મહાનગરની માયાજાળ – આયુષી સેલાણી

“અરે જલ્દીથી ચાલો ને..!! મારે મોડું થાય છે..”

અદિતિ વારંવાર બધા પરિવારજનોને કહી રહી હતી. પણ એમ કંઈ થોડા તે બધા ભગવાનમાં થી ઝટ ઊંચા આવવાના હતા. રેશ્મા દાદી, મનુ દાદા, અદિતિના મમી સાવિત્રીબહેન, તેના પિતા કમલેશભાઈ અને તેના ફઈ કૌશલ્યાબહેન.. બધાને આજે એક પ્રસંગમા આવવાનું હોઈ તે ગાડીમાં લઇ આવી હતી પરંતુ અડધી કલાક થવા છતાંય કોઈ બહાર નહોતું નીકળતું તેથી તે અકળાઈ ઉઠી હતી. પોતાના ચોવીસ ક્લાકમાંથી તે અડધી કલાક પણ પરિવારને આપી નહોતી શકતી.

વારંવાર બોલાવા છતાંય જયારે કોઈ ગાડી આસપાસ ડોકાયું નહિ ત્યારે એ અંતે કંટાળીને કારમાં જઈને બેસી ગઈ અને પોતાના મોબાઈલમાં મેસેજીસ ચેક કરવા લાગી.

અદિતિ એક સુપ્રખ્યાત મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર તરીકે કાર્ય કરતી હતી. ચોવીસ વરસની ઉંમરે તે મહિનાના બે લાખ રૂપિયાની કમાણી કરતી હતી. બહુ નાના એવા ગામ સુખરામપુરથી મુંબઈ જેવા મોટા શહેરમાં ભણવા આવી હતી અને અભ્યાસ બાદ તુરંત જ તેને સારી જગ્યા એ નોકરી પણ મળી ગઈ હતી. નોકરી મળ્યા બાદ પોતાના માતા પિતા ને દાદા દાદી અને વિધવા ફઈબાને તેણે મુંબઈમાં રહેવા બોલાવી લીધા હતા. તે નાના ગામના સંસ્કારો થકી તેનામાં લાગણીની જે સરવાણી હતી તેના પ્રતાપે બે ચાર મહિના બાદ તેણે આ નિર્ણય કર્યો હતો.

એક દિવસ જયારે તે ઓફિસે જઈ રહી હતી ત્યારે તેના મમીએ તેને ટોકી હતી,

“અમને સમય તો આપતી નથી આખો દિવસ ઘરની બહાર રહે છે તો અમને અમારી શાંતિ વાળી જિંદગીમાં થી અહીં અશાંતિ ને ઘોંઘાટમાં રહેવા બોલાવ્યા।.!? જો અમારા માટે તને અઠવાડિયામાં એક કલાકનો પણ સમય ના મળે તો આ તારા બે લાખ રૂપિયા નકામા.. આ કરતા તો આપણે ત્યાં રહ્યા હોત તો ભલે તું 2 લાખ નહિ ને 2 હજાર કમાતી હોત, પરંતુ અમને તારો આ “મહામૂલો” સમય તો મળી શકત.”

અદિતિને આજે અચાનક તેની માઁ ની આ વાત સાંભળ્યા પછી એ જુના દિવસો યાદ આવી ગયા. ત્યારે તે બીજા ધોરણમાં ભણતી હતી. ગામની નિશાળમાં તો કઈ ખાસ હતું નહિ તેથી ઘરે આવીને તેના દાદી અને દાદા પાસે થી જ તે “જીવનના પાઠ” શીખતી. રોજ રાતના સુતા પહેલા તેના દાદા તેને વાર્તા સ્વરૂપે આખી રામાયણ અને મહાભારત કહેતા અને દાદી રોજ સવારે તેના માથામાં તેલ નાખતા નાખતા તેને ગાંધીજી, સરદાર, ભગતસિંહ જેવા આઝાદીના લડવૈયાઓની ખુમારી અને વીરતાની વાતો કહેતા. રોજ સવારે પંદર મિનિટ માટેનો તેમનો આ નિત્યક્રમ હતો.

