પોતાની પ્રતિભામાં શ્રદ્ધા હોય તો લોકોની પરવા ન કરવી જોઈએ (લેખકઃ આશુ પટેલ)

- Advertisement -

એક મરાઠી યુવતી અભિનેત્રી બનવા માગતી હતી. અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચાર્યા પછી તેણે ફિલ્મ પ્રોડ્યુસર્સ- ડિરેકટર્સ અને ટીવી પ્રોડ્યુસર્સ- ડિરેકટર્સની ઑફિસીસના ધક્કા ખાવા માંડ્યા, પણ તેને કોઈ તક આપવા તૈયાર નહોતું.
છેવટે એક ફિલ્મ નિર્માણ કંપનીએ તેને એક ઓછા બજેટની ફિલ્મમાં અભિનયની તક આપી. જોકે, એ ફિલ્મ ચાલી નહીં અને તે યુવતીને પણ કોઈ ફાયદો થયો નહીં. તેણે ફરી પ્રોડ્યુસર્સ- ડિરેકટર્સની ઑફિસીસનાં પગથિયાં ઘસવા માંડ્યાં.
એ દિવસો દરમિયાન તેણે ઘણા પ્રોડ્યુસર્સ અને ડિરેકટર્સ પાસેથી એવું સાંભળવું પડ્યું કે તારો ફેસ ફોટોજેનિક નથી, હિરોઈન બનવા માટે આવો ચહેરો ના ચાલે.
તે યુવતી આવી બધી કમેન્ટ્સથી થોડી વાર માટે હતાશા અનુભવતી, પણ તેણે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું છોડ્યું નહીં. તેણે હિંમત હાર્યા વિના પ્રયાસો ચાલુ રાખ્યા.

એ સમય દરમિયાન તે યુવતીને એક પ્રોડ્યુસરે પોતાની ટીવી સિરિયલ માટે સાઈન કરી. એ ટીવી સિરિયલના પ્રોડ્યુસર અનિલ તેજાણીએ તે યુવતીની સામે હીરો તરીકે બેન્જામિન ગિલાનીને સાઈન કર્યો હતો. બેન્જામિન ગિલાનીનું નામ એ સમયમાં ટીવી દર્શકો માટે બહુ જાણીતું હતું.
‘યે હૈ બમ્બઈ મેરી જાન’ નામની એ ટીવી સિરિયલનો પાઈલટ એપિસોડ પણ બની ગયો. એ પાઈલટ એપિસોડ દૂરદર્શનના અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો, પણ ત્યાંથી વાત આગળ વધી નહીં અને એ ટીવી સિરિયલ અભેરાઈએ ચડી ગઈ.
એ ટીવી સિરિયલ અટકી પડી એટલે હિરોઈન બનવા ઈચ્છતી મરાઠી યુવતીએ થોડો સમય હતાશા અનુભવી, પણ તેણે ફરી વાર હતાશા ખંખેરીને અભિનયની તક મેળવવા કોશિશ શરૂ કરી દીધી અને થોડા વર્ષોમાં તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નંબર વન હિરોઈની બની ગઈ.

તે હિરોઈન એટલે માધુરી દીક્ષિત!

યસ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અને ટીવીની દુનિયાના કેટલાય બુડથલ પ્રોડ્યુસર્સ- ડિરેકટર્સને માધુરી દીક્ષિતના ચહેરામાં દમ લાગ્યો નહોતો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં મોસ્ટ અપીલિંગ ફોટોજેનિક ફૅસ તરીકે એક આંગળીના વેઢે ગણાય એટલી અભિનેત્રીઓના નામ લેવા હોય તો પણ જેનું નામ એમાં આવે એવી હિરોઈન માધુરી દીક્ષિતનો ચહેરો ઘણા બેવકૂફ પ્રોડ્યુસર્સ- ડિરેકટર્સને ફોટોજેનિક નહોતો લાગતો, પણ માધુરીને પોતાની જાતમાં, પોતાની પ્રતિભામાં અતૂટ શ્રદ્ધા હતી એટલે તે સફળતા મેળવી શકી.
તમારામાં પ્રતિભા હોય અને પોતાની જાતને સાબિત કરવાનો વિશ્ર્વાસ હોય તો લોકોના સર્ટિફિકેટ્સની ચિંતા ના કરવી જોઈએ.

લેખકઃ આશુ પટેલ.
લેખક કૉકટેલ ઝિંદગી મેગેઝિન માટે લખે એ. આ મેગેઝિન વાંચવા અહીં ક્લિક કરો.

ટીપ્પણી