મહેંદી રંગ લાગ્યો – મુકેશ સોજીત્રા લિખિત ! એંજીનિયરિંગ કોલેજનાં કેમ્પસમાં ખીલેલી સુંદર વાર્તા..

આઇઆઇટી મુંબઈ!!!

પવઈ સ્થિત આઈઆઈટી મુંબઈ જાણે કે એક સપનાનું સ્થળ!! એક અલગ જ દુનિયા !!

હજારો વિદ્યાર્થીઓની નજર આઇઆઇટી પર ચોંટી રહેતી કે એકવાર અહિયાં એડમીશન મળી જાયતો જીવનનું એક ધ્યેય પૂરું થાય!!! આવી આઇઆઇટી મુંબઈમાં માસ્ટર ડીગ્રીનાં છેલ્લાં વરસનાં બે આઇઆઇટીયન આઇઆઇટીથી થોડે દૂર આવેલાં હીરાનંદીની બગીચામાં સવારથી જ વહેલા આવી ગયાં હતાં. પોતાનાં માનીતા સ્થળે બાંકડા પર પૂર્વ દિશામાં એક ઘટાદાર ઝાડ નીચે બેઠા હતાં. હજુ તો સવારના આઠ જ વાગ્યા હતાં. વાતાવરણમાં એક નીરવતા વ્યાપેલી હતી. થોડાક સીનીયર સિટીઝનો વરસોથી વડાપાવ ખાઈ ખાઈને વધારેલી ચરબી ઘટાડવા માટે જોગીંગ ટ્રેક પર જોગીંગ કરી રહ્યા હતાં. બાંકડાની સામેજ એક નાનું તળાવ અને પથ્થરની કેડી અને ચોતરફ લીલીછમ લોન એક અદમ્ય તાજગીનો અહેસાસ કરાવતી હતી. બાંકડા પર બેઠેલાં એ ફૂટડા યુવાનનું નામ શિશિર પટેલ અને એની અડોઅડ બેઠેલી યુવતીનું નામ સંજના પટેલ.

સંજનાને જોઇને તમે પહેલી નજરે જ થાપ ખાઈ જાવ કે આવા સાદા પિંક ડ્રેસમાં સુશોભિત યુવતી આઇઆઇટીમાં અભ્યાસ કરતી હોય!! સંજના એકદમ સુંદર!! એકદમ ગોળમટોળ ચહેરો!! સહેજ ભરાવદાર હોઠ વગર લીપસ્ટીકે પણ એકદમ લાલચોળ!! ચહેરાની ડાબી બાજુએ એક કાળો તલ!! તેજસ્વી અને રહસ્યમય આંખો!! સપ્રમાણ શરીર!! શરીરના રંગોને અનુરૂપ માઈલ્ડ રંગની નેઈલ પોલીશ સંજનાની ની કુદરતી ખુબસુરતીમાં જરા હટકે વધારો કરતી હતી. સંજના રાજકોટના પ્રથમ હરોળનાં ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ પટેલની એક ની એક દીકરી હતી. બીઈ મીકેનીકલ રાજકોટની એક કોલેજમાંથી પૂરું કરીને એ અહિ માસ્ટર ડીગ્રી કરવા મુંબઈ આવી હતી. અઘરી ગણાતી GATE ની  એન્ટ્રેસ એકઝામ પાસ કરીને જયારે એને આઇઆઇટી મુંબઈથી કોલ લેટર  મેળવ્યો ત્યારે એ રીતસરની નાચી ઉઠી હતી!!!

શિશિર પટેલ વડોદરાનો રહેવાસી હતો. એનાં પાપા વિશાલભાઈ એક જાણીતા વકીલ!! વડોદરાની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાંથી બીઈ મીકેનીકલ કરેલું!! તે પણ સખત મહેનત કરીને GATE ની પરીક્ષા પાસ કરીને  આઇઆઇટી મુંબઈના ગેટમાં પગ મુકવામાં  સફળ થયો હતો.!! બસ આજે તેમનો આ છેલ્લો દિવસ હતો.!! પરિક્ષાઓ વાઈવા બધું જ પૂરું થઇ ગયેલું. કાલથી જ સંજના અને તેનાં રસ્તા કાયમ માટે જુદા પડી જવાના હતાં!! જીવનમાં ફરીથી ક્યારે મળે કે ના મળે એ કશું જ નક્કી નહોતું!! આજે બને એ આખો દિવસ સાથે વીતાવવાનો નક્કી કર્યો હતો!! શિશિર પોતાની સાથે બે પાણીની બોટલ એક બિસ્કીટનું પેકેટ, ૨૦૦ ગ્રામ શીંગનું એક પેકેટ, એક બ્રિસ્ટોલનું આખું પેકેટ!! આમ તો એ ક્યારેક જ બ્રિસ્ટોલ પીતો અને એ પણ એક જ પણ આજ એ આખું પેકેટ પૂરું કરવાનાં મુડમાં હતો!! સંજના પોતાની માનીતી મગદાળના બે પેકેટ લાવી હતી!!એક મહેંદીનો કોન લાવી હતી.

શિશિર આજે તેનાં ડાબા હાથ પર છેલ્લી વાર મહેંદી મુકવાનો હતો!! શિશિર ખુબ જ સારી મહેંદી મુકતો!! શિશિરના મમ્મી હંસાબેન બ્યુટી પાર્લર ચલાવતાં અને જ્યારથી શિશિર સમજણો થયો ત્યારથી એની મમ્મીને મહેંદી મુકતા જોતો. આમેય માના ખોળામાંથી  મળેલ વારસો આજીવન રહેતો હોય છે!! છેલ્લાં બે વરસથી એ અવારનવાર સંજનાને મહેંદી મુકતો અને આમેય એની મુકેલ મહેંદી સંજનાના હાથમાં ઓર ખીલી ઉઠતી અને દિલથી કરેલ કોઈ પણ કામ ખીલી જ ઉઠે!! કાલે સાંજે જ સાંજના એ “કાફે મેન્ગાઈ” માં કોફી પીતાં પીતાં સંજનાએ કીધેલું.

