લીલી મકાઈનાં ભજીયાં…વેરી ટેસ્ટી અને બધાને ભાવતા…..

ચોમાસું એટલે માત્ર વરસાદ નહીં લીલી મકાઈની પણ સીઝન… સવાર હોય કે સાંજ ગરમ ચા સાથે મકાઈનાં ભજીયાં ખાવાની અલગ જ મજા છે…તો ચાલો શીખી લો આ મજેદાર એવા મકાઈનાં ભજીયાં બનાવવાની રીત…

વ્યક્તિ : ૩
સમય :
તૈયારી માટે : ૧૫ મિનિટ
વાનગી માટે : ૨૦ મિનિટ

સામગ્રી :

૩ નંગ લીલી અમેરિકન મકાઈ
(લીલી મકાઈનું છીણ આશરે ૧૧/૪ કપ થશે)
૭-૮ ટે.સ્પૂ. ચણાનો લોટ
૨-૩ ટી.સ્પૂ. સોજી
૩ નંગ લીલાં મરચાં
૧ ઇંચ આદું
૨ ટે.સ્પૂ. લીલાં ધાણા (ઝીણા સમારેલા)
૧/૪ ટી.સ્પૂ. હળદર
૧/૨ ટી.સ્પૂ. ધાણાજીરૂં
મીઠું સ્વાદ અનુસાર
૧/૪ ટી.સ્પૂ. અજમો
૧/૪ ટી.સ્પૂ. જીરું
૧ ચપટી હીંગ
તળવા માટે તેલ

રીત :

(૧) સૌ પ્રથમ ૩ નંગ લીલી મકાઈને છોતરાં ઉતારીને રેસા કાઢીને ઝીણા કાણાં વાળી છીણી વડે છીણી લો. આશરે ૧૧/૪ કપ જેટલું છીણ થશે. આદું-મરચાંને વાટી લો. લીલાં ધાણાને પાણી વડે ધોઈને ઝીણા સમારી લો.
(૨) હવે મકાઈનાં છીણમાં ચણાનો લોટ, સોજી વાટેલાં આદું-મરચાં, લીલાં ધાણા, હળદર, ધાણાજીરું, મીઠું, હીંગ, અજમો, જીરૂં બધું ઉમેરીને બરાબર હલાવી લો. તેને ૧૦ મિનિટ ઢાંકીને મૂકી રાખો.
(૩) ત્યાં સુધી એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ખીરામાંથી હાથ વડે નાના નાના ભજીયાં મુકો. ભજીયાં લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો.
(૪) તળેલાં ભજીયાંને કિચન નેપકીન પર કાઢી લો.
(૫) ગરમ ગરમ ભજીયાંને ફુદીનાની લીલી ચટણી, ટોમેટો કેચઅપ, તળેલાં મરચાં અને ડુંગળી વગેરે સાથે પીરસો.

નોંધ :

* ભજીયાં તેલમાં છુટા પડે તો ખીરામાં ૨-૩ ટે.સ્પૂ. ચણાનો લોટ અથવા ૧-૨ ટે. સ્પૂ. કોર્નફ્લોર ઉમેરવો.
* ભજીયાંના ખીરામાં પસંદ અનુસાર ૪-૫ કળી લસણ વાટીને ઉમેરી શકાય. તેમાં ૧/૨ નંગ ડુંગળી ઝીણી સમારીને પણ ઉમેરી શકાય.
* થોડા મકાઈનાં દાણા અધકચરા વાટીને અને ૧ મરચું ઝીણું સમારીને ઉમેરવાથી સ્વાદ વધારે સારો આવશે.
* ખાવાનો સોડા ઉમેરવાની બિલકુલ જરૂર નથી.

ભૂમિ પંડ્યા – આણંદ

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા બધા મિત્રો સાથે…

ટીપ્પણી