મારા સાયબાને ચડે ન કોઈ દૂજો રંગ! – તૃપ્તિ ત્રિવેદી લિખિત એક અલગ પ્રકારની સ્ટોરી…તમે વાંચી ?

ઓપન ધી ડોર પ્લીઝ……! ઓપન ધી ડોર પ્લીઝ….!,
માયાને કિચનમાં કામ કરતાં કરતાં બેલનો અવાજ સંભળાયો એટલે એને ત્યાંથી જ બૂમ મારી, “ વેઈટ, આવું છું.”
દરવાજો ખોલીને જૂવે છે. સામે એક ભાઈ કવર લઈને ઉભા હતાં. તે કોઈ કુરિયર આપવા આવ્યાં હોય તેવું લાગ્યું.
‘મેડમ , આપના માટે એક કુરિયર આવ્યું છે. પ્લીઝ સાઈન કરી, તેને લઈ લો.”

માયા એ સાઈન કરી જેવું પેલું કવર હાથમાં લીધું કે, તે ચૌકી જ ગઈ. તેનાં પર સ્પષ્ટ લખ્યું હતું કે, માયા સિવાય આ કવર કોઈએ ખોલવું નહિ!” માયાને સમય ન હતો. છતાં એને કવર ખોલી જોવાની ઈચ્છા થઈ..સાથે મનમાં ઘણાં પ્રશ્નો પણ જન્મ્યા હતાં. જેનું એને તાત્કાલિક ધોરણે સમાધાન પણ કરવું હતું.

કવર ખોલીને જોવે છે તો, તેની નજર અમુક ફોટાને લેટર વાંચી એકદમ ચૌકી જાય છે…આંખો જેટલી થઈ શકે એટલી પહોળી થઈ જાય છે. પગ નીચેથી જમીન સરકી ગઈ છે. એવું તેને લાગ્યું, ને મોઢેથી એક જ શબ્દ નીકળ્યો, ઓહ માય ગોડ …..!

આટલું બોલી એ ઉભી થઈ ને કવર પર પાછું કશુંક લખ્યું ને એ જ કવરને એનાં વોર્ડરોબમાં મૂકી….પોતાની મસ્તીમાં મસ્ત થઈ. એનું કામ કરવા મશગૂલ થઈ ગઈ.

થોડીવારમાં જ કોઈનો કોલ આવ્યો….પહેલા તો એને થોડો ડર લાગ્યો…..પહેલાં કવર, હવે કોલ છતાં હિમ્મત કરીને એને ધ્રુજતાં હાથે કોલ રિસીવ કર્યો…..પણ કશું બોલી નહિ! સામેથી પ્રેક્ષાનો અવાજ સાંભળીને મનથી એને હાશકારો અનુભવ્યો. પ્રેક્ષા પણ એકદમ હળવા મૂડમાં લાગી….પહેલાં જેવી જ નોર્મલ. એટલે એ પણ વધારે નોર્મલ થઈ….એની સાથે ગપાટા મારવા લાગી.

પ્રેક્ષા અને માયાનો હસબન્ડ કૃણાલ કોલેજ પણ જોડે કરતાં હતાં. ને હવે જોબ પણ. આમ તો બંનેની ફેમીલી વચ્ચેનાં રીલેશન મજબૂત હતાં. માયાએ કૃણાલને મેસેજ છોડ્યો, “હું પ્રેક્ષા સાથે શોપિંગ કરવા જઈ રહી છું. આવતાં કદાચ લેટ થશે, તો તમે ઓફિસથી રીટર્ન આવતાં જમવા માટે પાર્સલ પેક કરાવતાં આવજો.”
સામેથી કૃનાલાનો રિપ્લે આવ્યો, “ જો હુકુમ સાહિબા! લવ યુ,”
“હ્મ્મ્મમ્મ્મ, ટૂ”

સાચે જ શોપિંગ કરી આવતાં માયાને ખુબ લેટ થાય છે. આ બાજુ કૃણાલે દૂધ ગરમ કરી, સલાડ પણ રેડી કરી રાખ્યું, ટેબલ પર પ્લેટ પણ ગોઠવી. હજી માયા આવી ન હતી..એ એની રાહ જોતો ટી.વી સામે નજર રાખી રૂમમાં આંટા માર્યા કરતો હતો….

ત્યાં જ માયા આવી, હેલ્લો જાન….જમી લીધું…..સોરી હો ખુબ લેટ થયું. બટ આ તમારી સ્ટાફમેટ પ્રેક્ષાની તો તમને ખબર જ છે. એ શોપિંગ કરવામાં કેટલીવાર લગાડે છે તે…હે….ને!

“હ્મ્મ્મમ્મ્મ્મમ્મ્મ”
“શું, હમ્મ્મમ્મ્મ્મમ્મ્મ, કૈક તો બોલ.”

“ શું બોલું? તારા વગર કંટાળો આવતો હતો. આટલી બધી વાર લગાવાય? ચાલ મને ભૂખ લાગે છે….મારા પેટમાં ભૂખના માર્યા ગલૂડીયા ક્યારનાંય બોલ્યાં કરે છે. હું પ્લેટ પીરસું છું…તું થોડી ફ્રેસ થઈ આવીજા જમવા….ઓ.કે , ડાર્લિંગ”

બંને વાતો કરતાં કરતા જમેં છે, થોડી આમતેમ વાતોય કરે છે, પણ માયા વાતોમાં ક્યાય પેલા કવરની વાત વચ્ચે લાવતી નથી. એનું વર્તન એવું જ હતું કે જાણે કોઈ કવર ઘરમાં આવ્યું જ નથી. ને, માયાએ એ કવર વાંચ્યું પણ નથી.

થોડું કિચન સાફ કરી…બંને બેડરૂમમાં સુવા જાય છે. માયા ખુબ થાકી હોવાથી એ કૃણાલના હાથ પર માથું રાખીને વાતો કરતા કરતાં જ સુઈ જાય છે.

સુઈ રહેલી માયાના મુલાયમ વાળ પર હાથ ફેરવતા જ કૃણાલ વિચારે છે, કે હું આ જ મારી માયાને જ્યારે જોવા ગયો. ત્યારે મેં એની જોડે સગાઇ કરવાની સ્પષ્ટ નાં કહી દીધેલ…હજી મને યાદ છે…
સારું થાય મારા વડીલોનું. એમને મને સમજાવેલ….છોકરીનું રૂપ નહિ, પણ ગુણ જોવાય…..વગેરે વગેરે!

ખરેખર મારા કરતાં મારા વડીલોની દૃષ્ટિ માણસ ઓળખવામાં સારી હતી. જે આજે સાબિત થયું.

એ તો સારું થયું કે, એ બહાર હતી. ને દૂધવાળાં એ પૈસા માંગ્યા…ને મેં ડ્રોઅર અનાયાસે જ જોયું….ને મને એ કવર જોવા મળ્યું. જે કવરમાં મારા ને પ્રેક્ષાના લવ-લેટર હતાં, ફોટાં હતાં એ ફોટાં જોઇને કોઈપણ સ્ત્રી આટલી સહજ ને સરળ ના જ રહી શકે!

પરંતુ માયાની કોઠાસૂજ ને મારા પ્રત્યેનો વિશ્વાસ,, જેની કોઈ સીમા જ નથી. લગ્ન થયાં ત્યારે હું માયાની ગણના એક ગામડાની ગમાર તરીકે કરતો હતો. મને અભિમાન હતું કે હું સી.એ થયેલો એકદમ સ્માર્ટ છું. પણ જેમ જેમ હું માયા જોડે રહેવા લાગ્યો, તેમ તેમ હું એનાં ગુણોથી પરિચિત થતો ગયો. માયાનાં જ્ઞાન પાસે મારું જ્ઞાન સાવ તુચ્છ લાગતું….હું આટલું ભણ્યો હોવાં છતાં મારી માયા કરતાં વૈચારિક રીતે પછાત છું.

તેવું મને લાગ્યાં કરતું. આજની જ વાત કરું તો માયા એ એ લેટર કે ફોટાં વિષે કોઈ જ ચર્ચા નાં કરી, કે પછી નાં મને એ બાબતે કોઈ જ વાત કરી. ઉલટાનું એ કવર પર એને એવું લખ્યું કે, “ મારા સાયબા પર ચડે ના દૂજો રંગ”.

આટલું લખી મારી ભૂતકાળની પ્રેમિકા જોડે શોપિંગ કરવા પણ ગઈ! તારા આ જ વિશ્વાસના હિસાબે હું તારો વિશ્વાસ તોડતાં પહેલાં સો વાર વિચાર કરું છું. હું ખુબ નસીબદાર છું મને તારા જેવી પ્રેમાળ પત્ની મળી. આ બધું વિચારતા વિચારતા કૃણાલની આંખોમાં આંસુઓ આવી જાય છે. ને, સુઈ રહેલી માયા પર હાથ ફેરવતા ફેરવાતા એટલું જ બોલ્યો: “ધન્ય છે તારા રંગને!”

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

આપ સૌને મારી આ સ્ટોરી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!

ટીપ્પણી