મહાભારતના મહાયુદ્ધના 18 દિવસોની રસપ્રદ તવારીખ ભાગ – ૧

- Advertisement -

મહાભારત અંગે આપણે અનેક વાતો સાંભળેલી,વાંચેલી અને ટીવી અને ફિલ્મોમાં જોયેલી છે, આમ છતાં હજ્જારો વર્ષો પહેલા રચાયેલા આ મહાગ્રંથનું આકર્ષણ એવું અનોખું છે કે તેના વિશે કાંઈ પણ નવું જાણવું આપણને ગમતું હોય છે. એમ કહેવાય છે કે મહાભારતના ભીષણ યુદ્ધમાં કૌરવ સેનામાંથી એકમાત્ર યુયુત્સુ જીવિત રહ્યો હતો. લવ અને કુશની 50મી પેઢીએ જન્મેલ શલ્ય આ યુદ્ધમાંકૌરવોના પક્ષે લડ્યો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રી કૃષ્ણની ઉંમર હતી 83 વર્ષ. મહાભારતના યુદ્ધ પછી 36 વર્ષો પછી તેમણે દેહત્યાગ કર્યો હતો.એટલે કે શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો ત્યારે તેમની ઉંમર હતી 119 વર્ષ.આમ શ્રીકૃષ્ણ દ્વાપર યુગના અંત સમયે અને કલિયુગના આરંભ સમયે સદેહે વિદ્યમાન હતા. એક માન્યતા અનુસાર કલિયુગ શરૂ થયાને 5112 વર્ષો થયા છે. કલિયુગ શરૂ થયાના 6 મહિના પહેલા માર્ગ શીર્ષ શુક્લ 14ના રોજ મહાભારતના યુદ્ધનો આરંભ થયો હતો,જે 18 દિવસો સુધી ચાલ્યું હતું. આ 18 દિવસના યુદ્ધનો ઘટનાક્રમ ઘણો રસપ્રદ છે.

મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોએ પોતાની સેનાનો પડાવ કુરુક્ષેત્રના પશ્ચિમી વિસ્તારમાં સમંત્ર પંચક તીર્થ પાસે હિરણ્યવતી નદીના તટ પાસે રાખ્યો હતો. કૌરવોએ કુરુક્ષેત્રના પૂર્વી ભાગમાં એક સમતલ મેદાનમાં પોતાનો પડાવ રાખ્યો. બંને પક્ષે હજ્જારો શિબિરોમાં ભોજન,અસ્ત્ર-શસ્ત્ર, યંત્રો,વૈદ્યો અને કારીગરોની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને સેનાઓ વચ્ચે યુદ્ધ માટે 5 યોજન (1 યોજન=8 કિલોમીટર) જગ્યા ખાલી છોડી દેવામાં આવી હતી.

તે સમયના મોટા મોટા રાજ્યો કૌરવોના પક્ષે યુદ્ધ લડવાનું પસંદ કર્યું હતું. આ રાજ્યોમાં ગાંધાર, મદ્ર, સિંધ,ત્રિગર્ત,સૌવિર, પ્રાચ્ય,કામ્બોજ,કલિંગ,સિંહલ,મગધ,સૌરાષ્ટ્ર જેવા અનેક રાજ્યોનો સમાવેશ થાય છે. તે સમયે જેમની મહાન યોદ્ધાઓમાં ગણના થતી હતી તેવા મહારથીઓ પણ કૌરવોની સેના વતી યુદ્ધ લડી રહ્યા હતા.જેમ કે,ભીષ્મ,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,કર્ણ, અશ્વસ્થામા,શલ્ય,જયદ્રથ વિગેરે અનેક મહારથીઓ દુર્યોધન અને તેના 99 ભાઈઓ સહિતના કૌરવોના પક્ષે હતા.

પાંડવોના પક્ષે જે રાજ્યો હતા તેમાં મુખ્ય પાંચાલ, ચેદી, કાશી, કરુષ, મત્સ્ય, કુંતી,સોમક,કેકેય, ચોલ, પાંડય, અગ્નિવેશ વિગેરેનો સમાવેશ થાય છે. પાંડવોના પક્ષે જે યોદ્ધાઓ હતા તેમાં મુખ્યત્વે સાત્યકી, ઉતભૌજા,વિરાટ,દ્રુપદ,શિખંડી,કુંતીભોજ,શેબ્ય, નિલ,તેમજ પાંચ પાંડવો અને અભિમન્યુ,ઘટોત્કચ સહિત તેમના સંતાનોનો સમાવેશ થાય છે.

બંને પક્ષોના માન્ય વડીલ પિતામહ ભીષ્મની સલાહ અનુસાર બંને પક્ષોના આગેવાનોએ મળીને યુદ્ધ માટેના કેટલાક નિયમો નક્કી કર્યા.આ નિયમો પણ ઘણા રસપ્રદ હતા. જેમ કે, દરરોજ યુદ્ધ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લડવામાં આવશે,સૂર્યાસ્ત પછી યુદ્ધ નહિ લડી શકાય.રથવાળા યોદ્ધાઓ રથવાળા યોદ્ધા સાથે જ,હાથીવાળા હાથીવાળા સાથે અને પાયદળ ફક્ત પાયદળ સાથે જ યુદ્ધ કરશે.એક વ્યક્તિ સાથે ફક્ત એક વ્યક્તિ જ યુદ્ધ કરશે. નાસી રહેલા કે શરણમાં આવેલા લોકો પર પ્રહાર કરવામાં નહિ આવે. યુદ્ધ દરમ્યાન કોઈ યુદ્ધો નિશસ્ત્ર થઈ જાય તો તેના પર હુમલો કરવામાં નહીં આવે.ઉપરાંત,યુદ્ધમાં અલગ અલગ અન્ય સેવાઓ બજાવી રહેલા લોકો પર હુમલો નહીં કરી શકાય. એવાં ખાસ નિયમો આ યુદ્ધ માટે બનાવવામાં આવ્યા હતા.