“શિશુ હવે કાલે આપણે જુદા થઈએ છીએ!! પછી નક્કી નહિ જિંદગીના કેવા મોડ પર આપણે મળીયે કે પછી ના મળાય એ પહેલાં હું તારી પાસે એક બે વચન માંગુ છું, મને આશા છે કે તું ના તો નહિજ પાડે” સંજના હમેશાં શિશિરને પ્યારથી શિશુ કહેતી.

“બોલ સંજુ તું કહે એટલાં વચન આપવા માટે બંધાયેલો છું. ભલે આપણે જુદા થઇ એ છીએ પણ હું તો અહીંથી મેળવીને જ જાવ છું!! કોઈ અફસોસ નથી મને જુદા થવાનો!! અફસોસ તો એને હોય કે જેણે ગુમાવ્યું હોય!! અને માન કે મેં કશું ગુમાવ્યું હોય તો પણ એ અહીંથી જ મેળવેલું છે ને તો એમાં અફસોસ શેનો!! જીવનનો એક નવો પાઠ શીખીને જઈ રહ્યો છું. તારો પ્રેમ અને તારી યાદો જીવનભર  યાદ રહેશે..અને એ પણ ખુમારી સાથે!! એક ચાલક બળ તરીકે તારો પ્રેમ મારામાં રક્તની જેમ વહેતો રહેશે” શિશિર પણ સંજનાને વ્હાલથી હમેશાં સંજુ કહેતો.

“ કાલે તું મને છેલ્લી વાર મહેંદી મૂકી દેજે.. એ પણ ફક્ત ડાબા હાથ પર.. બીજું કે તારું એન્ગેજમેન્ટ થાય ત્યારે તારી થનાર પત્ની ને તું જમણા હાથ પર મહેંદી મૂકજે.. અને એને તું ભરપુર પ્રેમ કરજે.. એ કેટલી ભાગ્યશાળી હશે કે જેને તારા જેવો સમજદાર યુવક પતિ તરીકે મળશે.. અને હવે છેલ્લી વાત આપણે બંને ક્યારેય એક બીજાને કોલ નહિ કરીએ..!! ક્યારેય નહિ…!!! કોઈ પણ સંજોગોમાં નહિ.. આપણે એક બીજાની ચિંતા પણ મનમાંથી કાઢી નાંખીશું.. બસ એક બીજાનો પ્રેમ કાયમ રહેશે…” બોલતાં બોલતાં સંજના લગભગ રડી પડી. કોફી શોપના ટેબલ પર સંજનાના માથા પર હાથ ફેરવતો શિશિર સંજનાને સાંત્વના આપતો રહ્યો… થોડીવાર પછી બને અલગ અલગ દિશામાં આવેલી પોતાની હોસ્ટેલ તરફ રવાના થયા. સંજના કેમ્પસમાં આવેલી હોસ્ટેલ ૮d માં રહેતી હતી અને શિશિર કેમ્પસની લગભગ બહાર આવેલી હોસ્ટેલ ૧૬ માં રહેતો હતો..

બંને ખુબ જ પ્રેમ કરતાં હતાં એક બીજાને!! એક જાતના  પ્લેટોનિક લવ કરતાં પણ ઉંચો પ્રેમ..!! એવું પણ નહોતું કે એકબીજાના કુટુંબીજનોને આ બને સંબંધ નાપસંદ હોય!! હકીકતમાં બને એ પોતાના કુટુંબમાં કોઈને પણ પોતાના આ પ્રગાઢ સંબંધોની વાત ક કરી પણ નહોતી!! કોઈ વિરોધ પણ નહોતો એનાં પ્રેમનો!! આખું કેમ્પસ અને પવઈ નો સમગ્ર વિસ્તારથી માંડીને એલીફન્ટાની ગુફાઓ. અને જુહુ ચોપાટી ની ભીની ભીની રેતી પણ આ બનેના એક પવિત્ર પ્રેમની સાક્ષી હતી. બે વરસમાં આ બનેએ આખી જિંદગી જીવી લીધી હતી.. તો એવું તો શું બનેલું કે બને હવે પોત પોતાનાં ઘરે જઈ રહ્યા હતાં અને કાયમ માટે જુદા થઇ રહ્યા હતાં..!!!એનાં માટે જવાબદાર હતો   બે વરસ પહેલાનો પ્રસંગ જયારે સંજનાએ પોતાના પિતા પાસે આઈઆઈટી માં ભણવા માટે રજા માંગી.. રાજકોટમાં પોતાનાં ઘરે એક સાંજે સંજના એ એનાં પિતા ગોવિંદભાઈને કહ્યું. એનાં પિતા પોતાની લોખંડની ફેકટરી પરથી હજુ આવ્યાં જ હતાં.

“પાપા  આજે કોલ લેટર આવ્યો મુંબઈથી મને આઇઆઇટીમાં એડમીશન મળી ગયું છે.

“ સરસ પણ હવે આગળ ભણી ને શું કરવું છે,?? આટલું બસ નથી??!! હવે તારા માટે એક યોગ્ય  મુરતિયો શોધીને તારા હાથ પીળા કરી દઉં એટલે ગંગ નાહ્યા!! ઘણું મેળવ્યું છે જીવનમાં.. હવે કશી જ ખેવના નથી..

“પણ પાપા મારે હજુ આગળ ભણવું છે પાપા, આઇઆઇટીમાં એડમીશન મેળવવું એ કઠીન છે, મને મળી ગયું છે તો આ  છેલ્લાં બે વરસ ભણી લેવા દોને પાપા.. પ્લીઝ અત્યાર સુધી તમે મને કશી જ ના નથી પાડી” સંજનાએ લાગણીભીના અવાજે કહ્યું.

