માનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો, એતો અવિરત ઝરણાની જેમ સતત વહ્યા જ કરે છે…..

એક ઝરણું
(વાત માં ના અવિરત પ્રેમની…)

સવારનાં 9 કલાકનો સમય હતો. આલોક પોતાની ઓફિસે પહોંચ્યો અને પોતાની ઓફિસની ખુરશી પર બેઠો અને પોતાની દરરોજ ની આદત પ્રમાણે તેણે ઓફિસના પ્યુનને બોલાવીને ચા માટેનો ઓર્ડર આપ્યો…આલોક થોડો આજે ચિંતિત હતો અને થોડીક ગભરાહટ હતી કારણ કે આવતી કાલે તેને એક પાર્ટી સાથે સવારનાં 11 કલાકે એક સારી એવી ડિલ થવાની હતી.એટલીવારમાં પ્યુન ચા લઈને આવી પહોંચ્યો.ચાની ચૂસકીઓ લેતાં-લેતાં એ વિચારમગ્ન થઈ ગયો, અને પેલી પાર્ટી સાથે કેવી રીતે ડીલ કરવી એ વિશે વિચારવા લાગ્યો, એટલીવારમાં ઓલોકનો સેક્રેટરી હેમંત આવ્યો અને દરવાજાને નોક કર્યું આથી આલોક વિચારોની વમળો માંથી બહાર આવ્યો.

“ મે આઇ કમ ઇન સર ?” – હેમંતે પરમિશન માંગી.
“ યસ, કમ ઇન “
“ સર કાલે જે 11 વાગ્યે મિટિંગ છે એના માટે નું પ્રેઝન્ટેશન મેં તૈયાર કર્યું છે તો તમે એકવાર જોઈ લેશો તો સારું રહેશે.” – હેમંતે વિનમ્રતાથી કહ્યું.
“ હા ! ચોક્કસ “ એટલું બોલી આલોક ટેબલ પર રાખેલા લેપટોપમાં પ્રેઝન્ટેશન જોવા લાગ્યો.
આ દરમિયાન અલોકના મોબાઈલ પર એક કોલ આવ્યો…
“ હેલ્લો ! બેટા ?”
“ માં ! હું અત્યારે થોડો કામમાં છું”
“ પણ ! બેટા મારી વાત તો સાંભળ”
“ માં ! હું ખરેખર અત્યારે વાત નથી કરી શકુ એમ હું થોડીવાર પછી તમને ફોન કરૂં છું”
“ પણ…….બેટા…..?????……

આટલું બોલતાની સાથે જ આલોકે કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો, અને ફરી પાછો પ્રેઝન્ટેશન જોવામાં લાગી ગયો અને પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તે પોતાની માં ને કોલ કરવાનું ભુલાય જ ગયું.

સાંજે આલોક હોટલેં જમીને પોતાના રૂમ પર પહોંચ્યો, હોટલ પર પહોંચતાની સાથે જ તેને અચાનક તેને યાદ આવ્યું કે મમ્મીને કોલ કરવાનો હતો આથી તેણે પોતાનો મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢ્યો અને કોલ કર્યો…..

“ તમે ડાઈલ કરેલ નંબર કોઈ ઉપાડતું નથી “ – આથી આલોકે દિવાલ પર ટાંગેલ ઘડિયાળ પર એક નજર કરી તો તેમાં રાત્રિના 11 કલાક થઈ ગયા હતાં.આથી આલોક થોડો નિરાશ થઈ દુઃખી હૃદયે એક નિસાસો નાખીને સુઈ ગયો.

બીજે દિવસે આલોક પોતાના દરરોજના નિત્યક્રમ પ્રમાણે ઓફિસે પહોંચ્યો, ચા માટેનો ઓર્ડર કર્યો અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો.સવાર ના 11 કલાકે ઓલોકની પેલી પાર્ટી સાથે મિટિંગ શરૂ થઈ.

મિટિંગ શરૂ થયાને હજુ માત્ર 20 મિનિટ જ થઈ હશે ત્યાંજ અલોકનો ફોન રણક્યો….આલોકે કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો, થોડીવાર પછી પાછો આલોકનાં મોબાઈલમાં બે – ત્રણ વખત કોલ આવ્યો…આથી તેણે કોલ રિસીવ કર્યો …

“ માં ! હું અત્યારે વાત નથી કરી શકુ એમ હું એક અગત્યની મિટિંગમાં છું માટે થોડીવાર પછી તમને ફોન કરૂં છું”
“ પણ ! દીકરા મને આજે ….મારી વાત તો….” – ત્યાં તો આલોકે કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો.

બપોરનાં 12: 30 વાગ્યાની આસપાસ આલોકની મિટિંગ પૂરી થઈ અને સફળતાપૂર્વક ડિલ થઈ ગઈ અને આલોકની કંપની ને મોટો ઓર્ડર મળી ગયો.

