મહારાની રાજમા અને શાહી જીરા રાઈસ – લાઈફ માં ક્યારેય નહિ ખાધું હોય આ કોમ્બીનેશન !!

- Advertisement -

રાજમાની ઘણી બધી વાનગીઓ આપે ખાધી હશે પરંતુ, આ વાનગી કંઈક અલગ જ છે. ડ્રાયફ્રૂટ્સ અને પનીર સાથે બનાવેલી બંને મસાલેદાર વાનગીઓ સ્વાદમાં પણ લહેજતદાર છે… અને આપના કુટુંબીજનોના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક પણ છે… તો ચાલો ફટાફટ શીખી લો કેવી રીતે બનાવશો આ વાનગી…

વ્યક્તિ : ૪
સમય : ૪૫ મિનિટ

સામગ્રી :

૧/૨ કપ રાજમા
૧/૪ કપ પનીર
૧ નંગ મોટા કદની ડુંગળી
૩ ટી.સ્પૂ. લસણની પેસ્ટ
૨ ટી.સ્પૂ. આદુંની પેસ્ટ
૧ નંગ મોટી ઇલાયચી
૫ નંગ લવિંગ
૨ નંગ આખા સૂકા લાલ મરચાં
૧ નંગ તેજપત્તા
૧ ઈંચ તજનો ટુકડો
૨ ટે.સ્પૂ. લીલા ધાણા
૫ ટે.સ્પૂ. તેલ / ઘી (વઘાર માટે)
૨-૩ ટે.સ્પૂ. ક્રીમ
૧/૮ ટી.સ્પૂ. ખાવાનો સોડા
મીઠું સ્વાદ અનુસાર

વાટવાનો મસાલો :

૩ નંગ મધ્યમ કદનાં ટામેટાં
૧ નંગ લીલું મરચું
૫ નંગ કાજુ
૨ નંગ બદામ
૧/૪ ટી.સ્પૂ. ખસખસ
૧ ટી.સ્પૂ. મગજતરીના બીજ
૧/૪ કપ મોળું દહીં
૨ ટે.સ્પૂ. કાશ્મીરી લાલ મરચું
૧ ટે.સ્પૂ. ધાણાજીરું
૧ ટી.સ્પૂ. હળદર
૧/૪ ટી.સ્પૂ. કસૂરી મેથી
૨ ટી.સ્પૂ. પંજાબી ગરમ મસાલો

રીત :

૧) સૌ પ્રથમ રાજમાને હૂંફાળા પાણીમાં ચપટી સોડા ઉમેરીને ૧૦-૧૨ કલાક પલાળી રાખો. ત્યારબાદ રાજમાને પાણી નિતારીને ધોઈને એક વાસણમાં લઈ રાજમા ડૂબે તેનાથી ૨ ઇંચ જેટલું ઉપર પાણી ઉમેરો. તેમાં મીઠું અને ચપટી ખાવાનો સોડા નાખીને કૂકરમાં ૫-૬ સીટી થાય ત્યાં સુધી રાજમાને બાફી લો.

૨) ડુંગળીને ઝીણી સમારી લો અને આદું અને લસણની પેસ્ટ બનાવી લો. લીલા ધાણાને ઝીણા સમારી લો. પનીરને ઝીણા ટુકડામાં કાપી લો. કાજુ-બદામ-ખસખસ-મગજતરી ને હૂંફાળા ગરમ પાણીમાં પલાળી દો. રાજમા બફાઇને ઠંડા પડે ત્યાં સુધીમાં વાટવાનો મસાલો ભેગો કરીને મિક્સરમાં ઝીણું વાટી લો. જરૂર લાગે તો ૨-૩ ટે.સ્પૂ. પાણી ઉમેરો.

૪) હવે એક કઢાઈમાં તેલ કે ઘી ગરમ મૂકીને તેમાં મોટી ઈલાયચી, લવીંગ, તેજપત્તા, તજ અને આખાં લાલ મરચાંનો વઘાર કરીને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. મધ્યમ આંચ ઉપર ડુંગળી આછા બદામી રંગની સાંતળી લો પછી તેમાં આદું-લસણની પેસ્ટ અને વાટેલો મસાલો ઉમેરીને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળી લો. મસાલો તળીયે ચોંટે તો વચ્ચે ૧-૧ ટે.સ્પૂ. પાણી ઉમેરો.

