મને જેટલી લાગણી છે એટલી તને નથી! : કૃષ્ણકાંત ઉનડકટ

ખારાશ આખા ગામની બાઝી પડી મને,
દરિયો થવાની ખેવના કેવી નડી મને,
નારાજગીનો એટલે વિસ્તાર થઈ ગયો,
સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.
-ચંદ્રેશ મકવાણા

લાગણીનું શું છે, એ તો વિસ્તરતી રહે છે. લાગણીનું પણ આમ તો સમય અને માણસ જેવું છે. ક્યારેક એકદમ વ્યાપી જાય છે તો ક્યારેક સંકોચાઈ જાય છે. ક્યારેક સોળે કળાએ ખીલી જાય છે તો ક્યારેક બત્રીસેય બાજુથી મૂરઝાઈ જાય છે, ક્યારેક છલકી જાય છે તો ક્યારેક શોષાઈ જાય છે. ક્યારેક પડછાયા મળે તો પણ આલિંગન જેવું લાગે છે તો ક્યારેક સ્પર્શ પણ દઝાડતો હોય છે. માણસ સંવેદનશીલ છે, પણ એક જ સમયે બે વ્યક્તિની સંવેદના એકસરખી ક્યાં હોય છે?

સંવેદના પ્રગટ કરવાની તાલાવેલી પણ જુદી જુદી હોય છે! ઘણી વખત આપણી જાતને જ આપણે સવાલ કરીએ છીએ, હું એને જેટલો પ્રેમ કરું છું એટલો જ પ્રેમ એને મારા માટે છે ખરો? દરેક પ્રેમી થોડોક અવઢવમાં જીવતો હોય છે. આપણે આપણી વ્યક્તિ માટે અંદાજો બાંધતા રહીએ છીએ. ક્યારેક એવું લાગે છે કે તને મારી કંઈ પડી જ નથી. તું તારું મન હોય ત્યારે મને ફોન કરે, તને ઇચ્છા થાય ત્યારે મને મેસેજ કરે. મારે વાત કરવી હોય ત્યારે તને મોડું થતું હોય છે. તારે વાત કરવી હોય ત્યારે તું એવો આગ્રહ રાખે કે ના, તું મારી વાત સાંભળ. હું દિવસમાં દસ વાર જોઉં છું કે તું ઓનલાઇન છે? તું હોતો નથી, પ્રોફાઇલ પિક્ચરનો તારો ફોટો જોઈને સંતોષ માની લઉં છું. ક્યારેક એવું થાય છે કે એને મન નહીં થતું હોય? ગુડ મોર્નિંગનો જવાબ છેક સાંજે મળે ત્યાં સુધીમાં મારી ઇવનિંગ બેડ થઈ ગઈ હોય.

નદી જ્યારે સાગરને મળતી હશે ત્યારે ખારો દરિયો થોડોક મીઠો થતો હશે? વાદળ જ્યારે પર્વતને સ્પર્શતું હશે ત્યારે પથ્થર થોડોક કૂણો પડતો હશે? પતંગિયું જ્યારે ફૂલ પર બેસતું હશે ત્યારે પાંખડી થોડીક વધુ જીવતી થઈ જતી હશે? વરસાદનો પહેલો છાંટો પડે ત્યારે ધરતીની ધડકન થોડીક વધુ તેજ થતી હશે? કંઈક તો થતું હશે, નહીંતર તું મને યાદ આવે અને મારી આંખમાં થોડીક ચમક ન આવી જાય! તારો અવાજ સાંભળું છું ત્યારે રોમેરોમમાં સંગીત ઊઠે છે.

તારા સ્પર્શથી આખું આયખું છલોછલ થઈ જાય છે. તારી નજરથી તું મારી અંદર ઊતરી જાય છે. મને ઝંઝોળી દે છે. તું જ્યારે રિસ્પોન્સ નથી આપતોને ત્યારે જાણે અસ્તિત્વમાં તિરાડો પડી જાય છે. દુકાળ વખતે જમીન પર પડી જતા ચાસ તેં જોયા છે? બસ, એવું જ દૃશ્ય મારી આંખમાં સર્જાય છે.

તડપ અને તરસનું કોઈ માપ હોતું નથી. કેટલી તરસ લાગે ત્યારે ગળું સુકાય? કેટલું પાણી પીએ તો તરસ બુઝાય? પાણી પીધા પછી પણ ક્યારેક તરસ છિપાતી હોય છે, ક્યારેક સંતોષ થતો હોય છે તો ક્યારેક તૃપ્તિ થઈ જાય છે. આટલી તરસ હોય તો આટલું પાણી પીવું એવું નક્કી ન કરી શકાય. દરેક વખતે તરસ હોય ત્યારે જ ક્યાં પાણી જોઈતું હોય છે, ક્યારેક તો પાણી જોઈને પણ તરસ ઊઘડતી હોય છે. પ્રેમનું પણ આવું જ નથી હોતું? કોઈ માણસ રણ જેવો હોય છે, કોઈ જંગલ જેવો, તો કોઈ દરિયા જેવો! રણ, જંગલ અને દરિયાની તરસ જુદી જુદી હોય છે. વરસાદ પડે ત્યારે દરિયાનું પાણી કેટલું ભીનું થતું હશે? રણની સૂકીભઠ્ઠ રેતી વરસાદનાં ટીપાંને આખેઆખું ગળી જતી હશે? ગાઢ જંગલમાં અંદર ઊતરતી વખતે વરસાદનાં ટીપાંને મહેનત પડતી હશે? માણસ પણ વરસતો હોય છે. સવાલ એ હોય છે કે આપણી વ્યક્તિની તરસ કેવી છે!

પોતાના પ્રેમી કે પ્રેમિકાને એકટસે જોતા હોઈએ ત્યારે એ ચહેરાનો રંગ બદલતો હોય છે આપણી આંખોનું નૂર? આપણી વ્યક્તિ સાથે વાતો કરતા હોઈએ ત્યારે શબ્દો પણ શાયરી જેવા લાગતા હોય છે. પ્રેમમાં હોય ત્યારે માણસ પૂરેપૂરો કલાકાર હોય છે, ભલે દેખાતું ન હોય, પણ અંદર કંઈક સર્જાતું હોય છે. ક્યારેક કોઈ પેઇન્ટિંગ રચાય છે, તો ક્યારેક કોઈ આકાર ઘડાય છે.

ક્યારેક કોઈ ધૂન ઊઠે છે તો ક્યારેક કોઈ સૂર છેડાય છે. એવું ન હોય તો પછી કોઈની હાજરીમાં બધું જ અચાનક કેમ રળિયામણું લાગવા માંડતું હશે? કુછ તો હૈ, કંઈક તો છે કે આજે દરેક રંગ થોડાક વધુ રંગીન લાગે છે, કંઈક તો છે કે આજે પાણી થોડુંક વધુ ભીનું લાગે છે, કંઈક તો છે કે આજે કોયલનો ટહુકો થોડોક વધુ મધુર લાગે છે, કંઈક તો છે કે આજે ધડકન થોડીક વધુ તેજ ભાગે છે, કંઈક તો છે કે આંખ થોડીક વધુ જાગે છે, કંઈક તો છે જે સતત તને માગે છે. પોતાની વ્યક્તિ જ્યારે દુઆ, પ્રાર્થના, ઇબાદત કે પૂજા બની જાય ત્યારે કુદરત પણ થોડી કૂણી પડતી હશે!

આપણને આપણી વ્યક્તિની તરસ અને તડપનો કેટલો અહેસાસ હોય છે! એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. હોલીડે હતો. પ્રેમિકાએ પૂછ્યું, શું કરીશું રજાના દિવસે? પ્રેમીએ કહ્યું કે તું કહે એમ! પ્રેમિકાએ પૂછ્યું, હું કહું એમ જ કેમ? પ્રેમીએ કહ્યું, મારા માટે ખુશી એટલે તને મજામાં જોવી. તારા ચહેરા પર હાસ્ય હોય એટલે મારું રોમેરોમ મહેકી ઊઠે છે. પ્રેમિકાએ કહ્યું કે, ના, આ વખતે તું કહે એમ કરવું છે. આપણી વ્યક્તિને ગમે એવું કરવાની પણ એક મજા હોય છે. પોતાની વ્યક્તિને ખુશ કરવાની ખુશી અલૌકિક હોય છે. આમ છતાં દરેક વખતે આપણી વ્યક્તિ આપણે ઇચ્છીએ એવી જ રીતે ખુશ થાય એવું જરૂરી પણ હોતું નથી.