જેવી મિટિંગ પૂરી થઈ તેવો જ આલોકે પોતાના મમ્મી ને કોલ કર્યો, પરંતુ કઈ કોન્ટેક થયો નહીં, આથી આલોકે ત્રણ-ચાર વખત પ્રયત્ન કર્યા પરંતુ બધા જ વ્યર્થ….એવામાં અચાનક આલોકને તેની માં એ ફોન પર કહેલ શબ્દો યાદ આવ્યા….

“ પણ ! દીકરા મને આજે ….મારી વાત તો….” – ત્યાં તો આલોકે કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો હતો.
આલોક એકદમ ચિંતાતુર બની ગયો અને એકપણ મિનિટનો વ્યર્થ કર્યા વગર જ તે પોતાની બેગ લઇ ને પોતાના ગામ જવા માટે રેલ્વેસ્ટેશને પહોંચી ગયો.

ટ્રેનમાં જગ્યા ન મળવાને લીધે આલોક ટ્રેનનાં દરવાજા પાસે ઉભો રહ્યો..પોતાની નજર સમક્ષ પસાર થઈ રહેલુ કુદરતી સૌંદય, નદીઓ, ઝરણાં, લીલાસમ વૃક્ષો, આકાશમાં કંઈપણ ચિંતા વગર મન મુકીને ઉડતા પક્ષીઓ વગેરે જોતા-જોતા ઓલોક પોતાની દુનિયામાં ખોવાય ગયો…અને વિચારવા લાગ્યો કે.., માં ને શુ કહેવું હશે ? મને કંઈક કહેવા માંગતી હતી? તબિયત તો સારી હશે ને ? કંઈ થયું તો નહીં હશે ને ? અને આલોક પોતાના બાળપણની યાદોમાં ખોવાય ગયો.

આલોક જ્યારે 9 વર્ષનો હતો ત્યારે તેને મલેરિયા થઈ ગયો હતો આથી તેને સારવાર માટે પોતાના ગામની નજીકનાં શહેરની સરકારી હોસ્પિટલમાં માં એક અઠવાડિયા માટે દાખલ કરવામાં આવ્યો હતો, અને આ સાતે-સાત દિવસ દરમ્યાન એક પણ રાત માટે આલોકનાં મમ્મી સુતા જ ન હતાં અને આખી રાત આલોકનાં માથા પર ખૂબ જ પ્રેમ પૂર્વક હાથ ફેરવતા-ફેરવતા આલોકની બેડ પર જ પોતાનું માથું ટેકવીને માત્ર આરામ કરતા હતાં… અને દુનિયામાં એકપણ એવી માં નહીં હોય કે જે પોતાના હૃદયના ટુકડા સમાન સંતાનની તબિયત સારી ન હોય અને પોતે શાંતિથી સુઈ જાય…..એને જ તો માં ની મમતા કહેવાય છે જે મેળવવા માટે ખુદ ભગવાનને પણ ધરતી કે પૃથ્વી પર અવતાર કે જન્મ લેવો પડે છે …આવી હોય છે માં ની મમતા કે વાત્સલ્ય.

“ આલોકનાં પિતાનું આલોક જ્યારેે 7 વર્ષનો હતો ત્યારે મૃત્યુ થયું હતું આથી આલોકનો સંપુર્ણ ઉછેર તેની માતાએ ખૂબ જ પ્રેમભાવથી કરેલ હતો.આલોક નો પિતા,ભાઈ,બહેન કે વડીલ જે ગણો ,તેની માં જ તેના માટે બધું જ હતી.

અલોકના દરેક સુખ, દુઃખ,હતાશા, એકલાપણુ કે આનંદના દરેક પળોમાં તેની માં હરહંમેશ આલોકની સાથે જ રહી હતી અને આપણી આ દુનિયાના બધાજ સારા અને નરસા પાસા વિશેની ખુબજ સારી રીતે સમજણ આપેલ હતી…અને એક જવાબદાર નાગરિક બનાવેલ હતો, પરંતુ છેલ્લા 3 વર્ષથી આલોકને પોતાના કામને લીધે તેની માતાથી દૂર શહેરમાં રહેવાનું થયું હતું….આટલું વિચારતાં ની સાથે જ આલોકની આંખોનાં ખુણાઓ માંથી અશ્રુધારા વહેવાં લાગી અને પોતાની જાતને માત્ર એક જ પ્રશ્ન કરી શક્યો.

“ મારી માતાએ મારા માટે આટલો બધો ભોગ આપ્યો તેનાં બદલામાં મેં શું આપ્યું? મારી પાસે કંઈક તો અપેક્ષા રાખી હશે ને ? શું હું જે વ્યવહાર કરું છું તે યોગ્ય ગણાય ખરો? શું ભગવાન મને આનાં માટે મને માફી બક્ષશે? વગેરે….”