“ઓકે પણ એ મુંબઈ શહેર!! તને ફાવશે ત્યાં?? મને તારી પર પૂરો ભરોસો છે!! પણ હૈયું ના પાડે છે. હું તને રજા આપીશ પણ તારે મારી એક શરત પાળવી પડશે.. જો એ મંજુર હોય તો તું ખુશીથી જા બેટા.. જેટલું ભણવું હોય એટલું ભણ મને કોઈજ વાંધો નથી..” ગોવિંદભાઈ ઉભા થયા. એની આંખમાં એક કડકાઈ ભરી ચમકની  વચ્ચે વેદના દેખાતી હતી.

“કઈ શરત પાપા,?? તમારી તમામ શરત મને મંજુર છે.” સંજના ખુશીથી બોલી ઉઠી. જવાબમાં ગોવિંદભાઈ કશું ના બોલ્યાં. સંજનાનો હાથ પકડીને તે પોતાના બેડરૂમમાં ગયાં બેડરૂમની દક્ષિણ દિશામાં સંજનાની મમ્મી દેવીકાનો એક મોટો ફોટો હતો. પાપાએ લગ્ન પહેલાં એ ફોટો પાડ્યો હતો. પોતે જ્યારે વરસ દિવસની હતી ત્યારે તેમની મમ્મી મૃત્યુ પામી એમ એનાં પાપાએ કીધેલું.

“બેટા તારા મમ્મીના ફોટા તરફ જો તારી જેવી જ સુંદર દેખાય છે ને!!?? પણ બેટા એની ખુબસુરતીની પાછળનો કદરૂપો ચહેરો દેખાય છે??? ગોવિંદભાઈ એ એક વેધક પ્રશ્ન કર્યો.

“ ના પાપા મને કશું ના સમજાયું, તમે મને માંડીને વાત કરો” સંજનાના શરીરમાં એક અજબ કંપારી છૂટી ગઈ જે મમ્મીના ફોટાને એ વહાલથી જોતી એનાં વિષે પાપા આવું કેમ કહેતા હશે એ એને ના સમજાયું.

“ બેટા જિંદગીના કેટલાક રહસ્યો ખોલવા જેવા હોતા નથી, અમુક રહસ્ય રહસ્ય રહે એમાજ ભલાઈ છે પણ આજે હું તને આ રહસ્ય જણાવું છું. તારી મમ્મી અને મારા પ્રેમ લગ્ન થયેલા મારા પિતાજીનો વિરોધ પણ હું મક્કમ હતો. હું અને તારી મમ્મી પણ કોલેજમાં સાથે ભણતાં,એ વખતે પ્રેમ લગ્ન એ સમાજ અને કુટુંબ માટે આંચકા સમાન છે. બે વરસ અમે દૂર રહ્યા પછી પિતાજી સાથે સમાધાન થયું ને હું ને તારી મમ્મી અહી આ બંગલામાં રહેવા આવી ગયાં. બે વરસ પછી તારો જન્મ થયો. તું સારા પગલાની હતી બેટા તારા જન્મ પછી એક જ વરસમાં મારી કમાણી ત્રણ ગણી થઇ.. હું આનંદમાં હતો.. તારી મમ્મીને હું ખુબજ ચાહતો હતો ખુબ જ પણ જયારે તું એક વરસની હતી ત્યારે તારી મમ્મી ઘરમાંથી મોટી રકમ લઈને મારી જ ફેકટરીના એક મેનેજર સાથે ભાગી ગઈ!! એ મરી નથી ગઈ બેટા!! પછી એનું શું થયું એ મને ખબર નથી.એક ચિઠ્ઠી મુકતી ગઈ.. લખ્યું કે મને અહી ગુંગળામણ થાય છે તમારાં કરતાં મને એ મેનેજર વધુ પ્રેમ કરે છે હું એની સાથે જાવ છું.. મને ગોતતાં નહિ..

હું સંજનાને સાથે લઇ જાત પણ મેનેજર  ના પાડે છે એટલે નથી લઇ જતી.. તમે સંજનાને ના સંભાળી શકો તો કોઈ અનાથાશ્રમમાં મૂકી દેજો. વિચાર કર બેટા એક મા પોતાના પ્રેમ માટે પોતાની એક વરસની કુમળી દીકરીને મુકીને જતી રહે છે !! આવો પ્રેમ હોય બેટા!!?? આવો પ્રેમ !!?? આ વાસના હતી વાસના!! મને નફરત થઇ ગઈ સ્ત્રી જાતિથી!! બસ તારે ખાતર જીવતો રહ્યો. મને ઘણું દબાણ થયું બીજા લગ્ન કર પણ હું ઝૂક્યો નહિ કારણ એટલું જ સગી માં તારી ના થઇ તો પારકી તો શું તારું ધ્યાન રાખે??” ગોવિંદભાઈ રડી રહ્યા હતાં. સંજના પણ પાપાના ખભ્ભા પર માથું નાંખીને રડતી હતી. થોડી વાર પછીગોવિંદભાઈ એ કહ્યું.

