એક ગરમ ચાની પ્યાલી… સંવેદનાઑની હેલી..વાચો અને શેર કરો

એક ગરમ ચાની પ્યાલી… સંવેદનાઑની હેલી…

15 સૈનિકોનું દળ તેમના પ્લાટૂન હવાલદારની અગુવાઈમાં એક હિમાલયન પોસ્ટ પર ફરજ બજાવવા જઈ રહ્યું હતું, જ્યાં આગલા ત્રણ મહિના તેમણે વિતાવવાના હતા. તત્કાલિન દળ, જેને તેઓ ફરજ પરથી રિલિવ કરવા જઈ રહ્યા હતા, તે તેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું હતું.

ઠંડાગાર હેમાળાના દિવસો હતા, રહી-રહીને પડી રહેલો બરફ, આ કપરાં ચઢાણને વધુ મુશ્કેલ બનાવી રહ્યો હતો.

પ્લાટૂન હવાલદાર વિચારી રહ્યા હતા કે અત્યારે, આ ઠંડી કાળી રાતે કોઈ એક કપ ગરમ ગરમ ચાની ઓફર કરે તો કેવું સરસ!..

રાત્રિના બીજા પ્રહરનો સમય હતો. એકાદ કલાક આગળ માર્ચ કર્યા પછી તેમના રસ્તામાં એક બદહાલ કેબિન આવી, જે ચાની દુકાન જેવી લાગી રહી હતી પણ તેને તાળું લાગેલું હતું.

“સાથીઓ, આજે લાગે છે, ચાહ આપણાં નસીબમાં નથી.” ચાલતાં ચાલતાં ત્રણેક કલાક થયાછે, ચાલો બે ઘડી આરામ કરી લઈએ.

એક સૈનિક બોલ્યો, સર, આ ચાની દુકાન છે, આપણે ચા બનાવી શકીએ તેમ છીએ બસ તાળું તોડવાની જરૂર છે

.

પ્લાટૂન લીડર દ્વિધામાં હતા, આવું તે કાઈ કરાય! પણ અસહ્ય ઠંડી અને બરફવર્ષા વચ્ચે પહાડ ચઢી રહેલા, થાકેલા સાથીઓ માટે એક કપ ગરમ ચાનો વિચાર આવતા તેમણે પરવાનગી આપી.

સૈનિકોનું નસીબ આજે જોર કરતું હતું, એ જગ્યા પર ચા બનાવવાનો બધોજ સામાન મૌજૂદ હતો સાથે બિસ્કિટના પેકેટ તો ખરાજ.

 

વરાળ નીકળતી ચા અને બિસ્કિટના બ્રેક પછી સૈનિકો તાજા માજા થઈને આગળની સફર માટે તૈયાર હતા.

હવાલદાર સાહેબે વિચાર્યું, તેમણે તાળું તોડ્યું અને માલિકની પરવાનગી વિના ચા અને બિસ્કિટ પણ લીધા. પણ તેઓ કઈ ચોરોની ટોળી તો નથી પણ, શિસ્તબધ્ધ સૈનિકો છે.

પોતાના પાકીટમાંથી હવાલદાર સાહેબ એક હજાર રૂ।ની નોટ કાઢી અને કાઉન્ટર પર ખાંડની બરણી નીચે કાળજી પૂર્વક દબાવીને મૂકે છે, જેથી માલિક આસાનીથી તેને જોઈ શકે.

આપણો સૈનિક તેના અપરાધભાવથી મુક્તિ અનુભવે છે. તે આદેશ આપે છે, શટર બંધ કરો અને આગે બઢો.

ત્રણ મહિના વીતી જાય છે, સૈનિકો હિમ્મત અને શૌર્યથી પોતાની ફરજ બજાવે જાય છે. આ 15 જણાની ટીમ નસીબદાર છે કે તેમનામાં થી કોઈએ પણ સખત ઘૂસણખોરીઓના પ્રયાસોની વચ્ચે પણ તેમનો કોઈ સાથી ગુમાવ્યો નથી.

હવે એક નવી ટીમ તેમને ફરજમુક્ત કરવા આવે છે.

