સાવ ભૂલ ભૂલમાં થઇ ગયેલી કેટલીક મહત્વની શોધ… તમે નહિ જાણતા હોવ….વાંચો આ લેખ…

- Advertisement -

એવું ઘણી વાર બને છે કે આપણે કરવા કંઈક જતા હોઈએ છીએ અને થઈ જાય છે કંઈક અલગ જ. ઘણીવાર આના અણધાર્યા પરિણામો આવે છે. દુનિયામાં ઘણી મહત્વની શોધો એવી છે કે જે ભૂલ ભૂલમાં જ થઈ હોય. એવી કેટલીક મહત્વની શોધખોળો વિશે જાણીએ જે સાવ ભૂલભૂલ માં જ થઈ હોય. ભૂલમાં થઈ ગયેલી આ શોધો આપણાં જીવનમાં આજે ઘણું મહત્વ ધરાવે છે.

 

એક્સ રે

એક્સ રે અત્યારે મેડિકલ સાયન્સમાં એક ખૂબ જ આવશ્યક ચીજ માનવામાં આવે છે. શરીરની અંદર કંઈક ખામી હોય તો એક્સ રે પરથી ડોક્ટર તેની સારવાર માટેના નિર્ણય લેતા હોય છે. અનેક બિમારીઓમાં અને ઓપરેશન્સમાં સારવારનો નિર્ણય એક્સ રે વિના અશક્ય બની જાય છે. પરંતુ શુ તમે એ જાણો છો કે એક્સ રેની શોધ પણ સાવ ભૂલ ભૂલમાં જ થઈ ગઈ હતી? એક્સ રેની શોધ વિખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક વિલહમ રોએન્ટગને કરી હતી. હકીકતમાં તો તે કૈથોડીક રેજ ટ્યુબ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ પ્રયોગ દરમ્યાન લાઈટ ચાલુ હતી ત્યારે તેમણે જોયું કે કવર અપારદર્શી હોવા છતાં તેની નીચે રાખેલો પેપર દેખાઈ રહ્યો હતો. આ જોઈને તે અચંબામાં પડી ગયા અને ત્યાર બાદ,એક્સ રે ની તેમણે શોધ કરી.

માઈક્રોવેવ ઓવન

અત્યારે મોટાભાગના ઘરોમાં રસોડામાં એક આવશ્યક ઉપકરણ થઈ ગયેલા માઇક્રોવેવ ઓવનની શોધ પણ આવી રીતે સાવ અચાનક જ થઈ ગઈ હતી. માઈક્રોવેવ ઓવનની શોધ પર્સી સ્પેન્સરે કરી હતી. એક સમયે તે રડારને લગતું કોઈ રિસર્ચ કરી રહ્યો હતો,ત્યારે આ રિસર્ચને લગતાં થોડા મશીન્સ પણ બનાવ્યા હતા. આવા એક રિસર્ચ દરમ્યાન તેણે પોતાના ખિસ્સામાં એક કેન્ડી રાખેલી હતી,તે અચાનક એકદમ પીગળવા લાગતા તેને આશ્ચર્ય થયું હતું.આથી તેણે આ મશીનમાં પોપકોર્ન નાખી તો તે પણ મશીનની અંદર ફૂટવા લાગી. તેને આ વાતમાં રસ પડતા વધુ પ્રયોગો અને સુધારા વધારા કર્યા અને આવી રીતે માઇક્રોવેવ ઓવનની શોધ થઈ.

પેસમેકર

પેસમેકરની શોધ પણ સાવ અચાનક અને ભૂલ ભૂલમાં જ થઈ ગઈ હતી. ઇલેક્ટ્રિક એન્જીનીયર હોન હોપ્સ રેડિયો ફ્રિકવન્સીની મદદથી શરીરના ટેમ્પરેચરને રિસ્ટોર કરવાના પ્રોજેકટને લગતો એક પ્રયોગ કરી રહ્યો હતો. આ પ્રયોગ દરમ્યાન તેના ધ્યાનમાં આવ્યું કે ઠંડીના કારણે હૃદય ધડકવાનું બંધ કરી દે તો કૃત્રિમ વાતાવરણ પેદા કરીને તેને ફરી ધડકતું કરી શકાય છે. આમ,કોઈ અન્ય વિષયને લગતાં પ્રયોગ કરતા કરતા પેસમેકર જેવી ખૂબ મહત્વની શોધ થઈ હતી.

