મુગલે આઝમનુ મશહૂર ગીત ‘પ્યાર કિયા તો ડરના કયા’ લતા મંગેશકરે બાથરૂમમાં રેકોર્ડ કર્યું હતું…- તુષાર રાજા

1960માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મુગલે આઝમ’ અનેક રીતે લેન્ડમાર્ક સાબિત થઇ હતી.આ ફિલ્મનો પ્રીમિયર શો તે વખતે મુંબઈમાં નવા શરૂ થયેલ મિનારવા થિયેટરમાં રાખવામાં આવેલ હતો. શો ના પહેલાના દિવસે જ્યારે ટિકિટબારી ખોલવામાં આવી ત્યારે 1100 બેઠકની કેપેસિટીવાળા આ થિયેટરમાં ટિકિટ માટે અંદાજે એક લાખ માણસો ઉમટી પડ્યા હતાં.ફિલ્મની ટિકિટ છપાવવામાં પણ ઘણી મહેનત અને ખર્ચ કરવામાં આવ્યો હતો.એક ડોકેટમાં ફિલ્મના ફોટાઓ,અને ફિલ્મ સંબંધિત વાતો સાથેનું લખાણ ટિકિટ સાથે આપવામાં આવ્યું હતું.જે આજે પણ ઘણાં લોકોએ સંગ્રહ કરી રાખેલ છે.એ સમયે જયારે મોંઘામાં મોંઘી ફિલ્મની ટીકીટ દોઢ રૂપિયામાં મળતી હતી ત્યારે આ ફિલ્મની ટીકીટનો ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો હતો.એટલે કે તે સમયે ડોલરનો ભાવ જોઈએ તો 21 ડોલર આ ફિલ્મની ટીકીટનો ભાવ રાખવામાં આવ્યો હતો.

મોગલ શાસન સમયની એક ઐતિહાસિક કથા પર આધારિત આ ફિલ્મના ડાયરેક્ટર હતાં કે.આસિફ અને પ્રોડ્યુસર હતાં શાપૂરજી પાલનજી.પૃથ્વીરાજ કપુર,દિલીપકુમાર,મધુબાલા અને દુર્ગા ખોટે જેવા ધરખમ કલાકારો ધરાવતી આ ફિલ્મમાં નૌશાદ સંગીત નિર્દેશક હતાં.

હિન્દુસ્તાનના શહેનશાહ અકબર અને તેના બેગમ જોધાબાઈને ઘણા વર્ષે અનેક બાધા-માનતાઓ પછી પુત્ર સલીમનો જન્મ થતાં તેઓ ખુશ થઇ જાય છે અને ખુશખબર લઈને આવનાર બાંદીને શહેનશાહ કોઈ પણ ઇનામ માંગવાનું કહે છે. લાડકોડમાં ઉછરેલ શાહજાદા સલીમ થોડો મોટો થતા તેને યુધ્ધની તાલીમ મળે તે માટે યુધ્ધ કરવાં મોકલવામાં આવે છે.વર્ષો પછી સલીમ પરત આવે છે ત્યારે યુવાન થઇ ગયો હોય છે.

દરમ્યાન, સલીમને રાજદરબારની નર્તકી અનારકલી સાથે પ્રેમ થઇ જાય છે. આ પ્રેમની જાણ થતા સલીમના પિતા શહેનશાહ અકબર ગુસ્સે થઇ જાય છે અને તેનો વિરોધ કરે છે.પરંતુ તેના વિરોધની બંને ઉપર કોઈ અસર નહિ થતા શહેનશાહ અનારકલીને જેલમાં બંધ કરી દે છે.દરમ્યાન,સલીમ આ કેદમાંથી અનારકલીને નસાડી જવામાં સફળ થાય છે. આથી શહેનશાહ અકબર સલીમને બાગી જાહેર કરે છે અને તેણે પકડી પાડવા સેનાને હુકમ કરે છે. પિતા પુત્ર વચ્ચે યુધ્ધ થાય છે, જેમાં સલીમની હાર થાય છે. અને તેને બંદીવાન બનાવી દેવામાં આવે છે તેમ જ મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવે છે. આ સાથે શહેનશાહ એવી શરત કરે છે કે જો અનારકલી પોતાના શરણે આવે અને સલીમની સજા પોતાના ઉપર લઇ લે તો સલીમની સજા માફ કરવામાં આવશે.