ત્રણ મહિના પછી ફરીથી તેઓ એજ પહાડી રસ્તે પાછા ફરી રહ્યા છે અને ફરી પેલી ચાની કેબિને તેઓ રોકાય છે. આ વખતે દુકાનના માલિક ત્યાં હાજર હતાં. દુકાનદાર એક અતિ સામાન્ય પરિસ્થિતીના વયોવૃદ્ધ વ્યક્તિ હતાં અને તેઑ આ સુદૂર પહાડ પરની આ નાની દુકાન પર એક સાથે 15 ગ્રાહકોનું સ્વાગત કરીને આનંદિત હતા.

બધા સૈનિકોએ ચા અને બિસ્કિટની મિજબાની ફરી એક વાર માણી. તેમણે એ વયોવૃદ્ધ વડીલ સાથે સુખદુખની વાતો આદરી અને આવી એકાકી જગ્યાએ ચા વેચવાના અનુભવો પૂછ્યા.

વૃદ્ધની પાસે અનેક કિસ્સાઑ હતા, જે અંતે તેમનો ભગવાનમાં દ્રઢ વિશ્વાસ જતાવતા હતા. ટોળીમાંના એક સૈનિકે વ્યંગ કર્યો “અરે, બાબા જો ભગવાન હોય, તો કેમ એ તમને આટલી ગરીબાઈમાં રાખે?

“એવી વાત ન કરો સાહેબ! ભગવાન ખરેખર ક્યાંક તો છેજ, ત્રણ મહિના પહેલાજ મને તેની સાબિતી મળી.”

“હું એક કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હતો કારણ હતું એક દિવસ મારા દીકરા પાસેથી કઇંક માહિતી, જે તેની પાસે હતીજ નહીં તે કઢાવવા માટે ટેરરિસ્ટોએ તેને ઢોર માર માર્યો. મે મારી દુકાનને તાળું માર્યુ અને ઝડપથી તેને હોસ્પિટલ ખસેડયો. ડોક્ટરે અમુક બહારથી લેવાની દવાઓ લખી આપી પણ એ દિવસે મારી પાસે કઇં પૈસા નહોતા. ટેરરિસ્ટના ડરને લીધે મને કોઈ પૈસા ઉધાર આપવા પણ તૈયાર ન હતું. કોઈજ આશા નહોતી બચી, સાહેબ.”

“એ ગોઝારા દિવસે સાહેબ, મે પ્રભુને મદદ માટે જુહાર લગાવી. અને સાહેબ, ઈશ્વર તે દિવસે મારી દુકાનમાં પધાર્યા.”

“બધી બાજુથી હતાશ થયેલો હું જ્યારે હું મારી દુકાનમાં પાછો ફર્યો, મે જોયું કે દુકાનનું તાળું તૂટેલું હતું, મને લાગ્યું કે હું ખતમ થઈ ગયો, મારી પાસે જે કઈ થોડું ઘણું હતું તે પણ મે ગુમાવી દીધું. પણ ત્યારેજ મે જોયું કે ભગવાને એક હજાર રૂ ખાંડની બરણી નીચે મૂકેલા છે. તમે માનશો નહીં, સાહેબ એ દિવસે એ પૈસાની મારે મન શું કિમત હતી. ભગવાનનું અસ્તિત્વ ચોક્કસ છેજ સાહેબ.”

તેની આંખ માંથી અતૂટ વિશ્વાસ છલકતો હતો.

આંખોની પંદર જોડીઓ એક સાથે ટીમ લીડરને તાકી રહી હતી અને હવાલદાર સાહેબની આંખમાં ચોખ્ખો આદેશ હતો, “ચૂપ રહો.”

લીડરે ઊભાથઇ અને બિલ ચૂકવ્યું. તેમણે વૃદ્ધ માણસને આલિંગન આપ્યું અને કહ્યું, “હા બાબા, હું જાણું છુ, ભગવાન છે. અને ચા મજેદાર હતી.”

આંખોની પંદર જોડીઓએ તેમના લીડરની ભીની થયેલી આંખોમાં પ્રથમ વખત અશ્રુઓનો જમાવડો દીઠયો.

સત્ય એ છે કે તમે કોઈના પણ માટે ભગવાન થઈ શકો છો.

(સૌજન્ય: એક સૈનિકના મુખે સાંભળેલી…   …કુપવારા સેક્ટરની એક સત્ય કથા)

લેખન.સંપાદન : મનન શ્રી ભટ્ટ પૂર્વ નૌસૈનિક ([email protected])

મોરલ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી