મામાનું ઘર

મામાનું ઘર…!

સ્કૂલની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતાં; લગભગ તે જ દિવસે મામાનો કાગળ આવી જતો,

“મોટાબેન ને નાનાબેન બાળકો સાથે આવી ગયા છે. મોટાભાભી ને બાળકો શનિવારે આવી જશે. તમે ક્યારે આવો છો ? વહેલાસર લખજો. સ્ટેશને તમને લેવા ગાડું મોકલશું.’

વાંચીને અમે ચારેય ભાઈ-બહેનો કકળાટ કરી મૂકીએ, ‘ આ બધાં તો પહોંચીયે ગયા..! ચાલ, બા, આજે જ નીકળીએ..!’
અને પછી સાત-આઠ કલાકની ખખડધજ બસની મુસાફરીની તૈયારી શરુ થતી. પતરાની મોટી ટ્રંક, નાસ્તાનો અડધિયો ડબ્બો..પિત્તળનો પેચવાળો પાણીનો લોટો અને ખિસ્સામાં રંગબેરંગી પીપરમીન્ટ…

મામાને ઘેર કંઈ એવી મોટી સાહ્યબી કે એશોઆરામ નહી.
નાનું ઘર…લાઈટ કે પંખા પણ નહી…..પાણીએ કૂવેથી ભરવાનું…આર્થિક રીતેય મામા કઈ એવા માલેતુજાર નહી.
એક નાનું ખેતર ને બે ભેંસો પર બધોય વ્યવહાર. પણ તોય આનંદના કારણોનો પાર નહી…!

સૌથી પહેલો તો ગાડામાં બેસીને વી. આઈ.પી. ની જેમ ગામ વચ્ચેથી પસાર થવાનો આનંદ….કૂવે પાણી ભરવા જવાનો આનંદ….મામી અને માસીના હાથની હેતભરી વાનગીઓ ખાવાનો આનંદ….

સાથે મળીને કામ કરવાનો આનંદ…..
એકબીજાના કપડાં પહેરી રામજી મંદિર જવાનો આનંદ….
ફળિયામાં આવેલા લીમડાના છાંયડા નીચે ઝોળવાળા ખાટલામા પણ પરીઓના સપનાવાળી મીઠી ઊંઘનો આનંદ….

બપોરે આયોજન વિનાના સંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી બધાની પ્રશંસા ઝીલવાનો આનંદ…..
ઝીણા ઝીણા ઝઘડા પછી રિસામણા ને મનામણાના ઓઠા હેઠળ સહુના વાત્સલ્ય ધોધમાં ભીંજાવાનો આનંદ…..
બસ, આનંદ જ આનંદ……!!

દર વરસે વેકેશનની એ એક મહિનાની રેસિડેન્શીયલ તાલીમે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાના જે ઊંડા મૂળ રોપ્યા છે તેણે જિંદગીને જોવાના શત શત દ્રષ્ટિકોણ ખોલી આપ્યા છે.

એમાય પાછા ફરીએ ત્યારે મામી હમેંશા સહુને જોડ કપડાં આપતાં.
એ પળોનું પોત તો એવું મજબૂત કે આટલા દાયકાઓ પછી હજુ સુધી ફાટ્યુંય નથી ને ફીટયુંય નથી.
બદલાતા સમય સાથે પ્રગતિએ હરણફાળ ભરી છે.
સુખસુવિધાઓનો વ્યાપ વિસ્તાર્યો છે.

મામાઓને ઘેર હવે ગાડું નહી, ગાડી(ઓ) છે.
ત્રણ બેડરૂમના મોટા ફ્લેટની આબાદી છે,
જેમાં એક રૂમ ખાસ મહેમાનો માટે છે.
અને વળી રાંધવાવાળા મહારાજ પણ છે.
નાના ખેતરને બદલે મોટી ફેક્ટરી છે.
બધું જ છે…..બધું જ….

નથી તો બસ એક મામાનો કાગળ – ‘ બહેન, તું બાળકોને લઈને ક્યારે આવે છે???

Dedicated to all Mama?

-અજ્ઞાત

ટીપ્પણી