ત્યારબાદ તેની શાળાએ તેને મુકવા માટે તેના દાદી અને મમી સાથે જ આવતા. અચૂક રસ્તામાં આવતા દરેક મંદિરમાં તેઓ જઈને દર્શન કરતા. અદિતિ દર વખતે પૂછતી કે “તમે કેમ આટલા બધા ભગવાનના દર્શન કરો છો..?!” ત્યારે તેના દાદી કહેતા, “બેટા મંદિરમાં જઈને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. મારા જીવનમાં બીજું કશું હોય કે ના હોય પરંતુ મારા દરેક ભગવાનની આરાધના કરવાનો નિત્યક્રમ તો મારો કદી બદલાશે નહિ.” ત્યારે અદિતિ વિચારતી કે પોતે મોટી થશે ને એટલે દાદીમાને ઘરમાં જ બધા ભગવાનની સ્થાપના કરી દેશે કે જેથી તેના મમી અને દાદીને ક્યાંય બહાર ના જવું પડે…!!!

આ રીતે તેનું બાળપણ સંસ્કારો અને વહાલથી સીંચીને તેના માતા-પિતા અને દાદા-દાદી એ શ્રેષ્ઠતમ બનાવ્યું હતું. અત્યારે જયારે તેની માઁ તેના પર ગુસ્સે થઇ ત્યારે તેને આ બધું યાદ આવવા લાગ્યું….

“સોરી મોમ.” બસ આટલું કહીને અદિતિ બહાર નીકળી ગઈ. તેની માઁ એ તેને વિચાર કરતી કરી દીધી હતી. પરંતુ તે તેની માઁ ને કેમ જણાવે કે તેને હવે આ મહાનગરની આદત પડી ચુકી છે. સવાર થી સાંજ સુધી નોકરી કરવી. એમાંય બપોરે લંચ કર્યા બાદ બે-ચાર સિગારેટ ફૂંકવી. ભાઈબંધ-બહેનપણીઓ જોડે સિગારેટના ધુમાડા વડે ગોટા બનવા અને રસ્તા વચ્ચે ઉભા રહીને ખિખિયાટા કરવા.

રાતના હોટેલમાં પોતાના જેવા જ દોસ્તો સાથે જમવા જવું. રોજના હજાર બે હજાર ફક્ત તેમાં ખર્ચી નાખતી. તીખું ને તેલવાળું, દરેક પ્રકારનું માંસાહારી ખાણું ખાવું અને પછી હુક્કા પાર્ટી ને ડાન્સબાર માં જઈને “ચીલ” કરવું. રાતના ત્રણ વાગ્યે ઘરે આવીને પાંચ વાગ્યા સુધી ફેસબુક, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટમાં ચોંટી રહેવું ને સવારે દસ વાગ્યે જાગીને સાડા દસ સુધી તો ઘરની બહાર પણ નીકળી જવું. આ તેનો રોજિંદો ક્રમ બનીને રહી ગયો હતો. આ “હેપનિંગ” જિંદગીમાં તેને કોઈ બીજાની જરૂર ના હતી. લાગણીવેડા કરીને પરિવારજનોને અહીં રહેવા તો બોલાવ્યા હતા પરંતુ હવે આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. અદિતિને થતું હતું કે હવે ઝટ તેઓને કોઈ પણ હિસાબે ગામ ભેગા કરવામાં જ શાણપણ છે.

એમાંય આજે જયારે માઁ એ તેને ફરિયાદ કરી ત્યારે તો તે વધારે ઇરિટેટ થઇ ચુકી હતી. ગાડી ફૂલ સ્પીડમાં ચલાવીને તે ઓફિસ જઈ અચાનક જ આગળનું દ્રશ્ય જોઈ તેને બ્રેક મારવી પડી,

“એક વૃદ્ધ વ્યક્તિ અતિવૃદ્ધ એવા એક પુરુષને હાથ પકડીને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી રહ્યો હતો. તે બન્ને એક એક પગલાં જાણે વિચારી વિચારીને ભરતા હોય તેમ ચાલી રહ્યા હતા. અદિતિ એક તો ગુસ્સામાં હતી ઉપરથી આ ગોકળગાય જેવા પગલાંઓ જોઈ તેને વધારે ગુસ્સો આવ્યો. તે તુરંત જ ગાડી રસ્તાની વચ્ચોવચ રહેવા દઈને ઉતરી અને તે વૃદ્ધ માણસોને ખખડાવતા બોલી,

“રસ્તો તમારા બાપનો છે કે…!! જો મેઈન રસ્તા પર સ્પીડમાં ના ચાલી શકતા હોય તો ગલીમાંથી ચાલોને. અમને બધાને અહીં વાહન ચલાવવા વાળાને કેટલી તકલીફ થાય તે સમજો છો..?!?”

તેની બુમરાણ સાંભળીને થોડો ઓછો વૃદ્ધ વ્યક્તિ બોલ્યો,

“માફ કરજો બહેન. અમારો ઈરાદો કંઈ આ રીતે કોઈને હેરાન કરવાનો ના હોય. આ તો શું આ દાદા ક્યારના આ બસસ્ટોપ પાસે ઉભા હતા અને મારી રિક્ષામાં કોઈ પેસેન્જર નહોતા એટલે તેમને રોડ ક્રોસ કરાવી રહ્યો હતો. તમારા જેવા ગાડીવાળા તો બહુ ઉતાવળમાં હોય એટલે મને થયું કે ગાડીવાળા ગાડી ઉભી તો નહિ જ રાખે તેથી હું જ ધીમે ધીમે એમને લઈને નીકળ્ય. એમને શું સામે જ જવું હતું, દસ ડગલાં વેરે મંદિરે દર્શન કરવા, રોજ તો એમનો દીકરો આવે પણ આજથી દીકરાને નવી નોકરી મળી છે તે બાપાને દર્શન કરવાનું ભૂલી ગયો!!!!! એટલે અમારા જેવા નકામા લોકો આ કામ કરી જરા પુણ્ય કમાઈ લે…!

અદિતિ તેમની વાત સાંભળીને અત્યંત ભોંઠી પડી ગઈ, તેને સુજ્યું નહિ કે શું બોલવું તેથી ઝટ પોતાની ગાડી લઈને ત્યાંથી નીકળી ગઈ..

ગાડી ચલાવતા ચલાવતા અચાનક તેને એક વિચાર આવ્યો જે અમલમાં મુકવાનું તેણે રવિવારે વિચાર્યું…

રવિવાર આવતાવેંત સવાર સવારમાં તેણે દાદા દાદી માઁ પાપા અને ફઈબાને કહ્યું,

“આજે તમને સૌને હું મુંબઈના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવા લઇ જઈશ. સવારે 12 વાગ્યે આપણે નીકળીશુ પછી બપોરનું જમવાનું બહાર સાથે કરીશું અને સાંજ સુધી તમને ફેરવીને હું ઘરે મૂકી જઈશ. દાદીમાનો રોજ મંદિરે દર્શન કરવા જવાનો નિત્યક્રમ જે અહીં આવીને તૂટ્યો છે તેને હું અમુક હદ સુધી જાળવવાનો આ પ્રયાસ કરી રહી છું. આપણે સહુ સાથે રહીએ “પાંચ” કલાક તો તમને પણ આનંદ થશે..!”

સૌ કોઈ અદિતીમાં આવેલું આ પરિવર્તન જોઈ અચંબામાં પડી ગયા. પણ અંતે દીકરી સુધરી છે તે જાણીને રાજી પણ થયા.

હવે તો છેલ્લા અમુક રવિવારથી આ ક્રમ થઇ ગયો હતો સહુનો. અદિતિ પણ જાણે પોતે આખા અઠવાડિયા દરમિયાન કરેલા “પાપ” ને ધોવા ઇચ્છતી હોય તેમ દરેક મંદિરની મૂર્તિ સમક્ષ સ્તુતી કરતી રહેતી. સૌ કોઈ આ જોઈને ખુશ થતા કે કઈ નહિ તો દીકરીમાં ફરી પેલા જેવા સંસ્કાર આવી જશે. પ્રભુ સૌ સારાવાના કરશે..!!

આજે ચોથો રવિવાર હતો.. આદતવશ અદિતિ સૌને મંદિરના પગથિયે ઉતારીને ગાડી પાર્ક કરવા ગઈ. પાર્કિંગમાં જઈને દર વખતની જેમ 2-3 “સિગારેટ” ફૂંકી, ગાડીમાં રહેલી દારૂની બોટલમાંથી એક ઘૂંટડો લીધો અને વોચમેનને ગાળો ભાંડતા ભાંડતા મંદિરમાં પ્રવેશી…..!!!!!!

મંદિરમાં તો પ્રભુની મૂર્તિ પણ પોતાના આ નવા આ”ફેશનેબલ” ભક્તને જોઈને મંદમંદ મુસ્કુરાતી અને જાણે વિચારતી,

“આખા અઠવાડિયાના પાપનું સરવૈયું કાઢવા અહીં આવે છે અને પુણ્યની અપેક્ષા રાખે છે. પાછી અહીં આવીને પણ સુધરતી તો નથી જ. મારી વ્હાલીને મહાનગર બરાબરનું સદી ગયું.

લેખક : આયુષી સેલાણી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી