હાર્ટએટેકના જોખમને પહેલાંથી જ જાણી લેતું 10માં ધોરણના વિદ્યાર્થી દ્વારા વિકસાવવામાં આવેલું અદ્ભુત મશીન

10માં ધોરણના વિદ્યાર્થીની અદ્ભુત શોધ હાર્ટએટેકના જોખમને પહેલાંથી જ જાણી લેતું 10માં ધોરણના વિદ્યાર્થી દ્વારા વિકસાવવામાં આવેલું અદ્ભુત મશીન.

આધુનિકતાની હરિફાઈમાં ઝડપી ગતિએ દોડતા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી કેટલીએ સમસ્યાઓ વધતી જઈ રહી છે. શરીરમાં વધતી જતી કેટલીએ સમસ્યાઓને હંમેશા આપણે અવગણતા હોઈએ છીએ. આપણું શરીર વધતી તકલીફોના સંકેત તો આપણને આપતું જ રહે છે પણ આપણે તેને સમજી નથી શકતા અને ત્યાર પછી સ્થિતિ ગંભીર બની જાય છે. શરીરમાં આવી કેટલીએ સમસ્યાઓ છૂપા પગલે આવે છે જેની જાણ આપણને ખૂબ મોડે થાય છે. આવી જ એક ગંભીર સમસ્યા છે સાઈલેન્ટ હાર્ટ એટેક. હાર્ટ એટેકના મામલામાં 45 ટકા કીસ્સા સાઇલેન્ટ હાર્ટ એટેકના હોય છે. એશિયન હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ, મુંબઈના મેડિકલ અફેયર અને ક્રિટિકલ કેયરના ડાયરેક્ટર ડો. વિજય ડી. સિલ્વાના જણાવ્યા પ્રમાણે ઘણી વાર હાર્ટ ડિસીઝ ન હોવા છતાં પણ સાઇલેન્ટ હાર્ટ એટેક આવે છે. મહિલાઓની સરખામણીએ પુરુષોમાં તેની શક્યતાઓ વધારે હોય છે.

આ સાઇલેન્ટ હાર્ટ એટેકને ઓળખવા માટે એક 15 વર્ષના કીશોરે એક ખુબ જ આશ્ચર્યજનક યંત્ર બનાવ્યું છે. તમિલનાડુના હોસુરના રહેવાસી આકાશ મનોજ, અશોક લેલેન્ડ સ્કૂલના 10માં ધોરણના વિદ્યાર્થીએ એક એવી શોધ કરી છે જેણે વિજ્ઞાન જગતમાં ચકચાર મચાવી દીધી છે. જે ઉંમરમાં બાળકો સાયન્સ ફેન્ટસી, ફિક્શન ફિલ્મોની મજા માણતા હોય છે ત્યારે આકાશનો રસ આંતરરાષ્ટ્રિય સ્તરની ચિકિસ્તા વિજ્ઞાન જર્નલ્સ વાંચવામાં છે કારણ કે તે એક એવું યંત્ર બનાવવા માગતો હતો જેનાથી વિશ્વ માટે પડકાર બનનાર સાઇલેન્ટ હાર્ટ એટેકની ખબરી પડી શકે અને યોગ્ય સમયે દર્દીને યોગ્ય સારવાર મળી શકે. બિઝનેસ મેન પિતા અને કુશળ ગૃહિણી માતાના પુત્ર આકાશ મનોજનો રસ મેડિકલ સાઇન્સ ક્ષેત્રમાં છે. આકાશની આ શોધના કારણે તેને ઇનોવેશન સ્કોલર્સ ઇન-રેસિડેંસ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્પતિ ભવનમાં રહેવાનો મોકો મળ્યો. આ પ્રોગ્રામમાં સંશોધકો, લેખકો, કલાકારોને એક અઠવાડિયાથી વધારે રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાનો મોકો મળે છે.