“ તારા માટે જીવી ગયો આ બાપ દીકરી તારા માટે જીવી ગયો છું!!, મેં આ ફોટો અહી એટલાં માટે જ રાખ્યો છે કે તને એ બાબતની ક્યારેય જાણ ના થાય કે તારી મા ખરેખર કેવી હતી. સગા સંબંધીને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી દીકરીને કોઈ આ વાત ના કરશો કારણ કે એ આખરે એ એની મા છે. પણ આજે મારે તને એ વાત કહેવી પડે છે એ મારી મજબૂરી છે. તારે મને વચન આપવું પડશે કે તું તારી જાતે તારો જીવન સાથી નહિ શોધે. તારા જીવનસાથીની પસંદગી મારા હાથમાં હશે. આડકતરી રીતે કે સીધી રીતે એ નિર્ણય તારે લેવાનો જ નથી.. દરેક રૂપાળી વસ્તુ દગાબાજ હોય છે એવી ગ્રંથી મારા મનમાં છે.. તારી મા પણ રૂપાળી ને એ પણ દગાબાજ નીકળી. અંતે હવે મારે જોવું છે કે તારામાં કયો વારસો ઉતર્યો છે, મારો વારસો !! કે તારી માનો વારસો..!!

હું એ વખતે તો તારી ખાતર જીવી ગયો પણ જો તું મારું વચન નહિ પાળે તો હવે હું જીવી નહિ શકું. તને મોટી કરવામાં મેં જાત ઘસી દીધી છે બેટા તને કદાચ આ નહિ ગમે.. નાનપણમાં તું ખુબ જ જીદી હતી. તારી દરેક જીદ મેં પૂરી કરી છે  હવે મારી આ પહેલી અને છેલ્લી જીદ છે. હવે હુંય જોઉં કે મારી આ જીદ બાબત મારી દીકરી શું કહે છે” ગોવિંદભાઈએ જીવનભરની બળતરા આજે કાઢી. સંજનાએ આંસુ લુંછ્યા. ચહેરો મક્કમ કર્યો. બાજુમાં પડેલું સ્ટુલ લાવીને દીવાલને અડીને મુક્યું અને તેની માથે ચડીને એની મમ્મીનો ફોટો ઉતાર્યો અને કહ્યું.

“આ ઘરમાં હવે આ ફોટાને પણ સ્થાન નથી અને હું તમને વચન આપુ છું કે મારા માટે તમને યોગ્ય લાગે તે યુવક પસંદ કરજો હું તમારી આજ્ઞા માનીશ!! પાપા તમે ચિંતા ના કરો હું લવ મેરેજ નહિ કરું.. વિશ્વાસ આપું છું.. એક દીકરી બાપને વિશ્વાસ આપે છે”!! સંજનાએ પિતાના બંને હાથ પોતાના હાથમાં લીધા…!! અને સંજના આઇઆઇટી મુંબઈમાં આવી…!!!

આઇઆઇટી મુંબઈ!!!!!

કહેવાય છે કે અહી ઇજનેરો પેદા થાય છે પણ તમે એનું વાતાવરણ જુઓ તો તમને સમજાય કે અહી દિલનો પણ વ્યાપાર થાય છે.. અહી આવો એટલે તમારું અંગ્રેજી પાકું થઇ જાય અને એ પણ  અંગ્રેજી ઈરોટીકા વાંચી વાંચીને!! અહી પ્રેમના નામે મુક્તતા અને આધુનીકતા  તમને ભરડો લઇ જાય..!!  કેમ્પસ એટલે જાણે સ્વેરવિહાર!! સેમેસ્ટર પ્રમાણે અહીઓ જોડીઓ બદલાય જાય..!! પહેલાં સેમ માં શરુ થયેલા સંબંધો છઠ્ઠા સેમ માં આવતાં આવતાં બ્રેક અપ થઇ જાય!! જેટલી ઝડપે બ્રેક અપ થાય એટલી ઝડપે ટાઈ અપ પણ થાય..!! દિલ રોજ ઢગલા બંધ તૂટે, અને ઢગલા બંધ ઝડપે દિલ પાછું સંધાઈ પણ જાય..!! વિકૃતિને અહિ તરતજ સ્વીકૃતિ મળે અને  પ્રકૃતિ જાય ભાડમાં એવું વાતાવરણ એટલે આઈઆઈટી મુંબઈ!! અને કહેવાતા વિચારકો અને બૌદ્ધિકો આને એક નવા સમાજજીવનનું નામ આપે!! લાગણીને નામે એકબીજા સંબંધોને ઠોલી ખાય..!! એક બિન્દાસ વાતાવરણ આવી મોટી મોટી કોલેજોમાં કોમન ગણાય !!

સંજના અઠવાડિયામાં જ કંટાળી ગઈ પણ જળકમળવત રહીને તે આ બધાથી ટેવાઈ ગઈ. પોતે જે હોસ્ટેલમાં રહે ત્યાં શરૂઆતમાં થોડી તકલીફ થઇ પણ પછી એણે પોતાનામાં જ મસ્ત રહેવાનું નક્કી કરી નાંખ્યું. કલાસરૂમમાં એ ફટાફટ જવાબો આપે બે જ મહિનામાં એણે અલગ સ્થાન જમાવી દીધું.. કેમ્પસમાં લગભગ એ ક્યાય ના હોય બસ એ પોતાની હોસ્ટેલમાં એ વાંચતી હોય.. એની રૂમમાં એક ગુજરાતી છોકરી હતી તૃપ્તિ!! તૃપ્તિ નડિયાદની વતની હતી અને એકદમ દેખાવડી તો નહિ પણ જોવી ગમે ખરી!!  શરૂઆતમાં તૃપ્તિ ફ્રેન્ડશીપની ઓફર્સ લાવે પણ સંજના ઘસીને ના પાડી દે!! વળી સંજનાએ રૂમનું કામ બધું ફટાફટ કરી નાંખે..

રૂમ એકદમ ચોખ્ખો રાખે એટલે કામની આળસુ તૃપ્તિને શાંતિ થઇ ગઈ.!! બેય અલગ વિચારધારા પણ જોડી જામી ગઈ.. પછી તો રોઝ ડે આવે, ચોકલેટ ડે આવે સંજનાને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓની લાઈન લાગે પણ સંજના કોઈને કોઠું ના આપે.. શિશિરની ઓળખાણ લાયબ્રેરીમાં થઇ હતી. પહેલી નજરે જ શિશિર સંજનાને સારો લાગ્યો. પંદરેક દિવસ પછી વાતચીત થવા લાગી એમાં આવ્યો વેલેન્ટાઈન ડે!! પહેલી વાર કેમ્પસમાં સંજનાને શિશિરે પ્રપોઝ કર્યું. અસલ ફિલ્મી અંદાજમાં!!! હાથમાં ગુલાબ અને સહેજ ઝૂકીને કહ્યું.