તેવામાં આલોકનું ગામ આવી ગયું અને એકદમ બેબાકળો થઈને પોતાના ઘર તરફ એક દોટ મૂકી અને પોતાના ઘરે પહોંચ્યો, પહોંચતાની સાથે, જે દ્રશ્ય જોયું તે જોતાની સાથે જ તે એકદમ હતાશ થઈ ગયો.

ઘરમાં બધી વસ્તુ અસ્તવ્યસ્ત પડેલ હતું, એકદમ જીવિત ઘરમાંથી જાણે જીવ જતો રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.આલોકની નજર તેની માતાને શોધી રહી હતી પરંતુ ક્યાંય નજરે ના પડી આથી આલોક એકદમ ચિંતામાં આવી ગયો અને એક નિસાસો નાખી દરવાજા પર જ પોતાનાં ગોઠણ ટેકવી રડવા લાગ્યો અને પોતાની જાતને કોસી રહ્યો હતો …કે જે જોબમાં પોતાની માતા માટે માત્ર પાંચ મિનિટ પણ ના ફાળવી શકતા હોય, પછી ભલે ને લાખો રૂપિયા કમાતા હોવ તો પણ તેનું કોઈ મહત્વ હોતું નથી એ વાત આલોકને હવે ખૂબ જ સારી રીતે સમજાય ગઈ હતી, પરંતુ હવે તેનો શું અર્થ ?

તેવામાં આલોકનાં ખભા પર કોઈ એ પ્રેમથી હાથ મુકયો –
“ બેટા! આલોક ! ક્યારે આવ્યો તું મારા દીકરા?” – આલોકની માં એ ખૂબ જ પ્રેમથી પૂછ્યું.

આલોકે પાછળ ફરીને જોયું તો તેના આશ્ચર્યનો કોઇ પાર ન રહ્યો ખુદ પોતાની માં સાક્ષાત તેની નજર સમક્ષ ઉભી હતી..અને રડતા ચહેરે આલોકે પોતાની માં ની માફી માંગી અને કોઈ નાનું બાળક રડે તેવી રીતે આલોક પોતાની માતાને ભેટીને રડવા લાગ્યો, તેને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.

“ અરે દીકરા ! માં પાસે ક્યારેય માફી માંગવાની હોય ? “ – આટલું બોલી આલોકનાં આંસું લૂછી માથાં પર હાથ ફેરાવતા કહ્યું કે – “ બેટા ! હું મંદિરે ગઈ હતી, તે જો માત્ર મને પાંચ કે દસ મિનિટ માટે ના જોઈ અને આટલું રડવા લાગ્યો તો તું વિચાર કે હું તો છેલ્લા 3 વર્ષથી તારા વગર જીવી રહી છું તો મારા પર…એક માં પર શું વિતતી હશે…”

“ આટલું બોલતાનાની સાથે જ બંનેવ રડવા લાગ્યા અને આલોક માતૃત્વનાં વાસત્સલ્યનાં પ્રવાહમાં ડૂબી ગયો અને તેને પોતાની ભૂલ વિશે હવે તેને સમજાય ગયું હતું”

ત્યારબાદ આલોક હમેંશ ને માટે પોતાની માતાને પોતાની સાથે શહેરમાં લઇ ગયો અને ફરીથી બને પહેલાં ની માફક ખુબ જ પ્રેમભાવથી રહેવા લાગ્યાં…અને એક માં નો એક માતા તરીકે નો જન્મ સફળ થયો.
મિત્રો આપણા જીવન માં પણ ક્યારેક આવું બનતું હોય છે કોઈ દિવસ કઇ ન બોલવાવાળી માં કાઈ માંગતી કે બોલતી નથી એનો એ અર્થ નહીં કે તેને આપણી જરૂર નથી ….જરૂર તો હોય જ છે પરંતુ તેણે પોતાની લાગણીઓ પર કાબુ રાખેલ હોય છે અને પોતાનાં મનને લાખો પ્રયત્ન કરીને મનાવેલ હોય છે.

મારી આ સ્ટોરી વાંચીને માત્ર એક વ્યક્તિ પણ જો પોતાના માતાનો પ્રેમ કે લાગણી વિશે સમજશે તો હું મારી આ સ્ટોરી સફળ થઈ એવું માનીશ…અને ભગવાનનો આભાર માનીશ…અને હા જો આ સ્ટોરી તમને પસંદ પડે તો ચોક્કસ થી તમારો પ્રતિભાવ જણાવજો.

લેખક : મકવાણા રાહુલ.એચ

મિત્રો તમે પણ તમારા માતા-પિતાથી દુર રેહતા હોવ તો અત્યારેજ કોલ કરીને વાત કરો તેમની સાથે.

વાર્તા શેર કરો તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે.

ટીપ્પણી