પેતાની શોધ વિષે આકાશ જણાવે છે કે એક સ્વસ્થ દેખાતો વ્યક્તિ જેમાં હાર્ટ એટેક સાથે જોડાયેલા કોઈ જ લક્ષણ ન દેખાતા હોય છતાં પણ તે સાઇલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. તેવું જ આકાશના દાદા સાથે થયું હતું. ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરના શિકાર આકાશના દાદા સંપૂર્ણરીતે સ્વસ્થ દેખાતા હતા. તેમનામાં હૃદય સંબંધીત કોઈ જ સમસ્યાના લક્ષણ નહોતા. પણ એક દિવસ અચાનક આવેલા હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના બાદ આકાશે હૃદયઘાત સાથે જોડાયેલા તથ્યોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તે પોતાના ઘરેથી એક કલાકનું અંતર કાપી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુની લાઈબ્રેરીમાં અભ્યાસ માટે જતો હતો. તેનું કહેવું છે કે આજ સુધીમાં તેણે જેટલા જર્નલ વાંચ્યા છે તેની કિંમત 1 કરોડથી વધારે હશે, માટે લાઈબ્રેરી જ એક ઉત્તમ વિકલ્પ હતો.

બે વર્ષની અથાગ મહેનત અને લગનના પરિણામના ફળ સ્વરૂપે આ તેમની ઉત્તમ શોધ છે. આકાશની આ ટેકનોલોજી આપણા લોહીમાં હાજર એફ.એ.બી.પી.3ની હાજરી પર આધારિત છે. જેનું પ્રમાણ હૃદય સુધી લોહી અને ઓક્સિજનની પૂર્તિમાં અવરોધ હોવાનો સંકેત આપે છે. આ ટેક્નોલોજી દ્વારા સમયાંતરે એપ.એ.બી.પી.3નું પ્રમાણ તપાસ કરતી રહેવી પડે છે. આ યંત્રની વિશિષ્ટતા એ છે કે શરીરમાં ન તો કોઈ પ્રકારનું પંચર કરવું પડે છે અને ન તો લોહી લેવાની જરૂર પડે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રદર્શનમાં આકાશે ટેક્નિકલ જાણકારી આપતા જણાવ્યું હતું કે એફ.એ.બી.પી.3 આપણા શરીરમાં મળતા સૌથી ઓછા પ્રમાણમાં મળી આવતાં પ્રોટીનમાંનું એક છે. તે રુણાવેશ હોય છે માટે ધનાવેશ તરફ આકર્ષિત થાય છે.

આકાશનું આ મોડેલ તેના આ જ ગુણ પર આધારિત છે. આ યંત્રમાં યુવી (અલ્ટ્રાવાયલેટ) લાઇટ સ્કીનને પાર કરી સેંસરની મદદથી પ્રોટીનની હાજરીની તપાસ કરે છે. આ યંત્રમાં લાગેલા સ્કીન પેચને કાન અથવા કાંડા પર લગાવવામાં આવે છે. તેનાથી હાર્ટ એટેકની શખ્યતાનો જાણ થઈ જાય છે.


આકાશને વિજ્ઞાનમાં ખુબ રસ છે. વર્ષ 2013માં તેણે નાસા સ્પેસ સેટલમેન્ટ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો. આકાશનું આ યંત્ર 6 કલાક પહેલા સાઇલેન્ટ હાર્ટ એટેકની જાણ આપી દે છે. રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ
બાયોટેક્નોલોજીના BIRAC એ આ પ્રોજેક્ટ માટે આકાશને 1 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી છે. 2018 સુધી આ ડિવાઈઝ માત્ર 900 રૂપિયામાં લોકો માટે ઉપલબ્ધ થવાની આશા છે. આકાશ ઇચ્છે છે કે ભારત સરકાર તેને મંજૂરી આપે કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાં જવાથી તેનું આટલું મહત્ત્વ નહીં રહે. તે ટુકં જ સમયમાં આ યંત્રના પેટન્ટ માટે નોંધણી કરાવશે. આકાશ AIIMS માંથી કાર્ડિયોલોજીનો અભ્યાસ કરવા માગે છે.

“આવશ્યકતા જ આવિષ્કારની જનની છે” આવી જરૂરિયાતને અનુભવવાની જરૂર છે. આકાશ મનોજે જ્યારે સાઇલેન્ટ હાર્ટએટેકની ઓળખ કરી, તેને જરૂરિયાત અનુભવાઈ ત્યારે તેને ન તો તેની ઉંમર કે ન તો કોઈ સંશાધનની ખોટ તેના કામમાં અવરોધ લાવી શકી.

આકાશના આ પ્રયત્ન અને તેના ઉજ્વળ ભવિષ્ય માટે તેને ખુબ ખુબ અભિનંદન.

લેખન – સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ નાનકડા બાળકના કાર્યને તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી