કમાન્ડર કુલભૂષણ જાધવ ભારતીય જાસૂસ??

કમાન્ડર કુલભૂષણ જાધવ ભારતીય જાસૂસ??

જ્યારથી કહેવાતા ‘ભારતીય જાસૂસ’ કુલભૂષણ જાધવ પાકિસ્તાની લશ્કરી કસ્ટડીમાં પાકિસ્તાન ટીવી પર દેખાયા, ત્યારથી ઉત્સાહિત પાક લશ્કરી અધિકારીઓને વિશ્વ સમક્ષ ભારત પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓને ટેકો આપે છે તેવું સાબિત કરવાની હોડ લાગી ગઈ.

જોકે, આમ પણ પાક પહેલેથી આતંકવાદીઓને તેમની સરકાર તરફથી મળતી ખુલ્લી મદદનો અસ્વીકાર કરતુ રહ્યું છે. અને હવે આ કહેવાતા જાસુસીનાં બનાવની આંતરરાષ્ટ્રીય મીડિયા ટ્રાયલનાં કારણે, તેમના દેશની પહેલેથી નીચા સ્તરની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા હવે તળિયે પહોચી છે.

પાક ગમે તેમ કરી ઠોકી બજાવી ને સાબિત કરવા માગે છે કે પાકિસ્તાનમાં સઘળા આતંકવાદી બનાવો માટે ભારત સરકાર જવાબદાર છે. આવું કરવા માટે પ્રયત્ન કરી, તેઓ બધા વારંવાર પોતાનાજ પગમાં કુહાડીનો પ્રહાર કરે છે.

પાકિસ્તાનના અસલી શાસક આર્મી જનરલ, વડાપ્રધાન નવાઝ શરીફ અને ઈરાની પ્રમુખ હસન રુહાનીની મુલાકાત વેળા ગેરહાજર રહ્યા. ત્યાર બાદ બીજા દિવસે પોતે અલગથી મહામહિમ રુહાનીને મળ્યા અને ભારત, કેવી રીતે ઇસ્લામિક રાજ્ય પાકિસ્તાનને નાબુદ કરવા માટે પગલા ભરી રહ્યું છે, તે જણાવ્યું.

પાકિસ્તાની આર્મીનાં અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી, આ મુલાકાત બાબતની ટવીટ પણ આવે છે ‘પાક જનરલે ઈરાની પ્રમુખને ભારતની ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનને અસ્થિર કરવાની દુષ્ટ ચાલ વિષે પુરાવા આપ્યા!!’

દેખીતી રીતે ગુસ્સા થી ધુંવાપુવા પ્રમુખ રુહાનીને જયારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે ભારત, પાકિસ્તાનની જેમજ ઈરાનનો એક, મિત્ર દેશ છે, ઈરાની રાજ્દુતાવાસે પણ થોડા દિવસો પછી આ બાબતનું વિધાન કર્યું. પાકિસ્તાન હવે દુવિધા માં છે!!!

પાકિસ્તાની કસ્ટડીમાં જાધવ જે કંઈ કહે છે, તે બધું તેની પાસે જોર જબરદસ્તીથી કહેવડાવાયું છે તેમ સાબિત થઇ જશે, અને જો તેમને છોડી મુકવામાં આવે તો બહાર આવ્યા પછી જાધવ પાકિસ્તાન વિશે ઘણા અપ્રિય સત્યો પરત્વે દિશા નિર્દેશ કરી શકે તેમ છે.

જાધવને ફાંસીની સજાનો ચુકાદો કંઈ પહેલો બનાવ નથી, જ્યાં સુધી ભારત એક ઢીલું પોચું રાષ્ટ્ર છે તેમ વર્તન કરે રાખશે ત્યાં સુધી કેટલાય જાધવોને પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ અને શ્રીલંકાનાં લોકો આમ જ યાતનાઓ આપી ફાંસીને માંચડે લટકાવે રાખશે. 71 નાં યુદ્ધ કેદીઓની આપણને કંઈ ફિકર નથી અને આપણા સૌરાષ્ટ્રનાં કેટલાય માછીમાર ભાઈઓનું પાક મરીન તેમની ફિશિંગ બોટ સહીત અપહરણ કરી પાક જેલોમાં અસહ્ય યાતનાઓ આપે છે. પણ આપણને તેમની પણ કંઈ ફિકર નથી. કેમ નહીં ડોરમંટ પડેલી ગુજરાત મરીન પોલીસ એટલી અસરકારક બનાવી શકાય કે પાકિસ્તાની મરીન તેમના નામ માત્ર થી ફફડે.

છેલ્લે, જો ખરેખર જાધવ એક રીસર્ચ અને એનાલિસીસ વિંગના એજન્ટ હોય તો પાકિસ્તાન અને તેમાય બલુચિસ્તાન પ્રોવિન્સમાંથી ઓપરેટ કરવાની મૂર્ખતા કરે નહિ. જયારે આ જ કામ આસાનીથી ઈરાન કે અન્યત્ર રહીને પણ આસાનીથી થઇ શક્યું હોત.

એક તરફ પાકિસ્તાન તેની આરબ વિશ્વમાં ખાડે ગયેલી વિશ્વસનીયતાનાં કારણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયું હતું, તેમાં પ્રધાનમંત્રીશ્રી મોદીની સાઉદી અરેબિયાની ગર્મજોશી ભરેલી મુલાકાતનાં કારણે પાકિસ્તાનનાં પીઠબળનાં ગઢ એવા ગલ્ફ દેશોમાં પણ તેની આબરુનું વધારેમાં વધારે ધોવાણ થયું.

