મારાં પચ્ચીસ વર્ષનાં ગરબાની અનેક ગોલ્ડન મોમેન્ટ્સમાંની એક પ્લેટીનમ મોમેન્ટ – ચેતન જેઠવા

વર્ષ બે હજાર નવ હતું કે દસ એ યાદ નથી. ઓગણીસસો બાણુથી શરુ કરીને અઢાર-ઓગણીસ વર્ષ ગરબા રમાય ગયાં હતાં. હું હવે “ચેતન જેઠવા કોણ??? પેલો ગરબા રમે છે એ જ ને!!!!” – આ બની ગયો હતો. ગરબા જ રમવાં છે ને જીવનમાં બીજુ કશુ કરવું નથી એવું પણ વર્ષો પહેલાં નક્કી થઇ ગયું હતું. એટલે એક ને એક વસ્તુ કરીને હવે થોડી ઘણી મેચ્યોરિટી પણ આવી ગઇ હતી. કેમ કે આ જે વર્ષની વાત કરું છું એનાં આગલાં વર્ષે જ નવરાત્રીમાં મારો રેંક બહુ જ પાછળ આવ્યો હતો ને બીજા દિવસે ભુપત પટેલે મો માંથી જીભ બહાર કાઢીને એમ કહ્યું હતું કે રિઝલ્ટ સાંભળીને બધાંનાં મો ??? આમ થઇ ગયાં હતાં.

આ બાજુ અમારાં ગ્રુપમાં ય સન્નાટો! પણ અહિયાં બંદાનાં મો પર તો જૂ યે નહોતી રેંગતી. બંદા તો કુદકો મારીને ઉભા થયાં હતાં પ્રાઇઝ લેવાં માટે. ઇનામ મળતાં હતાં એટલે થોડા રમતાં હતાં??? રમતાં હતાં એટલે ઇનામ મળતાં હતાં!!! આ મારી જ પંચલાઇન હું ભૂલુ નહિ કોઇ દિવસ.મૂળ વાત હવે શરું થાય છે. ગરબા જ રમવાં છે અને બીજુ કાંઇ જ નથી કરવું એવું તો વર્ષો પહેલાં નક્કી થઇ ગયું હતું. પણ આપણો ગરબો કાંઇ ‘જરાક અમથો’ થોડીક છે?? એ તો બ્રહ્માંડની પ્રતિકૃતી છે. એ તો હિંદુ ધર્મની વિશ્વમાં અભિવ્યક્તી છે. એ તો દિવ્ય છે. એ તો ભવ્ય છે. એટલે આ ખેલૈયાએ પણ ગરબા રમવાની ઇર્દગીર્દ રાસ અને ગરબાનાં ગીતો, તાલ, મ્યુઝીક, કોસ્ચ્યુમ્સ, ઓર્નામેન્ટ્સ, આરતી શણગાર, દાંડીયા શણગાર, પાઘડી શણગાર, ટેટુ – બધે જ હાથ અજમાવી લીધો હતો. ગરબાની એકેય બાજુ છોડી નહોતી. અને બધે જ આપણાં સીક્કા બોલતાં.

(હવે ઉપર ફોટામાં આપેલ ગરબો જૂઓ) અને પછી આ ગરબો જ્યારે હરિફાઇમાં મૂક્યો એ વર્ષ આવ્યું. ગરબા રમતાં રમતાં ઘણાં વર્ષ વીતી ગયાં હતાં અને ગ્રુપ પણ હવે દોઢસો ખેલૈયાનું બની ગયું હતું એટલે ગરબા/દાંડીયા/ આરતી/પાઘડી કાંઇ જ જાતે બનાવવાનો સમય જ ન રહેતો. એટલે નીચે સ્ટોકીન્સનું કમળ હોય અને એમાં આપણો ડેકોરેટેડ ગરબો હોય એવો આઇડીયા મારો હતો, પણ ગરબો શણગારવાનો સમય નહિ એટલે એ કામ નેહા વસાને સોપ્યું. સ્ટોકીન્સનું કામ વળી એનાં માટે ય વિષય બહારનું હતું એટલે એ વળી મ્યુઝિશ્યન ધર્મેશ પંડ્યાનાં વાઇફ માધવીબેનને સોપ્યું. બધાંએ પોતપોતાની બેસ્ટ આર્ટ રજૂ કરી અને બન્યો આ ગરબો.

અને પછી આવી કયામતની રાત. લગભગ સો ટકા મત એવો હતો કે પહેલું પ્રાઇઝ મળશે. કેટલીય તો વિશ પણ એડવાન્સમાં મળી ગઇ હતી. પણ ગરબા હરિફાઇનાં બેમાંથી એકપણ પ્રાઇઝ આપણને નહિ…..!!!! ફરીથી બધાનાં મો ?????? અને નેહાબેન તો સાવ સજ્જડ. પણ મારે તો, તો ય આનંદ જ હોય, મોજ જ હોય. જેઠવાને કોઇ જડતા નહિ.

અને પછી છેલ્લે એ ગરબા હરિફાઇનાં જજ કાશ્મિરાબેન નથવાણી પ્રોગ્રામ પૂરો થયે મળ્યાં અને જે વરસી પડ્યાં છે – “ચેતન, આવું નવું નવું ક્યાંથી રોજ રોજ શોધી લાવે છે. મને તો એ ગરબો જોતાં જ ખબર પડી ગઇ હતી કે એ તારો જ ગરબો છે. યુ ડીઝર્વ ફર્સ્ટ પ્રાઇઝ. પણ હવે તને પ્રાઇઝ આપી શકાય એમ જ નથી. છેલ્લાં ત્રણ દિવસથી તું લઇ જાશ. હવે નહિ. તું એમ સમજી લે કે તું ફર્સ્ટ જ છો!!!” – ડીટ્ટો આ જ શબ્દો.

વાત એ નથી કે મને ઇનામ ન મળ્યુ, વાત એ પણ નથી કે ઇનામ મને ન આપ્યું, વાત એ પણ નથી કે ઇનામ બીજા કોઇને આપ્યું…… પણ અહિયાં વાત એ કરવાની છે કે એક જજ દ્વારા એક હરિફને કેટલું સ્પષ્ટ અને ચોખ્ખે ચોખ્ખુ કહેવામાં આવ્યું. નો ફોર્માલિટીસ. કાશ્મિરાબેનને કેટલો વિશ્વાસ હશે કે ચેતનને સ્પષ્ટ કહી દેવામાં કોઇ જ વાંધો નથી. ‘એ સમજી જાશે’ એમ નહિ પણ ‘એ સમજે છે’ એવું જ એમનાં મનમાં હશે ને!!! મારા પર આટલો ભરોસો એ પહેલાં નંબરનાં પ્રાઇઝ કરતાં પણ વધારે ન કહેવાય???

બીજા કોઇ જજ હોય તો અને કદાચ બીજું કોઇક હરીફ હોત તો શું જવાબ હોત??? “ગરબા તો બધાં જ સારાં હતાં પણ જેમને પ્રાઇઝ મળ્યાં એ જરાં વધારે સારાં હતાં. બાકી ગરબો તો તારો પણ સરસ જ છે.” – આવો કોઇક ટિપીકલ જવાબ હોત. પણ અમારે તો જજ દાંડીયા રાસને નસેનસમાં ઉતારી ગયેલ હતાં. અને હવે આટલાં વર્ષ પછી મને પણ આ યાદ આવે છે એટલે ઇનામ ન મળ્યાંનો એ વખતે હતો એનાં કરતાં પણ વધારે આનંદ અત્યારે થાય છે! ઇનામ ન મળ્યાંની પણ કેવી મિઠી મિઠી યાદ!!!

લેખક – ચેતન જેઠવા

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

ટીપ્પણી