આ વાતની જાણ થતા અનારકલી શરણે આવે છે અને મોત માટે તૈયાર થઇ જાયછે.દરમ્યાન અનારકલીની માતા જેને શહેનશાહે સલીમના જન્મ વખતે ઇનામ માંગવાનું વચન આપ્યું હોય છે તે પોતાની પુત્રીની જાન બચાવવા વિનંતી કરે છે. ફિલ્મના અંત સુધી અણધાર્યા વળાંકો આવતા રહે છે.

આ ફિલ્મ કોણ જાણે કેવા મૂહર્તમાં ચાલુ કરવામાં આવી હતી કે એક પછી એક મુસીબતો આવતી જતી હતી અને વારંવાર બધું કામ અટકાવી દેવું પડતું હતું. આમ કરતાં કરતાં ફિલ્મ છેક 16 વર્ષે પૂરી થઇ. 1946માં જયારે આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખાઈ રહી હતી ત્યારે ફિલ્મના કલાકારોની પસંદગી કરી લેવામાં આવી હતી.જેમાં ચંદ્રમોહન,ડી.કે.સપ્રુ અને નરગીસને અનુક્રમે અકબર,સલીમ અને અનારકલીના રોલ માટે લેવામાં આવ્યા હતાં.1946માં બોમ્બે ટોકીઝ સ્ટુડીયોમાં આ કલાકારો સાથે શૂટિંગ શરુ પણ થઇ ગયું. ત્યાર બાદ,એક પછી એક અડચણો આવવી શરુ થઇ.

1947માં દેશની આઝાદી અને ભાગલા થયા તે પરિસ્થિતિમાં ફિલ્મનું નિર્માણ અટકાવી દેવામાં આવ્યું.ફિલ્મના ફાઈનાન્સર સિરાઝ અલી ભાગલા બાદ પાકિસ્તાન ચાલ્યા જતાં ફિલ્મ બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ.માંડ માંડ ફાઈનાન્સ માટે શાપુરજી પાલનજી નામના એક બહુ મોટા ઉદ્યોગપતિને મનાવવામાં આવ્યા.આ દરમ્યાન,1949માં ફિલ્મમાં અકબરનો રોલ કરતાં કલાકાર ચંદ્રમોહનનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું.આથી ફરી ફિલ્મ લાંબા સમય માટે અટકી પડી.દરમ્યાન, ફિલ્મના લેખકોમાંના એક કમાલ અમરોહી, જેઓ તે સમયે જાણીતા પ્રોડ્યુસર-ડાયરેક્ટર પણ હતાં તેમને આ ફિલ્મ ફરી શરુ નહિ થાય તેવું લાગતાં તેમણે આ પ્રોજેક્ટમાંથી ખસી જઈને આ વિષય પર પોતે અલગ રીતે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કે. આસિફે તેમને માંડ મનાવ્યા.આ બધું ચાલતું હતું તે દરમ્યાન,1953માં બિના રાય અને પ્રદીપકુમારની મુખ્ય ભૂમિકાવાળી આ વિષય પર બનેલી અન્ય એક ફિલ્મ ‘અનારકલી’રીલીઝ પણ થઇ ગઈ અને ખુબ સફળ પણ થઇ ગઈ.

