જૈનોના આ પવિત્ર પર્વ પર આજે “માફી” ને લગતી હૃદયસ્પર્શી વાત !!! ચૂકશો નહિ…

ફોનનો મેસેજ ટોન સાંભળીને તમારી તંદ્રા તૂટી સંધ્યા. આજ સવારથી જ મન ખિન્ન હતું તમારું. દર વર્ષની જેમ આજના દિવસે પણ જૂની કડવી યાદો વીંટળાઈ વળેલી, કોઇ ભૂતાવળની જેમ. આ કડવાશનું બીજ રોપાયેલું કેટલાય વર્ષો પહેલાં. પણ તમે સતત એને નફરત અને ગુસ્સાનું ખાતર-પાણી પાઈને ઉછેર્યું હતું કે આજે તો એ વટવૃક્ષ બનીને તમને જ નડ્યા કરતું.

ઘણી વાર મન થયેલું તમને કે બધું ભૂલીને સામેથી એક વાર સુલેહનો પ્રયત્ન કરી જોઉં, પરંતુ દર વખતે તમે ઉછરેલા એ વૃક્ષની અહંકારની વડવાઈની ભીંસ વધતી જ જતી અને તમે ગૂંગળાઇને તરફકડવા છતાં સામેથી એક ડગલું ય ન ભરી શકતાં.

એક નિસાસો નાખીને તમે મેસેજ જોવા મોબાઈલ ઉપાડ્યો.
“મિચ્છામિ દુક્કડમ” કોઇ અજાણ્યા નમ્બર પરથી મેસેજ હતો. સરસ ગલગોટા જેવા હસતાં બાળકના ફોટા સાથેનો એ મેસેજ વાંચીને તમારો ચહેરો ખીલી ઉઠ્યો. આજનો તો દિવસ જ માફી માંગવાનો અને આપવાનો!
સાવ અજાણી વ્યક્તિ પાસેથી માફી માંગવી કેવી સરળ હોઇ શકે એવો એક વિચાર આવી ગયો તમને. એ વિચારે તમારા મનોજગત પર એક વ્યક્તિનો ચહેરો અંકિત કરી દીધો સંધ્યા.

એણે પણ માફી માગી જ હતી ને? ઘણી કાકલૂદી કરેલી, આંખમાં આંસુ સાથે વિનવણી કરેલી તમને, યાદ છે? ત્યારે ફક્ત એક વાર જ નજર નાખીને તમે પીઠ બતાવીને ચાલતાં થયેલા સંધ્યા. તો આટલા વર્ષે, હજી ય એ ચહેરો એવો ને એવો કેમ યાદ છે એ ક્યારેય વિચાર્યું તમે?

આટલાં બધા માણસોની વચ્ચે કોઈ તમને હાંસીપાત્ર બનાવે એ વાત જ તમને અંદરથી હચમચાવી ગયેલી સંધ્યા. મજાક કરવી અને પોતે મજાક બની જવું એ બે બાબતોમાં ફેર હોય છે, બસ આ જ વાત સમજાવવાની કોશિશ કરેલી એણે પણ. તમને પણ એ વાત સમજાયેલી જ, બસ એનો સ્વીકાર કરીને એ વ્યક્તિને માફ નહોતા કરી શકયા તમે. વર્ષો પહેલાંનો એ માફી ન દઈ શક્યાનો અફસોસ તમને સતત કોરી ખાતો સંધ્યા. ‘મિચ્છામી દુક્કડ્મ’ તો દર વર્ષે ફક્ત કહેવા ખાતર કહી દેતાં, બધાની માફી માગી લેતાં અને સામે માફ પણ કરી દેતાં. આટલાં વર્ષે કઈ બાબતે તમને ખોટું લાગેલું, ને શું મજાક કરેલી એ ય ભૂલાય ગયેલું, પણ છતાં મનમાંથી આત્મવંચના નીકળતી જ નહિ.

સતત એ જ મૂંઝવણ મનમાં ઘૂંટાયા કરતી કે સામેથી સોરીનો એક મેસેજ પણ નથી થઇ શકતો તમારાથી. કઈ રીતે થવાનો સંધ્યા? તમે મનને પેલા અહંકારની વડવાઈથી એવું તો મુશ્કેટાટ બાંધી રાખ્યું છે કે એ બંધન ફક્ત તમે જ છોડી શકો એમ છો.

અખિલેશ હમેશા કહેતો, માફી તો ઈશ્વરનું વરદાન છે મનુષ્યને. માફી માગવી સહેલી છે પણ આપવી એટલી જ અઘરી. પણ એક વાર સાચા મનથી કોઈને માફ કરી દઈએ એટલે મન આપોઆપ શાંત નિર્મળ થઇ જાય. તમે સમજતાં હતા આ વાત, માફી સહજ આપી પણ દેતાં, સાચા મનથી. પણ વાત જયારે ખુદને માફ કરવાની આવે ત્યારે મન પાછું પડતું. વર્ષો પહેલાંનું કડવું વર્તન યાદ આવી જતું તમને અને તમે ખુદને જ નફરત કરવા લાગતાં. કડવાશનું બીજ મોટું થયું હતું તમારા જાત પ્રત્યેના ગુસ્સા અને નફરતથી જ.

સાવ નાની એવી વાતને ખેંચીને લાંબી કરવા બદલ તમે પોતાને જ માફ નહોતા કરી શક્યા. એનો સંતાપ કાંટાની જેમ વાગવા લાગતો તમને સંધ્યા. જેમજેમ તમે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરતાં એમએમ એ કાંટાઓ વધુ ને વધુ ઊંડે સુધી ખૂંચતા જતાં. મનનો એક એક ખૂણો લોહીલુહાણ થઇ જતો ને તમે નિરાશામાં વધુ ને વધુ ઊંડા ઉતરતા જતાં.