“બી માય વેલેન્ટાઈન “

“પછી શું કરવાનું વેલેન્ટાઈન બન્યા પછી ??” સંજના આવો પ્રશ્ન કરશે એવી અપેક્ષા તો શિશિરને હતી જ નહિ!!

“ બસ સાથે ફરીશું , એન્જોય કરીશું, બે વરસ મોજમાં ગાળીશું!!” શિશિરે થડકારા સાથે જવાબ આપ્યો.

“એની પછી શું ??“ સંજનાએ બાઉંસર ફેંકયો.

“ પછી યોગ્ય લાગે તો પરણી જઈશું “ શિશિરે જવાબ આપ્યો.

“અને ના યોગ્ય લાગે તો ? સંજના એ કહ્યું.

“ તો જુદા પડી જવાનું” શિશિર બોલ્યો. કડકડતી ઠંડીમાં પણ હવે શિશિરને પરસેવો વળતો હતો.

“એનાં કરતાં ભેગા જ ના થઈએ તો ના જીવી શકાય??” હવે આનો જવાબ નહોતો શિશિર પાસે. તૃપ્તિ હસી હસીને બેવડ વળી ગઈ!!!.શિશિર રવાના.!!! ગુલાબ ત્યાં જ પડ્યું રહ્યું..

અઠવાડિયા સુધી તો શિશિર એમની સામે જ ના મળ્યો..!! સંજના એ જોયું કે બધાં પાછાં એક બીજા સાથે ગોઠવાઈ ગયાં હતાં..!!કેમ્પસની કેન્ટીનમાં પણ લગભગ જોડીઓ બેઠેલી જ હોય.. પણ શિશિર તો મહિના સુધી એકલો જ દેખાયો!! ના કોઈ સાથે કેમ્પસમાં કે ના કોઈ પાર્ટીમાં જાય.. સંજનાને ખુબ દુઃખ થયું એને એક દિવસની સાંજે અનુભવ્યું કે આવું વર્તન નહોતું કરવું જોઈતું!! પણ થઇ ગયું છે તો હવે શું થાય ?? એક દિવસ સંજના  પવઈમાં આવેલી “D Mart” સંજના શોપિંગ કરવા ગઈ અને બીજા ફ્લોર પણ શિશિર મળી ગયો. અને સંજનાએ કહ્યું કે તારી સાથે વાત કરવી છે. અને બંને નીચે આવેલા રેસ્ટોરાંમાં બેઠાં અને સંજનાએ બધી વાત કરી કે એનાં પાપાને એ કેવું વચન આપ્યુ છે. શિશિર બોલ્યો

“મને ફક્ત પ્રેમ છે તારી પ્રત્યે..!! ફક્ત તને જોઇને જીવી જઈશ!!” આ વાત સંજના ને ગમી.પણ તોય એને દલીલ કરી.

“પણ એવા સંબંધનો શું મતલબ કે જેનું પરિણામ પહેલેથી જ ખબર હોય??”

“પણ દરેક સંબંધમાં મતલબ શું કામ લાવવો, એ જરૂરી તો નથી જ “ હવે શિશિર યોર્કર ફેંકતો હતો.

“પણ તોય અંતે તો દુઃખી થવાનું ને તો હાથે કરીને શા માટે દુઃખી થવાનું ??” સંજના મુંજવણમાં બોલી.

“પણ અત્યારે તો તારો આત્મા દુખ્યોને એટલે જ તો તે મારી સાથે વાત કરીને ,!! લાગણી એવી વસ્તુ છે કે એ એક વખત ઉગે પછી એને કોઈ ના પુગે” બને ની ભાષા હવે ઓરીજનલ ગુજરાતી થઇ ગઈ. બને ઉઠયા હસીને અને સાથે ચાલતા થયા.. અને પછી વાતચીતો વધવા લાગી.. એક અદ્ભુત પ્લેટોનિક લવ જન્મી ચુક્યો હતો બને વચ્ચે!! પણ એનું કોઈ જ દુઃખ નહોતું!! એક રીતે તમે આને “ઓર્ગેનિક લવ “ કહી શકો  કે જેની લગભગ કોઈ જ સાઈડ ઈફેક્ટ નહોતી!!! બને ની જિંદગી સરસ રીતે ચાલતી હતી. બસ કયારેક બને હાથ પકડીને ચાલતા હોય અથવા અડીને બેઠા હોય એકબીજાને!! આ પ્રેમમાં ફક્ત “લાગણી” જ હતી કોઈ જ “માંગણી” નહોતી!!

દિવસે બને સાથે ને સાથે જ હોય!! કેમ્પસમાં સહુથી વધુ આ ભાગ્યશાળી જોડી હતી!! જે ક્યારેય ઝગડતી નહિ!! એક બીજાના મોબાઈલ ક્યારેય ચેક નહોતી કરતી!! એક બીજા પર તેઓ ક્યારેય હક જમાવતા નહિ તેમ છતાં એક બીજાના દિલ પર એક મજબુત બંધન બંધાઈ ગયું હતું.. બનેના મોબાઈલ ફોનની બેટરી ચાર ચાર દિવસ સુધી ચાલતી હતી.. ઘર સિવાય આ બને ક્યાય કોલ કરતાં નહિ..!! કોઈના કોલ  આવતાં પણ  નહિ!! એક બે દિવસની રજા આવે ત્યારે સંજના અને શિશિર સાંજ સુધી ફરી લે પણ આઠ વાગ્યે તો એ પોતાની હોસ્ટેલ પર જ હોય!! હોસ્ટેલ પરની રેકટર શાન્તા બાઈ પણ કહેતી કે સંજના જેવી સંસ્કારી છોકરી મેં મારા જીવનમાં જોઈ નથી!!!!!

સંજના અને શિશિર મોટે ભાગે દિવસનો સમય સાથો સાથ જ ગાળે!! એક દિવસ તેઓ પવઈ ઉધાનમાં ફરતાં હતાં.. રજાનો દિવસ હતો. ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં હતાં.. સહુ પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતાં.. અચાનક જ શિશિરે પૂછ્યું.

“આ લોકો જે રીતે જીવન જીવી રહ્યા છે એ સાચું કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ એ સાચું” પવઈ ઉધાનમાં ઘણાં પ્રેમી પંખીડા પ્રેમ ગોષ્ઠી મશગુલ હતાં.

“એ એમની રીતે સાચા હોઈ શકે, આપણે આપણી રીતે સાચા હોઈ શકીએ.. આ સંપૂર્ણ સમસ્યા છેને એ સાચા ખોટાની જીદને જ કારણે જ થાય છે. લોકો પોતાની જાતને ઉંચી અને મોડર્ન દેખાડવા માટે જ અનુકરણનો આશરો લે છે. એને ગમે એ કરે આપણને જે ગમે એ આપણે કરવાનું” સંજના બોલીને શિશિરની આંખોમાં જોયું. બને તે દિવસે ઘણું રખડ્યા!! આખું પવઈ લેકનું ચક્કર મારી લીધું .અલકમલકની વાતો થતી હતી. એક બીજાની વાતો સાંભળવામાં જ આખો દિવસ જતો રહ્યો.!! પછી તો એલીફન્ટાની ગુફાઓ જોઈ આવ્યાં!! જુહુ બીચની પાઉભાજી સાથે ખાઈ આવ્યાં..  સમય સતત અને સડસડાટ પસાર થતો હતો!! બે વરસ પુરા પણ થઇ ગયાં!! એક વગર કીધે પ્રેમનું આવરણ બનેના દિલ પર ઘર કરી ગયું હતું… અને આજે છેલ્લો દિવસ હતો!!! કાલે નક્કી થયાં મુજબ આજે શિશિર સંજનાના હાથમાં મહેંદી મુકવાનો હતો!!! સંજનાએ મહેંદીનો કોન કાઢ્યો!! શિશિરને આપીને તે તેની સામે જોઈ રહી!!

શિશિર હળવું હસ્યો.. કોન આગળની બાજુથી તોડીને સંજનાનો ડાબો હાથ હાથમાં લીધો અને મહેંદી મુકવાની શરૂઆત કરવાનો જ હતો. ત્યાંજ સંજના બોલી.

“એક મિનીટ શિશિર, ચાલ આપણે મળી લઈએ, મહેંદી મુક્યા પછી આને સુકાતા વાર લાગશે. અને પછી કાલે તો આપણે નથી મળવાના ને” એમ કહી ને સંજના શિશિરને ભેટી પડી!! બને ના અંતરમાં દુખની સાથે સાથ એક દિવ્ય આંનદ હતો.. બે વરસમાં છુટા પડતી વખતે તેઓ મળી રહ્યા હતાં અને એ પણ પ્રથમ વખત ભેટીને .. થોડી વાર રહીને સંજના અને શિશિર છુટા પડ્યા અને શિશિરે મહેંદી મુકવાનું શરુ કર્યું…!!

મહેંદીની એક એક ડિઝાઈન સાથે એને સતત બે વરસની ઘટનાઓ યાદ આવતી હતી.. સંજનાને સથવારે તેણે ઘણી બધી બાબતોમાં ઘણું બધું શીખ્યો હતો. મિત્રતાની ઉપર પણ એક સંબંધ હોય છે અને એ સંબંધ કે જેના સહારે હવે એ ગમે એવા પડકારો પણ ઝીલી લેવા મક્કમ થઇ ગયો હતો. એનાં માટે આ નાનીસુની બાબત તો નથી જ!! દિલ રેડીને એણે મહેંદી મૂકી અને મનોમન એક પ્રાર્થના પણ કરતો ગયો કે એની સંજનાને ભગવાન સદા સુખી રાખે અને એટલું સુખ આપે કે મારી યાદ પણ ના આવે!!!!

સંજના મહેંદી મુકતા શિશિર ના ચહેરાને જોઈ રહી હતી.. કેટલો અલગ લાગતો હતો આ શિશિર કોઈ ભાગ્યશાળી યુવતીને જ જીવનસાથી તરીકે મળશે આ શિશિર..!! બે વરસનાં સમયગાળા દરમ્યાન ક્યારેય એણે સંજનાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પગલું નથી ભર્યું કે નથી એને સહેજ પણ દુઃખી કરી. દરેક ચોખવટ કરી દીધાં પછી પણ તે પોતાની સાથે ટકી રહ્યો.. સંજના ખાતર તે ઘણી છોકરીઓ ની મિત્રતા ઠુકરાવી દીધી હતી.. પોતાને તો પાપાની સામે લીધેલ વચન નડતું હતું!! પણ શિશિર ને તો ક્યાં કોઈ બંધન હતું..?? તેમ છતાં પોતાને ખાતર એણે પોતાના અરમાનોનો ભોગ આપ્યોને..!! શું આજ પ્રેમ કહેવાતો હશે!! મહેંદી મુકાઇ ગઈ.. એકદમ ઝીણી અને અલગ જ ડિઝાઈન ઉપસી હતી આ વખતે મહેંદીમાં!! ડાબા હાથ પરની મહેંદીને જોઈને સંજનાના જમણા હાથને  ઈર્ષા આવતી હોય એમ લાગ્યું.!!

“એક છેલ્લી ઈચ્છા છે મારી” શિશિર બોલ્યો.

“બોલ તારી એ ઈચ્છા હું પૂરી કરી શકાય એમ હશે તો પૂરી કરીશ” સંજના બોલી.

“ તારા આ મહેંદી વાળા હાથનો એક ફોટો લેવો છે!!,જીવનભર હું આ ફોટો જોતો રઈશ!!, બસ આજ ઈચ્છા” સંજના ને શિશિરે કહ્યું અને એણે ડાબા હાથનો ફોટો લીધો..

એક કાગળમાં નાસ્તો ભેગો કર્યો.. અને એક બિસ્કીટ ઉઠાવીને એણે સંજનાના મોમાં મુકયુ. છેલ્લાં છ માસથી સાથે નાસ્તો કરતી વખતે અથવા તો જમતી વખતે શિશિર હમેશાં પ્રથમ કોળીયો સંજનાને ખવરાવતો અને પછી બને જણા પોતાની રીતે ખાઈ લેતા. નાસ્તો પૂરો થયો. વધ્યો એ નાસ્તો સાથે લીધો એક પાણીની બોટલમાંથી પાણી પૂરું કરીને વધેલી બોટલ સાથે લઈને હાથમાં હાથ પરોવીને તેઓ ચાલતા થયા!! આજ તેઓ રામબાગ પવઈ તરફ ઘૂમી વળ્યાં!! આજે પહેલી વાર સંજનાને શિશિર હોસ્ટેલ સુધી છોડવા ગયો… ઘડીક ઉભા રહ્યા દરવાજા પાસે છેલ્લી વાર બને એ એકબીજાને “લવ  યુ” કીધું અને એકબીજાને શુભેચ્છા પાઠવી!! અને સજળ નયને છુટા પડ્યા!!!

એજ રાતે શિશિરે મુંબઈ છોડી દીધું!!! બાંદ્રા જયપુર ગાડીમાં એ વડોદરા જવા રવાના થયો. ગાડીમાં બેસીને તેણે સંજનાનો નો કોન્ટેક મોબાઈલમાંથી કાઢી નાંખ્યો. ફક્ત પેલો મહેંદી વાળો હાથ નો જ ફોટો રાખ્યો. બાકીના બધાજ ફોટા એણે રીમુવ કરી નાંખ્યા. સવારે આઠ વાગ્યે એ બરોડા પહોંચ્યો.. આખી રાત એ ડબ્બામાં જાગતો રહ્યો !!! સંભારણા વાગોળતો રહ્યો!!!

સંજનાની ગાડી બીજા દિવસની સાંજની હતી. સવારે ગોવિંદભાઈ એમને લેવા ગયાં હતાં. સંજનાએ પાપાને એની કોલેજ બતાવી. શાંતા બાઈ સાથે ઓળખાણ કરાવી. શાંતાબાઈ એ સંજનાના ખુબ જ વખાણ કર્યા. અને સાંજે સંજના પાપા સાથે રવાના થઈ..!! આવી ત્યારે કશું નહોતું.. અને જયારે જઈ રહી છે ત્યારે જીવનનાં સહુથી શ્રેષ્ઠ એવા બે વરસનો શિશિરનો સ્નેહ સાથે લઈને જઈ રહી હતી..!!

અને આમેય માણસ શું ગુમાવ્યું કરતાં અત્યાર સુધીમાં શું મેળવ્યું એની જ યાદી કરેને  તો દરેકની જિંદગી એક વસંત  બની જાય!!!

રાજકોટમાં સંજના બે દિવસ બધી બહેનપણીઓને મળી.. આજી ડેમની મુલાકાત લીધી.. દરેક સમયે શિશિર એની સાથેજ છે એવો એને અહેસાસ થયો. સંજના અંદરથી ખુબ જ ખુશ હતી..

બે દિવસ પછી ગોવિંદભાઈ એ કહ્યું.

“અમદાવાદ મારા એક મિત્ર છે એમને મેં વાત કરી છે એનાં ધ્યાનમાં એક યુવાન છે. કાલે આપણે અમદાવાદ એ યુવાનને જોવા જઈએ છીએ. મેં બે વાર એ યુવાનને આડકતરી રીતે જોયો છે મને તો છોકરો સારો લાગ્યો છે પણ તને પસંદ પડે તો હવે તારા હાથ પીળાં કરી દેવા છે.”

“ઓકે પાપા કાલે આપણે જઈશું” હિચકિચાટ વિના સંજના એ કહ્યું અને પાછા બાપ દીકરી બીજી વાતોમાં વળગી ગયાં.. બીજે દિવસે સવારે તેઓ વહેલાસર અમદાવાદ જવા નીકળી ગયાં.. બપોર સુધીમાં તો તેઓ બાપુનગર પહોંચી ગયાં.. બાપ દીકરીનું ઉષ્માભેર સ્વાગત કર્યું.. સંજના પહેલી જ વાર અહિયાં આવી હતી.

“એ લોકો કલાક સુધીમાં આવી જશે “ પાપાના મિત્ર બોલ્યાં. સંજના ઘરના સભ્યો સાથે અંદરના રૂમમાં ગઈ.થોડી વાર પછી એ લોકો આવી ગયાં . ગોવિંદભાઈ બધાને મળ્યાં. અને પછી અંદરથી સંજનાએ ને કહેવામાં આવ્યું કે તું ચા લઈને જા મહેમાનોને અને મુરતિયાને પણ જોઈ લે પછી તમે લોકો વાત પણ કરી લેજો. સંજના ચા  લઈને આવી. મુરતિયો જોયો અને એની આંખો આશ્રયથી પહોળી થઇ ગઈ.. હાથ ધ્રુજ્યો અને ગોવિંદભાઈ તરત જ ઉભા થયાં નહીતર સંજના ના હાથમાંથી ચાની ટ્રે પડી જાત ગોવીદભાઈ બોલ્યાં.