કે.આસિફે શરૂઆતમાં આ ફિલ્મમાં દિલીપકુમારની પસંદગીનો વિરોધ કર્યો હતો. દિલીપકુમારને પણ આ પ્રકારની પીરીયડ ફિલ્મ કરવી પસંદ નહોતી,પરંતુ ફિલ્મના પ્રોડ્યુસરના આગ્રહના કારણે તેમણે આ ફિલ્મ સ્વીકારી,જો કે ત્યાર બાદ આસિફ સાહેબે દિલીપકુમાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકીને તેમને તેમનાં રોલ બાબતે પૂરી સ્વતંત્રતા આપી હતી. અનારકલીના રોલ માટે શરૂઆતમાં સુરેયાને ઓફર કરવામાં આવી હતી,પરંતુ કોઈ કારણોસર વાત આગળ નહિ વધતા,બાદમાં મધુબાલાનું નામ નક્કી થયું હતું. મધુબાલા તે સમય હ્રદયને લગતી બિમારીનો સામનો કરી રહ્યા હતાં, ફિલ્મના નિર્માણ દરમ્યાન આ બિમારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં તેઓ વારંવાર સેટ પર બેભાન થઇ જતાં હતાં.પરંતુ તેમણે મક્કમ થઈને ફિલ્મ પૂરી કરી.શાહજાદા સલીમના બાળપણના રોલ માટે ઝાકીર હુસેન (અત્યારના મહાન તબલાવાદક)નું નામ નક્કી હતું પણ આ રોલ પછી જલાલ આગા(શોલે-મહેબૂબા મહેબૂબા ફેમ)ને મળ્યો.

આસિફસાહેબને લાગ્યું કે હવે કામ આગળ વધતું જાય છે અને હવે ઝડપ કરી શકાશે.આ દરમ્યાન ટેકનીકલર ફિલ્મોનો યુગ શરુ થઇ ગયો હતો. આથી આસિફસાહેબ ફરી અસમંજસમાં મુકાયા.ફિલ્મ જયારે રીલીઝ થાય ત્યારે કલર ફિલ્મોનો યુગ ચાલતો હોય તો તેની આ ફિલ્મને ઘણી અસર થાય તેવું તેમને લાગવા માંડ્યું આથી તેઓએ સમગ્ર ફિલ્મ ફરીથી ટેકનીકલરમાં બનાવવાનું નક્કી કર્યું. પણ ફિલ્મના વિતરકો હવે વધુ રાહ જોવા તૈયાર નહોતા.આથી નાછૂટકે ફક્ત બે સોન્ગ્સ અને ક્લાયમેક્સની 30 મિનીટ-એટલી ફિલ્મ ટેકનીકલરમાં શૂટ કરવામાં આવી. ફિલ્મનું મશહૂર ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ પણ ટેકનીકલરમાં ફિલ્માવવામાં આવ્યું. બાકીની 85 ટકા ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં જ રાખવામાં આવી. (જો કે, 2004માં ઇન્ડીયન એકડમી ઓફ આર્ટસ એન્ડ એનીમેશન દ્વારા એક વરસની મહેનતથી સંપૂર્ણ ફિલ્મને રીસ્ટોર કરીને કલરમાં તૈયાર કરવામાં આવી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં બ્લેક એન્ડ વ્હાઈટમાંથી ડીજીટલ કલર ફિલ્મમાં તબદીલ કરેલ અને થિયેટરોમાં પુનઃપ્રદર્શિત થનાર સૌપ્રથમ બનેલ આ ફિલ્મને કોમર્શીયલી પણ ઘણી સફળતા મળી).

ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’ માટે મોહન સ્ટુડીયોમાં આબેહૂબ શીશમહેલ ની પ્રતિકૃતિ સમાન સેટ તૈયાર કરવામાં આવ્યો. સેટમાં બેલ્જીયમ ગ્લાસ અને અન્ય ડીઝાઇન માટે ખાસ ફીરોઝાબાદથી કારીગરોને લાવામાં આવ્યા.આ સેટને તૈયાર થતા બે વર્ષ લાગ્યા હતાં. એ સમયે રૂપિયા દસ લાખ કરતાં પણ ઓછા ખર્ચમાં આખી ફિલ્મ બની જતી ત્યારે ફક્ત આ ગીત પાછળ જ તેના કરતાં પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

આ ફિલ્મ માટે સંગીત આપવા નૌશાદજીને મનાવવા પણ કે. આસિફને નાકે દમ આવી ગયો હતો. બન્યું હતું એવું કે,આસીફ સાહેબ આ ફિલ્મનું સંગીત નૌશાદ સાહેબ જ આપે તેમ ઈચ્છતા હતાં,આથી કોઈ પણ હિસાબે તેમને મનાવવા અને જરૂર પડે તો છેલ્લાં ઉપાય તરીકે રૂપિયા ભરેલી બેગ સાથે લઈને ગયા. વાત વાતમાં આસિફ સાહેબે આ રૂપિયા ભરેલ બેગ નૌશાદજીને આપી, આ બેગ જોઇને નૌશાદજી એકાએક એકદમ ગુસ્સે થઇ ગયા.અને ગુસ્સામાં અને ગુસ્સામાં બેગનો ઘા કરી દીધો. આસિફ સાહેબ તો આ જોઇને ડઘાઈ ગયા. આ સમયે નૌશાદજીના પત્નીએ બાજી સાંભળી લીધી અને નૌશાદજીને શાંત કર્યા. માંડ માંડ બંને વચ્ચે સુલેહ કરાવી અને નૌશાદજીને આ ફિલ્મમાં સંગીત આપવા રાજી કર્યા.

ફિલ્મના ગીતકાર હતાં શકીલ બદાયુની. તેમને પણ નૌશાદજીના ‘મૂડ’નો અનુભવ થઇ ગયો હતો. ફિલ્મનું બાદમાં ખુબ જાણીતું બનેલ ગીત ‘પ્યાર કિયા તો ડરના કયા,પ્યાર કિયા કોઈ ચોરી નહિ કી’ લખીને ગીતકાર શકીલ બદાયુંનીએ સંગીત નિર્દેશક નૌશાદજીને બતાવ્યું,પણ તેમને પસંદ નહિ આવતા ફરી વાર અને વધુ સારું લખવાનું કહ્યું,ફરી વાર લખ્યું, તે પણ નૌશાદજીને બહુ પસંદ ના પડ્યું.આમ અનેક વાર ફરીથી લખાવડાવ્યું અને અંતે તેમણે આ ગીત પર મંજુરીની મહોર મારી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, લતા મંગેશકર દ્વારા ગવાયેલ આ ગીતમાં નૌશાદજીને ‘એકો’ ટાઈપની-પડઘા જેવી ઈફેક્ટસ જોઈતી હતી,અને એ જમાનામાં સાઉન્ડ રેકોર્ડીંગ, એડીટીંગ અને મિક્સિંગની અત્યાર જેવી આધુનિક ટેકનીક નહિ હોવાથી આ ગીત સ્ટુડિયોના બાથરૂમમાં લતા મંગેશકર પાસે આ ગીત રેકોર્ડ કરાવવામાં આવ્યું હતું. ફિલ્મ માટે કુલ 20 ગીતો તૈયાર કરવામાં આવ્યા હતાં પણ ફિલ્મની લંબાઈ વધી જવાના કારણે ઘણા ગીતો કેન્સલ કરવામાં આવ્યા હતાં.