“સંધ્યા, ક્યારનો તારો મોબાઇલ વાગે છે. ઉપાડતી કેમ નથી?” અખીલેશના અવાજે તમે ચોંક્યા. નંબર જોયા વિના જ તમે ફોન ઉપાડ્યો.
“સંધ્યા….” એ જ અવાજ…
“નૈના? તું?…” આંખ ભરાઈ આવી હતી તમારી સંધ્યા. કેટલાં વર્ષે આવાજ સાંભળ્યો નૈનાનો!
“મને…મને માફ નહિ કરે? હજી ય એટલી જ ગુસ્સે છે મારાથી?” ગળગળા સાદે પૂછ્યું એણે.

“અરે પાગલ. તને તો મેં ક્યારનીય…. તું કેમ છે? ક્યાં છે?”
“તારા ઘરની બહાર જ ઉભી છું.” તમે દોડીને દરવાજો ખોલ્યો સંધ્યા. સતત તપતા રણમાં ચાલ્યા પછી નાની એવી વીરડી મળતાં જે સંતોષ થાય એવી જ રાહતથી તમે નૈનાને ભેટી પડ્યા સંધ્યા.આંખો તો વરસવાનું બંધ જ નહોતી કરતી. વર્ષો પછી આવા મોકળા મને રડ્યા તમે. જે ખભે માથું મૂકીને રડી શકાતું એ ખભો જ તો દૂર જતો રહેલો ને? વાંક પણ તો તમારો જ હતોને સંધ્યા.

વાતચીતના બધા જ દ્વાર બંધ કરીને તમે જ બેસી ગયેલા. કોલેજના એક ફક્શનમાં નૈનાએ કરેલી તમારી મજાક તમે પચાવી જ નહોતા શક્યા. એ પછી તો નૈનાએ કેટલી વાર માફી પણ માગેલી તમારી. એક મહિના પછી એના લગ્ન હતાં. હમેશ માટે એ કેનેડા જઈ રહી હતી, પણ તમે તો એના લગ્નમાં પણ નહોતા ગયા સંધ્યા. મન તો તમને ય ઘણું થયેલું જવાનું પણ ત્યારે તો તમારો અહંકાર જ નડેલો તમને. એ લગ્ન કરીને ગઇ એ પછી ય તમે ઇચ્છવા છતાં એનો સંપર્ક ન કરી શક્યા. અને આજે આટલાં વર્ષે એ પાછી આવી હતી.

“સંધ્યા…”
“આજે કંઈ બ બોલ. બસ મને રડી લેવા દે.” તમે એને બોલતી અટકાવી દીધી સંધ્યા. તમારા મનમાં ઉગેલું પેલું વટવૃક્ષ આજે પરાસ્ત થઇ રહ્યું હતું. ગુસ્સો, નફરત, અહંકાર આ બધાં જ કાંટાઓ એક પછી એક ખરી રહ્યા હતા. આત્મવંચનાની જે બેડીઓ તમે જાતે જ પહેરી રાખી હતી એ બધી જ આપોઆપ ખુલવા લાગી હતી. નૈનાના આવવા માત્રથી તમને એટલી શાતા વળી હતી કે દોસ્તીનું જે વૃક્ષ કરમાઇને રહી ગયું હતું તે ફરી પાછું અંકુરિત થઇને ખીલવા લાગ્યું હતું, ક્યારેય મુરજાઇ ન જાય એ રીતે.
“હવે બંને જણા અંદર આવશો કે ત્યાં જ ગંગા જમુના વહાવે રાખશો?” અખિલેશ બોલ્યો.

“અખિલ, આ નૈના. મારી અંતરંગ સખી. નૈના આ છે અખિલેશ. મારા પતિ.”
“નૈના. તમે આવ્યા એ પહેલાં સંધ્યા મને એના અંતરંગ સખા તરીકે ઓળખાવતી. આજે તમે આવીને મારું એ સ્થાન લઇ લીધું.” અખિલેશ હસીને બોલ્યો.

“નહિ, અખિલેશ. નૈનાનું સ્થાન હમેશાથી મારા દિલમાં હતું જ. બસ, હું જ એને ન ઓળખવાનો ઢોંગ કરતી રહી. નૈના, આજે ખરા દિલથી કહું છું, મિચ્છામી દુક્કડ્મ.” બે હાથ જોડીને તમે નૈના સામે નતમસ્તકે ઉભા રહી ગયા. આજે આટલાં વર્ષે નૈનાના એક સ્પર્શ માત્રથી તમે ખરા મનથી બધાને માફ કરી શકવા સમર્થ થયા હતા સંધ્યા. અને એ બધામાં સૌથી પહેલું નામ આવતું હતું, તમારું પોતાનું.

સંધ્યા, આજે નૈના સાથેનો આ મિલાપ તમને ભલે એક યોગાનુયોગ જ લાગતો હોય, પણ એની પાછળ તમારા મિત્ર-પતિ અખિલેશની મહેનત અને સૂઝ જવાબદાર છે, જેણે નૈનાનો સંપર્ક કરીને તમારી મનસ્થિતિથી એને વાકેફ કરી. અને એટલે જ કેનેડાથી એ ફક્ત તમને મળવા આવી એ ય અખિલેશની સમજાવટ અને આજીજીથી જ. નૈના સાથે તમે ફરી વાર દોસ્તીનું પ્રકરણ ચાલુ કરો ત્યારે અખિલેશ જેવો દોસ્ત મળવા બદલ ઈશ્વરનો આભાર માનવો ન ભૂલશો.

લેખક – શ્રદ્ધા ભટ્ટ

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી