શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક – માંડવરાયજી દાદા મુળી !! બહુ ઓછા લોકો જાણતા હશે આ મંદિર વિષે..

આશરે ૮૦ વર્ષ પહેલાની વાત છે. રાજકોટની બાજુમાં પડધરી ગામમાં જન્મેલો એ છોકરો. વાંકાનેરમાં અભિયાસ કરતો હતો. એને મુળી માંડવરાયજી દાદામાં અપાર શ્રદ્ધા. માંડવરાયજી દાદા એટલે સૂર્ય ભગવાન.

એ સમયમાં વાંકાનેરથી મુળીની ટ્રેનમાં રીટર્ન ટિકિટ ૧૦-૧૫ પૈસા હતી. પરંતુ એટલા પૈસા પણ એ છોકરા આગળ હોય નહિ. એ બચત કરે અને ૧૫ પૈસા ભેગા થાય એટલે ટિકિટ લઈને ટ્રેનમાં બેસી જાય. મુળી રેલવે સ્ટેશન, ગામથી આશરે ૫ કિલોમીટર દૂર છે. ઘોડાગાડીના પૈસા હોય નહિ એટલે ચાલીને માંડવરાયજી દાદાના મંદિરે દર્શન કરવા આવે.

દાદા આગળ માથું નમાવીને છોકરો એટલી પ્રાર્થના કરે કે હૈ પ્રભુ ! હું દિવસ ઉગે અને ૧૦૦ રૂપિયાનું દાન કરી શકું એટલો લાયક બનાવજે. એ છોકરાને ૧૦-૧૫ પૈસા ભેગા કરવા હોય તો થોડા દિવસો લાગતા હતા એ સમયમાં એણે રોજ ૧૦૦ રૂપિયાનું દાન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

માંડવરાયજી દાદાની કૃપા અને એ છોકરાની મહેનતનો એવો રૂપાળો સંગમ થયો કે એ એમની વૃદ્ધાવસ્થામાં રોજ ૧૦-૨૦ લાખ રૂપિયાનું દાન કરતા હતા. એ દાનવીરનું નામ દીપચંદ ગાર્ડી. ગુજરાતમાં જેટલી ગાર્ડી નામથી કોલેજ છે તેમાં એમનું ડોનેશન હોય છે. દીપચંદ ગાર્ડીએ અનેક ક્ષેત્રોમાં દાન આપ્યા છે પણ શિક્ષણને એ વધારે મહત્ત્વ આપતા હતા.

માંડવરાયજી દાદા સાથે આવી અનેક સત્યઘટનાઓ જોડાએલી છે. મારી પોતાની વાત કરું તો જયારે હું સાતમા ધોરણમાં હતો ત્યારે હાથ ઉપર મને સોપારી જેવડી ગાંઠ થઇ હતી. લગભગ એક અઠવાડિયાથી ગાંઠ હતી પરંતુ એ દુઃખતી ન હોવાથી મેં ડોક્ટરને દેખાડ્યું હતું નહિ.

મારા બાને ખબર પડી એટલે એમણે ગાંઠ ઓગળી જાય તો માંડવરાયજી દાદાને ગોળ ચડાવાની બાધા રાખી. મેં કીધું બા એમ માનતા માનવાથી થોડી ગાંઠ ઓગળી જાય ?

મારા આશ્ચર્ય વચ્ચે માત્ર ૨ દિવસમાં ગાંઠ ઓગળી ગઈ. એમ કહેવાય છે કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય, જો માંડવરાયજી દાદા આગળ સાચા હૃદયથી ગોળની બાધા રાખો તો એ ગાંઠ અવશ્ય નીકળી જાય છે.

 

એ મંદિરમાં જરાય ગંદકી નથી અને જગ્યા એટલી પવિત્ર છે કે તમને ત્યાં જવાથી મનની શાંતિ મળશે. મંદિરમાં જે મૂર્તિ છે એ આશરે ૮૦૦ વર્ષ પહેલાની છે.

માંડવરાયજી દાદાનું મંદિર મુળી ગામમાં આવેલું છે. જે ડોડીયા બાઉન્ડ્રી અને સુરેન્દ્રનગર બંને જગ્યાએથી એક સમાન અંતરે છે – આશરે ૨૨ કિલોમીટર.

મિત્રો, એક વખત અચૂક આ મંદિરે દાદાના દર્શન કરવા જજો. મારી શ્રદ્ધા છે કે એક વાર ગયા પછી તમે વારંવાર આ મંદિરે દર્શન કરવા અાવશો.

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

આપ ને આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ અચૂક શેર કરજો !!

ટીપ્પણી