પેનિસિલિન

પેનિસિલિન એ મેડિકલ સાયન્સમાં એક ઘણી મહત્વની અને માનવજાત માટે ઉપકારક શોધ માનવામાં આવે છે. તેની શોધ પણ સાવ અકસ્માતે જ થઈ ગઈ હતી. બન્યું હતું એવું કે જાણીતા વૈજ્ઞાનિક એલેકઝેન્ડર ફ્લેમિંગ શરીરમાં કોઈ ઇજાના કારણે થતા ઘા રૂઝાઈ જાય તે માટે કોઈ અસરકારક દવા મળી જાય તે માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા. પરંતુ તેમને કોઈ સફળતા મળતી નહોતી. આથી તેમણે એકવાર કંટાળીને આ પ્રયોગમાં વપરાતી વસ્તુઓ બારીમાંથી બહાર ફેંકી દીધી. થોડા દિવસો પછી આ વસ્તુઓ જ્યાં ફેંકી હતી તે જગ્યાએ તેમનું ધ્યાન જતા તેમને ખ્યાલ આવ્યો કે આ જગ્યા અને તેની આસપાસમાંથી બેક્ટેરિયા સાવ સમાપ્ત થઈ ગયા હતા. આ બાબતે તેમણે વધુ સંશોધન કરીને પેનિસિલિનની શોધ કરી.

કોકા કોલા

એક ફાર્માસિસ્ટ માથાના દુખાવા માટેની દવા બનાવવા પ્રયોગો કરી રહ્યો હતો.આ માટે તેણે કોલા નટ અને કોલાના પાંદડાઓનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયોગ દરમ્યાન,તેણે ભૂલથી આ બંનેને કાર્બોનેટ વોટર સાથે મિક્સ કરી દીધા. આ મિશ્રણનો સ્વાદ એકદમ અલગ અને મજેદાર લાગતા તેણે પોતાના ઉપરીઓને આ અંગે વાત કરી, આ બધાના પરિણામે કોકા કોલાનો જન્મ થયો. આ પીણામાં કોલાનો ઉપયોગ થતો હોવાથી તેનું નામ કોકા કોલા પડી ગયું.

પોટેટો ચિપ્સ

1853ની સાલમાં જ્યોર્જ ક્રમ નામનો એક શેફ પોતાના ગ્રાહક માટે ફ્રેન્ચ ફ્રાય બનાવી રહ્યો હતો. ગ્રાહકની ફરમાઈશ થોડી અલગ પ્રકારની એકદમ પાતળી અને કુરકુરી ફ્રાય માટેની હોવાથી તે પ્રમાણે કંઈક અલગ બનાવવા જતા સાવ અકસ્માતે પોટેટો ચિપ્સ બની ગઈ હતી. ત્યારથી પોટેટો ચિપ્સ જાણીતી થઈ.

ટેફલોન

નોનસ્ટિક કૂકવેર,સ્પોર્ટ્સ ઈકવિપમેન્ટ્સ અને પેઇન્ટ્સમાં ટેફલોનનો ઉપયોગ કરવામાં આવે છે. ટેફલોનની શોધ વૈજ્ઞાનિક રોય પ્લનકેટ દ્વારા સાવ ભૂલ ભૂલમાં થઈ ગઈ હતી. હકીકતમાં વિજ્ઞાનિક રોય રેફ્રિજરેન્ટના કોઈ સારા વિકલ્પ માટે શોધ કરી રહ્યા હતા. આ માટે પ્રયોગ માટે તેમણે થોડા સેમ્પલ્સ એક ટાઈટ બોક્સમાં રાખ્યા હતા. થોડા દિવસો બાદ તેમણે જોયું કે બોક્સમાં રહેલ ગેસ ગાયબ થઈ ગયો હતો અને તેની જગ્યાએ રેઝીનના થોડા અવશેષો બચેલા હતા. આ અવશેષોમાં હિટ અને કેમિકલ્સ પ્રતિરોધક ક્ષમતા હતી. આ રીતે ટેફલોનનો આવિષ્કાર થયો.

વિયાગ્રા

દવાઓનું ઉત્પાદન કરતી જાણીતી કંપની ફાઇઝર દ્વારા પેઈનકિલર તરીકે યુકે92480 નામની એક દવા બનાવી હતી. આ દવા દર્દથી રાહત આપવામા તો સફળ ન રહી, પરંતુ તેના પ્રારંભિક ટેસ્ટિંગ દરમ્યાન તેની અન્ય એક લાક્ષણિકતા જાણવા મળી. આ દવાને પછી વિયાગ્રા નામથી માર્કેટમાં મુકવામાં આવી અને તેણે દુનિયાભરમાં હલચલ મચાવી દીધી અને કંપનીની તિજોરીઓ છલકાવી દીધી.

લેખક : તુષાર રાજા

તમારા મિત્રોને પણ જણાવો આ માહિતી, શેર કરો લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી