માડીની અદભૂત વાતો

આ માજીની ઉંમર તમને શું લાગે છે ? ઉજીબેન રાદડીયા નામના મારા વતન મોવિયાના આ માજીની ઉંમર 104 વર્ષ છે. 100 વર્ષ વટાવી ચૂક્યા હોય એવા ઘણા લોકોને તમે જોયા હશે પણ આ માજી બીજા બધા કરતા જુદા પડે છે.

104 વર્ષની ઉંમરે બેસી રહેવાને બદલે માજી હજુ પણ બધુ જ કામ કરે છે. માજીના પ્રપૌત્રો કે પ્રપૌત્રીઓ કામ કરવાની ના પાડે પણ કામ વગર બેસી રહે તો એ ઉજીમા ના કહેવાય. માણસને અમૂક ઉમર પછી દેખાવાનું બંધ થઇ જાય પણ ઉજીમા આ ઉમરે પણ સોયમાં જાતે જ દોરો પરોવી લે છે અને એ પણ ચશ્મા પહેર્યા વગર ( માજીને ચશ્મા જ નથી આવ્યા)

ફોટામાં તમે જે ચણીયા ચોળી જુઓ છો એ માજીએ પોતે બનાવેલી છે. દિકરાના દિકરાના દિકરાની વહુ માટે માજી જાતે જ ચણીયાચોળીમાં રંગબેરંગી ભરત ભરે છે. આભલાઓને ભરતની વચ્ચે ગુંથવાની એની કળા અનોખી છે એ તો તમે રુબરુ જુઓ તો જ ખબર પડે.

હું થોડા સમય પહેલા જ્યારે એને રુબરુ મળ્યો ત્યારે મેં એની સાથે ઘણી વાતો કરી. જીવનમાં ઘણું શીખવા પણ મળ્યુ જે તમને શાળા કે કોલેજ ક્યારેય ન શીખવી શકે. મેં જ્યારે પુછ્યુ કે તમે આટલી ઉંમરે પણ આવા તંદુરસ્ત કેમ છો ? એમણે જે વાતો કરી એ આપની સાથે ટુંકમાં શેર કરુ છું.

1. જીવનની તમામ ઘટનાઓનો સ્વીકાર કરતા શીખવું. કેટલાય વર્ષો પહેલા મારી હાજરીમાં જ મારા મોટા દિકરાનું અવસાન થયુ ત્યારે ખુબ દુ:ખ થયેલુ પણ જેવી ભગવાનની મરજી એમ માનીને મેં ઘટનાને સ્વિકારી લીધી. જે આપણા હાથમાં ન હોય અને પ્રયાસ કરવા છતા જે આપણે બદલી શકીએ તેમ ન હોય એ સ્વીકારવામાં જ સુખ છે.

2. નવરા ન બેસવું. સતત કંઇકને કંઇક પ્રવૃતિ કરતા રહેવું. જે માણસ કામ નથી કરતો એ વહેલો વૃધ્ધ થઇ જાય છે અને કામ કરનારો કાયમ યુવાન રહે છે માટે કામ કરતા રહેવું.

3. જમવામાં પણ સંયમ રાખવો. શરીરને જેટલા ખોરાકની જરુર હોય એના કરતા થોડો ઓછો ખોરાક જ આપવો. હું વર્ષોથી આ બાબતનું પાલન કરુ છું.

4. કોઇનું પડાવી લેવાનો વિચાર ન કરવો. તમારે જોઇતું હોય તો મહેનત કરીને મેળવો પણ જો કોઇનું પડાવી લીધુ હશે તો તમે સુખી નહી થાવ.

5. કોઇના માટે તમે કંઇ કર્યુ હોય અને એ માણસ તમે કરેલો ઉપકાર ભૂલી જાય તો દુ:ખ ન લગાડો. જો અપેક્ષા રાખશો તો બીજા માટે કંઇક કર્યાનો આનંદ જતો રહેશે.

માજીને ગામઠી ભાષામાં કહેલી બધી વાતોને મેં મારી રીતે રજુ કરી છે. છે ને માડીની અદભૂત વાતો ?

લેખક – શૈલેષ સગપરીયા (રાજકોટ)

ટીપ્પણી