મગ દાળની કટલેટ – નાસ્તામાં આપી શકાય એવી આ કટલેટ બનાવવામાં પણ ખુબ સરળ છે, તો ક્યારે બનાવો છો ?

મગ દાળની કટલેટ

ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ કટલેટ , બનાવવા માં પણ ખૂબ જ સરસ છે.. આ કટલેટ નાસ્તા માં કે જમવામાં પીરસી શકાય. મગ ની દાળ સાથે આપ ચાહો એ શાક ઉમેરી શકો. મેં અહીં બતાવેલી રીત માં બટેટા , ડુંગળી ના ઉમેરતા પનીર ઉમેર્યું છે, જે પૌષ્ટિક પણ છે અને ટેસ્ટી પણ.

સામગ્રી :

• 1.4 વાડકો મગ ની દાળ,
• 1 ગાજર,
• 1 નાનું કેપ્સિકમ,
• 2/3 વાડકો પનીર,
• 3 ચમચી રવો,
• 1/2 વાડકો બારીક સમારેલી કોથમીર,
• મીઠું,
• 1 ચમચી આમચૂર પાવડર,
• 2 ચમચી લીલા મરચા અને આદુ ની પેસ્ટ,
• 1/2 ચમચી હળદર,
• 1 ચમચી લાલ મરચું,
• 1 ચમચી શેકેલા જીરા નો ભૂકો,
• 1/2 ચમચી ગરમ મસાલો,
• 3 ચમચી કોર્નફ્લોર,
• 4 થી 5 ચમચી તેલ, શેકવા માટે,

રીત ::

સૌ પ્રથમ મગ દાળ ને ધોઈ , ગરમ પાણી માં 30 મિનિટ માટે પલાળો. જો અગાઉ થી કટલેટ બનાવવા નું નક્કી જ હોય તો સદા પાણી માં 2 થી 3 કલાક પલાળી દો..ત્યારબાદ એક તપેલા માં પાણી ઉકાળી , આ પલાળેલી દાળ ઉમેરો. દાળ બફાઈ જાય ત્યાં સુધી પકાવો. આપ ફોટો માં જોઈ શકશો કે દાળ નો દાણો ફૂટી ગયો છે પણ દાળ mashy નથી. ચાયણી માં કાઢી લો અને પાણી સંપૂર્ણ રીતે નિતારી લો.બાફેલી દાળ ઠરે ત્યાં સુધી માં આપણે બીજા મસાલા અને સામગ્રીઓ તૈયાર કરી લઈએ. ગાજર ને છાલ ઉતારી ઝીણું ખમણી લેવું. કેપ્સિકમ અને કોથમીર ને પણ બારીક સમારી લો. પનીર ને પણ નાના ટુકડા માં કાપી લો.દાળ સંપૂર્ણ ઠર્યા બાદ એમા શાક અને પનીર નીં સાથે બીજા મસાલા પણ ઉમેરીશું . શેકેલા જીરા નો ભૂકો , મીઠું , લાલ મરચું , રવો , ગરમ મસાલો , આદુ મરચા ની પેસ્ટ , હળદર , આમચૂર બધું જ ઉમેરો. તમારા સ્વાદ મુજબ મસાલા ની માત્રા વધારે ઓછી કરવી. પણ કટલેટ માં મસાલો ચડિયાતો જ સરસ લાગશે.હળવા હાથે સરસ મિક્સ કરી લો. મિક્સ કરતી વખતે , પનીર ને પણ મસળી લેવું જેથી ભૂકો થઈ જાય. હાથ માં નાના લુવા લઈ કટલેટ ને શેપ આપો .હવે આ વાળેલી કટલેટ ને કોર્નફ્લોર થી કોટ કરી લો. આપ ચાહો તો કોર્નફ્લોર દાળ સાથે પણ મિક્સ કરી શકો છો. કોર્નફ્લોર ઉમેરવા થી કટલેટ ને સારું એક બાઇન્ડિંગ મળશે.નોન સ્ટિક તવા ને ગરમ કરો. હવે ગરમ તવા પર 2 ચમચી તેલ રેડો. બધી વાળેલી કટલેટ ગોઠવો અને મધ્યમ આંચ પર શેકો. એક સાઈડ કડક થાય એટલે કટલેટ ને ઉથલાવી લો.બંને સાઈડ કડક થાય ત્યાં સુધી શેકો. તૈયાર છે મગ દાળ ની કટલેટ. કોથમીર ની ચટણી કે સોસ સાથે પીરસો. આશા છે પસંદ આવશે.

નોંધ :
• મેં અહીં ઘર નું તાજું પનીર વાપર્યું છે , આપ ચાહો તો બજાર નું તાજું પનીર વાપરી શકો.
• પનીર ના બદલે આપ બાફેલા 2 નાના બટેટા પણ આ રેસિપી માં ઉમેરી શકો.
• બીજા શાક ની સાથે , બારીક સમારેલી ડુંગળી કે બાફેલા મકાઈ ના દાણા પણ ઉમેરી શકો છો.
• મેં અહીં તવા પર શેકી છે , આપ ચાહો તો તળી પણ શકો છો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી