મગના પાવભાજી ઢોસા – બનાવો આ નવીન વેરાયટી એકદમ ન્યુ છે ને ટેસ્ટી પણ છે ..

મગના પાવભાજી ઢોસા

આપણે સૌ ને એક નું એક ખાવા કરતા કાંઈક નવું વધારે આકર્ષિત લાગે. એવી જ એક વેરાઈટી છે આ મગ ના પાવભાજી ઢોસા . મગ ની પૌષ્ટીકતા ને પાવભાજી નો સ્વાદ , છે ને all in one ..

આ ઢોસા બનાવા માં ખૂબ જ સરળ છે . ઘર ની હાજર સામગ્રી થી જ આપ ટોપિંગ કરી શકો છો . આ ઢોસા માં આપ છીણેલું પનીર, બારીક સમારેલી કોથમીર ઉમેરી શકો. પાવભાજી ના બદલે જો બીજી કોઈ ફ્લેવર કરવી હોય તો જેમ કે મેક્સીકન , ઇટાલિયન વગેરે તો પણ કરી શકો છો.

સામગ્રી :

1.5 વાડકો મગ,
1/6 વાડકો ચોખા,
2 થી 3 તીખા લીલા મરચા,
1 ચમચી જીરું,
1 મોટો ટુકડો આદુ,
મીઠું,
હિંગ,
બારીક સમારેલી ડુંગળી,
બારીક સમારેલા ટામેટા,
બારીક સમારેલી કોથમીર,
પાવભાજી મસાલો,
ચીઝ,
તેલ,

રીત :

સૌ પ્રથમ મગ અને ચોખા ધોઈ , તાજા પાણી માં 2 થી 3 કલાક માટે પલાળી દો. આપ ચાહો તો પલાળવા માટે હુંફાળું પાણી પણ વાપરી શકો છો.

પલાળ્યા બાદ ફરી તાજા પાણી થી એકાદ વાર ધોઈ લેવા. ચાયળી માં નિતારવા મૂકી દો. વધારા નું બધું પાણી નિતારી લો. મિક્સર માં મગ ચોખા , લીલા મરચા , જીરું ને આદુ ઉમેરી વાટો.

વાટતી વખતે જરૂર મુજબ જ પાણી ઉમેરવું. અને એકદમ ઝીણું વાટવું. બેટર ઢોસા જેવું પાતળું જ રાખવું.

હવે આ બેટર માં 1/4 ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આપ ચાહો તો થોડો મરી નો ભૂકો પણ ઉમેરી શકો છો.

નોન સ્ટિક તવા ને ગરમ કરો. ઢોસો પાતળો કે જાડો જેવો પસંદ હોય તેવો ચમચા થી ગરમ લોઢી પર પાથરો. ગેસ ની આંચ ધીમી કે મધ્યમ રાખવી.

હવે ઢોસા પર બધી બાજુ ડુંગળી, ટામેટા ભભરાવો. પનીર અને કોથમીર પણ ઉમેરી શકો. હવે એના પર પાવભાજી મસાલો છાંટો. મસાલો કેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે ઉમેરવો. લાકડા ના ચમચા થી, હળવા હાથે બધું ઢોસા મા દબાવી દેવું. ચારે બાજુ તેલ રેડો.

કિનારી કડક થાય એટલે ધીરે થી ઉથલાવી, બીજી બાજુ શેકો. ચમચો હળવા હાથે ઢોસા પર દબાવતા જવું. તો ડુંગળી અને ટામેટા પણ સારા ક્રિસ્પી થઈ જશે.

કડક થઇ જાય એટલે પ્લેટ પર લઈ, છીણેલું ચીઝ ઉમેરો.. ગરમ ગરમ પીરસો.. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

 

ટીપ્પણી