટેલું-તૂટેલું વોલેટ/પાકીટ મળ્યું.તેના માલિકનું નામ જાણી શકે તે માટે ચેકરે વોલેટમાં જોયું,પરંતુ કઈ પણ ભાળ મળી નહિ.વોલેટમાં જે કઈ હતું તે – થોડા પૈસા અને ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો હતો.તેણે વોલેટ હાથથી ઊંચું કરીને પૂછ્યું “આ વોલેટ (પર્સ) કોનું છે?”

એક વૃદ્ધ માણસે કહ્યું,-“તે મારું વોલેટ છે, મહેરબાની કરીને તે મને આપો.”ટીકીટ કલેકટરે કહ્યુકે-“તે તમારું છે, તેમ તમારે પહેલા સાબિત કરવું પડશે, ત્યારબાદ જ હું તે તમને આપી શકું, દાંત વિહીન બોખા વૃદ્ધે કહ્યું – “તેમાં શ્રીકૃષ્ણનો ફોટો છે.” પછી ટીકીટ કલેકટરે કહ્યું, – તે સાબિતી ના ગણી શકાય, શ્રીકૃષ્ણનો ફોટો તો કોઈના પણ વોલેટમાં હોઈ શકે. તેમાં ખાસ શું છે? તમારો ફોટો વોલેટમાં કેમ નથી?”

વૃદ્ધે ઊંડો શ્વાસ લઈને કહ્યું,-“મારો ફોટો તેમાં કેમ નથી તે પણ હું તમોને જણાવીશ. આ વોલેટ મારા પિતાજીએ હું જયારે દસ વર્ષની ઉંમરે સ્કૂલમાં હતો, ત્યારે આપેલ. મને જે પોકેટમનીની થોડી-ઘણી રકમ મળતી, તે હું આ વોલેટમાં રાખતો. મેં મારા પેરેન્ટ્સનો ફોટો પણ તેમાં રાખેલ.
જયારે હું કિશોર હતો, ત્યારે મારા દેખાવના ખુબજ વખાણ થતાં. તેથી, મેં મારા પેરેન્ટ્સનો ફોટો કાઢી મારો પોતાનો ફોટો મુકેલ. મને મારો ચહેરો અને મારા ઘટ્ટ કાળા વાળ જોવા ગમતા. થોડા વર્ષો પછી, મારા લગ્ન થયાં. મારી પત્ની અતિસુંદર હતી અને હું તેને ખુબ જ ચાહતો હતો. મેં વોલેટમાં મારો ફોટો કાઢી તેણીનો ફોટો મુક્યો. હું કલાકો ના કલાકો તેના સુંદર ચહેરાને જોતો રહેતો.

જયારે મારું પહેલું બાળક જન્મ્યું, મારી જિંદગીનું નવું પ્રકરણ શરુ થયું. મારા બાળક સાથે રહેવા મેં મારા કામના કલાકો ઘટાડી નાખ્યા. હું કામ પર મોડો જવા લાગ્યો, અને ઘરે વહેલો આવવા લાગ્યો. સ્વાભાવિકપણે મારા બાળકે મારા વોલેટની અંદરની કિમતી જગ્યા લઇ લીધી.

જેમ જેમ તે વાત કરતો રહ્યો તેમ તેમ વૃદ્ધ માણસની આંખો આંસુથી ઉભરાવા લાગી. ”મારા પેરેન્ટ્સ ઘણા જ વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા, ગયા વર્ષે મારી પત્ની પણ બીમારી પછી ગુજરી ગઈ. મારો પુત્ર, મારો એકનો એક પુત્ર, પોતાના કુંટુંબ સાથે અતિ વ્યસ્ત છે. મારી દરકાર કરવાનો તેની પાસે સમય નથી. મેં જે વ્યક્તિને અત્યાર સુધી મારા હૃદયની ખુબ જ નજીક રાખી હતી, તે અત્યારે મારી પહોંચથી ઘણી જ દૂર છે. હવે મેં આ ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો મારા વોલેટમાં રાખેલ છે. મને માત્ર હવે જ સમજાયું છે કે-તે એક માત્ર શાશ્વત સાથી છે. તે મને ક્યારેય છોડશે નહીં. મારી એક માત્ર કમનસીબી એ છે કે જો મને આ પહેલાં સમજાઈ ગયું હોત તો મેં જે ભક્તિ અને તીવ્રતાથી મારા કુટુંબને પ્રેમ કર્યો, તેટલો જ આ બધા જ વર્ષો દરમ્યાન શ્રીકૃષ્ણને જ પ્રેમ કર્યો હોત તો? – હું આજે જેટલો અટૂલો પડી ગયો છું તેટલો એકલો નહોત.!”

કલેકટરે શાંતિથી વોલેટ વૃદ્ધને સોંપી દીધું. જયારે ટ્રેઈન પછીના સ્ટોપ પર રોકાણી, ટીકીટ કલેકટર પ્લેટફોર્મ પરના બૂક સ્ટોર પર ગયો અને દુકાનદારને કહ્યું,- “મને એક શ્રીકૃષ્ણનો ફોટો આપો. મારે તે મારા વોલેટમાં રાખવા જોઈએ છે.!”

આપણે આપણી જાતને એ પ્રશ્ન પૂછવાનો છે કે આપણા જીવનમાં આજે શ્રીકૃષ્ણ છે?
આ અંગે વિચારો,તેનાથી તમારા જીવનમાં આજે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં ઘણોજ ફર્ક પડશે.

શ્રીકૃષ્ણએ કહ્યું છે- હું દરેક જીવના હૃદયમાં છું, અને હું જ યાદદાસ્ત, જ્ઞાન, અને વિસ્મૃતિ આપું છું. જે વ્યક્તિ મને દરેક વસ્તુઓમાં નિહાળે છે, તે મને કદી ગુમાવશે નહિ. અને, હું પણ ક્યારેય તેને છોડીશ નહિ. જે જે મારામાં એકાકાર છે,તેને સમજાય છે કે તે જ્યાં-જ્યાં જાય છે, તે દરેક જીવ માત્રમાં હું છું, તેથી તે મારામા જ એકાકાર છે. જયારે મનુષ્ય દુ:ખ કે સુ:ખમાં હમેશા બધાને સમાન રીતે જૂએ છે, ત્યારેજ તે યોગમાં પૂર્ણત્વ પામે છે,

જય શ્રીકૃષ્ણ

સંકલન :- દિપેન પટેલ

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી