મેંગો- વેનીલા પુડીંગ – હોટેલ અને રેસ્ટોરન્ટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ છે આ પુડીંગ જરૂર ટ્રાય કરજો !!

મેંગો- વેનીલા પુડીંગ

કેરીની સીઝન હવે પૂરી થવાની તૈયારીમાં છે અને ગરમી હજુ એવી જ છે. એવામાં સ્વાદિષ્ટ અને ઠંડક થાય એવું કાંઈક હેલ્ધી ડેઝર્ટ મળી જાય તો મજા જ પડી જાય.

આજે હું મેંગો- વેનીલા પુડીંગની રેસિપી લઈને આવી છું. જે જોઈ ને ખાવાનું મન થાય એવું તો છે જ પણ એની સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. આ રેસિપી બનાવવામાં ખૂબ સરળ છે.

હોટેલ અને રેસ્ટોરન્ટ કરતા પણ વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ છે આ પુડીંગ…

તમારા બાળકો, ઘર ના સભ્યો તેમજ ઘરે આવેલા મહેમાનો ખુશ કરી દો આ નવા પ્રકારનું ડેઝર્ટ સર્વ કરી ને.

મેં આ ડેઝર્ટ 2 લેયર માં બનાવ્યું છે.. એક કેરીનું લેયર બનાવ્યું છે અને બીજા લેયર ને વેનીલા મિલ્ક ફ્લેવર આપી છે.

મેં ચાઈનાગ્રાસ નો ઉપયોગ કર્યો છે જેને અગાર-અગાર કહેવામાં આવે છે અને કોઈ પણ કરિયાણાની દુકાન માં મળી જશે. (જેની 10 ગ્રામ ના પેકેટ ની કીંમત 10-15 રૂપિયા જેટલી હોય છે.) પેટ અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ચાઈના ગ્રાસ.

પુડીંગ માટેની સામગ્રી:-

મેંગો લેયર માટે

  • 2 નંગ પાકી કેસર કેરી અથવા હાફૂસ કેરી,
  • 2 ચમચી ખાંડ,
  • 10 ગ્રામ ચાઇનાગ્રાસ,
  • 1/4 કપ પાણી.

વેનીલા મિલ્ક લેયર માટે

  • 500 મિલી દૂધ,
  • 3-4 ચમચી ખાંડ,
  • 10 ગ્રામ ચાઇનાગ્રાસ,
  • 1/4 કપ પાણી,
  • 3-4 ટીપાં વેનીલા એસેન્સ,
  • ચપટી ઇલાઈચીનો પાવડર,
  • ચપટી જાયફળનો પાવડર.

પુડીંગ બનાવાની રીત:-

આ પુડીંગને વધુ આકર્ષક બનાવા માટે આપણે 2 લેયરમાં બનાવીશું અને બંને લેયર વારાફરતી બનાવીશું.

સૌ પ્રથમ મેંગો લેયર બનાવીશું.

પાકી કેરીને ધોઈને સાફ કરીને છાલ ઉતારી કટકા કરી લો. તેમાં ખાંડ ઉમેરીને હેન્ડ બ્લેડરથી રસ બનાવી લો. ( પાણી ઉમેરવાનું નથી)

હવે 10 ગ્રામ ચાઈના ગ્રાસને કટકા કરી પાણી થી એક વાર ધોઈ લો. અને ચાઈના ગ્રાસ ડૂબે એટલું જ પાણી રાખીને ગેસ પર ગરમ કરો. હવે બધું ચાઈના ગ્રાસ પાણીમાં ઓગળી જાય અને અને મિક્સ થાય ત્યાં સુધી ઉકાળો અને ગેસ બંધ કરો.

કેરીના તૈયાર કરેલા રસ માં આ ગરમ ચાઇના ગ્રાસનું પાણી વાળું મિશ્રણ ઉમેરીને બરાબર રસ મિક્સ કરો.

હવે કાચ માં ગ્લાસ લો. અને તેને સહેજ ત્રાંસા / (half slanting)રહે તેમ બાઉલમાં ગોઠવો. ( ફોટો માં બતાવ્યા મુજબ) . હવે ઉપર બનાવેલું કેરી ના રસનું મિશ્રણ સાઈડમાંથી ગ્લાસ માં ભરો. અને પછી ગ્લાસ ને બાઉલ સહિત જ ફ્રીઝ માં 1 કલાક માટે મૂકી દો.

ઠંડુ થતા જ કેરીનું મિશ્રણ ગ્લાસમાં જામી જશે. હવે આપણે બીજું લેયર બનાવીશું.

દૂધને ઉકાળીને ખાંડ , ઈલાયચી, જાયફળ ઉમેરીને ગેસ બંધ કરી દો. બધું મિક્સ કરી ને પછી હુંફાળું થવા દો.

હવે ફરીથી બીજા 10 ગ્રામ ચાઈના ગ્રાસને કટકા કરી પાણી થી એક વાર ધોઈ લો. અને ચાઈના ગ્રાસ ડૂબે એટલું જ પાણી રાખી ને ગેસ પર ગરમ કરો. હવે બધું ચાઈના ગ્રાસ પાણીમાં ઓગળી જાય અને અને મિક્સ થાય ત્યાં સુધી ઉકાળો અને ગેસ બંધ કરો. હુંફાળા તૈયાર કરેલા દૂધમાં આ ચાઈના ગ્રાસ ના મિશ્રણ ને ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો.

હવે ગ્લાસમાં જમાવેલા કેરીના લેયર પર જ દૂધને ઉમેરી ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો.

અને બન્ને લેયર જામી જાય એટલે કોઈ પણ સમય પર સર્વ કરો.

એકદમ સોફ્ટ અને યમી એવા પુડીંગને બનાવીને આજે જ મજા માણો..

નોંધ :-

ચાઇના ગ્રાસને ગરમ કરવા માટે પાણી માત્ર એટલું જ લેવું કે એ મિક્સ થાય અને ઓગળીને લીકવિડ બની જાય.

તમે ઇચ્છો તો માત્ર એક લેયર બનાવી શકો. પરંતુ આ બંને લેયર્સનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.

તમારે સ્લાન્ટીંગ લેયર ના કરવા હોય તો ગ્લાસ સીધો રાખીને અડધું – અડધું લેયર પણ બનાવી શકાય.

મેંગોનું લેયર ઠંડુ થાય અને જામે પછી જ વેનીલા મિલ્ક વાળું મિશ્રણ ઉમેરો. વેનીલા મિલ્ક હુંફાળું કરીને જ મેંગો લેયર પર ઉમેરો જેથી મેંગો લેયર ખરાબ ના થાય.

ખાંડ ઓછી હશે તો વધુ સારી લાગશે આ ડેઝર્ટમાં ..

બંને વખતે ચાઈના ગ્રાસ લેયર બનાવવા ટાઈમ પર જ ગરમ કરો કેમકે એ ઠંડુ થઇ ને જેલ ની જેમ જામી જાય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

 

ટીપ્પણી