એક યુવાને પોતાની ગર્લફ્રેન્ડ માટે સરપ્રાઇઝ પ્લાન કર્યો. ઘણું બધું વિચારીને બધું ગોઠવ્યું. એને હતું કે મારે એના ચહેરા પરનું રિએક્શન જોવું છે. એ રાહ જોતો હતો. ગર્લફ્રેન્ડ આવી. સરપ્રાઇઝ છતું કર્યું. ત્યારે ગર્લફ્રેન્ડનો રિસ્પોન્સ ધાર્યો હતો એવો ન મળ્યો. સિમ્પ્લ થેંક્યૂ કહ્યું! યુવાનને થયું કે આને કંઈ કદર જ નથી. બંને થોડીવાર બેસીને છૂટાં પડ્યાં. ઘરે જઈને છોકરીએ મેસેજ કર્યો. સોરી ડિયર, હું મજામાં નહોતી. એક્ચ્યુઅલી ઓફિસમાં આજે થોડીક માથાકૂટ થઈ. કામ બાબતે બોસ ઘણું બોલ્યા. તને સમય આપ્યો હતો એટલે તને મળવા આવી.

તેં સરપ્રાઇઝ પ્લાન કર્યો હતો. મને જરાયે રોમાંચ ન થયો. તું પણ મારું રિએક્શન જોઈને ડિસ્ટર્બ થયો. તને હતું કે તારા સરપ્રાઇઝથી હું એકદમ એક્સાઇટ થઈ જઈશ. મને હતું કે તું મને પૂછે કે શું થયું છે? કેમ અપસેટ છે? મને વાત કરીને હળવું થવું હતું. આપણે બંને આપણી જગ્યાએ સાચાં હતાં. તું ઇચ્છતો હતો એવું હું ન કરી શકી. હું ઇચ્છતી હતી એવું તું ન કરી શક્યો. વાંક તારો પણ નથી અને દોષ મારો પણ નથી. મને થાય છે કે હું કેમ ખુશ ન થઈ? પછી સવાલ થાય છે કે તેં પણ મને કેમ કંઈ ન પૂછ્યું? સોરી ડિયર, તું ઇચ્છતો હતો એવું મારાથી ન થઈ શક્યું! કેવું છે નહીં?

તેં કર્યું હતું એનો વિચાર નથી આવતો, પણ તેં ન પૂછ્યું એનું દુ:ખ થાય છે! એવું ન હોવું જોઈએ, નહીં? થેંક્યૂ મને ખુશ કરવાનું વિચારવા માટે અને સોરી મારા ચહેરા પર તારી કલ્પના મુજબનું કંઈ જોવા ન મળ્યું! છેલ્લે એટલું જ કહેવું છે કે, તારા માટે લાગણી એવી ને એવી છે. ક્યારેક સંવેદનાઓ એકસરખી નથી રહેતી, એનો મતલબ એ નથી હોતો કે પ્રેમ નથી!

પ્રેમીનો જવાબ આવ્યો. યસ ડિયર, તારો રિસ્પોન્સ જોઈને મને પહેલાં તો એવું જ થયું હતું કે આને મારી કંઈ પડી જ નથી. મારા મૂડની કોઈ પરવા નથી. પોતાનામાં જ પડી છે. ક્યારેક આપણે કેટલા સ્વાર્થી થઈ જતા હોઈએ છીએ નહીં? આપણા મૂડ અને આપણી ઇચ્છાનું જ વિચારતા રહીએ છીએ. ઇટ્સ ઓકે ડિયર, નાઉ ચિયરઅપ! વાંક કોઈનો ન હોય ત્યારે પણ આપણે ઘણી વખત એકબીજાનો વાંક કાઢતા હોઈએ છીએ.

પ્રેમ કે દાંપત્યજીવનમાં મોટાભાગે ઝઘડા થવાનું કારણ એ નથી હોતું કે એકબીજા પર પ્રેમ નથી હોતો, પણ કારણ એ હોય છે કે એ સમયે એકબીજાનું મેન્ટલ સ્ટેટસ અલગ અલગ હોય છે. બે વ્યક્તિની માનસિક હાલત ક્યારેય એકસરખી હોતી નથી. ઝઘડો થઈ જાય પછી ઘણી વખત આપણને જ એમ થાય છે કે મારે આમ કરવું જોઈતું ન હતું! તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે એવું વિચારી કે તારે આમ કરવું જોઈતું ન હતું!

