‘માઇ’

‘માઇ’

દેવી કપાળ પર આવી ગયેલી લટ સરખી કરી ગુસ્સામાં મેક અપ લગાડવા લાગી. સૌરભ જોડિયા બાળકો સાચવવામાં ખોવાયેલો હતો. દેવીનો કકળાટિયો સ્વભાવ જાણતો હોઈ, એ બહુ ઊંડી ચર્ચામાં ઉતર્યા વગર કાર તરફ જવા લાગ્યો. આખા રસ્તે દેવીનું ભાષણ ચાલુ રહ્યું. છેક છેલ્લી મિનિટ સુધી કામવાળીની રાહ જોઈ પોતે તૈયાર થઇ. બધું કામ પડ્યું રહ્યું છે એ કોણ કરશે વગેરે. દેવી એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી અને મહિને સારો એવો પગાર કમાતી સ્ત્રી હતી.

સૌરભ એક સફળ ડૉક્ટર હતો. બે જોડકા પુત્ર ના જન્મ પછી એને સાચવવા માટે કોઈ સરખા નોકર કે આયા મળ્યા નહોતા. દેવી પોતાની મેટરનિટી રજાઓ પુરી થઇ હોવાથી નોકરની શોધમાં હતી. ગમેતેમ કરી કામ પર પાછું ચડવું હતું. પણ એનો સ્વભાવ અને મોટા ઘર સાથે બંને બાળકોને સાંભળે એવું કોઈ ટકતું નહોતું. પોતાના રૂપ અને આવડતથી અંધ બનેલી દેવી કદી પોતાના કે સૌરભ ના માતાપિતા પર અવલંબવા માંગતી નહોતી.

કાર આનંદ ના ઘર પાસે આવીને અટકી. લંચ પર બોલાવેલા તમામ મિત્રો આવી ગયા હશે એવું શોરબકોર પરથી સૌરભને લાગ્યું. બંને જણા ઝટઝટ અંદર પ્રવેશ્યા. આનંદ ની પત્ની નેત્રા, ઉમળકાભેર સ્વાગત કરવા આવી. નવું ઘર લીધા બાદ પ્રથમ વખત આનંદે પોતાના મિત્રોને જમવા બોલાવેલા. રસોડામાંથી તરતજ શરબતના પ્યાલા લઇ નેત્રા બહાર આવી. સૌરભ-દેવી માટે બધા રાહ જોઈ અંતે જમવા બેઠા. દેવી નું ધ્યાન, નેત્રા કઈ રીતે ફટાફટ બધું રસોડામાંથી લાવે છે એના પર હતું. એક અજાણ્યો ચેહરો સતત અંદરબહાર થતો હતો. મોટી ઉમર ની એક સ્ત્રી જાડા જેણે કાચના ચશ્મા પહેરેલા, એ મદદમાં હતી.

ખુબ સુંદર આયોજન હતું. જમવાનું પત્યા પછી પણ એ સ્ત્રી બધું સાફ કરી હસતા મોઢે અંદર ચાલી ગઈ. દેવીને મનોમન નેત્રાની ઈર્ષા થવા લાગી. ક્યાંથી આવી ‘મેઇડ’ શોધી લાવી. એ સ્ત્રી મેહમાનો માટે પાનના બીડા મૂકી પાસેની દીવાલ ને અઢેરીને ઉભી. દેવી એ જોયું એ તદ્દન સરળ, મહેનતી અને સ્ફુરતીપૂર્ણ લાગતી હતી. મોં પરનું હાસ્ય અકબંધ હતું. નેત્રા ‘માઇ’ એમ કહે એટલીજ વાર હોય. ‘માઇ’ આવી ને હોંશે હોંશે ચીંધેલુ કામ કરે.

અંતે જવાનો સમય આવ્યો. બધા વિખેરાવા લાગ્યા. દેવી ઉત્સુક હતી. નેત્રા નવરી પડે તો પૂછું, આ કામવાળી બાઈ પોતાને ત્યાં કામ કરવા આવી શકે ? નેત્રા ઉદાર દિલ ની હતી. વળી એના બાળકો મોટા હતા. એ ના નહિ પાડે એમ વિચારતી દેવી નેત્રા પાસે ગઈ. નેત્રાએ પૂછ્યું ‘ શું વાત છે દેવી !! ક્યારની તું મને કઈ પૂછવા માંગે છે કે શું ?’ દેવીએ કહ્યું..’વાત એમ છે નેત્રા, તું જાણે છે મારે અત્યારે જોબ પર ફરી જવા માટે ઘર અને બાળકો સંભાળે એવું કોઈક જોઈએ છે’ …’ મને થયું .. If you dont mind , તારી કામવાળીને મારે ત્યાં …..મોકલવા સમજાવી શકે ???…

જો ,પગાર હું મોંમાગ્યો આપીશ…પણ મને આવુ જ કોઈ જોઈએ છે.’ નેત્રા ના મોં પરથી બે ઘડી રંગ ઉડી ગયો. શું બોલવું ન સમજાયું…પછી ધીરેથી કહ્યું…’ એ કામવાળી બાઈ નથી…એ મારા સાસુ છે’ !!!! સાંભળીને દેવી થીજી ગઈ. શું બોલવું ઘડીભર ન સમજાયું. પછી કહ્યું ‘સોરી મને ખ્યાલ નહોતો..પણ તું એને બાઈ કહે છે..એવું કેમ ? એ બધા જોડે કેમ આવીને બેસતાં નથી ?’ નેત્રા બોલી ‘ બાઈ નહિ માઇ….!!

મારી મોટી દીકરી એને પહેલેથી માઇ કહે છે માટે અને હા….એ પોતે ગામડામાં રહેલા છે એટલે કામ ખુબ કરે પણ બધા વચ્ચે આવતા એમને સંકોચ લાગે છે.’ પોતે નોકર ની ગરજ માં માઇ ને બાઈ સમજી બેઠી. દેવી ભોંઠપ અનુભવતી દરવાજા તરફ જવા લાગી…દૂર જાડા કાચના ચશ્મા માંથી ,માઇ એજ સરળ સ્મિત આપતા ઉભા હતા..દેવીએ એના ફક્કડ ફાંસ ઇંગલિશ માં શું કહ્યું એનાથી સંપૂર્ણ અજાણ.

લેખક – રૂપલ વસાવડા (બેંગ્લોર)

ટીપ્પણી