પાકિસ્તાને ચોક્કસપણે કલ્પનામાંય નહિ વિચાર્યું હોય, કે આવી પરિસ્થિતિની કલ્પના નહિ કરી હોય, જ્યારે સાઉદી અરેબિયા અને તેના આરબ ગલ્ફ પડોશીઓ ઇસ્લામિક કટ્ટરવાદીઓથી નીપટવા માટે ભારત સાથે સક્રિય સહકાર કરવા અને સાથે સાથે નવી દિલ્હી સાથે સુરક્ષા બાબતોમાં વધુ ભાગીદારીમાં સહભાગી થશે.

આ સાથે, એ પણ સત્ય છે કે મિયાં નવાઝને દશકોથી સાઉદી તરફ થી વ્યક્તિગત રક્ષણ અને ઉત્તેજન મળ્યા કર્યું છે. પાકિસ્તાનનું સૌથી નઠારું સિક્રેટ એ છે કે આજે તેમના ચૂંટાયેલા વડાપ્રધાન અને ઘમંડી આર્મી ચીફ એકબીજાને ધિક્કારે છે. બીજી તરફ પાક લશ્કરે મિયાં નવાઝની પરવાનગી લેવાની પરવા કર્યા વગરજ, તેમના રાજકીય ગઢ એવા પંજાબ પ્રાંતમાં લશ્કરી કાર્યવાહી શરુ કરી દીધી.

આ આંતરિક તણાવ ભર્યા માહોલની સીધી અસર ભારત સાથેનાં પાકિસ્તાનના તંગ અને જટિલ સબંધો પર પડી રહી છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. નવાઝ શરિફ પોતે લશ્કર-એ-તૈયબા જેવી સંસ્થાઓ સાથે જોડાણનો રેકોર્ડ ધરાવે છે. પરંતુ તેમને જૈશ-એ-મોહમ્મદ જેવા દક્ષિણ પંજાબનાં  દેવબંધી જૂથો માટે કોઈ લાગણી નથી. એટલેજ જયારે ભારતે જયારે, જૈશ-એ-મોહમ્મદનાં મસૂદ અઝહર કે જે ડિસેમ્બર 13, 2001 ભારતના સંસદ પર હુમલાનો પણ માસ્ટરમાઇન્ડ છે તેના પર પગલા લેવા માટે વિનંતી કર્યા  પછી નવાઝ શરીફ આટલા ઈચ્છુક જણાયા હતા.

પરંતુ, પાક હાઈ કમિશનર અબ્દુલ બસીતનું બયાન આવ્યું કે શાંતિ પ્રક્રિયા સ્તંભિત સ્થિતિમાં છે ત્યારે તેની કોશિશ પોતાના પાક આર્મી હેડક્વાર્ટર નાં આકાઓને ખુશ કરવાની હતી અને અર્થ એવો હતો કે ભારતીય જાસુસ કુલભૂષણ જાધવનાં લીધે, આ શાંતિ પ્રક્રિયા પડી ભાંગી!!! હવે તો ભારત પણ કુલભૂષણ જાધવને ન્યાય નહીં મળે ત્યાં સુધી કુટનીતિક વાતચીતો પર પ્રતિબંધ ફરમાવી ચુક્યું છે.

બીજી તરફ પાકિસ્તાની સેના અને આઈ.એસ.આઈ. નિશ્ચિંત છે, ચીનનાં પીઠબળના લીધે મસુદ અઝહર પર યુ.એન. ની આંતર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ કોઈ પગલા ભરી શકે તેમ નથી. તેમણે મોહમદ સઈદ અને મસુદ અઝહરનાં આતંકીઓને તૈયાર રાખ્યા છે કે જેવો જુલાઈમાં કાશ્મીર ખીણ નો બરફ ઓગળે કે ભારત પર આતંકનો કાળો ઓછ્યો ફરી વળે. આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક રાજનીતિમાં પ્રધાનમંત્રી મોદીનું વધતું જતું કદ અને પ્રતિષ્ઠા ગમે ત્યારે ચીન અને અમેરિકાને પાકિસ્તાન વિરુદ્ધ કડક હાથે પગલાની હિમાયત કરવા માટે મજબુર કરી શકે છે.

આ તરફ નિર્દોષ કુલભૂષણ જાધવને ફાંસીને માચડે ચડાવીને પાક યેન-કેન પ્રકારે તેવું સાબિત કરવામાં લાગેલું છે કે પાકિસ્તાનમાં થતી સઘળી આતંકવાદી પ્રવૃત્તિઓ ભારત અને આપણી રીસર્ચ અને એનાલીસીસ વીંગ (રો) કરાવે છે.

તમને શું લાગે છે? પાકિસ્તાની આઈએસઆઈ એ  કુલભૂષણનું અપહરણ કર્યું તો અમે ચુપ બેઠા રહ્યા હોઈશું? ઈંટ નો જવાબ પથ્થર છે.

કમાન્ડર જાધવનાં કેસમાં આગલો પડાવ આવતા અઠવાડિયે…

લેખક : મનન ભટ્ટ

દેશ વિદેશના સમાચાર અને વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

 

ટીપ્પણી