માં વગરની દીકરી

સવારનો સમય હતો,લગભગ સાતેક વાગ્યા હશે.શાળાના સૌથી મોટી ઉંમરના અને બધાના માનીતા શિક્ષક એવા “ચન્દ્રકાન્તભાઈ પાટીલ” પોતાના સ્કુટર પર આવ્યાં. આવતા વેત જ એમની નજર ગેઈટ પર બેસેલા ભાઈ અને એની દસ-અગીયાર વર્ષની છોકરી પર પડી. મનમાં થયુ કે આ લોકો ને ક્યાંક જવુ હશે અને થાકીને અહિં બેઠા હશે, સમય થશે એટલે ચાલ્યા જશે. સાહેબે તો પોતાનુ રોજનું કામ શરુ કર્યુ.

આ વાતને ૨ દિવસ થઈ ગયા. ફરી પાછો સવારનો સમય હતો, અને પેલા બન્ને ત્યાંજ બેઠેલા જોવા મળ્યાં. સાહેબે શાળામાં પ્રવેશ કર્યો.પટ્ટાવાળાને કહ્યું કે બહાર બેઠેલા ભાઈને અંદર લઈને આવો.

સાહેબે પુછ્યું, “તમારું નામ શુ છે અને ક્યા રહો છો ?”
ભાઈએ જવાબ આપ્યો,”રમણીકભાઈ નામ છે મારું, અને ક્યાંક રહેવાની તથા કામની સગવડતા થાશે એટલે અહીંથી ચાલ્યો જઈશ.”
સાહેબે છોકરી વિશે પુછ્યું, “સાહેબ આ મારી જ છોકરી છે, અર્ચના નામ છે સાહેબ.”
સાહેબે પત્ની વિશે પુછ્યુ, તો જવાબ મળ્યો “બે વર્ષ પહેલા અવસાન થયું છે”

બીજી વિગતો પણ લિધી.સાહેબને કેમ જાણે આ ભાઈ પર ભરોસો થયો. સાહેબે ચોકીદારની નોકરી કરવા માટેની ઓફર આપી,અને સાથે સાથે રહેવા માટે નાનો એવો રૂમ અને જમવા માટેની પણ વ્યવસ્થા કરી આપી.સહેબે એક શરત મુકી કે એના બદલામાં તારે આ તારી છોકરીને આ પ્રાથમિક શાળામાં ભણવા માટે મુકવી પડશે.ભાઈ શરત સાથે સહમત થયા.

રમણીકભાઈએ થોડાક દિવસોમાં શાળાનો નક્શો બદલી દિધો. ખુબ જ ચોખ્ખાઈ રાખે, જ્યાં પણ જગ્યા મળે ત્યાં વ્રુક્ષ વાવી દેતા. આમને આમ શાળાની શોભા વધતી ગઈ. નિયમીત રુપે પાણીના ટાંકાની સફાઈ કરે, વધી ગયેલા ઝાડવાઓની ડાળો કાપે અને કોઇ પણ સાહેબને કાઇ પણ કામ હોય ખડે પગે મદદ કરે. પોતાનાથી બનતી બધી જ કોશીશ કરે બધાને ખુશ રાખે. અને સાથે સાથે અર્ચના પણ ભણવામાં ખુબ જ હોંશીયાર બની ગઈ.

એકવાર રવિવારનો દિવસ હતો એટલે શાળામાં રજા હતી. રમણીકભાઈ રોજના કામની જેમ રોજ સાંજે જ બધા રૂમની સફાઈ કરતા અને સાહેબને લખવા માટે ચોક પણ મુકી આપતા. લગભગ બધું જ કામ પતી ગયું. મનમા થયું લાવ ને જરા બધા રૂમમાં જોઈ આવુ, બોર્ડ સાફ કરવા માટેનું કપડુ અને લખવા માટે ચોક બરાબર રાખ્યા છે ને..!! એવામાં એ રૂમ નં-૫ માં આવ્યા, જોયુ તો એક પણ ચોક ત્યાં ન હતા. બરાબર વિચાર્યુ, મે તોં અહીં બધુ મુક્યુ હતું, પણ ગયુ ક્યાં ?

અર્ચનાને સાદ પાડ્યો, ”અર્ચના….એ અર્ચના….ક્યાં ગઈ દિકા…??” પણ અર્ચના ક્યાંય પણ ના જોવા મળી. રમણીકભાઈ હવે અગાસીના પગથીયા ચડવા લાગ્યા અને સાથે સાથે બોલતા જતા હતા,”બેટા અર્ચાના…તું અગાસી પર છો બેટા..?” અર્ચનાએ અવાજ સાંભડ્યો અને સામે આવીને બોલી,”હા પાપા, બોલો હુ અહીં જ છું અગાસી પર રમુ છું.

રમણીકભાઈ- “અર્ચના, રૂમનં-૫ મા મેં ચોક રાખ્યા હતા, તે લિધા છે બેટા..?”
અર્ચના- “હા પપ્પા, મે લિધા છે”

આ વાક્ય સાંભડતા જ અર્ચનાને એક લાફો મારી દિધો. રમણીકભાઈ એ એટલે માર્યુ કે તેઓ ન’તા ઇચ્છતા કે મારી દિકરીને કોઇ ખોટી ટેવ પડે. થોડા ગુસ્સામાં હતા એટલે દિકરી કશુ બોલી ના શકી. અને અર્ચના એ માફી માંગી, હવે ક્યારેય આવુ નહીં કરુ એ વાતનુ વચન આપ્યું.રમણીકભાઈએ એકવાર પણ ના પુછ્યું કે બેટા તે ચોક શા માટે ચોર્યા ? દિકરી રડતી રડતી ફરી અગાસી પર જતી રહી.

દસેક મિનીટ પછી રમણીકભાઈને પોતાની ભુલનો અહેસાસ થયો અને અર્ચનાની માફી માંગવા પોતે અગાસી પર જવા ગયા. મનમા હતુ કે અર્ચનાને સમજાવીશ કે આ બેટા આ ખોટો રાસ્તો છે, ચોરી કરવી એ ખરાબ વાત છે. અને અર્ચના મારી વાત જરુર સમજશે.

પણ અગાસી પર જતાવેત જ રમણીકભાઈ જાણે પુતળું હોય એમ એમના પગ જમીન સાથે જકડાઈ ગયા. એમણે જોયુ કે અર્ચનાએ અગાસી પર અર્ચનાએ ચોકથી “માં’નું ચિત્ર દોરેલુ છે અને એ પોતે જાણે માના ખોળામાંથી જ હુંફ મેળવતી હોય ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી, અને સાથે બોલતી હતી, “મમ્મી,હવે ક્યારેય ચોરી નહીં કરું, પપ્પા મારૂં ખુબજ ધ્યાન રાખે છે,તું ચિંતા ના કરીશ. હવે ક્યારેય ચોરી નહીં કરું…”તે” અને પપ્પાએ આપેલા સંસ્કારો મુજબ જ રહીશ.

લેખક : ચિરાગ રાણપરીયા (રાજકોટ)

ટીપ્પણી