મનનો મેલ

ફ્લેટના કમ્પાઉંડમાં દાખલ થાતા કમુએ મોપેડને અઢેલીને એની જ ચાલીમાં રહેતા મુકેશને જોયો. એક પળ માટે એના પગ ત્યાં જ થંભી ગયા. કમુ બીજા માળે રહેતા સુનંદા બેનના ઘરનું છેલ્લા છ મહિનાથી કામ કરતી હતી.

દરરોજ બપોરે એ સુનંદા બેનની બાલ્કનીમાં ધોયેલા કપડાં સૂકવવા બહાર આવતી. છેલ્લા ત્રણ અઠવાડિયાથી કપડા સુકવતી વખતે નીચે એ મુકેશને ઉભેલો જોતી. મુકેશ કમુને કાંઈ પણ બોલ્યા વગર જોયે રાખતો . ક્યારેક છાના સ્મિતની આપ લે એટલું જ…,

પણ આજનો દિવસ જ જાણે કમુ માટે અલગ ઉગ્યો હતો. મુકેશ મોપેડને ત્યાં જ રહેવા દઈને દબાતે પગલે કમુ તરફ આવતો હતો. તેને સામે આવતા જોઇને કમુનો શ્વાસ જાણે રોકાઈ ગયો. સહસા જ એનાથી પાલવનો ઉડતો છેડો શરીરને ઢાંકવા માટે ખેંચાઈ ગયો.

મુકેશ હવે સાવ પાસે આવી ગયો હતો. ચાલીના મુકેશ કરતા એ અહીયાં કાંઇક અલગ જ લાગતો હતો. લેટેસ્ટ ફેશનના કપડાં , ગોગલ્સ , જમણા ખિસ્સામાં મોબાઈલ ફોન, અને પોતે તો..ફરી એક વાર એણે પાલવને ખભા પર ખેંચ્યો..

ચાલીમાં લોક કહેતું કે મુકો તો દારૂની હેરાફેરી કરે છે , છો ને કરે ..કેવો હીરો જેવો દેખાય છે. મારી હારે ફટફટિયા પર તો…., વિચાર માત્રથી કમુના ગાલે શરમના શેરડા પડી ગયા.

કમુની સાવ લગોલગ આવી ગયો મુકેશ ..એક ઝડપી નજર આજુબાજુ એણે નાખીને કોઈ જોતું નથી એની ખાતરી કરી જોઈ. કમુનું ગળું તો સાવ જ સુકાઈ ગયું હતું, અને છાતી ધડક …. ધડક ..!! પચાસની નોટ સાથે ચિટ્ઠી સરકાવતાં મુકેશે કહ્યું :” ચિટ્ઠીમાં મારો મોબઈલ નંબર છે,તમારા શેઠાણીના ડોટર પલ્લવી બેનને કહેજોને મને મેસેજ કરે..”,

ઉપર જઈને ધોવાના કપડાની ડોલમાંથી કમુએ પલ્લવીનું ટોપ ઉપાડીને બમણા જોરથી ધોકા મારીને મનનો મેલ પણ કાઢવા માંડ્યો …

લેખક : હેમલ વૈષ્ણવ

ટીપ્પણી