કે.આસિફ સાહેબ આ ફિલ્મ માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે કરકસર કરવાં માંગતા નહોતા. ફિલ્મમાં તાનસેન દ્વારા ગવાયેલ ગીતોને ઉસ્તાદ બડે ગુલામ અલી જ ન્યાય આપી શકશે તેવું તેમને લાગતાં તેઓએ ઉસ્તાદજીનો સંપર્ક કર્યો. ઉસ્તાદજીએ તો પોતાને ફિલ્મોમાં ગાવું પસંદ નથી તેમ જણાવી,મનાઈ કરી દેતાં આસિફસાહેબના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. તેઓ કોઈ પણ ઉપાય કરીને પણ ઉસ્તાદજીની હા સાંભળીને જ જવું એવું નક્કી કરીને આવ્યા હતાં આથી ઘણું મનાવ્યા.પરંતુ ઉસ્તાદજી મક્કમ હતાં. આથી છેલ્લાં ઉપાય તરીકે કે.આસિફે ઉસ્તાદજીને તેઓ ગાવા તૈયાર થાય તો કોઈ પણ રકમ આપવા તેઓ તૈયાર છે તેમ જણાવી, તેમને આગ્રહ કરતાં ઉસ્તાદે તેમને ટાળવા માટે પ્રત્યેક ગીત દીઠ 25000 રૂપિયાની માંગણી કરી. વિચાર કરો કે, તે સમયે સૌથી ટોચના અને મોંઘા ગાયકો ગણાતા મહમ્મદ રફી અને લતા મંગેશકર રૂપિયા 300 થી 400 લેતા હતાં ત્યારે આ રકમ કેવડી મોટી કહેવાય. તેમ છતાં આસિફ સાહેબે તરત જ આ રકમ આપવાનું સ્વીકારી ઉસ્તાદજીને મનાવી લીધા હતાં. ફિલ્મના લોકપ્રિય થયેલ ગીતો ‘પ્રેમ જોગન બનકે’ અને ‘શુભ દિન આયો રાજ દુલારા’ ઉસ્તાદજીએ ગાયા હતાં.

ભારતીય સિનેમાના ઇતિહાસમાં તે સમયની સૌથી ખર્ચાળ ફિલ્મમાં જેની ગણના થાય છે તેવી આ ફિલ્મમાં ભવ્યતા અને રીયાલીટી લાવવા પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા.કલાકારોના કોસ્ચ્યુમ્સ સીવવા માટે દરજીઓ દિલ્હીથી બોલાવવામાં આવ્યા,એમ્બ્રોડરી માટે નિષ્ણાતોને સુરત અને ખંભાતથી લાવવામાં આવ્યા,હૈદરાબાદના પ્રખ્યાત ઝવેરીઓ પાસે ઝવેરાત તૈયાર કરાવવામાં આવ્યું,કોલ્હાપુરના કારીગરો પાસે મુગટ બનાવડાવવામાં આવ્યા,હથિયારો રાજસ્થાનમાં બનાવડાવવામાં આવ્યા,અને ફિલ્મમાં વપરાયેલ ખાસ પ્રકારના પગરખાઓ-મોજડીઓ વિગેરે આગ્રામાં તૈયાર કરાવવામાં આવ્યા.એ સમયે સામાન્ય રીતે રૂપિયા દસ લાખમાં તો આખી ફિલ્મ તૈયાર થઇ જતી,ત્યારે આ ફિલ્મ બનાવવામાં લગભગ તે સમયે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. સલીમ અને અકબર વચ્ચે થયેલ યુધ્ધના દ્રશ્યો ફિલ્મવવા માટે તે સમયે 2000 ઊંટ,4000 ઘોડા અને યોધ્ધાઓ તરીકે 8000 માણસોનો કાફલો રાખવામાં આવ્યો હતો.આ માટે ભારતીય સૈન્યના સૈનિકોને પણ ભાડે લાવવામાં આવ્યું હતા. આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ભગવાન કૃષ્ણની મૂર્તિ શુધ્ધ સોનામાંથી બનાવવામાં આવેલ હતી.આ ફિલ્મ હિન્દી,તમિલ અને અંગ્રેજીમાં બનાવવા માટે તેના ડાયલોગ વાસ્તવિક લગે તે માટે ત્રણ અલગ અલગ વાર શૂટ કરવામાં આવી હતી.ફિલ્મનું તમિલ વર્ઝન ખાસ ચાલ્યુ નહીં આથી અંગ્રેજી વર્ઝન રિલીઝ કરવાનો વિચાર પડતો મુકાયો.

1960માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મની ટિકિટ માટે લાંબી લાઈનો લાગવા માંડી.ફિલ્મ તે સમયે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ. દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ફિલ્મે લગભગ સાડા પાંચ કરોડની કમાણી કરી હતી, આ કમાણીનો રેકોર્ડ ત્યાર પછી પંદર વર્ષો સુધી કોઈ ફિલ્મ તોડી નહોતી શકી. છેક 1975માં શોલે એ આ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો હતો.

આ ફિલ્મ અને ફિલ્મફેર એવોર્ડને લઈને પણ તે સમયે વિવાદો સર્જાયા હતા.મધુબાલાને બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેશન મળ્યું હતું,.પણ એવોર્ડ ફિલ્મ ‘ઘૂંઘટ’ માટે બીના રાયને મળ્યો.દિલીપકુમાર અને પૃથ્વીરાજ કપૂરને તો નોમીનેશન્સ પણ ના મળ્યા! બેસ્ટ મ્યુઝીક ડાયરેક્ટરની કેટેગરીમાં નૌશાદજી ને નોમિનેશન મળ્યું હતું પણ એવોર્ડ ‘દિલ અપના ઔર પ્રીત પરાયી’ માટે શંકર જયકિશનને મળ્યો.દિલીપકુમારે પોતાની આત્મકથામાં આ ફિલ્મ અંગે જણાવ્યા મુજબ, તે સમયે તેના અને મધુબાલાના સબંધો એટલી હદે વણસી ગયા હતાં કે બંને વચ્ચે વાતચીતનો વ્યવહાર પણ રહ્યો નહોતો. આમ છતાં બંનેએ સંપૂર્ણ વ્યવસાયિક વલણ અપનાવીને ઉત્કૃષ્ટ પ્રેમીઓનો રોલ નિભાવ્યો હતો.

ફિલ્મ રીલીઝ માટે તૈયાર થઈ. તે સમયે કોઈ પણ સારી ફિલ્મ માટે વિતરકો રૂપિયા ત્રણ થી ચાર લાખ ચુકવતા હતાં. આસિફ સાહેબની ગણતરી આ ફિલ્મ રૂપિયા સાત લાખ ટેરીટરી દીઠ મળવાની હતી, પણ તેમનાં આશ્ચર્ય વચ્ચે આ ફિલ્મ માટે વિતરકો ટેરીટરી દીઠ રૂપિયા 17 લાખ આપવા તૈયાર હતાં.

મુગલે આઝમ નો પ્રીમિયર શો તે વખતે મુંબઈમાં નવા જ બનેલા મરાઠા મંદિરમાં રાખવામાં આવ્યો હતો.થીયેટરના ફોયરને મુગલ પેલેસની માફક શણગારવામાં આવી. થીયેટરની બહાર પૃથ્વીરાજ કપૂરનું 40 ફૂટનું વિશાળ કટઆઉટ મુકવામાં આવ્યું.ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ શીશ મહેલનો સેટ થીયેટરમાં ઉભો કરવામાં આવ્યો, જેથી તેમાં પ્રેક્ષકો લટાર મારીને ભવ્યતાનો અનુભવ કરી શકે. પ્રીમિયર શોની નિમંત્રણ પત્રિકા પણ ‘રોયલ ઇન્વીટેશન’ના નામથી ,ઉર્દુ ભાષામાં,અને અકબરનામા જેવા દેખાવની બનાવવામાં આવી હતી.ફિલ્મના રીલ પણ શાહી સવારીની માફક શણગારેલા હાથીઓ મારફત શરણાઈઓ અને બ્યુગલની સુરાવલીઓ સાથે લાવવામાં આવી હતી,ફિલ્મે તે સમયે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતાં અને ફિલ્મના નિર્માતા અને વિતરકોને માલામાલ કરી દીધા હતાં. 1100 પ્રેક્ષકોની કેપેસીટીવાળા મરાઠા મંદિર સિનેમા ગૃહમાં આ ફિલ્મ સતત ત્રણ વર્ષ સુધી તો હાઉસફૂલ રહી હતી.

1961ના રાષ્ટ્રીય પુરસ્કારો ઘોષિત થયા ત્યારે આ ફિલ્મને સર્વોતમ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો.ઉપરાંત,તે જ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સમાં પણ ફિલ્મને સાત નોમીનેશન્સ મળ્યા,જેમાંથી બેસ્ટ ફિલ્મ,બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ ડાયલોગ માટે એવોર્ડ્સ પણ મળ્યા.

લેખક : તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી