આજનો દિવસ :- મણિશંકર રત્નજી ભટ્ટ વિષે આટલું જાણીએ !!!

આજનો દિવસ :- મણિશંકર રત્નજી ભટ્ટ

? તખલ્લુસ :- કાન્ત

? જન્મ :- ૨૦ નવેમ્બર, ૧૮૬૭ ચાવંડ, અમરેલી

? અવસાન :- ૧૬ જુન, ૧૯૨૩ રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં

? માતા :- મોતીબાઇ

? પિતા :- રત્નજી

? ભાઇ :-
ગૌરીસ્જંકર,
માધવજી,
હરજીવન,
મણિશંકર

? બહેન :-
દયાબેન,
પ્રાચીબેન

? લગ્ન :-
૧૮૮૩– નર્મદા (નદી), અવસાન – ૧૮૯૧
૧૮૯૨– નર્મદા ( ન્હાની), અવસાન – ૧૯૧૮

? સંતાનો :-
૧૧ સંતાનો
૮ ના અવસાન તેમના જીવનકાળમાં થયા.

? અભ્યાસ :-
પ્રાથમિક – માંગરોળ, મોરબી
માધ્યમિક – ગોંડળ , રાજકોટ
૧૮૮૮ – બી.એ – એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ, વર્ડ્ઝવર્થ અને મેકમીલન તેમના પ્રોફેસર હતા

? પ્રદાન :-
અનેક સર્જનાત્મક અને સંપાદકીય ગ્રંથો
એમણે ગુજરાતીમાં નૂતન કાવ્યસ્વરૂપ ‘ખંડકાવ્ય’ અવતાર્યુ અને અમાં જ ઉત્કૃષ્ટ કાવ્યો ભેટ ધર્યા. ખંડકાવ્યમાં તેમની સર્જનપ્રતિભા સોળે કળાએ ખીલેલી મનાય છે.

? વિશેષ-પ્રદાન :-
કવિ કલાપી સાહેબ ના અવસાન પછી ૧૯૦૩ માં ‘કેકારવ’ નું પ્રકાશન કર્યું.

? થોડું વધારે પણ અગત્યનું :-
મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે.

૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી.

૧૮૮૯માં થોડો વખથ સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા.

આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે.

૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.

૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવન ઑફિસમાં કામગીરી બજાવી.

૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.

સાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે.

‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં કાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે.

૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે.

સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે.

? ધર્મ એ ભાવના અને શ્રદ્ધાનો વિષય છે

“ક્રાઈસ્ટ અને મહમમદે પોતાના સિદ્ધાંતો હિન્દુસ્તાનમાંથી મેળવ્યા, એમ માનવાને માટે મને પ્રમાણો દેખાતાં નથી; પણ એ મને અશક્ય જણાતું નથી. પણ ધર્મ કંઈ ઉછીના વિચારોથી ચલાવાય નહિ. એમ બની શકતું હોય તો આપણે જ કાં ધર્મ ચલાવી ન શકીએ? ધર્મ એટલે સ્વયંભૂ આધ્યાત્મિક બળ છે. ધર્મ માત્ર જ્ઞાનથી નહિ પણ અપરોક્ષ અનુભવ, પ્રતિજ્ઞા અને શ્રદ્ધાના ઉત્સાહથી બને છે. જો ક્રાઈસ્ટ અને મહમદે ધર્મ ચલાવ્યો તો નક્કી માનજો કે તેનું પ્રબલતમ ઉદ્ગમ સ્થાન તેમના હૃદયમાં હતું. એ ધર્મો તેમણે જ પ્રથમ પ્રગટ કર્યા અને એ પ્રગટ કરવાનો અગ્નિ તેમના અંતરમાં સહજ હતો. ધર્મની ચોરી કરી શકાતી નથી. ખરો ધર્મ સામાન્ય સિદ્ધાંતોમાં આવી જતો નથી. ઈશ્વર અને ક્રાઇસ્ટના અસ્તિત્ત્વની માન્યતામાં જ ખ્રિસ્તી ધર્મ સમાતો નથી. માન્યતાઓ એ ધર્મનો ઓછામાં ઓછો મહત્ત્વનો ભાગ છે. ઈશ્વર તરફની ચિત્તની અભિવૃત્તિ એ જ ધર્મસર્વસ્વ છે. ધર્મ એ મતનો વિષય નથી, પણ ભાવના અને શ્રદ્ધાનો વિષય છે.”

− મણિશંકર રતનજી ભટ્ટ ‘કાન્ત’

(દર્શના ધોળકિયા સંપાદિત ‘કાન્તના પત્રો’માંથી સંકલિત કરેલા અંશો)

? અમુલ્ય કાવ્યો :-

? ઉપહાર • મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !

તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોના ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેના તરુવર રહ્યાં ઉત્સુક બની !

ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડી ખીણો ગહન મહિં તો યે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું

અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !

? ઓ હિંદ! દેવભૂમિ! • મણિશંકર રતનજી ભટ્ટ ‘કાન્ત’

ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં,
કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં.
હિંદુ અને મુસલમિનઃ વિશ્વાસી પારસી, જિન,
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી,
સેવા કરે બને તે, સંતાન સૌ તમારાં.
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારાં.
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં કબીર, તુલસી
અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી,
ના ઉચ્ચનીચ કોઈ, સંતાન સૌ તમારાં.
ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર,
એ પ્રાર્થના કરે આ, સંતાન સૌ તમારાં.

( ૧૯૨૨માં લખાયેલું કાવ્ય)

? અતિજ્ઞાન • મણિશંકર રતનજી ભટ્ટ ‘કાન્ત’

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !

કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”

આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’

ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !

? સાગર અને શશી • મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

? સ્નેહશંકા • મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

વનોનાં વૃક્ષોને તરુણ વયમાં છેદ કરતાં,
જશે તે રૂઝાઈ, ત્વચ નવ ફરી વાર ધરતાં;
જનોમાંએ તેવા જડ હૃદયમાં તેમ બનતું,
થતાં થોડી વેળા, ક્ષતરહિત પાછું થઇ જતું !

મને બીજાઅોનાં નથી વચનની લેશ પરવા,
સદા ચિંતા જેવી અભિમુખ રહું વૃત્તિ હરવા;
વહું સ્વેચ્છાચારે જગત ભણી દૃષ્ટિજ ન લહું,
બધે એવો તોયે પ્રિયજન સમીપે શિશુ રહું !

નહીં તેના શબ્દો કઠિન કદિયે થાય સહન,
જરા તેને શંકા મન મહિં કરે દુ:ખ ગહન;
વિપત્તિમાં ક્યારે પણ નયન જે કૈં ન ડરતાં,
કહે થોડું તે, ત્યાં તરત જલ એ પૂર્ણ ભરતાં !

જનેતા ! ને ભ્રાતા ! પ્રિયતમ સખા ! ને પ્રિયતમા !
જણાવું છું, મારે તમ વગર કોની નથી તમા;
નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો !

? આભારી :- સબરસ

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન અને સંકલન :- — Vasim Landa ☺️ The Dust of Heaven ✍️

ટીપ્પણી