૫) તેલ છુટું પડે એટલે શેકેલા મસાલામાં બાફેલા રાજમા, જરૂર મુજબ ૨-૩ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને હલાવી લો. રાજમા ડૂબે તેની ઉપર ૨ ઈંચ જેટલું પાણી ઉમેરવું. ૨-૩ ટે.સ્પૂ. બાફેલા રાજમાને છુંદીને ઉમેરો. તેનાથી ગ્રેવી ઘટ્ટ થશે. સ્વાદ મુજબ મીઠું નાખીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો. ૧૦ મિનિટ બાદ તેમાં પનીરના ટુકડા ઉમેરો અને વધુ ૧૦-૧૫ મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો.

૬) ત્યારબાદ ક્રીમ ઉમેરીને હલાવી લો અને ગેસ બંધ કરી દો. તૈયાર છે મહારાની રાજમા… તેને લીલાં ધાણા અને બદામની કતરણ વડે સજાવીને રોટી, પરોઠા, નાન, કુલચા, જીરા રાઈસ કે પુલાવ સાથે પીરસો.

શાહી જીરા રાઈસ

વ્યક્તિ : ૪
સમય : ૩૦ મિનિટ

સામગ્રી :

૧ કપ બાસમતી ચોખા
૨ ટે.સ્પૂ. શાહી જીરું
૧૦ નંગ કાજુ
૧૦ નંગ બદામ
૧૦ નંગ સુકી દ્રાક્ષ
૫ નંગ મરી
૫ નંગ લવિંગ
૧ નંગ તજનો ટુકડો
૨ નંગ તેજપત્તા
૧ ટી.સ્પૂ. પુલાવનો મસાલો (ઓપ્શનલ)
૩-૪ ટે.સ્પૂ. ઘી/બટર
૧ ટી.સ્પૂ. ખાંડ
મીઠું સ્વાદનુસાર

રીત :

૧) ચોખાને ધોઈને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. પલળી જાય એટલે એક મોટી તપેલીમાં પાણી ઉકળવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં થોડું ઘી, મીઠું અને ૫-૬ ટીપાં લીંબુનો રસ (ઑપ્શનલ) ઉમેરીને ચોખા ઉમેરો. ચોખાને મધ્યમ આંચ પર ઉકળતા પાણીમાં બાફીને છુટો ભાત બનાવી લો. ચોખાને બહુ વધારે બાફવાના નથી, માત્ર બરાબર ચઢી જાવા જોઈએ. ભાત તૈયાર થઈ જાય એટલે એક ચારણી મૂકીને તેમાંથી વધારાનું પાણી નિતારી લો અને ભાતને ઠંડો થવા દો.

૨) એક કઢાઈમાં ઘી કે બટર ગરમ કરો. તેમાં કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરીને તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. સાંતળીને ડ્રાયફ્રૂટ્સને બાજુ પર કાઢી લો.

૩) હવે તે ઘીમાં તેજપત્તા, લવિંગ, તજ, મરી અને જીરું ઉમેરીને વઘાર કરો. તેમાં છુટ્ટો રાંધેલો ભાત ઉમેરો. ઉપરથી થોડુંક મીઠું અને ખાંડ તેમજ પુલાવનો મસાલો નાખીને બરાબર હલાવો. કઢાઈને ઢાંકી દો અને ૧-૨ મિનિટ ધીમા તાપે ગરમ થવા દો. તેમાં તળેલા કાજુ, બદામ અને દ્રાક્ષ ઉમેરીને હલાવીને ગેસ પરથી ઉતારી લો.

૪) તૈયાર છે શાહી જીરા રાઈસ… ડ્રાયફ્રુટથી સજાવીને પીરસો… ગરમાગરમ મહારાની રાજમા સાથે શાહી જીરા રાઈસની મજા માણો…

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો

ટીપ્પણી