પ્રથમ દિવસનું યુદ્ધ

યુદ્ધના પહેલા દિવસે શ્રી કૃષ્ણ અને અર્જુન યુદ્ધભૂમિની મધ્યમાં પોતાના રથ સાથે ઉભા હતા અને શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા. આ સમયે ભીષ્મ પિતાએ એવી જાહેરાત કરી કે થોડા સમયમાં જ યુદ્ધ શરૂ થઈ રહ્યું છે, આ અગાઉ કોઈ પણ યોદ્ધાઓ પોતાનો પક્ષ બદલવા ઇચ્છતા હોય તે બદલી શકે છે. ત્યાર બાદ શ્રી કૃષ્ણના ઉપદેશથી સંતુષ્ટ થયેલા અર્જુને શંખનાદ કરીને યુદ્ધની ઘોષણા કરી.

યુદ્ધના આ પ્રથમ દિવસે 10 હજાર સૈનિકોના મૃત્યુ થયાં. શરૂઆતના આ દિવસે ભીમ અને અભિમન્યુએ દુશ્મન સેનામાં હાહાકાર ફેલાવી દીધો હતો. ભીમે દુશાસન પર આક્રમણ કર્યું. જયારે અભિમન્યુએ ભીષ્મનું ધનુષ્ય અને તેમનાં રથનો ધ્વજદંડ તોડી નાખ્યા.આમ છતાં આ પ્રથમ દિવસે પાંડવોને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું હતું, કારણ કે પાંડવોના પક્ષના બે મહારથીઓ વિરાટ નરેશના પુત્ર ઉત્તર અને શ્વેત મૃત્યુને ભેટ્યા. ઉત્તરને શલ્યએ અને શ્વેતને ભીષ્મએ માર્યા હતા

યુદ્ધનો બીજો દિવસ

પહેલા દિવસના યુધ્ધના થોડા વિપરીત પરિણામો મળ્યા હોવાના કારણે બીજાં દિવસના યુધ્ધ પહેલા શ્રીકૃષ્ણે પાંડવો સાથે મસલત કરીને નવી વ્યૂહરચના નક્કી કરી હતી. તે મુજબ, અર્જુન ભીષ્મ સાથે યુધ્ધ કરવા ગયો, જયારે દ્રોણ સાથે યુધ્ધ કરવાં ધૃષ્ટધુમ્ન ગયો. સાત્યકિએ ભીષ્મના સારથિને ઘાયલ કરી દીધો. આ યુધ્ધ દરમ્યાન ભીષ્મ દ્વારા એકધારા બાણોની વર્ષા થતા તેના કારણે અર્જુન અને શ્રીકૃષ્ણ બંનેને ઈજાઓ થઇ હતી. બીજી બાજુ, દ્રોણાચાર્યએ પણ ધૃષ્ટધુમ્નને ઘાયલ કરી દીધો અને તેના અનેક ધનુષ્ય તોડી નાખ્યા. આ જ દિવસે ભીમનું કલીન્ગો અને નિશાદો સાથે યુધ્ધ થયું, જેમાં ભીમે ભયંકર તબાહી મચાવીને અનેક સૈનિકોનો સંહાર કર્યો. ઉપરાંત, કૌરવો તરફથી લડી રહેલા કલિંગરાજ ભાનુમન,કેતુમાન,અન્ય અન્ય અનેક યોધ્ધાઓ માર્યા ગયા.

ત્રીજો દિવસ:

યુધ્ધના ત્રીજા દિવસે બંને સૈન્યોએ વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરી નાખ્યો. જેમાં કૌરવોએ ગરુડ જેવી અને પાંડવોએ અર્ધચંદ્રાકાર જેવી વ્યૂહરચના કરી. કૌરવો તરફથી દુર્યોધન અને પાંડવો તરફથી ભીમ અને અર્જુન સૈન્યનું નેતૃત્વ કરી રહ્યા હતાં. આ દિવસે ભીમે ઘટોત્કચની મદદથી દુર્યોધનની સેનાને ત્યાંથી ખદેડી મૂકી. આ જોઇને ભીષ્મ એકદમ ગુસ્સે થઇ ગયા અને પાંડવોની સેનાનો સંહાર કરવાનું શરુ કરી દીધું. આ દરમ્યાન, શ્રીકૃષ્ણ અર્જુનને ભીષ્મનો વધ કરવા આજ્ઞા કરે છે, પરંતુ ભીષ્મ પ્રત્યેના આદરના કારણે અર્જુન પોતાની તમામ શક્તિઓનો પૂરો ઉપયોગ નહોતો કરી શકતો. આથી શ્રીકૃષ્ણ ગુસ્સે થઈને પોતે આ યુધ્ધમાં હથિયાર નહિ ઉઠાવવાની પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં શસ્ત્રો ઉઠાવીને પોતે ભીષ્મનો વધ કરવા તૈયાર થઇ જાય છે,. આથી અર્જુન તેમને શાંત પાડે છે અને પોતે જુસ્સાથી લડવાનું વચન આપે છે. ત્યાર બાદ અર્જુન દ્વારા કૌરવસેનાનો ભયંકર સંહાર કરવામાં આવે છે. ભીમના બાણોથી દુર્યોધન મૂર્છિત થઇ જાય છે અને તેનો સારથી તેને બહાર લઇ જાય છે.

-તુષાર રાજા
[email protected]
(ગુજરાત ગાર્ડિયન- તારીખ: 04-10-2017)

ટીપ્પણી