કોણે ક્યારે શું કરવું એ આપણી ઇચ્છા મુજબ નથી થતું. એ તો આપણી વ્યક્તિના મૂડ ઉપર આધારિત હોય છે. એક પત્નીએ પતિ માટે બહાર જવાનો પ્લાન ઘડી રાખ્યો હતો. પતિ આવ્યો. એને વાત કરી. પતિએ કહ્યું, આજે રે’વા દેને, મને ઇઝી નથી લાગતું. પહેલાં તો પત્નીથી સહન ન થયું. હું કંઈ પ્લાન કરું ત્યારે તું ફાચર જ મારે છે. તારે કંઈ કરવું જ હોતું નથી. મારા મૂડની પથારી ફેરવી નાખી. જોકે, બીજી જ ઘડીએ એવો વિચાર આવ્યો કે એને ઇઝી નહીં લાગતું હોય એટલે જ ના પાડી હશેને! પતિ પાસે જઈને કહ્યું, નો પ્રોબ્લેમ. તને કેમ ઇઝી નથી લાગતું? શું કરું તો તને ગમે? પતિએ કહ્યું, મને હતું કે તું નારાજ થઈશ! પત્નીએ કહ્યું કે, મારે તો તું ખુશ થાય એવું કરવું હતું. જરૂરી નથી કે તું મારી ઇચ્છા મુજબ જ ખુશ થાય. તારી ઇચ્છા મુજબ ખુશ થાય તો પણ મને વાંધો નથી. તું બસ ખુશ રહેવો જોઈએ.

પ્રેમ બહુ નાજુક હોય છે. એને સમજતા આવડવું જોઈએ. એક પતિ-પત્ની વચ્ચે બહુ ઝઘડા થાય. પત્ની એની ફ્રેન્ડને કહે કે યાર એ સમજતો જ નથી. તેની ફ્રેન્ડે કહ્યું કે એક કામ કર, છોડી દે એને! તેની ફ્રેન્ડે કહ્યું, યાર એવું પણ નથી. પ્રેમ તો એને બહુ કરું છું અને એ પણ મને પ્રેમ તો કરે જ છે. મિત્રએ પછી હસીને કહ્યું કે, તો એની સાથે પ્રેમથી રહેને! તું કહે છે કે એ સમજતો જ નથી! ખાલી થોડુંક એટલું વિચાર કે તું કેટલું સમજે છે! જતું કરી દેવાથી દરેક વખતે નીચા પડાતું હોતું નથી, ક્યારેક આપણે ઉપર પણ ઊઠતા હોઈએ છીએ!

તમારી વ્યક્તિને ઓળખો. એને સમજવાનો પ્રયાસ કરો. એવું પણ ન વિચારો કે માત્ર મારે જ સમજવાનું? એને કંઈ નહીં કરવાનું? તમે સમજશો તો એ પણ સમજશે. બધાની સમજવાની શક્તિ અને તૈયારી પણ એકસરખી હોતી નથી. પ્રેમ તો હોય જ છે, સાથે રહ્યા વગર તો ચાલતું જ હોતું નથી. વચ્ચે જે આવે છે એ સાવ જુદું જ હોય છે. પોતાને ગમતું હોય એવું આપણે કરવું હોય છે. ક્યારેક આપણી વ્યક્તિને ગમે એમ પણ કરવું જોઈએ. મૂડ અને માનસિકતાને સમજવી એ પણ પ્રેમનો એક ભાગ જ છે. એકની સંવેદનામાં ઓટ આવી હોય ત્યારે બીજી વ્યક્તિ એની સંવેદના થોડીક ઠાલવીને ખાલી થયેલી સંવેદનાને ભરી દે તો બંનેની સંવેદના સદા માટે સજીવન રહે! પ્રેમ માત્ર મેળવવાનો નથી હોતો, આપવાનો પણ હોય છે. સરવાળે આપણે એવું અને જેટલું આપીશું એટલું જ આપણને મળવાનું છે!

છેલ્લો સીન:

જગતમાં સન્માનથી જીવવાનો સૌથી ટૂંકો અને નિશ્ચિત માર્ગ એ છે કે આપણે જેવા દેખાવા માગીએ છીએ એવા જ વાસ્તવમાં હોવા જોઈએ. –સોક્રેટિસ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 30 ઓગસ્ટ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

ટીપ્પણી