“ આવ બેટી હું તને મારી પસંદની ઓળખ કરાવું.. આ છે  વિશાલભાઈ પટેલ આ તેમનાં પત્ની હંસાબેન અને આ તેમનો પુત્ર શિશિર પટેલ!!!” સંજના હજુ સુધી માની જ શક્તિ નથી કે આ સત્ય છે કે ભ્રમ!! અને ગોવિંદભાઈ બોલ્યાં..

“બેટા હવે હું રહસ્ય ખોલું જ છું. તું મુંબઈ ગયાં પછી મેં મારી રીતે તારી પાછળ તપાસ કરાવી. ખાનગી રીતે તારા હોસ્ટેલના રેકટર શાંતા બાઈ મને બધી જ માહિતી પૂરી પાડતા. અને એણે મને શિશિર બાબતે પણ વાત કરી. હું મુંબઈ આવીને શિશિરને બે વખત જોઈ ગયો એને ખબર પણ ના પડે એમ જ !! કારણ કે તું શાન્તાબાઈને બધીજ વાત કરતી હતીને..મને છોકરો યોગ્ય લાગ્યો. વડોદરા એમનું બેક ગ્રાઉન્ડ જાણ્યું અને હજુ બે મહિના પહેલાં જ હું વિશાલભાઈ અને હંસાબેનને મળ્યો. એમને બધી વાત સમજાવી એ રાજી થયાં પણ મેં તેમને વચનમાં લીધા કે મારે મારી છોકરી શું કરે એ મારે  જોવું છે.. એ મારા પર ગઈ છે કે એની મમ્મી પર એ ચેક કરવું છે. તમે લોકોએ કદાચ જાતે લગ્ન કરી લીધા હોત ને તોય અમને તો વાંધો હતો જ નહિ.

અમે તો તમારી વિગતો જાણીને આનદ પામતા  હતાં. પણ મને ગર્વ છે બેટા કે તે તારા અરમાનોની કુરબાની આપવાંની તૈયારી બતાવી પણ મને આપેલ વચનને તું વળગી રહી.. અને આ શિશિર તો બેટા તારી કરતાં સવાયો નીકળ્યો. એનાં પાપા એ કાલે રાતે જ એને ઘણું બધું પૂછ્યું કે કોઈ સારી છોકરી હોય તને ગમતી હોય તો શરમાતો નહિ આપણે એનાં મમ્મી પાપા પાસે જઈએ.. તારી કોઈ પસંદ હોય તો કઈ દેજે પણ એ કશું જ ના બોલ્યો પછી મોડેથી અમે બેય વેવાઈ ઓ એ વાત કરી અને કીધું કે હવે મોડું નથી કરવું.. એટલે સગપણ નક્કી કરવા જ આપણે આવ્યાં છીએ ને.. તારી જેમ આ શિશિરને પણ છેક સુધી ખબર જ નહોતી કે કઈ છોકરીને જોવા જવાનું છે.. ખરેખર તમારો બેયનો સ્નેહ અદ્ભુત છે અને આવો પ્રેમ હોય એક બીજાને તો જ પ્રેમ લગ્ન કરાય બાકી મારી જેવી ભૂલ બીજાએ ના કરાય!!! મને તમારા બને પર ગર્વ છે કે તમે તમારી મર્યાદાને ઓળંગી નથી…

બધાનાં ચહેરા ખીલી ઉઠ્યા.. શિશિર અને સંજના બધાને મળ્યાં પગે લાગ્યાં.. હરખના આંસુ હતાં.. જીવનમાં ક્યારેય ના થઇ હોય એટલી ખુશી થઇ સંજના અને શિશિરને .. બધાં ત્યાં રોકાયા… સાંજે સંજના અને શિશિર કાંકરિયા ફરવા ગયાં..કાંકરિયાના એક વિશાળ બાંકડા પર બને એકબીજાને સહારે બેઠા હતાં! અચાનક જ શિશિર કહ્યું “હું દસ મીનીટમાં આવું “ અને એ જતો રહ્યો દસ મિનીટ પછી શિશિર આવ્યો. એનાં હાથમાં મહેંદીનો કોન  હતો..

“ તે કહ્યું હતુંને કે જે છોકરી સાથે તારું સગપણ થાય એનાં જમણા હાથે મહેંદી મૂકજે, લાવ તારો જમણો હાથ “ સંજના એને વળગી પડી.. અને એ સાંજે શિશિરે સંજનાને કાંકરિયાની પાળે મહેંદી મૂકી.. જમણા હાથે મહેંદી મૂકી.. ડાબા હાથ પર ની મહેંદી પણ હતી.. સંજનાના બને હાથો મહેન્દીથી શોભતા હતાં.. મોડી રાત સુધી તેઓ બેઠા રહ્યા.. એફ એમ પર “મહેંદી રંગ લાગ્યો” એ ગીત વાગી રહ્યું છે. આજ તેઓ પહેલી વાર રાતના આઠ પછી મળ્યા હતાં.. દુનિયાના ભાગ્યશાળી યુવક અને યુવતી હતાં !!!સંજનાના બને હાથમાં મહેંદી એક પવિત્ર પ્રેમની જેમ શોભી રહી હતી!!!! આખું કાંકરિયાનું વાતાવરણ અહોભાવથી આ જોડાને નીરખી રહ્યું હતું અને આશીર્વાદ આપી રહ્યું હોય એમ લાગતું હતું.!!

માંગ્યા ‘મેહ’ અને વણમાંગ્યા ‘નેહ’ ભાગ્યશાળીને જ મળે છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા

ટીપ્પણી